ગુજરાત 2002નાં તોફાનો પછી એક પણ મોટાં કોમી રમખાણો નથી થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
રામ નવમીનો દિવસ હોય કે અન્ય કોઈ જાહેર ધાર્મિક ઉત્સવ, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાં આ તહેવારોના સમયમાં રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચેની તંગદિલી અને હિંસક ઘટનાઓ સમાચારોમાં ચમકતી રહે છે.
જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય પૉડકાસ્ટર લેક્સ ફ્રીડમૅન સાથેના એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી કે ગુજરાતમાં 2002 પછી ગુજરાત રાજ્યમાં સંપૂર્ણ શાંતિ છે, અને અહીં કોઈ મોટાં કોમી તોફાનો ત્યારબાદ થયાં નથી.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે 2002નાં તોફાનો પહેલાં પણ ગુજરાતમાં અનેકવાર કોમી રમખાણો થતાં હતાં.
જોકે, નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ્સ બ્યૂરોના આંકડા પ્રમાણે વર્ષ 2014થી 2022 સુધી ગુજરાતમાં કોમી તોફાનોની 302 ઘટનાઓ નોંધાઈ હતી.
વડા પ્રધાન મોદીએ પૉડકાસ્ટમાં લેક્સ ફ્રીડમૅનને શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
માર્ચ 16, 2025ના રોજ યૂટ્યુબ પર પ્રસારિત થયેલા આ લગભગ સવા ત્રણ કલાકના ઇન્ટરવ્યૂ પૉડકાસ્ટમાં લેક્સ ફ્રીડમૅને વડા પ્રધાન મોદીને પૂછ્યું હતું કે તેમણે તેમના જીવનમાં આધુનિક ભારતના ઇતિહાસમાં બનેલી ઘણી મુશ્કેલ ઘટનાઓ જોઈ છે.
એમાંથી 2002 દરમિયાન ગુજરાતમાં થયેલાં કોમી રમખાણો ભારતના આધુનિક ઇતિહાસમાં સૌથી પડકારજનક ઘટનાઓમાંથી એક હતાં, જ્યારે ગુજરાતના હિન્દુ-મુસ્લિમો નાગરિકો વચ્ચે થયેલી હિંસક અથડામણોમાં 1000 લોકોનાં મોત થયાં હતાં. જેને કારણે રાજ્યમાં ધાર્મિક તણાવની તીવ્રતા સપાટી પર આવી ગઈ હતી.
તે સમયે તેઓ (મોદી) ગુજરાતના મુખ્ય મંત્રી હતા. એ ઘટનાને હવે જ્યારે જુએ છે ત્યારે કયા બોધપાઠ તેઓ તારવે છે. અને લેક્સ ફ્રીડમૅને એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે ભારતની સર્વોચ્ચ અદાલતે વર્ષ 2012 અને 2022 એમ બે વખત સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો કે 2002ના ગુજરાતનાં રમખાણોની હિંસામાં તેમની કોઈ પણ ભૂમિકા નહોતી.
આ સવાલના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લેક્સ ફ્રીડમૅનને જણાવ્યું હતું કે તેઓ 2002નાં રમખાણો થયાં તે અગાઉના 12થી 15 મહિનાની સ્થિતિ તેમને જણાવવા માગે છે, જેથી તેમને એ સમયના વાતાવરણને પૂર્ણ રીતે સમજી શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આમ કહીને વડા પ્રધાને ડિસેમ્બર 1999માં કાઠમંડુથી થયેલા ઍર ઇન્ડિયાના વિમાન અપહરણ, વર્ષ 2000માં લાલ કિલ્લા પર થયેલો આતંકવાદી હુમલો. 2001માં અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર થયેલો આતંકવાદી હુમલો, એજ વર્ષમાં ઑક્ટોબરમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભા પર અને ત્યારબાદ ડિસેમ્બરમાં ભારતની સંસદ પર થયેલા હિંસક હુમલાઓ અને તેમાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોનાં મૃત્યુનો ઉલ્લેખ કર્યો.
ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં થયેલાં રમખાણો વિશે વાત કરતાં તેમણે કહ્યું, "એ રમખાણો અત્યાર સુધીનાં સૌથી મોટાં રમખાણો હતાં એ ખોટી માહિતી છે. જો તમે 2002 પહેલાંનો ડેટા જોશો તો જોવા મળશે કે ગુજરાતમાં અવારનવાર રમખાણો થતાં રહેતાં."
"ક્યાંકને ક્યાંક કર્ફ્યૂ સતત લાગુ રહેતો હતો. પતંગ ચગાવવાની કે સામાન્ય સાઇકલ અથડાઈ જવા જેવી નાની બાબતોમાં પણ કોમી હિંસા ફાટી નીકળતી હતી. 2002 પહેલાં ગુજરાતે 250 નોંધપાત્ર રમખાણો જોયાં હતાં. 1969માં થયેલા તોફાનો લગભગ છ મહિના સુધી ચાલ્યાં હતાં. આ લાંબો ઇતિહાસ હું (ગુજરાતના રાજકીય) ચિત્રમાં આવ્યો એ પહેલાંથી જ હતો."
ત્યારબાદ વડા પ્રધાન મોદીએ પોતાના જવાબમાં એવો દાવો પણ કર્યો કે 2002 પછીનાં 22 વર્ષમાં ગુજરાતમાં મોટાં રમખાણની એક પણ ઘટના બની નથી. તેમણે કહ્યું:
"સૌથી મહત્ત્વની બાબત એ છે કે ગુજરાતમાં દર વર્ષે એક અથવા બીજી રીતે તોફાનો થતાં રહેતાં હતાં, પરંતુ 2002 પછીનાં 22 વર્ષમાં ગુજરાતમાં મોટા તોફાનની એક પણ ઘટના બની નથી. ગુજરાત સંપૂર્ણપણે શાંત રહ્યું છે."
ગુજરાતમાં ખરેખર છેલ્લાં 22 વર્ષમાં તોફાનો નથી થયાં?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન મોદીએ દાવો જરૂર કર્યો કે ગુજરાત સંપૂર્ણપણે શાંત રહ્યું છે અને છેલ્લાં 22 વર્ષમાં મોટા તોફાનની એકપણ ઘટના નથી બની. પરંતુ હકીકત કંઈક જુદી છે.
નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના આંકડા પ્રમાણે વર્ષ 2014થી 2022 સુધી રાજ્યમાં કોમી તોફાનો નોંધાયાં હોય તેવી 302 ઘટના બની હતી. આ ઘટનાઓમાં 339 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાંથી કેટલાંક લોકો મૃત્યુ પણ પામ્યા છે.
જો વર્ષવાર બનેલી ઘટનાઓની વાત કરવામાં આવે, તો સૌથી વધુ 62 ઘટનાઓ 2016માં નોંધાઈ હતી, જેમાં 105 લોકો ભોગ બન્યા હતા. ત્યાર બાદ 2017માં 44 ઘટનાઓ બની હતી, જેમાં 88 લોકો ભોગ બન્યા હતા, 2018માં 39 ઘટનાઓ અને 59 લોકો ભોગ બન્યા હતા.
તેવી જ રીતે 2019 માં 22 ઘટનામાં 32 ભોગ બનનારા હતા, 2020માં 23 ઘટના અને ભોગ બનનારા 39 લોકો હતા, 2021 અને 22 ની 12 ઘટનાઓમાં 16 લોકો ભોગ બન્યા હતા.
એટલે કે જે વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહી છે, તેનાથી વિપરીત માહિતી એનસીઆરબીના આંકડા આપી રહ્યા છે. જોકે કયાં તોફાનોને મોટાં તોફાનો અને કયાં તોફાનોને કોમી તોફાનો કહેવા અને તેમની વચ્ચે શું તફાવત છે તે જાણવા માટે બીબીસી ગુજરાતીએ કાયદાના નિષ્ણાતો સાથે વાત કરી. આ નિષ્ણાતોમાંથી કેટલાંક કોમી તોફાનોના કેસ સાથે જોડાયેલા વકીલો છે.

વર્ષ 2022માં લોકસભામાં રજૂ કરાયેલા 2018, 2019, અને 2020નાં તોફાનોના આંકડા પ્રમાણે કોમી તોફાનો નોંધાયાં હોય તેવાં મુખ્ય 10 રાજ્યોમાં ગુજરાતનો છઠ્ઠો ક્માંક રહ્યો હતો.
જેમાં બિહાર 419 કેસો સાથે પ્રથમ ક્રમાંકે, મહારાષ્ટ્ર 167 કેસો સાથે બીજા ક્રમાંકે, હરિયાણા 146 કેસો સાથે ત્રીજા, ઝારખંડ 129 કેસો સાથે ચોથા, 86 કેસો સાથે મધ્યપ્રદેશ પાંચમા અને આ સમય દરમિયાન 84 કેસો સાથે ગુજરાતનો છઠ્ઠો ક્માંક રહ્યો હતો.
2002ના ગુજરાતનાં તોફાનોના કેસમાં ભોગ બનેલા અનેક લોકોના વકીલ રહી ચૂકેલા ઍડ્વોકેટ એમ. એમ. તિરમિઝી બીબીસી ગુજરાતીને કહે છે:
"તોફાનોમાં સામાન્ય રીતે IPCની કલમ 146, 147, 148 વગેરે જેવી કલમો જે હવે ભારતીય ન્યાય સંહિતામાં (બી.એન.એસ.) 189 (1), 189(2), અને 190 ની કલમો તરીકે બદલાઈ છે, તે લગાવવામાં આવે છે."
"પરંતુ જ્યારે આ પ્રકારના ગુનામાં કોમી વૈમનસ્ય ફેલાવવાનો ઇરાદો સામેલ થાય, અને બીજી કોમના લોકોનાં ધાર્મિક સ્થળ કે લોકોને ઈજા પહોંચાડવાના ઇરાદેથી કોઈ કૃત્ય કરવામાં આવે તો તેમાં આઈ.પી.સી. (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા) 153 (A), જેને બી.એન.એસ.માં કલમ 190 તરીકે દર્શાવવામાં આવી છે, તે પણ લાગુ પડે છે."

ઇમેજ સ્રોત, Getty Images
એમ. એમ. તિરમિઝી વધુમાં કહે છે કે, આ કોમી તોફાનોના ગુનામાં કોઈ વ્યક્તિ દોષી સાબિત થાય તો તેને ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે.
તો ઍડ્વોકેટ શમશાદ પઠાણ કહે છે કાયદામાં નાનાં રમખાણો કે મોટાં રમખાણોની કોઈ અલગ વ્યાખ્યા નથી. તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું:
"જોકે કાયદામાં મોટાં રમખાણો કે નાનાં રમખાણોની કોઈ અલગ-અલગ વ્યાખ્યા આપવામાં નથી આવી. કોમી તોફાનોમાં કોઈનું મૃત્યુ થાય, ગંભીર ઈજાઓ થાય, મિલકતને નુકસાન થાય તો તે પ્રમાણેની વધારાની કલમો જે-તે ફરિયાદમાં નોંધવામાં આવે છે."
શમશાદ પઠાણે વધુમાં કહ્યું, "સામાન્ય રીતે બે કોમો વચ્ચે નફરત ફેલાવવાનું કૃત્ય જે ગુનામાં સામેલ હોય તેવા ગુનાને કોમી તોફાનોની શ્રેણીમાં મૂકી શકાય. જેમકે કોઈ ધાર્મિક સ્થળ પર પથ્થરમારો કરવો કે કોઈ બીજા ધર્મના વ્યક્તિને તેના ધર્મ વિશે ટકોર કરવી, જેનાથી કોમી તંગદિલી વધી શકે."
રમખાણોમાં ભોગ બનેલા ગુજરાતીઓ શું કહે છે?

સાંપ્રદાયિક હિંસા તેનો ભોગ બનેલા લોકો માટે કેવી અસર છોડે છે, તેનું એક ઉદાહરણ છે ખંભાતમાં રહેતા જાંનિસાર શેખ. ફેબ્રુઆરી 2020માં, જ્યારે તેમના મહોલ્લાના ઘરમાં ભીડે હુમલો કર્યો ત્યારે તેમના પિતા યુસુફ શેખ આઘાતના કારણે મૃત્યુ પામ્યા હતા.
બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "જ્યારે ભીડે અમારા ઘર પર હુમલો કર્યો, તે સમયે દોડાદોડીમાં મારા પિતાને ઘભરામણને કારણે હાર્ટ ઍટેક આવ્યો અને તેઓ સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા."

તેઓ વધુમાં કહે છે કે, "2020માં ઓછામાં ઓછા 30 મુસ્લિમ પરિવારોનાં ઘર સળગાવી દેવામાં આવ્યાં હતાં અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, પણ સંઘર્ષની લહેર આજુબાજુના વિસ્તારો જેમ કે ભોઈવાડી, સાકરપુર, મોચીવાડા અને અન્ય વિસ્તારો સુધી ફેલાઈ ગઈ હતી. પોલીસમાં કેસ નોંધાયા, અને બંને સમુદાયના લોકોની ધરપકડ પણ થઈ. ખંભાત તો છેલ્લાં કેટલાંક વર્ષોથી હિંસાનું હૉટસ્પૉટ બની ગયું છે, જ્યાં ઘણા મુસ્લિમ પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે."
તેઓ પ્રશ્ન પૂછે છે કે, "જો આ મોટાં રમખાણો નથી તો શું છે? આ પ્રકારનું નુકસાન ખંભાતના મુસ્લિમ વિસ્તારોને 2012, 2016, 2019, 2020 અને છેલ્લે 2022માં થયું છે."
શેખ વધુમાં કહે છે કે, "તોફાનોમાં ઘર બળે છે, લોકોનાં મૃત્યુ થાય છે, મિલકતને નુકસાન થાય છે, તો મારા પ્રમાણે આ રમખાણો મોટાં જ છે. પરંતુ સરકાર અને પોલીસ દરેક રમખાણને નાનું બતાવવાનો સતત પ્રયાસ કરતી હોય છે."
ફૅક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ કંઈક જુદું જ તારણ કાઢે છે

ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી થતાં કોમી તોફાનોનો વિવિધ લોકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોસાયટી ઍન્ડ સૅક્યુલરિઝમના ડિરેક્ટર ઇરફાન એન્જિનિયર, ઍડ્વોકેટ હોઝેફા ઉજ્જૈની, જેવા લોકો સામેલ છે.
ગુજરાતમાં તાજેતરનાં વર્ષોમાં નોંધાયેલા તોફાનોની વાત કરતાં હોઝેફાએ બીબીસીને જણાવ્યું કે તોફાનો અને સાંપ્રદાયિક હિંસા ગુજરાત માટે નવો વિષય નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિંદુ તહેવારોના સમયમાં ખાસ કરીને હિંસાના વધુ બનાવો જોવા મળ્યા છે.
તેમણે કહ્યું, "હિંમતનગર, ગોધરા અને વડોદરામાં અનેક મુસ્લિમ પરિવારોને જાન-માલની નુકસાની ઉઠાવવી પડી છે. ગુજરાત ક્યારેય હિંદુ-મુસ્લિમ હિંસાથી મુક્ત રહ્યું નથી, અને બંને સમુદાયના લોકોનાં તોફાનોની ઘટનાઓમાં ધરપકડ થઈ હતી."
જોકે સામાજિક કર્મશીલ ઇરફાન એન્જિનિયર કહે છે, "હું માનું છું કે વડા પ્રધાનની વાત એક રીતે સાચી છે, કારણ કે ગુજરાતમાં કોમી તોફાનો તો થયાં છે, પરંતુ 2002 જેવા મોટાં તોફાનો ત્યારબાદ થયાં નથી, જેમાં અનેક લોકોનાં મૃત્યુ થયાં હોય."
એન્જિનિયર દર વર્ષે એક 'કૉમ્યુનલ વાયલન્સ' નામનો અહેવાલ બહાર પાડે છે, જેમાં દર વર્ષે રાજ્યભરમાં બનેલી અને રિપોર્ટ થયેલી ઘટનાની વિગત હોય છે.
તેઓ કહે છે, "હિંમતનગર, ખંભાત, જૂનાગઢ, પાટણ જેવા વિસ્તારોમાં કોમી તંગદિલી જોવા મળી છે. મોટાં શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ નાની-મોટી ઘટનાઓ બનતી આવી છે."
તેમના વિવિધ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગુજરાતમાં સમયાંતરે તોફાનો થતાં આવ્યાં છે. 'ઇન્ડિયાસ સાઇલન્ટ જેનોસાઇડ, ધ સર્વાઇવર્સ સ્પીક' નામનો એક રિપોર્ટ વર્ષ 2022માં સેન્ટર ફૉર સ્ટડી ઑફ સોસાયટી ઍન્ડ સેક્યુલારિઝમ દ્વારા પ્રકાશિત થયો હતો.
આ રિપોર્ટ અનુસાર, "સુપ્રીમ કોર્ટના રામ મંદિરના ચુકાદા બાદ, દેશભરમાં મુખ્યત્વે ગુજરાતમાં વિવિધ મસ્જિદો પર હિંદુ કટ્ટરવાદીઓ હિંદુ મંદિર તરીકે તેની માલિકી માંગી રહ્યાં હોય તેવી ઘટનાઓ બની રહી છે, જેમાં ખેડાની રોજા-રોજી દરગાહ, ધોળકાની ટાંકા મસ્જિદ જેવી ઐતિહાસિક જગ્યાઓનો સમાવેશ થાય છે."
"આ પ્રકારની 'વારસાના રાજકારણ'ની લડાઈ એ માત્ર કોઈ જગ્યાની માલીકીની લડાઈ નથી રહેતી, પરંતુ તેની લાંબાગાળાની અસર જોવા મળે છે."
સામાજિક કાર્યકર અને મહાત્મા ગાંધીના વંશજ તુષાર ગાંધી, જેમણે 'વેપનાઇઝેશન ઑફ હિંદુ ફેસ્ટિવલ્સ' નામનું પુસ્તક લખ્યું છે. તેમણે BBC સાથે વાતચીતમાં કહ્યું, "વડા પ્રધાને 'ગુજરાતમાં શું બન્યું નથી' એ કહેવા કરતાં, ગુજરાતની વાસ્તવિક સ્થિતિ પર ચર્ચા કરવી જોઈએ. આકરા હિંદુત્વના ઉગ્રપંથીઓ તહેવારોને હિંસાના હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જેનાથી રાજ્યમાં સાંપ્રદાયિક તણાવ વધે છે."
2002 પછી ગુજરાતમાં કોમી તોફાનો નોંધાયાં હોય તેવી કેટલીક ઘટનાઓ

ઇમેજ સ્રોત, Getty Images
2024– ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુમાં 21 જાન્યુઆરી 2024ના દિવસે યોજાયેલી રામરથયાત્રા દરમિયાન બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો અને કોમી તંગદિલી ફેલાઈ હતી.
2023 – વડોદારાનાં તોફાનો. એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પથ્થરમારો થતા, બન્ને કોમના લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ મુસ્લિમ સમાજના અનેક લોકોને પોલીસ પકડ્યા હતા.
2022 – હિંમતનગર અને ખંભાતમાં રામ નવમી સમયે તોફાનો ફાટી નીકળ્યાં હતાં. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અનેક લોકોને ઈજા થઈ હતી.
2020 – ખંભાતનાં તોફાનો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં બે અલગ-અલગ ઘટનાઓમાં મુસ્લિમ સમાજના અનેક લોકોનાં ઘરો સળગાવી દેવામાં આવ્યાં હતાં.
2017 – પાટણના ચાણસ્મા વિસ્તારમાં વિદ્યાર્થીઓના બે જુથો વચ્ચે ઘર્ષણ બાદ બન્ને કોમના લોકો સામ સામે આવી ગયા હતા. અહેવાલો પ્રમાણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.
2015 – ભરૂચનાં કોમી તોફાનોમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં. પતંગ પકડવાની નજીવી બાબત પર ભરૂચમાં બન્ને કોમના લોકો સામસામે આવી ગયા હતા, અને ત્યારબાદ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ વર્ષમાં ગુજરાતમાં કોમી તોફાનોના કુલ 45 કેસો નોંધાયા હતા.
2013 – અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન કોમી તંગદિલી સર્જાઈ હતી. અમદાવાદ પોલીસે તે સમયે બન્ને બાજુના લોકોની ધરપકડ કરીને પરિસ્થિતિ થાળે પાડી હતી.
2006 – વડોદરા દરગાહ તોફાનો – મે 2006માં વડોદરામાં રસ્તો પહોળો કરવા માટે એક સૂફી સંતની આશરે 200 વર્ષ જૂની દરગાહને હટાવાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ ઘટનામાં 6 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












