વડા પ્રધાન મોદી લાલ કિલ્લા પરથી આરએસએસનાં વખાણ કરીને શું કરવા ધારે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્વતંત્રતા દિવસના પર્વપ્રસંગે લાલ કિલ્લા પરથી ભાષણ આપતાં પહેલાં લોકોનું અભિવાદન કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી
    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત બારમી વખત સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભાષણ આપતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કંઈક એવું કહ્યું, જે છેલ્લાં 11 વર્ષમાં અપાયેલાં ભાષણોમાં નહોતું કહ્યું.

તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)નો ઉલ્લેખ કરીને તેને દુનિયાની સૌથી મોટી એનજીઓ ગણાવ્યો અને સંઘની સો વર્ષની યાત્રાની પ્રશંસા કરી. સાથે જ વડા પ્રધાન મોદીએ કહ્યું કે, સેવા, સમર્પણ, સંગઠન અને અદ્વિતીય શિસ્ત આ સંગઠનની ઓળખ રહ્યાં છે.

એ વાત અજાણી નથી કે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પાર્ટી અને સંઘ વચ્ચે ઘણા મુદ્દે ખેંચતાણની સ્થિતિ રહી છે.

એ સ્થિતિમાં વડા પ્રધાન મોદીના પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણમાં આરએસએસનો ઉલ્લેખ કરવાનું મહત્ત્વ વધી જાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરએસએસ વિશે શું કહ્યું?

પોતાના 103 મિનિટ લાંબા ભાષણમાં વડા પ્રધાન મોદીએ 82મી મિનિટે આરએસએસનો ઉલ્લેખ કર્યો.

આરએસએસ પર આવતાં પહેલાં મોદીએ કહ્યું, "અમારો સ્પષ્ટ મત છે, આ દેશ માત્ર સરકારો નથી બનાવતી, આ દેશ રાજસત્તા પર બિરાજમાન લોકો જ નથી બનાવતા, આ દેશ શાસનની પદ્ધતિ સંભાળનારા નથી બનાવતા, આ દેશ બને છે કોટી કોટી જનોના પુરુષાર્થથી, ઋષિઓના, મુનિઓના, વૈજ્ઞાનિકોના, શિક્ષકોના, ખેડૂતોના, જવાનોના, સેનાના, શ્રમિકોના, દરેકના પ્રયાસથી દેશ બને છે. દરેકનું યોગદાન હોય છે. વ્યક્તિનું પણ હોય છે, સંસ્થાઓનું પણ હોય છે."

ત્યાર પછી વડા પ્રધાને આરએસએસ વિશે વાત કરતાં કહ્યું, "આજે હું ખૂબ જ ગર્વની સાથે એક વાતનો ઉલ્લેખ કરવા માગું છું. આજથી સો વર્ષ પહેલાં એક સંગઠનનો જન્મ થયો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સો વર્ષની રાષ્ટ્રની સેવાનું એક ખૂબ જ ગૌરવપૂર્ણ સ્વર્ણિમ પૃષ્ઠ છે."

તેમણે કહ્યું, "વ્યક્તિનિર્માણથી રાષ્ટ્રનિર્માણના સંકલ્પને લઈને સો વર્ષ સુધી મા ભારતીના કલ્યાણનું લક્ષ્ય લઈને લાખો સ્વયંસેવકોએ માતૃભૂમિના કલ્યાણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે."

પોતાની વાતને આગળ વધારતાં પીએમ મોદીએ કહ્યું, "સેવા, સમર્પણ, સંગઠન અને અદ્વિતીય શિસ્ત એ જેની ઓળખ રહી છે એવો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દુનિયાની તે સૌથી મોટી એનજીઓ છે એક રીતે, સો વર્ષના તેના સમર્પણનો ઇતિહાસ છે."

"હું આજે અહીં લાલ કિલ્લા પરથી સો વર્ષની આ રાષ્ટ્રસેવાની યાત્રામાં યોગદાન આપનારા બધા સ્વયંસેવકોનું આદરપૂર્વક સ્મરણ કરું છું અને દેશ ગર્વ કરે છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આ સો વર્ષની ભવ્ય સમર્પિત યાત્રાને અને આપણને પ્રેરણા આપતો રહેશે."

વડા પ્રધાન મોદીએ સંઘનાં વખાણ કેમ કર્યાં?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત (ફાઇલ તસવીર)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લા કેટલાક સમયથી મનાતું રહ્યું છે કે ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધ સામાન્ય નથી.

2024ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપ બહુમત ન મેળવી શક્યો તેની પાછળનું સૌથી મોટું કારણ એ મનાયું હતું કે સંઘે ભાજપ માટે એ રીતે જમીની સ્તરે કામ ન કર્યું જેવી ભાજપે આશા રાખી હતી.

ગઈ વખતની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ નેતા જેપી નડ્ડાનું એ નિવેદન પણ આવ્યું હતું જેમાં તેમણે ભાજપ સક્ષમ હોવા અને તેને આરએસએસની જરૂર ન હોવાની વાત કહી હતી.

જોકે, નડ્ડાના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં સંઘે આ બાબતને એક 'પારિવારિક મામલો' ગણાવ્યો હતો અને કહેલું કે સંઘ આવા મુદ્દા પર સાર્વજનિક મંચો પર ચર્ચા નથી કરતો.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે નડ્ડાના નિવેદન પછી સંઘમાં ઘણા લોકોએ એવું માન્યું કે એ નિવેદન તેમણે પોતાની મરજીથી નહોતું આપ્યું, પરંતુ તેમના દ્વારા કરાવાયું હતું.

સાથે જ સંઘને લાગવા માંડ્યું કે તેની ભૂમિકા બાબતે ભાજપમાં નવી રીતે વિચારવામાં આવી રહ્યું છે.

નીલાંજન મુખોપાધ્યાય એક લેખક અને રાજકીય વિશ્લેષક–પત્રકાર છે, જેમણે બાબરી મસ્જિદ વિધ્વંસ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય વ્યક્તિત્વો પર પુસ્તકો લખ્યાં છે.

તેઓ કહે છે, "જો તમને યાદ હોય તો મોહન ભાગવતે ભાજપ નેતૃત્વ વિરુદ્ધ, કોઈનું પણ નામ લીધા વગર, ઘણી બધી સીધી અને સ્પષ્ટ ટિપ્પણીઓ કરી હતી. તેમણે 'આદર્શ સેવક કોણ છે' તે બાબતે ઘણી એવી વાતો કહી જેમાં નરેન્દ્ર મોદીનું નામ લીધા વિના તેમણે ઘણું બધું કહી દીધું."

લોકસભાનાં પરિણામો પછી જ્યારે ભાજપની સીટો ઘટી ત્યારે તેણે ફરી એક વાર સંઘ સાથેના સંબંધો સુધારવાની કોશિશ કરી.

ત્યાર પછી જ ભાજપ અને આરએસએસ વચ્ચે સમાધાન-સ્પષ્ટતા શરૂ થઈ અને જે પ્રકારનું સંકલન થયું તેનું પરિણામ હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હીની ચૂંટણીઓમાં જોવા મળ્યું.

તો સવાલ એ ઊભો થાય છે કે સ્વતંત્રતા દિવસના ભાષણમાં સંઘનાં વખાણ કરવા પાછળ મોદીનો શો ઇરાદો હોઈ શકે છે?

લેખિકા અને રાજકીય વિશ્લેષક રાધિકા રામશેષણ કહે છે, "આરએસએસ સાથે પીએમ મોદીના કડવા-મીઠા સંબંધ છે. છેલ્લાં વર્ષોમાં સ્વતંત્રતા દિવસનાં જે કોઈ ભાષણ થયાં છે તેમાં મોદીએ આરએસએસનો ઉલ્લેખ નથી કર્યો."

તેમણે કહ્યું, "તેમણે એક રીતે આરએસએસનું જે સમર્થન છે તેને ટેકન ફૉર ગ્રાન્ટેડ લઈ લીધું હતું (એમ સમજી લીધું હતું કે સંઘ હંમેશાં તેનું સમર્થન કરશે) કે આરએસએસની પાસે મોદીને સમર્થન આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી."

"તેમને લાગતું હતું કે તેમની બોલવાની કળા, આકર્ષણશક્તિ અને સંગઠન બનાવવાની યોગ્યતા અંગે કોઈ સવાલ ઊભો ન કરી શકે, પરંતુ, ગઈ વખતની લોકસભા ચૂંટણીમાં આરએસએસએ એક પાઠ ભણાવ્યો મોદીને, કેમ કે, એવું જોવા મળ્યું કે આરએસએસના જે કાર્યકરો વર્ષોથી જમીની સ્તરે સક્રિય હતા તેમણે એટલો ઉત્સાહ ન બતાવ્યો."

રાધિકા રામશેષણ કહે છે કે પછી મોદીએ સંબંધ સુધારવાની ઘણી કોશિશ કરી. "દાખલા તરીકે, કાસ્ટ સેન્સસ (જાતિ-આધારિત વસ્તીગણતરી)ની જાહેરાત કર્યાના એક દિવસ પહેલાં તેમણે મોહન ભાગવત સાથે મુલાકાત કરી અને ત્યાર પછી એક રીતે તેમનું ગ્રીન સિગ્નલ મળ્યા પછી તેની જાહેરાત કરી."

મોદી સંઘને શો સંદેશો આપવા માગે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં જે કહ્યું, તેના રાજકીય અર્થો કાઢવામાં આવી રહ્યા છે

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે સ્વતંત્રતા દિવસ ભાષણમાં સંઘનાં વખાણને સમજવા માટે પાછલાં કેટલાંક વર્ષોની પૃષ્ઠભૂમિને સમજવી જરૂરી છે.

તેઓ કહે છે, "પૃષ્ઠભૂમિ એ છે કે દોઢ વર્ષથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની લીડરશિપની સાથે મોદીજીની એ વાતે લડાઈ ચાલતી રહી છે કે તેઓ કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ચલાવશે. શું તેઓ ભાજપને એક નિરંકુશ સત્તાવાદી કે એકતરફી રીતે ચલાવશે કે પછી એ રીતે ચલાવશે જે રીતે ભાજપ પહેલાં ચાલતી હતી, જેમાં સર્વસંમતિ પર ભાર મુકાતો હતો?"

પોતાની વાતને ચાલુ રાખતાં મુખોપાધ્યાય કહે છે, "તમારા (ભાજપના) આજ સુધીના ઇતિહાસમાં પહેલી વાર આટલા લાંબા સમય સુધી પાર્ટી અધ્યક્ષની ચૂંટણી નથી થઈ. તમે તેના વિશેનો ઉલ્લેખ પણ નથી કરતા, કેમ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે તે મુદ્દા પર સમસ્યા છે."

"ભાજપ કામ કરવાની આઝાદી ઇચ્છે છે, સંઘ કહે છે કે સર્વસંમતિથી કામ કરવું જોઈએ. હવે ઉપરાષ્ટ્રપતિનું સિલેક્શન થવાનું છે. સંઘને એવી આશા રહેશે કે તેમની સાથે પરામર્શ કરવામાં આવશે અથવા તો કમસે કમ તેમને કેટલાંક નામનું સૂચન કરવામાં આવશે."

મુખોપાધ્યાય અનુસાર પીએમ મોદી દ્વારા સંઘનાં વખાણ કરવાં તે, આ બધા મુદ્દાને સંતુલિત કરવાની કોશિશ છે.

તેઓ કહે છે, "તેઓ કહી રહ્યા છે કે 'હું મારો બૉસ પોતે બનીશ', પરંતુ બદલામાં હું એક સાર્વજનિક મંચ પરથી તમારાં વખાણ કરીને થોડીક છૂટછાટ આપીશ. સાથે જ તેઓ આરએસએસને તેની સીમા બતાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે તેઓ સંઘને એ પ્રકારનું સર્ટિફિકેટ આપશે, પરંતુ તેઓ તેની સાથે એવી બાબતોમાં પરામર્શ નહીં કરે જેના વિશે તેમને લાગે છે કે પરામર્શ કરવાની જરૂર નથી."

આવનારી ચૂંટણીઓ પર નજર?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શું સાર્વજનિક રીતે સંઘનાં વખાણનો બિહાર ચૂંટણી સાથે કશો સંબંધ છે?

થોડાક જ મહિનાઓમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આગામી વર્ષે આસામ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી થવાની છે.

તો શું સાર્વજનિક રીતે સંઘનાં વખાણનો આગામી ચૂંટણીઓ સાથે પણ કશો સંબંધ છે?

રાધિકા રામશેષણ કહે છે કે 15 ઑગસ્ટના ભાષણમાં જે રીતે પીએમ મોદીએ આરએસએસ તરફ હાથ લંબાવ્યો છે તે ઘણી મહત્ત્વપૂર્ણ વાત છે.

તેઓ કહે છે, "હમણાં બિહારની ચૂંટણી આવી રહી છે અને આવતા વર્ષે બીજી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ ચૂંટણીઓ આવી રહી છે. એ કહેવું મુશ્કેલ છે કે આરએસએસ તામિલનાડુ કે બિહારમાં કેટલું શક્તિશાળી છે, પરંતુ તેનામાં ભાજપને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે."

રાધિકા રામશેષણ અનુસાર, "જો આરએસએસ ઇચ્છે તો તે બાજી પલટાવી શકે છે. તે વર્ડ ઑફ માઉથ (કંઠોપકંઠ રીતે) કામ કરે છે… એક રીતે વિસ્પર કૅમ્પેન કરે છે અને જો તેઓ વિસ્પર કૅમ્પેનમાં કહે છે કે તેમને (ભાજપને) વોટ ના આપો અને તેમના જે રાઇવલ્સ છે તેમને વોટ આપો, તો પછી ભાજપ માટે મુશ્કેલ થઈ જશે."

તેઓ કહે છે, "તો તેમના માટે (મોદી માટે) આરએસએસને ખુશ રાખવો ખૂબ જ જરૂરી છે. ભલે હજુ પણ મોદી એવા ભ્રમમાં હશે કે હું જ ભાજપનો મુખ્ય વોટ કૅચર છું, પરંતુ મારા હિસાબે આરએસએસ મોદીનો એ ભ્રમ તોડી નાખવા માગે છે."

નીલાંજન મુખોપાધ્યાય કહે છે કે સ્વતંત્રતા દિવસના ભાષણમાં સંઘનો ઉલ્લેખ કરીને પીએમ મોદી એ "સુનિશ્ચિત કરી રહ્યા છે કે આરએસએસ બિહારમાં તેમને દગો ન દે અને તેમના માટે વધારે મુશ્કેલીઓ ઊભી ન કરે. સાથે જ તેઓ ઇચ્છે છે કે આરએસએસ ભાજપને પોતાની પસંદગીના પાર્ટી અધ્યક્ષ બનાવવાની મંજૂરી આપે અને પોતાની મરજીના ઉપરાષ્ટ્રપતિ પણ."

રાધિકા રામશેષણ અનુસાર સંઘનાં વખાણ ભાજપ અને સંઘ વચ્ચે થનારા ક્વીડ પ્રો ક્વો (કશુંક મેળવવાના બદલામાં કશુંક આપવું) તરફ પણ ઇશારો કરે છે.

તેઓ કહે છે, ભાજપના આગામી અધ્યક્ષની બાબતમાં મીડિયામાં અનુમાનો થતાં રહ્યાં છે, પરંતુ જેપી નડ્ડા તો પોતાના પદ પર બિલકુલ સ્થિર છે. એટલે મને લાગે છે કે આરએસએસ જેને ઇચ્છે છે, મોદી તેમને નથી ઇચ્છતા; એટલે તેમાં કંઈક તો બાબત અટકેલી છે. હવે આગામી દિવસોમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે ભાજપના અધ્યક્ષ કોણ બને છે. મને લાગે છે કે ઉપરાષ્ટ્રપતિ કરતાં વધારે ભાજપના અધ્યક્ષ કોણ બને છે તે વધુ મહત્ત્વપૂર્ણ હશે."

રામશેષણ અનુસાર "ક્વીડ પ્રો ક્વો થઈ શકે છે."

તેઓ કહે છે, "ભાજપ પોતાની પસંદગીના ઉપરાષ્ટ્રપતિ બનાવી શકે છે. આરએસએસની દૃષ્ટિએ જોઈએ તો ભાજપના અધ્યક્ષનું પદ ખૂબ જ મહત્ત્વનું છે, એટલે સંઘ ઇચ્છશે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમની પસંદગીના બને."

તેઓ કહે છે, "પરંતુ મને નથી લાગતું કે આરએસએસ એવા વ્યક્તિને બનાવશે જે મોદી અને અમિત શાહને બિલકુલ માન્ય ન હોય. આ સમયે આરએસએસ પણ એટલું જોખમ લેવા નહીં ઇચ્છે. તો આગામી દિવસોમાં કેટલીક કૉમ્પ્રોમાઇઝ્ડ ફૉર્મ્યૂલા જરૂર જોવા મળી જશે."

મોદીના નિવેદનની ટીકા શા માટે થઈ રહી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બીબીસી ગુજરાતી, ગુજરાત, ભાજપ, આરએસએસ, રાજકારણ, નરેન્દ્ર મોદી, આરએસએસનાં વખાણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક મોટી ટીકા એ રહી છે કે તેણે બ્રિટિશ રાજ વિરુદ્ધ ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય રીતે ભાગ નહોતો લીધો.

આ જ સંદર્ભમાં પીએમ મોદીના તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં લાલ કિલ્લા પરથી આરએસએસનાં વખાણ કરવા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.

ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ઍક્સ પર લખ્યું, "સ્વતંત્રતા દિવસના ભાષણમાં આરએસએસનું મહિમામંડન કરવું સ્વતંત્રતા સંગ્રામનું અપમાન છે. આરએસએસ અને તેના વૈચારિક સહયોગીઓએ અંગ્રેજોને સાથ આપ્યો છે. તેઓ ક્યારેય આઝાદીની લડાઈમાં સામેલ ન થયા અને અંગ્રેજોનો જેટલો વિરોધ કર્યો, તેનાથી ઘણી વધારે ગાંધીજીને નફરત કરતા હતા."

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "લાલ કિલ્લા પરથી સૌથી પહેલું ભાષણ 1947માં નહોતું અપાયું, 1948માં અપાયું હતું. જે સમયે આ ભાષણ અપાયું હતું, તે સમયે હિંદુસ્તાનમાં ગાંધીજીની હત્યા પછી પૂર્ણરૂપે શોકનું વાતાવરણ છવાયેલું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તે સમયે પ્રતિબંધિત સંગઠનોમાંનું એક હતું અને તેના મુખ્ય નેતા જેલમાં હતા. વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તે સમયે પોતાના ભાષણમાં ગાંધીજીની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો."

પોતાની વાત ચાલુ રાખતાં તેઓ કહે છે, "ગાંધીની હત્યા કોણે કરી હતી? તે હતા જેમનું પહેલું ઇડૉક્ટ્રિનેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં થયું હતું, 1930ના દાયકામાં – નાથુરામ ગોડસે. નાથુરામ ગોડસેએ પોતાની ફાંસી પહેલાં જે અંતિમ કાર્ય કર્યું હતું તે હતું, આરએસએસની પ્રાર્થના ગાવાનું. તો તમે સમજી ગયા કે તેમનો ઝુકાવ કઈ તરફ હતો."

નીલાંજન મુખોપાધ્યાય કહે છે, "આપણે બીજું કશું સમજવાની જરૂર નથી. આ જગ્યાએથી… જ્યાં આ બાબતોને યાદ કરવામાં આવી હતી, જ્યારે હિન્દુસ્તાનમાં આ પરંપરા શરૂ કરવામાં આવી હતી… ત્યાંથી લઈને હવે, જ્યારે લાલ કિલ્લા પરથી વડા પ્રધાન સ્વતંત્રતા દિવસનું ભાષણ આપે છે, ત્યાંથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પ્રચાર થાય છે, તેમની વાહવાહી થાય છે, તો તે દુઃખ અને ગુસ્સાની વાત છે, કેમ કે, તે આપણા રાષ્ટ્રની પરિકલ્પનાને નકારી દેવા જેવું છે."

નીલાંજન મુખોપાધ્યાય આઝાદી પહેલાંની આરએસએસની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવે છે.

તેઓ કહે છે, "બીજા વિશ્વયુદ્ધ અને ભારત છોડો આંદોલન દરમિયાન આરએસએસએ અંગ્રેજોનું સમર્થન કર્યું. શું આ જ રીત હતી જેનાથી તમે હકીકતમાં ભારતીય રાષ્ટ્રીય આંદોલનને મજબૂત કરતા હતા? ભારતીય રાષ્ટ્રીય આંદોલનમાં, આઝાદીની લડાઈમાં આરએસએસની ભૂમિકા શી હતી?"

"જે ત્રણ સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક હતા, જેણે બ્રિટિશ સામ્રાજ્યને હચમચાવી દીધું – પહેલો, અસહકારનું આંદોલન, બીજો, દાંડીકૂચ અને તેની સાથે જોડાયલું સવિનય કાનૂન ભંગ આંદોલન અને ત્રીજો, ભારત છોડો આંદોલન. જો તમે માઇક્રોસ્કોપથી પણ જોશો તો તમને આ ત્રણેયમાંથી કોઈમાં પણ આરએસએસની હાજરી નહીં મળે."

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીની સંઘની પ્રશંસાને બીજી એક બાબત સાથે પણ જોડીને જોવાઈ રહી છે.

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે થોડાક જ દિવસ પહેલાં કહ્યું હતું કે નેતાઓએ 75 વર્ષની ઉંમર થઈ જાય ત્યારે પોતાનું પદ છોડી દેવું જોઈએ.

આ ટિપ્પણીથી એવો સવાલ ઊભો થયો છે કે ભાગવત મોદીને ઇશારાથી કશુંક કહી રહ્યા છે, કેમ કે, સપ્ટેમ્બરના મહિનામાં મોદી 75 વર્ષના થઈ જશે.

ભાજપમાં ઘણાં વર્ષથી જોવા મળ્યું છે કે 75 વર્ષની ઉંમર થઈ જાય પછી નેતા ચૂંટણી નથી લડતા અથવા પોતાનું પદ છોડી દે છે.

પરંતુ, શું મોદી આવું કરશે? ગૃહમંત્રી અમિત શાહ ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે મોદી પોતાનો કાર્યકાળ પૂરો કરશે અને તેઓ વડા પ્રધાન પદ પર જળવાઈ રહેશે તે અંગે ભાજપમાં શંકાની કોઈ સ્થિતિ નથી.

આ જ મુદ્દાને છંછેડતાં કૉંગ્રેસ‌ નેતા જયરામ રમેશે ઍક્સ પર લખ્યું, "આજે વડા પ્રધાનના ભાષણનું સૌથી ચિંતાજનક પાસું લાલ કિલ્લાની પ્રાચીર પરથી આરએસએસનું નામ લેવાનું હતું – જે એક બંધારણીય, ધર્મનિરપેક્ષ લોકશાહીની ભાવનાનું ખુલ્લું ઉલ્લંઘન છે. જે આવતા મહિને તેમના 75મા જન્મદિવસ પહેલાં સંગઠનને ખુશ કરવાની એક હતાશ કોશિશ સિવાય બીજું કશું નથી."

જયરામ રમેશે લખ્યું, "4 જૂન, 2024ની ઘટનાઓ પછીથી નિર્ણાયક રીતે નબળી પડી ચૂકેલા વડા પ્રધાન હવે સંપૂર્ણપણે મોહન ભાગવતની કૃપા પર નિર્ભર છે, જેથી સપ્ટેમ્બર પછી તેમના કાર્યકાળનો વિસ્તાર થઈ શકે. સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય અવસરનું વ્યક્તિગત અને સંગઠનાત્મક ફાયદો લેવા માટે રાજકીયકરણ આપણાં લોકશાહી મૂલ્યો માટે અત્યંત હાનિકારક છે."

જ્યારે રાધિકા રામશેષણ કહે છે, "મોહન ભાગવત આવતા મહિને 75 વર્ષના થઈ જશે અને થોડા જ દિવસ પછી મોદી પણ 75 વર્ષના થઈ જશે. જો મોદીજીએ આ નિયમ બધા ઉપર લાગુ કર્યો છે, તો એ યોગ્ય સવાલ છે કે પોતાના ઉપર લાગુ કેમ કરી શકતા નથી?"

તેઓ કહે છે, "એ પણ જોવું પડશે કે મોહન ભાગવત પોતાના પદ પર કાયમ રહે છે કે કોઈ બીજાને સરસંઘચાલક બનાવશે. આ બાબતમાં મને લાગે છે કે કેટલીક સમજૂતી થશે આ બંને વચ્ચે અને મોદી કદાચ પોતાના પદ પર ટકી રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન