'સોનાની દ્વારકા' શોધવા મરજીવા કેવી રીતે દરિયાના પેટાળમાં ઊતર્યાં અને ત્યારે શું થયું હતું?

ઇમેજ સ્રોત, Prof. Alok Tripathi/FB
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
'કૃષ્ણની દ્વારકા' કેવી હતી? મહાભારતકાળની દ્વારકા કેવી હતી? તેનાં રહસ્યો શોધવા માટે અત્યાર સુધીમાં અનેક પ્રયત્નો થયા છે.
દ્વારકાના મંદિરની આસપાસની જગ્યામાં અને સમુદ્રના પેટાળમાં જઈને પણ વર્ષોથી કેટલીયવાર ઉત્ખનન કરવામાં આવ્યું છે.
આ ઉત્ખનનમાંથી દ્વારકાનાં અનેક રહસ્યો ખૂલ્યાં છે, પરંતુ આ ઉત્ખનન એટલું સહેલું નથી હોતું, અનેક પ્રકારનાં જોખમોથી ભરેલું હોય છે.
દરિયાના પેટાળમાં ઓછી વિઝિબિલિટી, સમુદ્રનો કરંટ (પ્રવાહ), બદલાતું હવામાન સહિત અનેક પડકારોનો સામનો કરવો પડે છે.
પેટાળમાં ડૂબકી લગાવતાં મરજીવાઓ માટે પણ આ કામ પડકારજનક હોય છે, કારણ કે ઊંડા પેટાળમાં ડૂબકી લગાવવામાં પણ અનેક જોખમો રહેલાં છે. દ્વારકાના પેટાળમાં જ્યારે ઉત્ખનન થયું ત્યારે શું થયું હતું?
દરિયાના પેટાળમાં ઉત્ખનન કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
જ્યારે પણ દરિયાના પેટાળમાં ઉત્ખનન કરવામાં આવે છે એ પહેલાં અનેક પ્રકારની તૈયારી કરવામાં આવે છે.
જેમકે દરિયાના પેટાળની પ્રકૃતિ કેવી છે તેનો સર્વે, તટવર્તી ભૂસ્તર વિજ્ઞાનની જાણકારી, બાથિમેટ્રી (દરિયાના પાણીની ઊંડાઈનું માપન) વગેરે વિશે વૈજ્ઞાનિકો વિગતવાર અભ્યાસ કરે છે અને પછી જ દરિયાના પેટાળમાં (અંડરવૉટર) ઉત્ખનન થાય છે.
અંડરવૉટર સર્વે પ્લાન, સાઇડ સ્કેન સોનાર, સબ-બૉટમ પ્રોફાઇલર સર્વે, હાઇડ્રોસ્કેન, મેટલ ડિટેક્ટર સર્વે જેવી અનેક પરંપરાગત અને આધુનિક ટૅક્નિક્સથી ઉત્ખનનની યોજના બનાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્ખનન માટે સર્વે, ડૉક્યુમેન્ટેશન જેટલાં જ અગત્યનાં એમાં ઉપયોગમાં લેવાતાં સાધનો પણ છે, જે ઘણાં મોંઘાં હોય છે.
અંડરવૉટર ઉત્ખનનમાં ફોટોગ્રાફી અને વીડિયો ફિલ્મિંગનો ખૂબ મોટો ફાળો છે. જ્યારે મરજીવાઓ પાણીમાં ઊતરે ત્યારે તેઓ જેમ જેમ ઊંડે ઊતરે છે તેમ તેમ શરીરમાં દબાણ વધે છે. આથી, પાણીનાં ઊંડાણમાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરવી એ પણ મોટો પડકાર છે.
ઉત્ખનનમાં કેવા પડકારો હોય છે?

ઇમેજ સ્રોત, MIB/Marine Archeology in India
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રો. આલોક ત્રિપાઠી દ્વારકામાં 2007માં થયેલા અંડરવૉટર ઉત્ખનનના વડા હતા. તેઓ ભારતમાં અંડરવૉટર ઉત્ખનનના ઍક્સ્પર્ટ છે.
એક ઇન્ટરવ્યૂમાં તેઓ સમજાવે છે, "દરેક ઉત્ખનન સાઇટ્સ પર અલગ-અલગ પડકારો હોય છે. દ્વારકામાં ઉત્ખનન વખતેના પડકારો પણ અલગ હતા. કોઈ જગ્યાએ માટીનો જથ્થો અને પ્રકાર, કોઈ જગ્યાએ મળી આવતી ચીજવસ્તુઓ કેવા પ્રકારની છે એ તો કોઈ જગ્યાએ જે-તે સ્થળનું હવામાન ભાગ ભજવતું હોય છે."
તેઓ કહે છે, "અંડરવૉટર આર્કિયૉલૉજીની વાત કરીએ સમગ્ર વિશ્વમાં એવા ખૂબ ઓછા દાખલા છે જેમાં આવી રીતે કોઈ શહેરોનું ઉત્ખનન કરવામાં આવ્યું હોય. દરેક જગ્યાની પરિસ્થિતિઓ વિશિષ્ટ હોય છે."
"જો હિંદ મહાસાગર કે અરબી સમુદ્રની વાત કરવામાં આવે તો તેમની પ્રકૃતિ ઘણી અલગ છે. અહીં આવતી ભરતીમાં ઘણું વૈવિધ્ય છે. અમુક મીટરનો ફેરફાર થઈ જાય એ રીતે ભરતી આવતી હોય છે. પાણી આવે છે અને જાય છે, કરંટ ખૂબ જોરદાર હોય છે. એટલે આ જ મોટો પડકાર છે. આવી પરિસ્થિતિમાં ટકી રહીને તમારે ઉત્ખનન કરવાનું છે, ચીજો શોધવાની છે જે ખૂબ અઘરું છે."
પ્રો. ત્રિપાઠી સમજાવે છે કે, "એક સારો મરજીવો ગમે ત્યારે ડૂબકી લગાવી શકે છે. પરંતુ અમે એવો સમય પસંદ કરીએ છીએ જે સાનુકૂળ હોય, દરિયો થોડો શાંત હોય. પેટાળમાં વિઝિબિલિટી સારી હોય તેવો સમય પસંદ કરવામાં આવે છે, કારણ કે જો વિઝિબિલિટી ન હોય તો તમને ચીજો શોધવામાં મુશ્કેલી આવે છે, તસવીરો ખેંચી શકાતી નથી અને સારું ડૉક્યુમેન્ટેશન થઈ શકતું નથી. સામાન્ય રીતે અંડરવૉટર ઉત્ખનન માટે શિયાળાની પસંદગી કરવામાં આવતી હોય છે. ઉનાળામાં એ શક્ય નથી કારણ કે મોજાં-તરંગો ખૂબ હોય છે."
દ્વારકામાં ઉત્ખનન કરતી વખતે જ્યારે હોડીઓ પલટી ગઈ

ઇમેજ સ્રોત, MIB/Marine Archeology in India
ભારતના અગ્રણી આર્કિયૉલૉજિસ્ટ અને આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયામાં કાર્યકાળ દરમિયાન સિંધુ સંસ્કૃતિનાં પુરાતત્વીય સ્થળોનું ઉત્ખનન કરનારા પ્રો. એસ. આર. રાવ અને તેમની ટીમે દ્વારકામાં અનેક ઉત્ખનન કર્યાં હતાં. જેના વિશે તેમણે પોતાના પુસ્તક 'મરીન આર્કિયૉલૉજી ઇન ઇન્ડિયા'માં વિગતે લખ્યું છે.
1984માં કરેલા એક ઉત્ખનન વિશે તેમણે લખ્યું છે, "બેટ દ્વારકા બાજુના દરિયામાં તરંગો, ભારે કરંટ અને માટીને કારણે અંડરવૉટર ફોટોગ્રાફી ખૂબ મુશ્કેલ બનાવી દીધી હતી. જ્યારે દ્વારકાના દરિયામાં ફોટોગ્રાફીથી ડૉક્યુમેન્ટેશન પ્રમાણમાં સંતોષજનક હતું."
તેઓ લખે છે, "પ્રાચીન દ્વારકામાં 23મી ડિસેમ્બર, 1983ના રોજ ઉત્ખનન શરૂ થયું હતું અને તે અનુકૂળ હવામાનની પરિસ્થિતિ હોય ત્યારે ત્યારે 1990 સુધી શરૂ રહ્યું હતું. બજેટ, માણસો અને સાધનો લગભગ વર્ષનાં 30 દિવસ પૂરતાં જ મળી રહેતા હતા. આ પ્રકારની અત્યંત મર્યાદિત પરિસ્થિતિઓને કારણે દરેક ફીલ્ડ સિઝનની શરૂઆતમાં ગત સિઝનમાં જ્યાં ઉત્ખનન કરેલું હોય એ જગ્યાએ ફરીથી સફાઈ કરવી પડતી હતી. કારણ કે આ જગ્યાઓએ વનસ્પતિઓ ઊગી નીકળી હોય. આ બધી કામગીરી અગાઉ લેવામાં આવેલા ફોટોગ્રાફ્સ અને ડ્રૉઇંગ્સના આધારે કરવામાં આવતી હતી."
1985માં કરવામાં આવેલા ઉત્ખનન વિશે તેઓ લખે છે, "આ મિશન દરમિયાન ઘણીવાર ભારે કરંટને કારણે મરજીવાઓને પેટાળમાં મળેલા બાંધકામ, અવશેષોની સાફ-સફાઈ કરવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. ખરાબ વિઝિબિલિટીને કારણે દસ્તાવેજીકરણમાં મોડું થયું હતું. જ્યારે દરિયો વધારે તોફાની બને અને હોડીઓનું તરવું મુશ્કેલ બની જાય એવા સમયગાળામાં જમીનના વિસ્તારોમાં સંશોધન થતું હતું."
ઘણીવાર એવું પણ બની જતું કે સવારે ઉત્ખનન શરૂ કર્યું હોય અને બપોર સુધીમાં દરિયાનો કરંટ વધે કે અન્ય પરિસ્થિતિ બદલાય તો કામ રોકી દેવું પડે. ચીકણી માટીને કારણે અમુક જગ્યાએ છીછરા પાણીમાં પણ મુશ્કેલી પડતી.
તેઓ લખે છે કે, "દરિયામાં ઘણીવાર કલ્પના ન કરી શકાય તેવું પરિવર્તન આવતું હોય છે. 12 ડિસેમ્બર,1986ની બપોરે એક નાની બોટ ડૂબી ગઈ હતી. હોડીને નુકસાન થયું હતું પરંતુ નાવિકને બચાવી લેવાયો હતો."
"7 જાન્યુઆરી, 1989ના રોજ ફરીથી દ્વારકામાં ઉત્ખનન શરૂ કરવામાં આવ્યું હતું. મધદરિયે પહોંચ્યા પછી ત્યારે પણ હોડી પલટી ગઈ હતી. એ સમયે મરજીવાઓએ નાવિકને બચાવ્યો હતો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












