ટ્રમ્પ અને પુતિન વચ્ચે અલાસ્કામાં મુલાકાત તો થઈ પરંતુ યુદ્ધવિરામની જાહેરાત નહીં, આ મુલાકાતથી ભારતને શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની અલાસ્કામાં થયેલી મુલાકાત પર સમગ્ર વિશ્વની નજર હતી.
યુક્રેન મુદ્દે શાંતિમંત્રણા અને યુદ્ધવિરામની પ્રસ્તાવિત અમલવારી અંગે બંને નેતાઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચશે તેવી આશા હતી.
પરંતુ બંને દેશોના રાષ્ટ્રપતિઓ કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા વગર જ અલગ પડ્યા હતા.
બંને નેતાઓ અને તેમના પ્રતિનિધિમંડળે કરેલી મુલાકાત પછી તેમણે સંયુક્ત પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરી હતી.
ટ્રમ્પે કહ્યું હતું કે, "જ્યાં સુધી કોઈ કરાર ન થાય, ત્યાં સુધી કોઈ ખરેખર કોઈ કરાર નથી."
જ્યારે પુતિને મૉસ્કોમાં ટ્રમ્પ સાથે ફરી એકવાર મુલાકાતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકના રાજનીતિક અને કૂટનીતિક સંકેત ભારત માટે પણ મહત્ત્વના હતા. કારણકે વાતચીત પહેલાં ટ્રમ્પે ભારતને રશિયામાંથી ઑઇલ આયાત કરવાને લઈને નિશાન બનાવ્યું હતું. વિશેષજ્ઞ જણાવે છે કે આ દબાણ ભારત મારફતે રશિયાને સંદેશ આપવાની ટ્રમ્પની રણનીતિનો ભાગ છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
શરૂઆતમાં તો વાતચીતની યોજના ટ્રમ્પ અને પુતિન વચ્ચે એકલામાં મળવાની હતી. પરંતુ છેલ્લી ઘડીએ બદલાવ થયો અને વાતચીત 'થ્રી-ઑન-થ્રી' ફૉર્મેટમાં થઈ. એટલે કે બંને રાષ્ટ્રપતિઓ સાથે બે-બે પ્રમુખ સલાહકાર પણ મેજ પર ઉપસ્થિત હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લગભગ ત્રણ કલાક ચાલેલી વાતચીત બાદ વ્લાદિમીર પુતિને કહ્યું કે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે રશિયા 'ઇમાનદારીથી રસ' ધરાવે છે.
સાથે પુતિને પશ્ચિમી દેશો તથા યુક્રેનને સાવચેત કર્યા કે શાંતિ પ્રક્રિયામાં કોઈ પ્રકારનો અવરોધ કે નુકસાન નહીં પહોંચાડવામાં આવે. તેમણે યુદ્ધને એક ત્રાસદી ગણાવ્યું અને કોઈ પણ સમજૂતી પર પહોંચવા પહેલાં તેનાં મૂળ કારણોને સમાપ્ત કરવાનો અનુરોધ કર્યો.
પુતિને ટ્રમ્પ સાથેના સંબંધોને વ્યવસાયિક ગણાવ્યા અને ટ્રમ્પના એ દાવા સાથે સહમતિ વ્યક્ત કરી કે જો તેઓ 2020ની ચૂંટણી બાદ પણ રાષ્ટ્રપતિના પદ પર રહ્યા હોત તો યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.
વાતચીત બાદ પ્રેસ કૉન્ફરન્સમાં કરેલા સંબોધનમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે, "અમેરિકા અને રશિયા મહાસાગરને કારણે એકબીજાથી અલગ છે, પરંતુ બંને નજીકના પાડોશી છે."
આ કારણથી ટ્રમ્પને 'હેલો નેબર' કહીને તેમની સાથે મુલાકાત દરમિયાન હાથ મિલાવ્યા હતા એવું તેમણે કહ્યું હતું.
તેમણે આ મુલાકાતને લાંબાગાળાથી અપેક્ષિત ગણાવતાં કહ્યું હતું કે, "બંને દેશો વચ્ચેની સમિટ ઘણાં વર્ષોથી થઈ નહોતી અને કૉલ્ડ વૉર પછી બંને દેશોના સંબંધો ન્યૂનતમ સ્તરે પહોંચી ગયા હતા."
પુતિને કહ્યું હતું કે બંને વચ્ચેની મુલાકાતની મુખ્ય ચર્ચા યુક્રેન સંઘર્ષ હતો.
તેમણે કહ્યું હતું કે, "લાંબાગાળાનો સંજોગોને જોતાં આપણે આ સંઘર્ષનાં પ્રાથમિક કારણોનો જ અંત લાવવો પડશે. મને આશા છે કે યુક્રેન અને યુરોપ આ શાંતિમંત્રણામાં ભંગ નહીં પડાવે. ટ્રમ્પ તેમના દેશની સમૃદ્ધિ માટે ચિંતા કરે છે પણ તેઓ સમજે છે કે રશિયાનું પણ પોતાનું હિત છે."
ટ્રમ્પે કહ્યું, "જ્યાં સુધી કરાર ન થાય ત્યાં સુધી..."

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે તેમની પુતિન સાથે સાર્થક મુલાકાત અને વાતચીત થઈ છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, "હું નાટો સહયોગીઓ, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અન્યોની સાથે પણ વાત કરીશ. આ ડીલ તેમના માટે છે અને તેમણે સહમત થવું જ પડશે. જ્યાં સુધી કરાર ન થાય ત્યાં સુધી એ કરાર નથી જ. અમે ઘણા આગળ વધ્યા છીએ પરંતુ અમે નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા નથી."
તેમણે કહ્યું હતું, "મારે હંમેશાંથી રાષ્ટ્રપતિ પુતિન સાથે સારા સંબંધો રહ્યા છે. આ મુલાકાત અત્યંત સાર્થક રહી છે અને વાત આગળ વધશે તેની ઘણી શક્યતા છે."
પ્રેસ કૉન્ફરન્સના અંતે ટ્રમ્પે કહ્યું હતું કે, "અમે બંને હજારો લોકોની હત્યા થતાં રોકીશું. મને આશા છે કે અમે જલ્દી ફરીથી મળીશું."
તેના જવાબમાં પુતિને કહ્યું હતું કે, "આવતી વખતે મૉસ્કો."
બંનેની મુલાકાતથી ખરેખર શું મળ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસીના ઉત્તર અમેરિકાના સંવાદદાતા ઍન્થોની ઝર્ચર અનુસાર, "આ જાણે કે એક એવો રસ્તો હતો જેમાં કલાકોની વાતચીત પછી પણ કોઈ ડીલ થઈ નથી. કંઈ ખાસ થયું નથી."
તેઓ લખે છે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે તેમની અને પુતિનની વાતચીત સાર્થક રહી છે પરંતુ તેના અંગે ખૂબ ઓછી માહિતી આપવામાં આવી છે. વાતચીતમાં ખરેખર શું થયું એ ખરેખર વિશ્વની કલ્પનાશક્તિ પર છોડી દેવાયું છે."
"અમે નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા નથી એવું કહીને બંનેએ પ્રેસ કૉન્ફરન્સ છોડી દીધી હતી અને સેંકડો પત્રકારોમાંથી કોઈનો પ્રશ્ન લીધો નહોતો."
ઍન્થોની ઝર્ચર કહે છે, "તેઓ પોતાને સ્વઘોષિત રીતે શાંતિવાહક અને ડીલમેકર ગણાવે છે, પરંતુ તેઓ બંનેમાંથી એકપણ સફળતા હાંસલ કર્યા વગર જ અલાસ્કા છોડીને જઈ રહ્યા છે. એ વાતનો પણ કોઈ સંકેત નથી કે ભવિષ્યની મુલાકાતમાં ઝેલેન્સ્કીને સામેલ કરવામાં આવશે કે નહીં."
બીબીસીને મુખ્ય ઉત્તર અમેરિકાના સંવાદદાતા ગેરી ઓ ડૉનોલો કહે છે, "આ મુલાકાતનો નિષ્કર્ષ સંપૂર્ણપણે હજુ સ્પષ્ટ નથી પરંતુ બંને વચ્ચેની મુલાકાતમાં ઉષ્માભર્યું વાતાવરણ હતું."
તેઓ કહે છે, "બંનેમાંથી કોઈપણ નેતાઓએ એ વાતનો સંકેત આપ્યો નથી કે યુદ્ધવિરામ માટે શું તેઓ કંઈ વિશેષ કરી શક્યા છે કે નહીં, વિસ્તૃત શાંતિકરાર તો પછીની વાત છે."
ગેરી કહે છે, "બંને નેતાઓએ કાર્યક્રમ ખૂબ ટૂંકમાં પતાવી દીધો અને મીડિયા પાસેથી કોઈ પ્રશ્નો લીધા નહીં, પરંતુ બીજી મુલાકાતનો સંકેત આપ્યો છે. "
અલાસ્કામાં પુતિન સાથેની મુલાકાતને ડોનાલ્ડ ટ્રમ્પે કેટલા નંબર આપ્યા?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થએલી વાતચીતને ટ્રમ્પે 'દસમાંથી દસ' નંબર આપ્યા છે.
તેમણે જણાવ્યું, "અમારી મુલાકાત ઘણી સારી રહી. હવે યુરોપની ભાગેદારી સાથે સમજૂતી કરવી ઝેલેન્સ્કી પર નિર્ભર છે."
ટ્રમ્પે કહ્યું, "રશિયા અને યુક્રેન હવે વાતચીત કરશે. જેથી પુતિન અને ઝેલેન્સ્કી બંને ભાગ લેશે. જોઈએ છે કે શું થાય છે?"
ટ્રમ્પે એમ પણ કહ્યું કે "આ બેઠક બહુ ઉષ્માપૂર્ણ હતી અને તેમને લાગે છે કે તેઓ સમજૂતીની નજીક છે."
ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે એ બિંદુઓ પર કહેવાનો ઇન્કાર કર્યો, જેને કારણે સમજૂતી ન થઈ શકી.
તેમણે રશિયાના આક્રમણને ન રોકી શકવા બદલ પૂર્વ રાષ્ટ્રપતિ બાઇડનને જવાબદાર ગણાવ્યા.
ટ્રમ્પે કહ્યું કે એક સમજૂતી થવા જઈ રહી છે અને તેમાં કેદીઓની અદલા-બદલી પણ સામેલ થઈ શકે છે.
ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં ભારતનો ઉલ્લેખ કર્યો.
તેમણે કહ્યું, "હકીકતમાં તેમણે (રશિયા)એ તેમનો એક ઑઇલ ક્લાયન્ટ ખોયો છે. એટલે કે ભારત, જે લગભગ 40 ટકા ઑઇલ લેતું હતું. ચીન, જેમ કે આપ જાણો છો, ઘણું ઑઇલ લે છે. અને જો હું બીજા પ્રતિબંધો લગાઉં તો તે વિનાશકારી હશે. જો મારે તેમ કરવું પડે તો કરીશ, કદાચ મારે આમ ન કરવું પડે."
બીબીસી સંવાદદાતા અભયકુમાર સિંહે રશિયા મામલાના નિષ્ણાત અને જેએનયુ સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝના પ્રોફેસર રાજનકુમાર સાથે વાતચીત કરી.
તેમનું કહેવું હતું કે હકિકતમાં આ ટ્રમ્પનો રશિયા માટેનો સંદેશ હતો.
તેઓ કહે છે, "ભારત અને અન્ય રસ્તા મારફતે રશિયા પર દબાણ બનાવી શકાતું હતું. ટ્રમ્પ જાણે છે કે ચીન પર દબાણ નહીં બનાવી શકાય. તેથી તેમણે ભારતને લક્ષ્યાંક બનાવ્યું."
"ભારત પર આ પ્રકારે દબાણ બનાવીને તેઓ ટેરિફને ઓછાં પણ કરાવવા માગે છે. કારણકે, તેઓ જાણે છે કે રશિયા અને ચીનને અલગ નહીં કરી શકાય, તેથી તેમણે ભારતને અલગ કરવાની કોશિશ કરી છે."
એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધવિરામને લઈને અમેરિકા અને રશિયા વચ્ચેની વાતચીત વગર કોઈ સમજૂતીએ સમાપ્ત થઈ છે, તો બીજી તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત્ છે.
યુક્રેને દાવો કર્યો છે કે તેની સેનાએ દોનેત્સ્કના પૂર્વ ક્ષેત્રમાં આવેલાં કેટલાંક ગામો પર ફરી કબજો કરી દીધો છે. જ્યાં હાલમાં જ રશિયાના સૈનિકો પહોંચ્યા હતા.
યુક્રેનનો દાવો એ પણ છે કે પોક્રોવસ્ક ક્ષેત્રમાં ડોબ્રોપિલિયા પાસે થએલી લડાઈમાં સેંકડો રશિયન સૈનિક હતાહત થયા છે.
આ પહેલાં યુક્રેની અધિકારીઓએ જણાવ્યું કે રશિયાના હવાઈ હુમલા સૂમી સહિત અન્ય જગ્યાએ ચાલુ જ છે.
બીજી તરફ, વ્લાદિમીર પુતિન અને ડોનાલ્ડ ટ્રમ્પની વાતચીત અલાસ્કામાં વગર કોઈ સમજૂતીએ સમાપ્ત થઈ છે. ત્રણ કલાક ચાલેલી વાતચીતમાં કોઈ પરિણામ સામે નથી આવ્યું. જોકે, આ બેઠક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












