ગુજરાતમાં તહેવારો દરમિયાન જામશે વરસાદી માહોલ, હવે ક્યાં પડશે અતિભારે વરસાદ?

ઇમેજ સ્રોત, ANI
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસું ફરીથી સક્રિય થયું છે અને અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.
ગઈકાલે ડાંગ તથા ગીર-સોમનાથ જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ પડ્યો હતો.
આ સિવાય ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાયાં સ્થળોએ થોડો વરસાદ પડ્યો હતો.
આજે જન્માષ્ટમીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતા સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની અછત છે, જેના કારણે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં આજે ક્યાં પડશે વરસાદ?
બંગાળની ખાડી પર બનેલી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેની અસર ગુજરાત પર શરૂ થઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 16મી ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર તથા મધ્ય ગુજરાતના ખેડા, અમદાવાદ, આણંદ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની તથા ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે.
આ સિવાય દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ સહિતના મોટાભાગનાં સ્થળોએ તથા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની તથા ગાજવીજ સાથેના વરસાદની આગાહી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલી જેવા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

ઇમેજ સ્રોત, BIPIN TANKARIYA
આવતીકાલે 17મી તારીખે પણ આ તમામ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથેના વરસાદની આગાહી છે.
જ્યારે નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે 18 ઑગસ્ટના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
19થી 21 ઑગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ ચાલશે?

ઇમેજ સ્રોત, ANI
રાજ્યમાં 15 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જ્યારે મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસું સક્રિય થયું છે.
16 ઑગસ્ટથી રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે અને તે બાદ પણ વરસાદનું પ્રમાણ અને જોર વધશે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતમાં શરૂ થયેલો વરસાદ ઑગસ્ટ મહિનાના અંતિમ અઠવાડિયા સુધી ચાલુ રહે તેવી સંભાવના છે. હવામાનનાં વિવિધ મૉડલો અનુસાર ગુજરાતમાં એક વખત ભારે વરસાદના રાઉન્ડ બાદ હળવોથી મધ્ય વરસાદ ચાલુ રહેશે.
જે બાદ વરસાદ બંધ થાય તે પહેલાં જ ફરીથી ભારેથી અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ આવશે અને લગભગ 27થી 28 ઑગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન













