અમદાવાદ : '33 તળાવોની જગ્યા પર હેતુફેર કરીને બાંધકામો કરી દેવાયાં' હોવાનો આરોપ, સમગ્ર મામલો શું છે?

અમદાવાદ, તળાવો, ગુજરાત, બાંધકામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ઇમેજ કૅપ્શન, કાળીગામના લોકોનું કહેવું છે કે મહાકાળી માતાનાં મંદિરની પાછળની જગ્યામાં પહેલાં તળાવ હતું
    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારા ગામના તળાવમાં લગભગ પાંચ હજાર જેટલાં ઢોર પાણી પીતાં હતાં. આ તળાવમાં અમે નહાવા માટે જતા, પરંતુ આજે તમે આ તળાવની જગ્યા જુઓ તો તમને લાગશે જ નહીં કે અહીં ક્યારેક તળાવ પણ હતું. ગામના તળાવની જગ્યા બુલેટ ટ્રેનના ટ્રેકને ફાળવી દેવામાં આવી છે."

આ શબ્દો 80 વર્ષની ઉંમરે પહોંચેલા બળદેવભાઈ કાલીકરના છે, જેઓ અમદાવાદ નજીક આવેલા કાળીગામમાં રહે છે. કાળીગામ વિસ્તારમાં આવતાં બે તળાવોની જગ્યાને બુલેટ ટ્રેન તેમજ રેલવે માટે ફાળવવામાં આવી છે.

કાળીગામ નગરપાલિકાનો વર્ષ 2007માં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સમાવેશ થયો હતો.

માત્ર કાળીગામનાં જ તળાવો નહીં, પરંતુ અમદાવાદ શહેરનાં 33 જેટલાં તળાવોની જગ્યા સરકારી ઇમારત કે અન્ય કોઈ યોજના માટે આપી દેવામાં આવી હોવાના આરોપો સરકારી તંત્ર પર થઈ રહ્યા છે.

અમદાવાદના કલેક્ટરનું કહેવું છે કે તેઓ આ અંગે માહિતી એકઠી કરી રહ્યા છે.

સમગ્ર મામલો શું છે?

અમદાવાદ, તળાવો, ગુજરાત, બાંધકામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ઇમેજ કૅપ્શન, કાળીગામ તળાવની જગ્યા બુલેટ ટ્રેનના ટ્રેક માટે ફાળવવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 23 મેના રોજ યોજાયેલી બોર્ડની બેઠકમાં ચંડોળા તળાવ ડિમૉલિશન અંગે વિરોધપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે ચર્ચા કરી હતી.

શહેઝાદખાન પઠાણે આક્ષેપ કર્યો હતો, "શહેરનાં 33 જેટલાં તળાવોને સરકારે જ સરકારી ઇમારતો કે હેતુફેર કરીને અન્ય હેતુ માટે આપી દીધાં છે."

શહેરમાં નવા વિસ્તારોનો સમાવેશ થાય એ પછી આ વિસ્તારોનાં તળાવોની માલિકી કલેક્ટર નીચે આવે છે. આ તળાવોનો વિકાસ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન તળાવોની માલિકી મેળવવા માટે કલેકટરને દરખાસ્ત કરે છે.

અંગ્રેજી અખબાર ધી ઇન્ડિયન ઍક્સપ્રૅસે તળાવો ગાયબ થઈ ગયાં હોવા અંગે નવમી જૂનના રોજ એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલના આધારે નૅશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) સુઓ મોટો લીધી છે.

તળાવોની જગ્યા પર ખરેખર શું સ્થિતિ છે?

અમદાવાદ, તળાવ, હેતુફેર, બુલેટ ટ્રેન,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનના નાગાસાકીમાં શિંકાંસેન એટલે કે બુલેટ ટ્રેનની ફાઇલ તસવીર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ગુજરાતીની ટીમે આ 33 તળાવોમાંથી કેટલીક જગ્યા પર હાલ શું સ્થિતિ છે તે જોવા માટે સ્થળની મુલાકાત લીધી હતી.

અમદાવાદમાં આવેલા કાળીગામ વિસ્તારમાં બે તળાવ છે, જેની જમીન બુલેટ ટ્રેન તેમજ રેલવે માટે આપવામાં આવી છે.

કાળીગામના બળદેવભાઈ કાલીકર તળાવની જગ્યા બતાવવા માટે બીબીસીની ટીમ સાથે આવ્યા હતા. બળદેવભાઈનો જન્મ કાળીગામમાં જ થયો છે.

આ તળાવને ગામના લોકો 'વેરાઈ માતાના તળાવ'ના નામે ઓળખતા હતા. અત્યારે ત્યાં મંદિર છે, પરંતુ તેની બાજુમાં એક ઊંચી દીવાલ બનાવી દેવામાં આવી છે. દીવાલની અંદરની જગ્યા જોવા માટે મંદિરની ઉપર ચડવું પડે છે.

મંદિરની પાસે બનેલી દીવાલ બતાવતા બળદેવભાઈ કહે છે, "આ દીવાલની અંદર સમથળ જગ્યા દેખાય છે તે અમારા ગામનું તળાવ હતું. અમારા ગામનાં ઢોરો આ તળાવમાં પાણી પીતાં હતાં. અમારા ગામના લોકો પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા હતા."

"એક સમયે અમારા ગામમાં લગભગ પાંચ હજાર જેટલાં પશુઓ હતાં. ઉનાળાની સિઝનમાં તળાવનું પાણી સૂકાઈ જાય તો પશુઓને પાણી પીવડાવવા માટે અમે અહીં બોરનું પણ પાણી નાખ્યું હતું."

કાળીગામમાં મહાકાળી માતાનાં મંદિર પાસે પણ એક તળાવ હતું. આ તળાવ રેલવે વિભાગને આપવામાં આવ્યું છે.

હાલ રેલવે વિભાગ દ્વારા તે જગ્યા પર કામ શરૂ કરવામાં આવ્યું છે. મહાકાળી માતાના મંદિરે જવા માટે એક રેલવેએ બનાવેલા બ્રિજ પરથી જવાય છે.

કાળીગામના વતની 62 વર્ષના મહેશ પટેલ કહે છે, "મહાકાળી માતાના મંદિરની પાસે તળાવ હતું. બાળપણમાં આ તળાવમાં અમે નહાવા માટે પડતા હતા. અમે તરવાનું પણ આ તળાવોમાં જ શીખ્યા છીએ."

મહેશભાઈ કહે છે, "ગામનાં ખેતરો માટેનું પાણી આ બે તળાવોમાં આવતું હતું. પાણીનો ઓવારો બંધ કરી દેવામાં આવ્યો, જેથી તળાવોમાં પાણી આવવાનું ઓછું થઈ ગયું હતું અને રસ્તાઓ પર પાણી વધારે જોવા મળતું હતું."

"વર્ષો પહેલાં અમારા ગામમાં ચોમાસામાં પાણી ભરાઈ જતું ન હતું, પરંતુ તળાવોની જગ્યા બંધ કરી દીધા બાદ હવે વધારે વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે."

અમદાવાદ, તળાવો, ગુજરાત, બાંધકામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ઇમેજ કૅપ્શન, વેજલપુર તલાવડીની જગ્યા પર ડી અને ઈ ટાઇપ ક્વાટર્સ બન્યાં છે.

બીબીસીએ રાણીપના તળાવ અંગે ગામના લોકો સાથે વાત કરી હતી. ગામના ચોકમાં નાનકડી દુકાન ચલાવનારા 65 વર્ષના શૈલેષભાઈ સાથે બીબીસીએ વાતચીત કરી હતી. તેમનો જન્મ અને ઉછેર રાણીપ ગામમાં જ થયો છે.

શૈલેષભાઈ કહેવા લાગ્યા કે, "અમારા ગામમાં નાનાં અને મોટાં ત્રણ જેટલાં તળાવો હતાં. જે હવે રહ્યાં નથી."

શૈલેષભાઈની આસપાસ દુકાન ધરાવતા લોકો વાતમાં સૂર પુરાવીને કહેવા લાગ્યા કે ગામના લોકો ઢોરોને આ તળાવોમાં જ પાણી પીવડાવવા લઈ જતા હતા.

ગામના લોકોએ જે જગ્યા પર તળાવ હોવાની વાત કરી હતી તે જગ્યા પર જઈને અમે જોયું તો ત્યાં (રાણીપ બસ સ્ટેશનની પાછળની જગ્યા) પાણીની ઓવર હેડ ટાંકી અને પાણીનો સંપ (મોટો ટાંકો) બની રહ્યો હતો.

રાણીપ ગામના એક અન્ય તળાવની જગ્યા ઈવીએમ સેન્ટર બનાવવા માટે ફાળવી દેવામાં આવી છે.

વેજલપુરમાં બ્રહ્માણી તલાવડી નામે ઓળખાતી તલાવડીની જગ્યા પર અત્યારે સરકારી ડી-ટાઇપ અને ઈ-ટાઇપ મકાનો બની ગયાં છે.

વેજલપુરના વતની 66 વર્ષના દીપસિંહનો જન્મ અને ઉછેર વેજલપુરમાં જ થયો છે. તેઓ વેજલપુરના ખેડૂત છે.

દીપસિંહભાઈના કહેવા મુજબ વેજલપુર ગામની આ તલાવડીમાં પણ અન્ય ગામની જેમ ઢોર પાણી પીવાં આવતાં હતાં.

દીપસિંહભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવે છે, "અમારા ગામમાં થોડાં થોડાં અંતરે તલાવડીઓ હતી. આ તલાવડીના પાણીનો ઉપયોગ શિયાળામાં ખેતી માટે પણ કરવામાં આવતો હતો."

"અમારું ગામ અમદાવાદ વિસ્તારમાં આવ્યું, તે પહેલાં જ આ તલાવડીને પૂરી દેવામાં આવી હતી. આ જગ્યા સરકારી કર્મચારીઓના આવાસ બનાવવા માટે ફાળવી દેવામાં આવી છે."

તળાવો વિશે વિપક્ષે શું આરોપો લગાવ્યા?

અમદાવાદ, તળાવો, ગુજરાત, બાંધકામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, LAKSHMI PATEL

ઇમેજ કૅપ્શન, વેજલપુર તલાવડીની જગ્યા પર ડી અને ઈ ટાઇપ ક્વાટર્સ બન્યાં છે.

ગત 23મે, 2025ના દિવસે મળેલી જનરલ બૉર્ડની બેઠકમાં વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે શહેરનાં તળાવોમાં થયેલાં 'ગેરકાયદેસર બાંધકામ' મુદ્દે રજૂઆત કરી હતી.

શહેઝાદખાન પઠાણે બીબીસી ગુજરાતીને જે મુદ્દા અંગે વાત કરી એ જ મુદ્દાઓને તેમણે બૉર્ડમાં ઉઠાવ્યા હતા.

શહેઝાદખાન પઠાણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા શહેરના ચંડોળા તળાવની જમીનમાં થયેલાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી."

"અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ એવી દલીલ કરતા હતા કે, સુપ્રીમ કોર્ટના આદેશના કારણે તળાવની જમીનમાં કોઈપણ બાંધકામ કરી શકાય નહીં. આથી, તેમણે ચંડોળા તળાવનાં દબાણો દૂર કર્યાં છે."

"પણ હકીકત એવી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનને માત્ર તળાવોમાં થયેલાં ગરીબોનાં દબાણો દેખાય છે, પણ બીજાં બાંધકામ દેખાતાં નથી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલાં તળાવોમાં હેતુફેર કરી કે પછી તળાવની જમીનને ડિનોટિફાઇડ કરીને ખુદ રાજ્ય સરકારે જ બાંધકામ કરી દીધાં છે."

શહેઝાદખાન પઠાણે કહ્યું હતું, "અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમની સામે પણ કાર્યવાહી કરવી જોઈએ. શહેરના રાણીપના તળાવની જમીનમાં સરકારે જ હેતુફેર કરીને ઈવીએમ ગોડાઉન બાંધી દીધું છે."

"આ પ્રકારે વટવાનાં બીબી તળાવ, નિકોલનાં તળાવ તથા વેજલપુરનાં તળાવમાં સરકારી બાંધકામ કરી દેવાયાં છે."

સરકારી તંત્રએ જવાબો આપવાનું ટાળ્યું

અમે આ વિશે સરકારી પક્ષ જાણવા માટે અમદાવાદના રેસિડન્સિયલ ઍડિશનલ કલેક્ટર (આરએસી) ભાવિન સાગરનો સંપર્ક કર્યો હતો.

બીબીસી ગુજરાતીએ તેમને જ્યારે કૉંગ્રેસે લગાવેલા આરોપો વિશે પૂછ્યું તો તેમણે કહ્યું હતું, "હું આ વિશે તપાસ કરીને તમને વિગતો જણાવું છું."

ત્યાર પછી અમે ઘણી વખત તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમને જવાબ મળ્યો નથી.

બીબીસીએ અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણીને પણ આ જ સવાલ પૂછ્યો હતો.

દેવાંગ દાણીએ પણ એવું જ કર્યું હતું, "તપાસ કર્યા બાદ તમને જવાબ આપું છું."

પરંતુ તેમને પણ વારંવાર ફોન કરવા છતાં તેમના તરફથી વધુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

અમે અમદાવાદનાં મેયર પ્રતિભા જૈનનો પણ સંપર્ક સાધ્યો હતો. તેમણે ફોન પર કહ્યું કે "અમે તપાસ કરીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન