ઇસ્લામિક દેશો દુશ્મનો સામે લડવા પોતાની સંયુક્ત સેના બનાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, સંદીપ રાય
- પદ, બીબીસી સંવાદદાતા
કતારની રાજધાની દોહામાં હમાસના નેતાઓને નિશાન બનાવતા ઇઝરાયલી હુમલા બાદ, આરબ દેશો વચ્ચે નાટો જેવું લશ્કરી દળ બનાવવાના પ્રયાસો વેગ પકડી રહ્યા હોય તેવું લાગે છે.
દોહામાં આરબ અને ઇસ્લામિક દેશોની એક ઇમરજન્સી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સભ્યદેશોના વિદેશમંત્રીઓ મળ્યા હતા.
તેમજ ઘણા દેશોના ટોચના નેતાઓ પણ આ સમિટમાં હાજરી આપશે, જેમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝ્શ્કિયાન, ઇરાકના વડા પ્રધાન મુહમ્મદ શિયા-અલ સુદાની અને પેલેસ્ટાઇન ઑથૉરિટીના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસનો સમાવેશ થાય છે.
અને તે દરમિયાન, ઇજિપ્તના એક પ્રસ્તાવથી ફરીથી સંયુક્ત સુરક્ષા દળની ચર્ચા શરૂ થઈ છે.
2015માં પ્રસ્તાવ મુકાયો હતો
ધ નૅશનલ અખબાર અનુસાર, ઇજિપ્તના પ્રસ્તાવમાં નાટો જેવી સશસ્ત્ર દળની રચના કરવાની માગ કરવામાં આવી છે, જેનું પ્રમુખપદ 22 આરબ લીગ દેશોને વારાફરતી સોંપવામાં આવશે, જેમાં પ્રથમ પ્રમુખ ઇજિપ્તના હશે.
ધ ન્યૂ આરબ મીડિયા અનુસાર , આવો પ્રસ્તાવ સૌપ્રથમ 2015માં આવ્યો હતો, જ્યારે યમનમાં ગૃહયુદ્ધ શરૂ થયું હતું અને હુતી બળવાખોરોએ સના પર કબજો કર્યો હતો.
બીજી તરફ, દોહા હુમલા બાદ તુર્કીમાં પણ ચિંતાનો માહોલ છે.
તુર્કીના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રીઅર એડમિરલ ઝેકી અક્તુર્કે ચેતવણી આપી હતી કે "ઇઝરાયલ તેના અંધાધૂંધ હુમલાઓ વધારી શકે છે, જેમ તેણે કતારમાં કર્યું હતું. તે પોતાને અને સમગ્ર ક્ષેત્રને વિનાશ તરફ ધકેલી શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇજિપ્તનો પ્રસ્તાવ શું છે?

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇજિપ્તના પ્રસ્તાવમાં સેના, વાયુસેના અને કમાન્ડો યુનિટ વચ્ચે વધુ સારું સંકલન સ્થાપિત કરવાનો તેમજ તાલીમ, લૉજિસ્ટિક્સ અને લશ્કરી પ્રણાલીઓને એકીકૃત કરવાનો સમાવેશ થાય છે.
ઉપરાંત, સભ્યદેશો અને લશ્કરી નેતૃત્વ સાથે પરામર્શના આધારે લશ્કરી બળનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવશે.
લેબનીઝ મીડિયા આઉટલેટ અલ અખબાર અનુસાર, ઇજિપ્તે પ્રસ્તાવમાં કહ્યું છે કે તે આવા લશ્કરી ગઠબંધનમાં 20,000 સૈનિકોનું યોગદાન આપશે, જ્યારે સાઉદી અરેબિયા સહયોગની દૃષ્ટિએ બીજો સૌથી મોટો દેશ હશે.
ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સિસીએ આ અંગે ઘણા દેશો સાથે વાત કરી છે અને દોહા સમિટ સિવાય આ પ્રસ્તાવ પર ચર્ચા થવાની શક્યતા છે.
આ પ્રકારનું લશ્કરી સંકલન આ ક્ષેત્રના દેશો દ્વારા પહેલાં પણ જોવા મળ્યું છે, જેમ કે અગાઉ ગલ્ફ વૉર અથવા ઇઝરાયલ સામે લડાયેલાં ઘણાં યુદ્ધોમાં આવું સંકલન જોવા મળ્યું છે.
આરબ અને ઇસ્લામિક દેશો વચ્ચે આવું લશ્કરી જોડાણ (સેન્ટ્રલ ટ્રીટી ઑર્ગેનાઇઝેશન) પહેલાં પણ અસ્તિત્વમાં હતું, જેને બગદાદ કરાર તરીકે ઓળખવામાં આવે છે.
તે 1955થી 1979 સુધી અસ્તિત્વમાં હતું.
દોહામાં ઇઝરાયલી હુમલા પર આરબ દેશો તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી અને ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ધરાવતા આ ક્ષેત્રના એકમાત્ર દેશ યુએઇએ પણ તેની ટીકા કરી હતી.
ઇસ્લામિક લશ્કરી ગઠબંધનની હાકલ
ઇરાકી વડા પ્રધાન મોહમ્મદ શિયા અલ-સુદાનીએ પણ 'ઇસ્લામિક લશ્કરી ગઠબંધન'ની રચના માટે હાકલ કરી છે.
તુર્કીના રાજ્ય પ્રસારણકર્તા TRT વર્લ્ડના જણાવ્યા અનુસાર, તેમણે કહ્યું કે ગાઝા અને કતારમાં ઇઝરાયલની તાજેતરની કાર્યવાહીનો સામૂહિક જવાબ આપવો જરૂરી છે.
સુદાનીઓએ જણાવ્યું હતું કે મંગળવારે દોહા પર હવાઈ હુમલો થયો, જેમાં પાંચ હમાસ સભ્યો અને એક કતારના સુરક્ષા અધિકારી માર્યા ગયા, તે "આંતરરાષ્ટ્રીય કાયદાનું આઘાતજનક ઉલ્લંઘન" હતું અને યાદ અપાવે છે કે ઇઝરાયલના પગલા સમગ્ર ક્ષેત્રની સુરક્ષા માટે જોખમી છે.
તેમણે કતારની અલ જઝીરા ચૅનલને જણાવ્યું કે "એવું કોઈ કારણ નથી કે મુસ્લિમ દેશો એકસાથે આવીને પોતાનો બચાવ કરી શકે તેવી સંયુક્ત સુરક્ષા દળ ન બનાવી શકે."
તેમણે આરબ અને ઇસ્લામિક દેશોને રાજકીય, સુરક્ષા અને આર્થિક સ્તરે વ્યાપક ભાગીદારી બનાવવા હાકલ કરી હતી.
'ઇઝરાયલને સજા થવી જોઈએ'

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી પર્શિયન સર્વિસ અનુસાર, સોમવારના શિખર સંમેલન પહેલાં કતારના વડા પ્રધાને કહ્યું, "આંતરરાષ્ટ્રીય સમુદાય માટે તેનાૃં બેવડાં ધોરણોનો અંત લાવવાનો અને ઇઝરાયલને તેણે કરેલા તમામ ગુનાઓ માટે સજા કરવાનો સમય આવી ગયો છે."
તેમણે કહ્યું, "ઇઝરાયલે સમજવું જોઈએ કે આપણા ભાઈચારાવાળા લોકો, પેલેસ્ટિનિયનો સામેનું તેનું વિનાશક યુદ્ધ, જેનો હેતુ તેમને તેમની ભૂમિ પરથી ભગાડવાનો છે, તે સફળ થશે નહીં."
9 સપ્ટેમ્બરના રોજ દોહામાં ઇઝરાયલી હુમલા પર કતારે પહેલેથી જ કડક પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તે હવે સંપૂર્ણપણે સતર્ક અને કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે.
કતારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે દોહા હુમલા અંગેના ડ્રાફ્ટ ઠરાવ પર શિખર સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે.
હમાસના રાજકીય બ્યૂરોના સભ્ય બાસેમ નઈમે જણાવ્યું હતું કે જૂથને આશા છે કે આ શિખર સંમેલન "મક્કમ અને એકીકૃત આરબ-ઇસ્લામિક વલણ" અને ઇઝરાયલ સામે "સ્પષ્ટ અને ચોક્કસ" પગલા લેશે.
અમેરિકાનું આ ક્ષેત્રમાં સૌથી મોટું લશ્કરી થાણું કતારમાં છે. આ ઉપરાંત, કતાર અમેરિકા અને ઇજિપ્ત તેમજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયો હાલમાં ઇઝરાયલની મુલાકાતે છે. તેમણે દોહા હુમલા પર ગુસ્સો વ્યક્ત કર્યો, પરંતુ તે જ સમયે તેમણે કહ્યું કે આનાથી અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના મજબૂત સંબંધોને નુકસાન થશે નહીં.
હુમલા અંગે કતારને આપવામાં આવેલી માહિતી અંગે વ્હાઇટ હાઉસના પ્રવક્તા કેરોલિન લેવિટના નિવેદન પર પહેલાંથી જ વિવાદ ચાલી રહ્યો છે. વ્હાઇટ હાઉસના મતે, 'હુમલા પહેલાં કતારને જાણ કરવામાં આવી હતી', પરંતુ કતારના વડા પ્રધાને કહ્યું કે તેમને 'હુમલા પછી 10 મિનિટ પછી આ માહિતી મળી હતી'.
'આરબ નાટો' કેટલું શક્ય છે?

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આરબ રાષ્ટ્રો વચ્ચે નાટો જેવું લશ્કરી સંયુક્ત દળ બનાવવાનો વિચાર ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ નિષ્ણાતો તેના અમલીકરણ અંગે બહુ સહમત નથી.
જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના નેલ્સન મંડેલા સેન્ટર ફૉર પીસ ઍન્ડ કૉન્ફ્લિક્ટ રિઝોલ્યુશનના ફેકલ્ટી મેમ્બર પ્રેમાનંદ મિશ્રા કહે છે, "અરબ નાટોના વિચાર પર અગાઉ પણ ચર્ચા થઈ હતી અને સાઉદી અરેબિયાએ તેના પર ઘણો ભાર મૂક્યો હતો. પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્મી ચીફ રાહીલ શરીફને પણ તેના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, પરંતુ મામલો આગળ વધી શક્યો નહીં."
તેમના મતે, "બધા દેશોનાં સુરક્ષા હિતો એટલાં અલગ છે કે તેમની વચ્ચે સર્વસંમતિ બનાવવી એ એક મુશ્કેલ કાર્ય છે. ઉદાહરણ તરીકે, શું સાઉદી અરેબિયા અને ઈરાન તેમના મતભેદોને ઉકેલીને સાથે આવી શકશે? કારણ કે જો સંયુક્ત લશ્કરી જોડાણ રચવાનું છે, તો ગુપ્ત માહિતીની આપ-લે પણ થશે."
છેલ્લા કેટલાક દિવસોમાં સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સંબંધો સામાન્ય કરવાના પ્રયાસો થયા હોવા છતાં, અન્ય દેશો વચ્ચે પ્રાદેશિક જોડાણ તરફ કોઈ નક્કર પગલા લેવામાં આવશે કે કેમ તે સ્પષ્ટ નથી.
પ્રેમાનંદ મિશ્રા કહે છે કે, ''આ પ્રસ્તાવ ઇજિપ્તથી આવ્યો છે, તે જોવાનું બાકી છે કે તે આ સ્થિતિમાં છે કે નહીં. અને શું આવા કોઈ જૂથને પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા અને નાટો દ્વારા અમલમાં મૂકવાની મંજૂરી આપવામાં આવશે.''
તેમનું કહેવું છે કે આરબ નાટો બનાવવાનો વિચાર ભૂતકાળમાં પણ હતો અને ભવિષ્યમાં પણ રહેશે, પરંતુ તેનો અમલ થશે કે કેમ તે અંગે ઘણી શંકા છે.
દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ખાતે સેન્ટર ફૉર વેસ્ટ એશિયા સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મુદસ્સિર કમર પણ માને છે કે આરબ દેશોમાં ઘણાં બહુપક્ષીય સંગઠનો છે, પછી ભલે તે આરબ લીગ હોય, ઓઆઇસી હોય કે જીસીસી.
આ ઉપરાંત, સાઉદી અરેબિયાના નેતૃત્વમાં એક ચરમપંથ વિરોધી લશ્કરી સંગઠન છે, પરંતુ વાસ્તવિક સમસ્યા આરબ દેશો વચ્ચેના પરસ્પર મતભેદોનો સામનો કરવાની છે.
મુદસ્સિર કમર કહે છે, "આવા કોઈ પણ જોડાણ માટે ઇઝરાયલને અવગણવું મુશ્કેલ બનશે, જે હાલમાં ઘણા આરબ દેશો સાથે તણાવ અને સંઘર્ષની સ્થિતિમાં છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












