ભારતનાં પ્રથમ મહિલા માઓવાદી કમાન્ડરની કહાણી જેઓ 25 વર્ષ સુધી લડ્યાં, પછી શા માટે સરેન્ડર કર્યું?

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shambala Devi

ઇમેજ કૅપ્શન, AK47 સાથે શમ્બાલા દેવી ઉર્ફે દેવક્કા
    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

શમ્બાલાદેવી મને પોતાની એક જૂની તસવીર બતાવે છે. તેમાં તેમણે ઘેરા લીલા રંગનું શર્ટ અને પૅન્ટ પહેર્યાં છે. હાથમાં એકે-47 રાઇફલ છે. કાંડા પર ઘડિયાળ અને કમરે વૉકી-ટૉકી બાંધેલાં છે.

આવી માત્ર બે જ તસવીર તેમની પાસે છે. આ વર્ષ 2000માં પાડવામાં આવી હતી. ફોટો એ સમયનો છે, જ્યારે તેઓ ભારતના સશસ્ત્ર માઓવાદી વિદ્રોહીઓનાં પહેલાં મહિલા કમાન્ડર બન્યાં હતાં. 25 વર્ષ જંગલમાં રહ્યાં પછી વર્ષ 2014માં તેમણે હથિયાર છોડીને આત્મસમર્પણ કરી દીધું.

આ વરસો દરમિયાન તેમણે ઘણી વખત પોતાનું નામ બદલ્યું. જ્યારે તેઓ વિદ્રોહીઓમાં સામેલ થયાં, ત્યારે તેમણે દેવક્કા નામ અપનાવ્યું. તેની પહેલાં તેઓ વટ્ટી અડિમે હતાં.

મોટા ભાગના સંઘર્ષોમાં મહિલાઓની ભાગીદારીને મહત્ત્વ નથી અપાતું. દેવીના પતિ રવીન્દર પણ માઓવાદી કમાન્ડર હતા. તેમના અનુભવો સંખ્યાબંધ તસવીરો અને વીડિયોમાં નોંધાયેલા છે. જ્યારે, દેવી વિશે ઘણી ઓછી માહિતી મળે છે.

અમે તેમની સશસ્ત્ર માઓવાદી કમાન્ડર બનવાની અને સરેન્ડર થવાની કહાની જાણવા માગતા હતા. શરૂઆતમાં તેમણે અમારી સમક્ષ પોતાની જીવનકહાની રજૂ કરવામાં ખંચકાટ અનુભવ્યો. આખરે, પોતાના ગામમાં મળવા માટે માની ગયાં. અમે તેમને મળવા તેમના ગામ ગયા.

દેવી હવે 50 વર્ષનાં છે. જ્યારે અમે તેમને મળ્યા, ત્યારે તેમણે વાદળી રંગની સાડી પહેરી હતી. તેમણે તેને ઊંચી બાંધી હતી, જેથી કામ કરતાં સમયે તે ભિંજાય નહીં.

તેમણે અમારા માટે ચા પણ બનાવી. અમારી વાતચીત ટુકડે ટુકડે થઈ. વાતચીત દરમિયાન તેઓ દાતરડું લઈને ખેતરમાં કામ કરવા માટે પણ ગયાં. અમે ત્યાં પણ તેમની સાથે ગયા અને વાતો કરી.

સશસ્ત્ર માઓવાદી સાથે જોડાવું

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, શમ્બાલા દેવી હવે ગ્રામીણ જીવનમાં પાછા ફર્યા છે

એ સમયની વાત છે, જ્યારે સશસ્ત્ર માઓવાદીઓના જૂથમાં ખૂબ ઓછી મહિલાઓ હતી. ત્યારે દેવીએ સામાન્ય ગ્રામ્ય જીવન છોડીને વિદ્રોહી રાજકારણ અને 'ગેરીલા યુદ્ધ'નો માર્ગ પસંદ કર્યો.

તેમણે જણાવ્યું, "અમે ભૂમિહીન હતાં, ગરીબ હતાં અને ઘણી વખત ભૂખ્યાં રહેતાં હતાં. અમને પાયાની આરોગ્ય સુવિધાઓ પણ નહોતી મળતી. જ્યારે અમે જંગલની જમીન ખેડવાની કોશિશ કરતાં ત્યારે વન અધિકારી અમને મારતા હતા. તેઓ પોલીસની સાથે મળેલા હતા."

જંગલની જમીનમાં ખેતી કરવી ગેરકાયદેસર છે. સ્થાનિક લોકો અને એક્ટિવિસ્ટ કહે છે કે ગામના લોકોને અટકાવવા અને તેમની બળજબરીપૂર્વકની દખલગીરી સામાન્ય વાત હતી.

દેવી જણાવે છે કે તેઓ ફક્ત 13 વર્ષનાં હતાં જ્યારે તેમણે પોતાના પિતાને વન અધિકારીઓના હાથે વારંવાર માર ખાતા જોયા. ત્યાર પછી પોલીસે તેમના પિતાને જેલમાં પૂરી દીધા.

આ બધું જોયા પછી દેવીએ ઘર છોડી દીધું અને હિંસાના માર્ગે ચાલી નીકળ્યાં. તેઓ દાવો કરે છે, "પોતાની વાત કહેવાની એક જ રીત હતી – બંદૂકની અણીએ."

જ્યારે અમે તેમને પૂછ્યું કે ગામના લોકોએ અધિકારીઓને ફરિયાદ કેમ ન કરી? તો તેમણે કહ્યું, "પોલીસ ક્યારેય અમારું નહોતા સાંભળતા" અને "વન અધિકારી ત્યારે જ પાછા હટતા હતા જ્યારે માઓવાદી આવતા હતા."

'ગરીબ આદિવાસી ક્ષેત્રો માટે એક મોટું સંકટ'

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દેવી વર્ષ 1988માં સશસ્ત્ર માઓવાદીઓ સાથે જોડાયાં. વર્ષ 2000ના દાયકામાં માઓવાદી વિદ્રોહ ચરમસીમાએ હતો. તે 10 રાજ્યમાં ફેલાયેલો હતો અને તેમાં હજારો લોકો સામેલ હતા. તેમનો ગઢ મધ્ય અને પૂર્વ ભારતનાં સુદૂર જંગલોમાં હતો.

ભારતનો આ માઓવાદી વિદ્રોહ ચીની ક્રાંતિકારી માઓત્સે તુંગની રાજ્યસત્તા વિરુદ્ધ જનયુદ્ધની વિચારધારા પર આધારિત છે.

વર્ષ 1967માં પશ્ચિમ બંગાળમાં નક્સલબાડી ગામમાં સશસ્ત્ર ખેડૂત વિદ્રોહ થયો હતો. તેની સાથે જોડીને તેને નક્સલવાદી આંદોલન પણ કહેવામાં આવે છે. દાયકાઓથી ચાલી રહેલા આ હિંસક વિદ્રોહમાં ઘણા ઉતાર-ચડાવ આવ્યા. તાજેતરનાં વર્ષોમાં તે ઘણો નબળો પડી ગયો છે.

આયોજનપૂર્વક ઓચિંતો હુમલો કરવાની ગેરીલા પદ્ધતિ અપનાવનાર આ વિદ્રોહીઓનું કહેવું છે કે તેઓ ગરીબ સમુદાયોમાં ન્યાયી રીતે જમીનની વહેંચણી કરવા અને સશસ્ત્ર સંઘર્ષથી સરકારને હટાવીને સામ્યવાદી સમાજની સ્થાપના માટે લડી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે દાયકાઓથી આ સુદૂર ગ્રામીણ વિસ્તારોની ઉપેક્ષા કરી છે. જંગલની જમીન હરાજી દ્વારા મોટી કંપનીઓને આપી રહી છે.

બીજી બાજુ, સરકારની દલીલ છે કે આ ગ્રામીણ સમુદાય જંગલની જમીન પર માલિકીહક નથી ધરાવતા. તેને ખેડી ન શકે. એટલું જ નહીં, તેમનું કહેવું છે કે મોટા ઉદ્યોગો દ્વારા જ વિકાસ થશે અને નોકરીઓ મળશે.

ચાલુ વર્ષે જૂનમાં, ગૃહમંત્રી અમિત શાહે નક્સલવાદને "ગરીબ આદિવાસી ક્ષેત્રો માટે એક મોટું સંકટ" ગણાવ્યો. તેમણે કહ્યું કે તેના કારણે જ આદિવાસી લોકો "ભોજન, વીજળી, શિક્ષણ, રહેઠાણ, શૌચાલય અને શુદ્ધ પાણી જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા".

આત્મસમર્પણ માટે તૈયાર ન થનારા માઓવાદીઓ પર હવે સરકારે 'રૂથલેસ અપ્રોચ'ની સાથોસાથે 'ઝીરો ટૉલરેન્સ નીતિ' પણ અપનાવી છે. તેના અમલ માટે સુરક્ષાદળોએ પોતાનાં અભિયાન વધુ તીવ્ર બનાવી દીધાં છે.

ગૃહમંત્રીએ જાહેરાત કરી છે કે, 31 માર્ચ 2026 સુધીમાં "ભારત નક્સલ-મુક્ત થઈ જશે".

સંઘર્ષમાં લોકો મૃત્યુ પામ્યા

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shambala Devi

ઇમેજ કૅપ્શન, જંગલમાં શમ્બાલા દેવીની તસ્વીર

દેવીના 1980ના દાયકાના દાવાની સ્વતંત્રપણે પુષ્ટિ કરવી, અમારા માટે સંભવ નથી. તેમના અનુસાર, તે સમયે ત્રીસ લોકોની પ્લાટૂનોનું નેતૃત્વ કરતાં તેઓ ક્યારેય કોઈ એક જગ્યાએ રોકાયાં નહીં. સુરક્ષાદળો પર આયોજનપૂર્વક એકાએક હુમલા કરવાના ઇરાદાથી તેઓ જુદાં જુદાં રાજ્યોમાં ફરતાં રહ્યાં.

તેઓ જણાવે છે, "મને યાદ છે, જ્યારે મેં પહેલી વખત આયોજનપૂર્વક હુમલો કર્યો. 45 કિલોની લૅન્ડમાઇન પાથરી અને એક માઇન-પ્રૂફ ગાડી ઉડાવી દીધી. તેમાં સુરક્ષાકર્મી મૃત્યુ પામ્યા."

તેમને આવા હુમલાના નેતૃત્વ માટે ગર્વ છે; એટલું જ નહીં, એ સ્પષ્ટ છે કે તેમાં મૃત્યુ પામેલાં સુરક્ષાદળો માટે તેમને સહેજે પસ્તાવો પણ નથી.

જોકે, અમે તેમના હાથે મૃત્યુ પામેલા લોકો વિશે ભારપૂર્વક ઘણી વખત સવાલ પૂછતા રહ્યા. તેઓ એવા સામાન્ય નાગરિકોનાં મૃત્યુ માટે દુઃખ જરૂર વ્યક્ત કરતાં હતાં જેમને તેમણે ભૂલથી, પોલીસના બાતમીદાર સમજીને મારી નાખ્યા અથવા જેઓ સુરક્ષાદળો પર હુમલો કરતા સમયે ગોળીબારમાં ફસાઈને મૃત્યુ પામ્યા.

તેમના અનુસાર, ‌"તે ખોટું લાગતું હતું, કેમ કે, અમે અમારા જ લોકોને મારી નાખ્યા હતા. હું તેમના ગામમાં જતી અને તેમના પરિવારની માફી માગતી હતી."

તેઓ યાદ કરીને એક ઘટના વિશે જણાવે છે. તેમના અનુસાર, એક વાર જ્યારે તેમની પ્લાટૂને સુરક્ષાકર્મીઓ પર આયોજનપૂર્વક એકાએક હુમલો કર્યો ત્યારે એક સુરક્ષાકર્મીની મોટરસાઇકલ પર બેઠેલા એક સામાન્ય નાગરિક પણ ઝપેટમાં આવીને મૃત્યુ પામ્યા હતા.

તેઓ કહે છે કે તેમનાં માતા ખૂબ ગુસ્સામાં હતાં. રડતાં રહેતાં હતાં અને પૂછતાં હતાં કે પ્લાટૂને રાતે હુમલો કેમ કર્યો? તે સમયે સામાન્ય નાગરિકોને ઓળખવા મુશ્કેલ હોય છે. દેવી અનુસાર, રાતના હુમલા વધુ અસરકારક હોય છે.

દેવીનું કહેવું છે કે તેમને ખબર નથી કે તેમણે કેટલા લોકોને માર્યા. પરંતુ સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચેની હિંસક અથડામણોમાં હજારો લોકો મૃત્યુ પામ્યા. તેમાંના મોટા ભાગના આદિવાસી સમુદાયના હતા.

દક્ષિણ એશિયામાં આતંકવાદ અને 'લો ઇન્ટેન્સિટી વૉરફેર'ના સૌથી મોટા ડેટાબેઝ 'સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલ' અનુસાર, આ સંઘર્ષમાં વર્ષ 2000થી 2025 સુધીમાં લગભગ 12,000 લોકોના જીવ ગયા છે. તેમાં ઓછામાં ઓછા 4,900 માઓવાદી, 4,000 સામાન્ય નાગરિક અને 2,700 સુરક્ષાકર્મી સામેલ છે.

હિંસા સહન કરવા અને સ્વજનોને ગુમાવનાર લોકોની ટીકા છતાં, દેવી દાવો કરે છે કે સ્થાનિક ગ્રામીણ ઘણી વાર માઓવાદીઓનું સમર્થન કરતા હતા. તેમને ભોજન અને અન્ય જરૂરી વસ્તુઓ આપતા હતા.

તેમનું કહેવું છે કે ઘણા આદિવાસી સમુદાય માઓવાદીઓને પોતાના મુક્તિદાતા માનતા હતા. તેમના અનુસાર, જે વિસ્તારો માઓવાદીઓના નિયંત્રણમાં આવ્યા, ત્યાં તેમણે જંગલની જમીન સામાન્ય લોકોમાં વહેંચી. તેમણે પાણી અને સ્વાસ્થ્ય સેવાઓ અપાવવામાં મદદ કરી.

આ સંદર્ભમાં અમે ગામના અમુક લોકો સાથે વાત કરી. તેમણે પણ દેવીના આ દાવાની પુષ્ટિ કરી.

પડકારો અને 'આઝાદી'

શરૂઆતમાં ગેરીલા યુદ્ધના શારીરિક અને માનસિક પડકારો દેવી માટે નવા હતા. તેમણે અગાઉ ક્યારેય જાહેરમાં પુરુષો સાથે વાત નહોતી કરી. તેથી તેમને તેમનું નેતૃત્વ કરવું અને તેમને આદેશ આપવાનું શીખવું પડ્યું. તેઓ જણાવે છે કે પુરુષ તેમનું સન્માન કરતા હતા; કેમ કે, તેમણે ઘણાં વર્ષો સુધી વાસ્તવિક ધરાતલ પર કામ કર્યા પછી આ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

તેમના અનુસાર, માઓવાદી સંગઠનમાં દરરોજ પાણી લાવવાની મહેનત–જવાબદારી મહિલાઓની હતી. શિબિરોને પાણીની જગ્યાથી દૂર બનાવવામાં આવતા હતા; કેમ કે, સુરક્ષાદળ ત્યાં જ શોધતા હતા. પ્લાટૂન સતત જંગલો અને પથરાળ વિસ્તારોમાં ફરતી રહેતી હતી. પિરિયડના મુશ્કેલ દિવસોમાં પણ મહિલાઓ માટે કશી રાહત નહોતી.

પરંતુ, દેવી એક 'આઝાદી'ના અનુભવની પણ વાત કરે છે. આ 'આઝાદી' તેમણે પોતાને સાબિત કરીને, પોતાની ઓળખ ઊભી કરીને અનુભવી.

તેઓ કહે છે, "આદિવાસી સમાજમાં મહિલાઓને પગનું જૂતું ગણવામાં આવતી હતી. તેમની કોઈ ઓળખ નહોતી—સિવાય કે કોઈની પત્ની કે માતા હોવાની. પરંતુ માઓવાદી સંગઠનમાં અમને અમારા કામથી ઓળખવામાં આવતા હતા – મારા માટે તે કમાન્ડર બનવાનું હતું."

દેવીનો દાવો છે કે જો તેઓ પોતાના ગામમાં જ રહ્યાં હોત, તો નાની ઉંમરે બળજબરીથી લગ્ન માટે મજબૂર કરવામાં આવ્યાં હોત. માઓવાદી બન્યાં પછી તેઓ પોતાની પસંદગીથી લગ્ન કરી શક્યાં.

પરંતુ, જેમ જેમ માઓવાદીઓ અને સુરક્ષાદળો દ્વારા હુમલા વધ્યા અને વધુ લોકોનાં મૃત્યુ થવા લાગ્યાં, દેવી પોતાના જીવન વિશે ફરીથી વિચારવા લાગ્યાં. તેમને લાગ્યું કે જે ક્રાંતિનો વાયદો કરાયો હતો, તે ક્યાંય દેખાતી નથી.

તેમણે કહ્યું, "એક બાજુ સુરક્ષાદળોએ તપાસ અભિયાન વધારી દીધાં. બીજી બાજુ, અમે પણ વધુ હુમલા અને હત્યાઓ કરતાં હતાં."

એ પ્રકારના જીવનને છોડવાનું બીજું એક કારણ, તેમનું બગડતું સ્વાસ્થ્ય હતું. તેમને હાડકાંનો ટીબી થઈ ગયો હતો. સારવાર માટે વારંવાર જંગલમાંથી શહેરની હૉસ્પિટલો સુધી છુપાઈને જવું પડતું હતું.

શમ્બાલાદેવી, રવિન્દર, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shambala Devi

ઇમેજ કૅપ્શન, દેવીના પતિ, શંબાલા રવિન્દર, પણ માઓવાદી કમાન્ડર હતા.

દેવી કહે છે, "કોઈ કાયમી પરિવર્તન ફક્ત રાષ્ટ્રવ્યાપી વિસ્તરણથી જ આવી શકતું હતું. પરંતુ અમે થાકી ગયા હતા. અમારો પ્રભાવ ઘટી રહ્યો હતો. લોકોનું સમર્થન પણ ઘટી રહ્યું હતું." તેમના અનુસાર, એક આંતરિક રિપોર્ટમાં પણ સંગઠનના સભ્ય બનવામાં ઘટાડો થયાની વાત જોવા મળી હતી.

સુદૂર વિસ્તારોમાં રહેતા સમુદાય એક સમયે મદદ માટે માઓવાદીઓનો સહારો લેતા હતા. હવે તેમના જીવનમાં પણ પરિવર્તન થઈ રહ્યું હતું. મોબાઇલ ફોન અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ બહારની દુનિયા સાથે સારી રીતે જોડાઈ રહ્યા હતા.

બીજી તરફ, સુરક્ષાદળ ડ્રોન જેવાં આધુનિક ઉપકરણોથી સશસ્ત્ર માઓવાદીઓને ગામોથી દૂર જંગલોમાં ભગાડી રહ્યા હતા. તેનાથી તેઓ વધુ છૂટા પડી રહ્યા હતા.

આત્મસમર્પણ કેમ કર્યું?

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shambala Devi

ઇમેજ કૅપ્શન, શમ્બાલા દેવી અત્યારે સરકારે આપેલી જમીન પર ખેતી કરે છે

25 વર્ષ જંગલોમાં રહ્યાં પછી, દેવીએ વર્ષ 2014માં સરકારની નીતિ હેઠળ હથિયાર છોડીને આત્મસમર્પણ કરી દીધું. તેના હેઠળ માઓવાદી ફરી વાર શસ્ત્ર નહીં ઉપાડવાની ગેરંટી સાથે આત્મસમર્પણ કરે છે. સરકાર તેમના પુનર્વાસ માટે રોકડ રકમ, જમીન અને પશુ આપે છે.

હવે દેવી એ જ ઘરેલુ ગ્રામીણ જીવનમાં પાછાં આવી ગયાં છે, જેનાથી તેઓ ભાગતાં હતાં.

આત્મસમર્પણ કર્યા પછી દેવી અને તેમના પતિને સરકાર તરફથી જમીનનો એક ટુકડો, રોકડ રકમ અને સસ્તા ભાવે 21 ઘેટાં મળ્યાં.

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Shambala Devi

ઇમેજ કૅપ્શન, શમ્બાલા દેવી પોતાના પતિ રવિન્દર અને દીકરી સાથે

આત્મસમર્પણની નીતિ ચોક્કસપણે એવું નથી કહેતી કે માઓવાદીઓના ગુના માફ કરી દેવામાં આવશે. દરેક કેસને જુદી જુદી રીતે જોઈને, એવું નક્કી કરવામાં આવશે કે કોઈની વિરુદ્ધ કોઈ કેસ ચલાવવામાં આવશે કે નહીં.

આ દંપતીનું કહેવું છે કે હવે તેમની વિરુદ્ધ હિંસાને લગતા એક પણ કાયદાકીય કેસ નથી. અમને સત્તાવાર રિપોર્ટ્સમાં પણ એવો કોઈ કેસ નોંધાયેલો જોવા નથી મળ્યો.

કેન્દ્ર સરકાર અનુસાર, છેલ્લાં 10 વર્ષમાં 8,000 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. બીજી તરફ, સાર્વજનિક રીતે એવી માહિતી નથી મળતી કે હવે કેટલા સશસ્ત્ર માઓવાદી બચ્યા છે અને ચરમસીમાએ કેટલા સક્રિય હતા.

આત્મસમર્પણ પછી દેવી ગ્રામ પરિષદમાં વૉર્ડ સભ્યની ચૂંટણી લડ્યાં અને જીત્યાં. વૉર્ડ સભ્ય ગામના મુખી સુધી લોકોની ફરિયાદો પહોંચાડવામાં અને સરકારી યોજનાઓને લાગુ કરવામાં મદદ કરે છે. તેઓ કહે છે, "હું જોવા માગતી હતી કે સરકાર સાથે કામ કરવું કેવું હોય છે."

શમ્બાલા દેવી, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ગ્રામજનો વચ્ચે શમ્બાલા દેવી અને એમના પતિ

અમે દેવી પાસેથી જાણવાની કોશિશ કરી કે આવતા વર્ષે માર્ચના અંત સુધીમાં બધા માઓવાદીઓને ખતમ કરવાની સરકારની જાહેરાત વિશે તેઓ શું વિચારે છે?

તેઓ થોડી વાર થોભીને કહે છે, "ભલે ને અંતમાં આ આંદોલન હારી જાય, પરંતુ ઇતિહાસ બની ગયો છે. દુનિયાએ એક મોટો સંઘર્ષ જોયો છે. તે કોઈ નવી પેઢીને ક્યાંક પોતાના અધિકારો માટે લડવાની પ્રેરણા આપી શકે છે."

પછી કહે છે, "તેઓ (સશસ્ત્ર માઓવાદી) નેતાઓને નિશાન બનાવીને મારી શકે છે, પરંતુ બધાને નહીં. મને નથી લાગતું કે તેઓ સંપૂર્ણ આંદોલન ખતમ કરી શકશે."

પરંતુ જ્યારે હું તેમને પૂછું છું કે શું તેઓ પોતાની 8 વર્ષની દીકરીને પણ સશસ્ત્ર માઓવાદીઓની સાથે મોકલવા ઇચ્છશે, તો તેમનો જવાબ સ્પષ્ટ છે.

તેઓ કહે છે, "ના, હવે અમે એવું જ જીવન જીવીશું, જેવું અહીં સમાજ જીવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન