ભારતીય વિજ્ઞાનીઓ સમુદ્રમાં 6000 મીટર નીચે જઈને શું કરવાના છે?

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મત્સ્ય-6000 પ્રોજેક્ટ હેઠળ 2026 સુધીમાં ભારત પ્રથમ વખત માનવોને ઊંડા સમુદ્રમાં મોકલશે
    • લેેખક, કે. શુભગુણમ
    • પદ, બીબીસી સંવાદદાતા

"સમુદ્ર તમારા ઘમંડને તોડી નાખશે."

આ શબ્દો નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન ટેકનૉલૉજીના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. સુબ્રમણ્યન અન્નામલાઈના કાનમાં આજે પણ ગુંજી રહ્યા છે.

ડૉ. સુબ્રમણ્યન ભારતના સમુદ્રયાન પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવી રહેલી મત્સ્ય-6000 સબમરીનના પાવર ડિવિઝનના વડા છે.

તેઓ કહે છે, "આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ બધું જાણતી નથી. મહાસાગર તેનું ઉત્તમ ઉદાહરણ છે. આવા મહાસાગરમાં લોકોને મોકલવાથી દરિયાઈ સંશોધનમાં ખૂબ મદદ મળશે. મત્સ્ય-6000 સબમર્સિબલ એવું જ કરવાની છે."

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઓશન ટેકનૉલૉજી ખાતે વિજ્ઞાનીઓની એક ટીમ છેલ્લાં ત્રણ વર્ષથી સમુદ્રયાન પ્રોજેક્ટ હેઠળ મત્સ્ય-6000 સબમરીનનું નિર્માણ કરી રહી છે.

આ સબમરીન ચેન્નાઈના પલ્લીકરનાઈસ્થિત નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન ટૅક્નૉલૉજીના પરિસરમાં વિજ્ઞાનીઓનાં કન્સેપ્ટ તથા ડિઝાઇન મુજબ વિકસાવવામાં આવી રહી છે. બીબીસીની ટીમે આ સબમરીનની મુલાકાત લીધી હતી.

ચેન્નાઈના નજીકના સમુદ્રમાં ટૂંક સમયમાં આ સબમરીનનું પરીક્ષણ કરવામાં આવશે.

બીબીસીની ટીમ આ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવવા માટે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન ટૅક્નૉલૉજીમાં મત્સ્ય-6000ની ટીમને મળી હતી. આ પ્રોજેક્ટ હેઠળ 2026 સુધીમાં ભારત પ્રથમ વખત માનવોને ઊંડા સમુદ્રમાં મોકલશે.

ભારતીય વિજ્ઞાનીઓ ઊંડા સમુદ્રમાં જશે

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રોજેક્ટના ડિરેક્ટર ડૉ. વેધાચલમ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ સમગ્ર વર્ષ દરમિયાન પ્રયોગોના વિવિધ તબક્કા હાથ ધરવાની વિજ્ઞાનીઓની યોજના છે. એ બધા પ્રયોગોમાં સફળતા મળશે તો ભારતીય વિજ્ઞાનીઓ 2026 સુધીમાં મધ્ય હિંદ મહાસાગરમાં 6,000 મીટરની ઊંડાઈએ ડગલું મૂકશે.

ચીને 2020માં વિશ્વના સૌથી ઊંડા બિંદુએ, 10,909 મીટરની ઊંડાઈએ મારિયાના ટ્રેન્ચ નામનું સમાનવ સબમર્સિબલ મોકલ્યું હતું. અત્યાર સુધીમાં માત્ર રશિયા, જાપાન, ફ્રાન્સ અને અમેરિકાએ જ માનવોને ઊંડા સમુદ્રમાં મોકલ્યા છે. ભારત પણ ટૂંક સમયમાં એ યાદીમાં સામેલ થઈ જશે, તેવો વિજ્ઞાનીઓને વિશ્વાસ છે.

આ પ્રોજેક્ટના ડિરેક્ટર ડૉ. વેધાચલમ કહે છે, "ભારતમાંની આ એકમાત્ર કંપની પાસે સબમરીન બનાવવાની ક્ષમતા છે. તેથી અમારા વિજ્ઞાનીઓએ તેની સંપૂર્ણ ડિઝાઇન અને યોજના બનાવી છે તેમજ માણસોને ઊંડા સમુદ્રમાં લઈ જઈ શકે તેવી દેશની પ્રથમ સબમરીન બનાવી છે."

ડૉ. વેધાચલમના કહેવા મુજબ, "મત્સ્ય-6000 સબમરીનનું સંચાલન એક નાવિક કરશે. તેની સાથે એક સહનાવિક અને એક વિજ્ઞાની પણ ઊંડા સમુદ્રમાં જશે."

તેમના જણાવ્યા અનુસાર, રમેશ રાજુ નામના એક વિજ્ઞાની આ સબમરીન પ્રોજેક્ટ શરૂ થયો ત્યારથી તેના પર કામ કરી રહ્યા છે. તેઓ તેનું સંચાલન કરનાર નાવિક હશે. "ભારતીય નૌકાદળના એક નાવિક તેમને મદદ કરશે અને આ ટીમમાંની ત્રીજી વ્યક્તિ એક વૈજ્ઞાનિક હશે, જે ઊંડા સમુદ્રમાં સંશોધન કરશે."

"આ સબમરીન સાથે ભારતનો સમાવેશ વિશ્વના એવા જૂજ દેશોની યાદીમાં થશે, જેમણે આવી સિદ્ધિ મેળવી છે," એવું ડૉ. વેધાચલમે બીબીસીને કહ્યું ત્યારે મત્સ્ય-6000 ટીમના વિજ્ઞાનીઓના ચહેરા ગર્વથી ચમકી ઊઠ્યા હતા.

માનવોને ઊંડા સમુદ્રમાં કેવી રીતે મોકલવામાં આવશે?

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, NIOT

ઇમેજ કૅપ્શન, સબમરીનના આગળના નળાકાર હિસ્સામાં ત્રણ લોકો બેસીને મુસાફરી કરશે

ડૉ. વેધાચલમના જણાવ્યા મુજબ, "મત્સ્ય-6000 સબમરીનને જહાજ દ્વારા સર્વેક્ષણ માટેના વિસ્તારમાં લઈ જવામાં આવશે અને પછી સમુદ્રમાં મુક્ત કરવામાં આવશે."

તેઓ સમજાવે છે, "સબમરીનને જહાજ પરથી દરિયાની સપાટી પર મૂકવામાં આવશે. તેમાં ટીમ બેસી જશે પછી તેને સમુદ્રમાં ઊંડે મોકલવામાં આવશે."

લાંબા ટાઇટેનિયમ મેટલ સ્ટ્રક્ચરમાં બૅટરીથી માંડીને સબમરીન ચલાવવા માટે જરૂરી તમામ ટૅક્નૉલૉજી વિજ્ઞાનીઓ તૈયાર કરી રહ્યા છે. સબમરીનના આગળના નળાકાર હિસ્સામાં ત્રણ લોકો બેસીને મુસાફરી કરશે.

મત્સ્ય-6000ની ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઇન કરનાર ડૉ. રમેશ પણ તેનું સંચાલન કરશે. ડૉ. રમેશ પાસે સમુદ્રમાં માનવરહિત સ્વાયત્ત સબમરીન્સ ચલાવવાનો 20થી વધુ વર્ષનો અનુભવ છે.

ડૉ. રમેશના જણાવ્યા અનુસાર સબમરીન ઊંડાણમાં જાય ત્યારે વધુ પડતી ઊર્જાનો વ્યય ન થાય એવી રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે. સબમરીનનાં તમામ કાર્યો તે ચોક્કસ ઊંડાણ સુધી પહોંચશે ત્યારથી જ શરૂ થશે.

સમુદ્રયાન પ્રોજેક્ટનો હેતુ શું છે?

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મત્સ્ય-6000 ટીમના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. સત્યનારાયણ જણાવે છે કે હિન્દ મહાસાગરનો મધ્ય ભાગ પૉલિમેટલ્સથી સમૃદ્ધ છે

મત્સ્ય-6000 ટીમના વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. સત્યનારાયણ જણાવે છે કે હિન્દ મહાસાગરનો મધ્ય ભાગ પૉલિમેટલ્સથી સમૃદ્ધ છે.

તેઓ કહે છે, "હિન્દ મહાસાગરમાં પૉલિમર, નિકલ, તાંબું, મૅંગેનીઝ અને કોબાલ્ટ જેવી ધાતુઓનું મિશ્રણ વિપુલ પ્રમાણમાં છે. આ પ્રમાણ આંતરરાષ્ટ્રીય જળમાં ભારતને ફાળવવામાં આવેલા વિસ્તારમાંના ઊંડા સમુદ્રતળમાં ફેલાયેલું છે."

આ વિશે સંશોધન કરવા માટે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશન ટૅક્નૉલૉજીએ શરૂઆતમાં ROSUB 6000 નામની માનવરહિત સબમરીન વિકસાવી હતી. તેમાં સફળતા મળ્યા બાદ તે વિસ્તારનો વધુ અભ્યાસ કરવા માટે છેલ્લાં ત્રણ વર્ષમાં મત્સ્ય-6000 વિકસાવવામાં આવી છે.

આ બાબતે જાણકારી આપતા ડૉ. સત્યનારાયણ કહે છે, "આપણે ભલે ગમે તેટલી માનવરહિત ટૅક્નૉલૉજી સમુદ્રમાં અભ્યાસ માટે મોકલીએ, પરંતુ આપણે પોતાની આંખે અવલોકન અને અભ્યાસ કરીએ ત્યારે જ ઘણી માહિતી જાણવા મળે છે."

તેઓ ઉમેરે છે, "મત્સ્ય-6000 હિન્દ મહાસાગરના ઊંડા સમુદ્રતળમાં ખનિજ સંસાધનોથી માંડીને સજીવનો સુધીની દરેક વસ્તુનો અભ્યાસ કરશે. મત્સ્ય-6000ના આગળના હિસ્સામાં બે રોબૉટિક હાથ છે. તેમાં બાસ્કેટ આકારની એક રોબૉટિક સિસ્ટમ પણ છે, જે 200 કિલો જેટલાં સૅમ્પલ્સ એકઠાં કરી શકે છે."

તેમના જણાવ્યા મુજબ, ઊંડા સમુદ્રમાં સંશોધનમાં ખડકો અથવા ખનિજો જેવાં સૅમ્પલ્સ એકત્રિત કરવાના હોય ત્યારે રોબૉટિક આર્મ્સનો ઉપયોગ તેને ઉપાડવા, સ્ટોરેજ બાસ્કેટમાં મૂકવા અને સપાટી પર લાવવા માટે કરી શકાય છે.

નવીન બૅટરી ટૅક્નૉલૉજીનો ઉપયોગ

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, મત્સ્ય ટીમના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, તેમણે આ સબમરીન માટે બિનપરંપરાગત અભિગમ અપનાવ્યો છે

મત્સ્ય ટીમના વિજ્ઞાનીઓના જણાવ્યા મુજબ, તેમણે આ સબમરીન માટે બિનપરંપરાગત અભિગમ અપનાવ્યો છે. એવું કોઈ દેશે અગાઉ કર્યું નથી.

સામાન્ય રીતે લેડ-ઍસિડ બૅટરી, સિલ્વર-ઝિંક બૅટરી, લિથિયમ-આયન વગેરે જેવી બૅટરીનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ મત્સ્ય સબમરીનમાં લિથિયમ-પૉલિમર બૅટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ બાબતે વધુ વિગત આપતાં સુબ્રમણ્યન અન્નામલાઈ કહે છે, "ભારતમાં આવી અદ્યતન બૅટરીનો ઉપયોગ પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે."

"તેનું કદ, ક્ષમતા અને વજન ઓછું છે. તેથી તે સબમરીનમાં ઓછી જગ્યા રોકશે. દાખલા તરીકે, આપણે ઘરોમાં જે બૅટરીનો ઉપયોગ કરીએ છીએ તેના કરતાં પણ પાંચથી છ ગણી ઓછી જગ્યા તે રોકશે, પરંતુ મોટા પ્રમાણમાં વીજળી પૂરી પાડી શકશે."

સબમરીનને સમુદ્રમાં 6,000 મીટરની ઊંડાઈએ પહોંચવામાં ચાર કલાકનો સમય લાગશે. તે ચાર કલાક ઊંડા સમુદ્રમાં સંશોધન કરશે. આ સબમરીન ઊંડા સમુદ્રમાં કુલ 12 કલાક કામ કરશે.

જોકે, ડૉ. વેધાચલમ જણાવે છે કે સલામતીના કારણોસર લગભગ 108 કલાકના અનામત પાવર માટે પૂરતી બૅટરીઓ સ્થાપિત કરવામાં આવી છે.

ઊંડા સમુદ્રમાં કેવા પડકારોનો સામનો કરવો પડશે?

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉ. બાલા નાગાજ્યોતિ

સૌથી પહેલો પડકાર અંધકાર હશે. સૂર્યપ્રકાશ ઊંડા સમુદ્રમાં પ્રવેશતો નથી. એટલું જ નહીં, સેટેલાઇટ આધારિત જીપીએસ ટૅક્નૉલૉજી પણ ત્યાં કામ કરતી નથી.

આવી પરિસ્થિતિમાં સબમરીન શોધવાથી માંડીને તેના માર્ગમાં રહેલાં જોખમોને ઓળખવાં સુધીની દરેક બાબતોમાં ભરપૂર પડકારો હશે.

તેના નિરાકરણ માટે ઍકૉસ્ટિક પોઝિશનિંગ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે. ઍકૉસ્ટિક પોઝિશનિંગ ટૅક્નૉલૉજી, વ્હેલ અને ડૉલ્ફિન જેવા ઊંડા સમુદ્રના જીવોની માફક, તેની આસપાસના વાતાવરણને સમજવા માટે અવાજનો ઉપયોગ કરવામાં આવે છે. એવી જ રીતે સપાટી પરના જહાજમાંથી ધ્વનિ તરંગો મોકલીને સબમરીન સાથે સંચાર સ્થાપિત કરી શકાય છે.

મત્સ્ય-6000 સબમરીનના નૅવિગેશન વિભાગના વિજ્ઞાની ડૉ. બાલા નાગજ્યોતિએ બીબીસીને આ ટૅક્નૉલૉજી સમજાવી હતી.

ડૉ. બાલા નાગજ્યોતિ કહે છે, "ઊંડા સમુદ્રમાં કોઈ વસ્તુનું ચોક્કસ સ્થાન નક્કી કરવું ખૂબ જ પડકારજનક હોય છે. તેમાં જીપીએસનો ઉપયોગ કરી શકાતો નથી. તેના બદલે ઍકૉસ્ટિક પોઝિશનિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. આ ટૅક્નૉલૉજી વડે ઊંડા સમુદ્રના જીવોની માફક મત્સ્ય-6000નું લોકેશન, તેનો માર્ગ જાણી શકાશે તથા તેમાંની ટુકડી સાથે વાતચીત કરી શકાશે."

બીજો વધુ નોંધપાત્ર પડકાર જોરદાર દબાણ હશે. ઊંડા સમુદ્રમાંનું પ્રેશર જમીન પરના દબાણ કરતાં સેંકડો ગણું વધારે હોય છે.

ડૉ. બાલા નાગજ્યોતિના કહેવા મુજબ, "ઊંડા સમુદ્રમાં દર 1,000 મીટરે પ્રેશર 100 ગણું વધે છે. તેથી 6,000 મીટરની ઊંડાઈએ જમીન કરતાં બહુ જ વધુ દબાણ હશે. તેનો સામનો કરવા માટે મત્સ્ય સબમરીનને ટાઇટેનિયમ ધાતુ વડે બનાવવામાં આવી છે."

તેઓ ઉમેરે છે કે સબમરીનના જે નળાકાર હિસ્સામાં લોકો બેસવાના છે તેને ટાઇટેનિયમમાંથી બનાવવામાં ઈસરોએ મદદ કરી છે.

6000 મીટરની ઊંડાઈએ જે જોખમો છે તેનો સામનો મત્સ્ય કરી શકશે?

મત્સ્ય 6000, સમુદ્રયાન, ભારત, વિજ્ઞાન, સંશોધન, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડૉ. રમેશ રાજુ

આ સબમરીનનું નિર્માણ ઊંડા સમુદ્રમાં માત્ર 12 કલાક ચલાવવા માટે કરવામાં આવ્યું છે. કોઈ અણધાર્યા પડકારો કે ટૅક્નિકલ સમસ્યાઓને કારણે આ સબમરીન સપાટી પર ન આવી શકે તો તેવા કિસ્સામાં ચાલક દળના ત્રણ સભ્યોને 108 કલાક સુધી સલામત રાખવા માટે તેની પાસે પૂરતો ઑક્સિજન અનામત હશે.

એ ઉપરાંત સમુદ્રની સપાટી પરના જહાજમાં મત્સ્ય જેવું જ એક સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. તેનું સંચાલન પણ એક નાવિક, એક સહ-નાવિક અને એક વિજ્ઞાની કરશે. ઊંડા સમુદ્રમાં ગયેલી મત્સ્યમાંના ત્રણ લોકોનું સ્થાન આ લોકો લેશે.

ડૉ. વેધાચલમ જણાવે છે કે ઊંડા સમુદ્રમાં ચાલતી કામગીરી પર સતત નજર રાખવામાં આવશે અને સબમરીનમાંની કોઈ પણ સમસ્યાના નિરાકરણ માટે માર્ગદર્શન આપવામાં આવશે.

સત્યનારાયણનના કહેવા મુજબ, આ સબમરીન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ઊંડા સમુદ્રમાં શોધ તથા બચાવ કામગીરી, ખનિજ સંશોધનો અને ત્યાં રહેતા જીવોનો અભ્યાસમાં પણ મદદરૂપ થશે.

સમુદ્રયાન પ્રોજેક્ટ બાબતે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મરીન ટૅક્નૉલૉજી ડિરેક્ટર બાલાજી રામક્રિષ્ણન કહે છે, "અમને વિશ્વાસ છે કે ભારતમાં આવું કંઈક પણ થઈ શકે છે તેવું આ પ્રોજેક્ટ પૂરવાર કરશે. એ ઉપરાંત અન્ય ઘણી ટેક્નોલોજીકલ પ્રગતિ પણ થશે."

તેમના મતે, ભારતના મહાસાગર સંશોધનમાં આ પ્રોજેક્ટ સીમાચિહ્નરૂપ હશે.

રમેશ રાજુના કહેવા મુજબ, આ પ્રોજેક્ટ અંતર્ગત ઊંડા સમુદ્રમાં મુસાફરી કરનાર દેશની પ્રથમ ટીમનો હિસ્સો હોવાનો તેમને ગર્વ છે. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશન ટૅક્નૉલૉજીના વિજ્ઞાનીઓ કોઈ પણ ડર વિના આ પ્રોજેક્ટમાં આગળ ધપશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook , Instagram , YouTube, TwitterઅનેWhatsAppપર ફૉલો કરી શકો છો.