કેકી મૂસઃ એ મહાન કલાકાર જેમણે રેલવે સ્ટેશને 50 વર્ષ સુધી પ્રેમિકાની રાહ જોઈ

ઇમેજ સ્રોત, Kamalakar Samant
- લેેખક, પ્રિયંકા જગતાપ
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
પાછા મળવાનું વચન આપીને વિદાય લેનાર પ્રેમિકા માટે કોઈ કેટલાં વર્ષ કે કેટલા દાયકા સુધી રાહ જોઈ શકે?
વિશ્વ વિખ્યાત ફોટોગ્રાફર કેકી મૂસે મહારાષ્ટ્રના ચાલીસગાંવમાં રહીને લગભગ 50 વર્ષ સુધી પોતાની પ્રેમિકાની રાહ જોઈ હતી. તેઓ એક એવા પ્રેમી હતા જેઓ દરરોજ મધરાતે આવતી ટ્રેનને જોયા કરતા અને એક દિવસ તેમની પ્રિયતમા ટ્રેનમાં આવશે તેવી આશા રાખતા હતા.
આ દરમિયાન તેઓ કેટલાય દાયકા સુધી પોતાના ઘરની બહાર પણ નીકળ્યા ન હતા. તેમણે પોતાની કળા બદલ જીવનમાં 300થી વધારે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
કેકી મૂસે પોતાની પથ્થરની હવેલીમાં જ રહીને પોતાની અનેક તસવીરો અને કળાકૃતિઓને જન્મ આપ્યો હતો. આ મહાન કલાકારે પોતાના જીવનના પાંચ દાયકા બધાથી અલગ રહીને ગાળ્યા હતા.
આજે આપણે કેકી મૂસ વિશે જાણીએ જેમણે પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના જીવનને કળા અને પ્રેમ માટે સમર્પિત કરી દીધું હતું.
પ્રેમિકા માટે 50 વર્ષ સુધી રાહ જોઈ

ઇમેજ સ્રોત, Kamalakar Samant
કેકીની પ્રેમકહાણી એક દંતકથા સમાન છે. તેમની પ્રેમિકાએ જે વચન આપ્યું હતું તેના પર ભરોસો મૂકીને તેઓ લગભગ 50 વર્ષ સુધી ટ્રેનની રાહ જોતા રહ્યા.દરરોજ પંજાબ મેલ ન આવે ત્યાં સુધી તેઓ ખાવાનું ખાતા ન હતા અને જીવનના છેલ્લા શ્વાસ સુધી આમ ચાલુ રહ્યું.
ખાનદેશના મહાન કલાકાર કાલમહર્ષિ કાકી મૂસે આ પ્રેમને ખાતર જ ચાલીસગાંવમાં મૂસ આર્ટ ગૅલેરી સ્થાપી હતી. કલામહર્ષિ કેકી મૂસ આર્ટ ગેલેરીના ટ્રસ્ટી અને કાર્યકારી સચિવ કમલાકર સાવંત તેમને સૌથી પહેલાં શાળાના દિવસોમાં ચાલીસગાંવમાં મળ્યા હતા.
તેમની જાણકારી મુજબ કેકીને એક સ્ત્રીમિત્ર હતાં. કેકીએ જ્યારે મુંબઈ છોડીને ચાલીસગાંવમાં રહેવાનો નિર્ણય લીધો, ત્યારે તેમના સ્ત્રીમિત્ર પણ તેમની સાથે આવવાનાં હતાં. તેમના બંનેનાં લગ્ન થવાનાં હતાં, પણ તેમનો પરિવાર આ લગ્નની વિરુદ્ધ હતો. તેથી તેમણે કેકીનાં પ્રેમિકાને કેકીની સાથે ન મોકલ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જે દિવસે કેકી મુંબઈ છોડીને ચાલીસગાંવ જવા રવાના થયા, ત્યારે તેમની પ્રેમિકા મુંબઈના વિક્ટોરિયા સ્ટેશને તેમને વિદાય આપવા આવ્યાં હતાં, જે આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે ઓળખાય છે.
ત્યાં તેમણે કેકી મૂસનો હાથ પોતાના હાથમાં લીધો અને તેમને વચન આપ્યું કે એક દિવસ તેઓ પંજાબ મેલમાં સવાર થઈને ચોક્કસ ચાલીસગાંવ આવશે અને બંને જણ સાથે મળીને ભોજન લેશે.
કેકી મૂસને પ્રેમિકાના વાયદા પર ભરોસો હતો. તેમના બંગલાના બધા દરવાજા અને બારી આમ તો આખો દિવસ બંધ રહેતી, પરંતુ ટ્રેન આવવાનો સમય થતો ત્યારે બારી-દરવાજા ખોલી નાખવામાં આવતા. તેઓ લાઇટ ચાલુ કરતા અને દરરોજ બગીચામાંથી લાવવામાં આવેલાં તાજાં ફૂલોનો એક ગુલદસ્તો પણ તૈયાર કરતા હતા.
ત્યાર પછી તેમના બગીચામાં જ્યારે ફૂલ ઓછાં થઈ ગયાં, ત્યારે તેમણે સજાવટના કાગળોનો એક પુષ્પગુચ્છ હંમેશાં તૈયાર રાખ્યો હતો.
તેઓ દરરોજ રાતે બે વ્યક્તિનું ભોજન બનાવતા. આ રીતે તેઓ પ્રેમિકાનું સ્વાગત કરવા દરરોજ તૈયાર રહેતા હતા.
કાલમહર્ષિ કેકી મૂસ આર્ટ ગેલેરીના ટ્રસ્ટી અને કાર્યકારી સચિવ કમલાકર સામંત કહે છે, "તેમણે પોતાની પ્રેમિકાને આપેલું વચન છેક સુધી નિભાવ્યું હતું. તેઓ દરરોજ પંજાબ મેલ ટ્રેન રવાના થાય પછી જ ખાતા હતા. 31 ડિસેમ્બર, 1989ના રોજ તેમના જીવનની અંતિમ રાતે પણ તેમણે પંજાબ મેલ રવાના થયા પછી જ ભોજન લીધું હતું."
સામંતના કહેવા મુજબ કેકીના નિધન પછી તેમને બે પત્ર મળ્યા હતા. તેમાંથી એક પત્ર તેમની પ્રેમિકાનો હતો જ્યારે બીજો પત્ર તેમના એક સ્વજન હાથીખાનવાલાનો હતો.
તે પત્રમાં હાથીખાનવાલાએ કેકીને લખ્યું હતું કે તેમની પ્રેમિકાને લંડન મોકલી દેવામાં આવી છે અને ત્યાં જ તેમનાં લગ્ન પણ થઈ ગયાં છે. જોકે, સામંતે ખુલાસો કર્યો કે તેમણે તે પત્ર ક્યારેય વાંચ્યો ન હતો.
50 વર્ષમાં કેકી માત્ર બે વખત ઘરની બહાર નીકળ્યા

ઇમેજ સ્રોત, KAMALAKAR SAMANT
50 વર્ષમાં માત્ર બે વખત ઘરની બહાર નીકળ્યા હતા. બીબીસી મરાઠી સાથે આ વિશે વાત કરતા કમલાકર સાવંતે કહ્યું, "કેકીએ સ્વયં 50 વર્ષની કેદ સ્વીકારી હતી."
1939થી 1989 સુધીનાં 50 વર્ષમાં તેઓ માત્ર બે વખત ઘરની બહાર નીકળ્યા. 1957માં તેઓ પોતાનાં માતાના અંતિમ સંસ્કાર માટે ઔરંગાબાદ ગયા હતા.
બીજી વખત 1970માં ભૂદાન આંદોલન વખતે તેઓ વિનોબા ભાવેની તસવીર લેવા માટે ચાલીસગાંવ રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાં ગયા હતા. વિનોબા ભાવેના ભાઈ શિવાજી નરહર ભાવે કેકીના ખાસ મિત્ર હતા. તેથી તેમના આગ્રહના કારણે કેકી ઘરમાંથી બહાર નીકળ્યા હતા.
"ભારતના તત્કાલીન વડા પ્રધાન જવાહર લાલ નહેરુએ કેકીને ચાલીસગાંવ રેલવે સ્ટેશને તેમને મળવા માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ તેમણે વિવેકપૂર્વક આમંત્રણનો અસ્વીકાર કરી દીધો હતો."
સાથે સાથે તેમણે સંદેશ મોકલ્યો કે "મેં તૈયાર કરેલું પોર્ટ્રેટ તમને જોઈતું હોય તો તમારે મારા ઘરે આવવું પડશે. મારા ઘરમાં આપનું સ્વાગત છે. તે વખતે પંડિત જવાહરલાલ નેહરુ સ્વયં કેકીને મળવા તેમના ઘરે આવ્યા હતા."
કેકી ક્યારેય ઘરમાંથી બહાર નહોતા જતા પરંતુ કેટલાય દિગ્ગજો કેકીના ઘરે જતા હતા અને તેમની સાથે વાતચીત કરતા હતા.
તેમાં જવાહરલાલ નહેરુ, બાબા આમ્ટે, આચાર્ય અત્રે, નારાયણ સીતારામ ફડકે, જયપ્રકાશ નારાયણ, સાને ગુરુજી, મહર્ષિ ઘોડો કેશવ કર્વે, વસંત દેસાઈ, પંડિત મહાદેવ શાસ્ત્રી જોશી, શ્રી એમ. માટે, બાલ ગાંધર્વ અને બીજાં ઘણાં મોટાં નામોનો સમાવેશ થતો હતો. કેકીના મ્યુઝિયમમાં આમાંથી મોટા ભાગની વ્યક્તિઓના ફોટોગ્રાફ સામેલ છે.
કળાના ગળાડૂબ પ્રેમમાં પડેલી વ્યક્તિ

ઇમેજ સ્રોત, ADV Kranti Patankar
કેકી મૂસ એક વિશ્વવિખ્યાત ફોટોગ્રાફર હતા. તેઓ એક ચિત્રકાર, સંગીતપ્રેમી, સંગીત સંગ્રહક, ઉત્કૃષ્ટ શિલ્પકાર, લાકડા પર નકશીકામ કરનાર અને કાગળને જુદાંજુદાં આકારમાં ફોલ્ડ કરવાની કળાના નિષ્ણાત હતા.
આ ઉપરાંત તેઓ એક મહાન લેખક, અનુવાદક, વ્યાખ્યાકાર અને ફિલોસોફર પણ હતા. તેમણે લગભગ તમામ ધર્મોના ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તેઓ પંડિત ફિરોજ ફરંઝી, પ્રો. નાસિરખાન અને ઉસ્તાદ દીન મોહમ્મદ પાસેથી સિતારવાદન શીખ્યા હતા.
તેઓ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, હિંદી, ગુજરાતી, ઉર્દૂ અને મરાઠી ભાષા જાણતા હતા. પુસ્તકો એકઠા કરવા અને પોતાની લાઈબ્રેરી બનાવવાના હેતુથી તેમણે લગભગ 4000 પુસ્તકો એકઠાં કર્યાં હતાં. તેઓ ઉર્દૂ શાયરીના પણ બહુ સારા વિવેચક હતા.
તેમણે અન્ય કલાકારોની કૃતિઓ, લાકડાનું નકશીકામ, મૂર્તિઓ અને પ્રાચીન ચીજવસ્તુઓ, દુર્લભ જૂના માટીના વાસણો, રમકડાં, જૂનું ફર્નિચર, સિક્કા એકત્ર કર્યા હતા.
કેકીને અલગ અલગ પ્રકારના સંગીતની કેસેટ અને ગ્રામોફોન રેકૉર્ડ એકઠી કરવાનો શોખ હતો. તેમની પાસે હિંદી, મરાઠી, ગુજરાતી, રાજસ્થાની ગીતોની સાથે સાથે બાળગીતો, ભાવગીતો, ભક્તિગીતો, ભજન, અભંગ, ગઝલ, કવ્વાલી, કજરી, ઠુમરી, રાગદારી જેવા અલગ અલગ પ્રકારના સંગીતનો સંગ્રહ હતો.
તેમની ફોટોગ્રાફિક શૈલીઓમાં ફેક ફોટોગ્રાફી, સ્થિર ફોટોગ્રાફી, પોર્ટ્રેટ, પશુ અભ્યાસ, કેરિકેચર ફોટોગ્રાફી પણ લોકપ્રિય હતી. તેમના ફોટોગ્રાફ્સમાં વિચ, બેગર વિધાઉટ, શિવપાર્વતી, વિન્ટર, ત્રિશાર્ટ, વાત્સલ્ય વગેરે વિશેષ રીતથી લોકપ્રિય હતા.
ટેબલટૉપ ફોટોગ્રાફી માટે પ્રસિદ્ધ

ઇમેજ સ્રોત, ADV Kranti Patankar
તેઓ પોતાની ટેબલટૉપ ફોટોગ્રાફી માટે પણ વિખ્યાત થયા હતા. ટેબલટૉપ ફોટોગ્રાફીમાં જે. એન. ઉનવાલા પાસેથી તેઓ ટેબલટૉપ ફોટોગ્રાફી શીખ્યા હતા.
વસ્તુઓની રચનાત્મક વ્યવસ્થા કરીને અને છાયા પર વિશેષ ધ્યાન આપીને યોગ્ય ઊંચાઈ પરથી લેવામાં આવેલી તસવીરને ટેબલટૉપ ફોટો કહે છે.
ટેબલટૉપ ફોટોગ્રાફી દ્વારા લેવામાં આવેલી તસવીરો જીવંત લાગે છે. આ ટેબલટૉપ ફોટોગ્રાફી માટે જરૂરી સામાન તેમણે ઘર પર જ એકઠો કરી લીધો હતો.
ટેબલટૉપ માટે તેમના દ્વારા ઉપયોગ કરવામાં આવેલી તમામ ચીજો આજે પણ ચાલીસગાંવની કેકી મૂસ આર્ટ ગૅલેરીમાં રાખેલી છે. આ ગૅલેરીમાં તેમની લગભગ 1500 કૃતિઓ રચનાત્મક રીતે ગોઠવવામાં આવી છે.
તે વખતે કેકીની તસવીર 'ધ વિચ ઑફ ચાલીસગાંવ'ને 'બેલ્જિયમ ફાઇન આર્ટ સોસાયટી' તરફથી ગોલ્ડ મેડલ મળ્યો હતો.
કેકી મૂસ પર સંશોધન કરનાર અને અનેક લેખો લખનારા ક્રાંતિ અઠાવલે-પાટનકર કહે છે કે કેકીને લગતો એક કિસ્સો છે કે એક વખત કેકીને સમયમર્યાદા પૂરી થવા છતાં પોતાની પસંદગી મુજબ મોડેલ ન મળી. તેમણે ભગવાનને મોડેલ મોકલવા માટે પ્રાર્થના કરી.
બીજા દિવસે સવારે કેકી પોતાના ઘરના વરંડામાં વાળ સૂકવતા હતા. ત્યારે ત્યાંથી પસાર થતાં એક દાદીને લાગ્યું કે આ કોઈ ડૉક્ટર છે. તેથી દવા લેવા માટે તેઓ તેમની પાસે આવ્યાં.
કેકીને તરત લાગ્યું કે તેઓ જે મોડલ ઇચ્છતા હતા તે તેમને મળી ગયા છે. કેકીએ તેમને પાંચ રૂપિયા આપ્યા અને તસવીર પડાવવા માટે તૈયાર કર્યાં.
તેમણે છત પર તેમની લગભગ 40 તસવીરો ખેંચી અને પોતાના ડાર્કરૂમમાં 24 કલાક સુધી તેના પર કામ કર્યું તથા તસવીરોને એક સ્પર્ધામાં મોકલી. આ તસવીરને તે સ્પર્ધામાં સુવર્ણ પદક મળ્યો હતો
કેકીની ટેબલટૉપ ફોટોગ્રાફીને 300 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ મળી ચૂક્યા છે.
કેકી ચાલીસગાંવ કેવી રીતે પહોંચ્યા?
કેકીનું આખું નામ કૈખુસારો માણેકજી મૂસ હતું. પરંતુ તેમનાં માતા તેમને 'કેકી' કહીને બોલાવતાં હતાં. ત્યાર પછી આ નામ જ તેમની ઓળખ બની ગયું. તેઓ બાબુજી તરીકે પણ ઓળખાતા હતા. તેઓ ચાલીસગાંવ રેલવે સ્ટેશન નજીક એક પથ્થરની હવેલીમાં રહેતા હતા.
બીજી ઑક્ટોબર 1912ના રોજ મુંબઈના મલાબાર હિલના પૉશ વિસ્તારમાં એક પારસી પરિવારમાં પિરોજા અને માણેકજી ફ્રામસી મૂસના ઘરે તેમનો જન્મ થયો હતો.
તેમના મામા આર. સી. નરિમાન મુંબઈમાં બહુ જાણીતા બિલ્ડર હતા. આજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરીકે ઓળખાતું તે સમયનું વીટી સ્ટેશન તેમના મામાએ બાંધ્યું હતું.
મુંબઈની વિલ્સન કૉલેજમાંથી ગ્રેજ્યુએટ થયા પછી કેકી ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ ગયા હતા. નવ વર્ષની ઉંમરથી ચિત્રકામ કરનારા કેકી વાસ્તવમાં એક કલાકાર બનવા માંગતા હતા.
પરંતુ માણેકજીની ઇચ્છા હતી કે કેકી તેમની સોડા વૉટરની ફેકટરી અને શરાબની દુકાન સંભાળે. આ દરમિયાન 1934-35ની આસપાસ માણેકજીના મૃત્યુ પછી પિરોજાજીએ દુકાનની જવાબદારી સંભાળી.
તેમણે પોતાના પુત્ર કેકીને સપનાં પૂરા કરવા માટે ઇંગ્લૅન્ડ જવાની મંજૂરી આપી.
1935માં કેકીએ લંડનની બેનેટ કૉલેજ ઑફ શેફિલ્ડમાં પ્રવેશ લીધો અને ચાર વર્ષમાં કૉમર્શિયલ આર્ટમાં ડિપ્લોમા મેળવ્યો.
આ કોર્સમાં ફોટોગ્રાફી પણ એક વિષય હતો. 1937માં કેકીએ પણ તેનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ 'રૉયલ સોસાયટી ઓફ આર્ટ ઑફ ગ્રેટ બ્રિટને'તેમને માનદ સભ્યપદ આપ્યું.
ત્યાર બાદ કેકી અમેરિકા, જાપાન, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ ગયા. ત્યાં તેમણે ઘણાં પ્રદર્શનો જોયાં, ઘણા કલાકારોને મળ્યા અને 1938માં ભારત પરત આવ્યા.
ત્યાર પછી તેઓ મુંબઈથી સીધા ચાલીસગાંવ આવી ગયા અને લગભગ 50 વર્ષ સુધી પોતાની જાતને પોતાના બંગલામાં જ કેદ કરી રાખી.
કેકી પર ડચ કલાકાર રેમ્બ્રાન્ટનો ઘણો પ્રભાવ હતો. તેથી તેમણે પોતાના બંગલાનું નામ 'આશીર્વાદ'થી બદલીને 'રેમ્બ્રાન્ટ રિટ્રીટ' રાખ્યું હતું.
જીવનભર પોતાની પ્રેમિકાની રાહ જોનાર અને કલા પ્રત્યે સમર્પિત રહેલા આ કલાકારે 31 ડિસેમ્બર 1989ની સવારે લગભગ 11 વાગ્યે આ દુનિયામાંથી વિદાય લીધી હતી.
આ દરમિયાન મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય અને સંસ્કૃતિ બોર્ડે 1983માં કેકી અને તેમની ફોટોગ્રાફી પર એક પુસ્તક 'કેકી મૂસ - લાઇફ ઍન્ડ સ્ટીલ લાઇફ' પ્રકાશિત કર્યું છે.
કમલાકર સાવંતે બીબીસીને જણાવ્યું કે કેકીની આત્મકથા 'વ્હેન આઈ શેડ માય ટિયર્સ' હજુ સુધી પ્રકાશિત નથી થઈ.
તેમણે એ પણ જણાવ્યું કે કેકી મૂસ ફાઉન્ડેશન દર વર્ષે 31 ડિસેમ્બરે કેકીના સ્મૃતિદિને કાલમહર્ષિ કેકી મૂસ આર્ટ ગૅલેરી પરિસરમાં એક કાર્યક્રમનું આયોજન કરે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












