કાંસામાંથી લક્ષ્મીબાઈ, ગાંધીજી, આંબેડકરનાં શિલ્પો બનાવી ચીલો ચાતરનારાં ગુજરાતી જશુબહેન શિલ્પીની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આશિષ વશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
ભારતમાં જ્યારે ચિત્રકળા અને શિલ્પકળા જેવી લલિતકળાઓનાં ક્ષેત્રોમાં મહિલા કલાકારોનાં નામ યાદ કરવા પડે એવી સ્થિતિ છે, ત્યારે ગુજરાતનાં એક મહિલા શિલ્પકારે સંઘર્ષ કરીને પોતાની કારકિર્દી પુરુષોનું ગણાતાં ક્ષેત્રમાં કોતરી એવાં જશુબહેન શિલ્પીની આજે 76મી જયંતી છે.
જશુબહેને કાંસ્ય પ્રતિમાઓનાં નિર્માણમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી. સતત મહેનત, કુનેહ અને પ્રતિભાના જોરે 1970ના દાયકામાં તેઓ આ મુકામ હાંસલ કરી શક્યાં.
'ભારતનાં બ્રૉન્ઝ વુમન' તરીકે ઓળખાતાં જશુબહેને પોતાના સમગ્ર જીવન દરમિયાન કાંસાનાં અનેક શિલ્પો બનાવ્યાં છે.
અમેરિકાની યુનિવર્સિટી ઑફ નૉર્થ ફ્લૉરિડામાં વિશ્વપ્રસિદ્ધ મહાત્મા ગાંધીનું પૂતળું પણ તેમણે જ બનાવેલું છે.
અનેક મુશ્કેલીઓ અને જીવનમાં આવેલી તડકાછાંયડી વચ્ચે તેમણે પોતાનું કામ કોઈ દિવસ અટકાવ્યું નહીં. જશુબહેનનું જીવન આજે પણ અનેક મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે.
જશુબહેને કાંસામાંથી શિલ્પો કોતરવાનું કામ કેમ પસંદ કર્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતની આઝાદીના બીજા જ વર્ષે એટલે કે 1948ની 10 ડિસેમ્બરે જશુબહેનનો જન્મ થયો હતો. તેમનું મૂળ નામ જશુમતી આશરા હતું.
તેમનાં માતા મહારાષ્ટ્રનાં હતાં અને તેમનો જન્મ ચંદ્રપુરમાં થયો હતો. પ્રારંભિક બાળપણ પણ ત્યાં જ વીત્યું અને ત્યારબાદ અમદાવાદના આસ્ટોડિયામાં આવેલી માંડવીની પોળમાં કુટુંબ સાથે તેમનો વસવાટ થયો.
નાનપણથી જ તેમને કળા પ્રત્યે આકર્ષણ હતું. આથી, તેમણે પોતાનો શાળા પછીનો અભ્યાસ અમદાવાદની ખ્યાતનામ કળાશાળા શેઠ સીએન કૉલેજ ઑફ ફાઇન આર્ટસમાં કર્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફાઇન આર્ટસમાં ભણતાં ભણતાં જશુબહેનને શૈક્ષણિક પ્રવાસ માટે ગ્વાલિયર લઈ જવામાં આવ્યાં હતાં. આ વિશે વાત કરતાં જશુબહેનનાં પુત્ર ધ્રુવ શિલ્પી કહે છે, "ત્યાં તેઓ રાણી લક્ષ્મીબાઈનાં જીવનથી ઘણાં પ્રભાવિત થયાં. તેમનામાં રહેલા જુસ્સાની પ્રેરણા પણ રાણી લક્ષ્મીબાઈ હતાં. તેમણે ત્યારે જ કાંસ્ય પ્રતિમા ક્ષેત્રમાં કામ કરવાનું નક્કી કરી લીધું હતું."

ઇમેજ સ્રોત, Dhruv Shilpi
પરંતુ કાંસ્ય પ્રતિમા બનાવવાનું કામ ઘણું મુશ્કેલ હતું. પરંતુ હિંમત હારે તે જશુબહેન નહીં. ધ્રુવ વાત આગળ વધારે છે, "તે દરમિયાન તેઓ મહિપતરામ આશ્રમમાં શિલ્પકળા શીખવાં જતાં. ત્યાં તેમની મુલાકાત મનહરભાઈ સાથે થઈ હતી. તેઓ મલયાલી હતા અને અચ્છા શિલ્પકાર હતા."
જશુબહેને તેમની સાથે શિલ્પ શીખતાં શીખતાં જ નક્કી કર્યું કે લગ્ન અને બાકીના જીવનમાં કામ તો મનહર સાથે જ કરીશ.
ધ્રુવ કહે છે, "એક દિવસ તેમણે એલિસબ્રિજ પર મનહરભાઈ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને આખા સમાજનાં વિરોધ વચ્ચે ઘરેથી ભાગીને લગ્ન કરી લીધાં. મનહરભાઇનું મૂળ નામ મોહંમદ શેખ હતું. જશુબહેન સાથે લગ્ન કરતી વેળાએ હિન્દુ ધર્મ અંગીકાર કર્યો. બંને જણાએ 24 જુલાઈ 1970ના દિવસે આર્ય સમાજની વિધિથી લગ્ન કર્યાં અને બંને કલાકારોએ પોતાની પરંપરાગત અટક ત્યજી શિલ્પી અટક અપનાવી."

ઇમેજ સ્રોત, Getty Images
મનહરભાઈ સ્વભાવે મૃદુ અને કોમળ હતા. તેઓ શ્રીમંત પણ નહોતા. તેમ છતાં જશુબહેન હિંમત હાર્યા નહીં અને સંસાર અને શિલ્પનું કામ શરૂ કર્યું. મનહરભાઈ સ્ટુડિયોમાં બેસીને શિલ્પ બનાવતાં જ્યારે જશુબહેન શિલ્પ સિવાયનું કળાનું કામ પણ કરતાં.
આ બધાની વચ્ચે તેમને બે બાળકો થયાં. ધીમેધીમે તેમનું કામ વિસ્તરતું ગયું. 1975માં રાજકોટમાં ડૉ. આંબેડકરની કાંસ્ય પ્રતિમા બનાવવાનું ટેન્ડર બહાર પડ્યું અને જશુબહેને આમાં ભાગ લેવાં કમર કસી. તેઓ તેમનું બજાજનું સેકન્ડહૅન્ડ સ્કૂટર લઈને રાજકોટ પહોંચી ગયાં, ત્યાં મેયર અને અન્ય અધિકારીઓને મળ્યાં.
ધ્રુવભાઈએ કહ્યું, "જશુબહેન કામમાં તો નવાં જ હતાં, પરંતુ તેમની ધગશ અને જુસ્સો જોઈને આ શિલ્પ બનાવવાનું કામ તેમને આપવામાં આવ્યું હતું."
અંગત જીવનમાં સંઘર્ષ

ઇમેજ સ્રોત, Getty Images
જશુબહેન અને મનહરભાઈનું કામ હવે ઠીકઠાક ચાલતું હતું. પરંતુ સંઘર્ષ જશુબહેનનો પીછો છોડતો નહોતો. મનહરભાઈને કૅન્સરની બીમારી થઈ.
પરંતુ હિંમતની પ્રતિમા એવાં જશુબહેન સહેજ પણ ઢીલાં ન પડ્યાં. એકબાજુ કાંસ્યની પ્રતિમાઓ બનાવતાં, બાળકો સાચવતાં અને પતિની પણ સંભાળ રાખતાં.
તેમના પોલાદી ઇરાદાઓથી તેઓ સતત કામ કરતાં રહ્યાં. વર્ષ 1989માં મનહરભાઈના અવસાન બાદ તેઓ એકલાં પડવાને બદલે કામને જ વરી ગયાં. સતત જીન્સની ડંગરી પહેરી સ્ટુડિયોમાં અથાગ મહેનત કરતાં ગયાં.
ધ્રુવ શિલ્પી કહે છે કે, "મારા પિતા ખૂબ મૃદુ સ્વભાવના હતા, તેઓ માત્ર કલાકાર હતા. જ્યારે મારાં માતા જશુબહેનની વ્યાપારી કુનેહ પણ હતી. તેઓ આખો બિઝનેસ ચલાવી શકતાં. આ કુનેહ તેમને વારસામાં મળી હતી. કારણ કે તેમના પિતા સાડીઓનો વેપાર કરતા હતા. જશુબહેન બહારગામ ફરતાં રહેતાં અને કામ શોધતાં રહેતાં. તેમને ઝાંસીની રાણીનું શિલ્પ ખૂબ ગમતું. ત્રણ સ્થળોએ તેમણે લક્ષ્મીબાઈનાં પૂતળાં બનાવ્યાં છે. ઘોડા સાથેનાં વ્યક્તિત્વોનાં પૂર્ણકદનાં શિલ્પ બનાવવામાં તેમનું નામ હતું.
જશુબહેનનું પ્રદાન

ઇમેજ સ્રોત, Dhruv Shilpi
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જશુબહેને તેમના જીવનકાળ દરમિયાન 225 પૂર્ણ કદનાં શિલ્પો અને 525 અર્ધ પ્રતિમાઓ બનાવી. કાંસ્યની પ્રતિમા બનાવવી ખૂબ મહેનતનું કામ છે. તેમાં ઘણાં માણસો અને મોટી જગ્યાની જરૂર પડે છે.
ધ્રુવ કહે છે કે, "અમે તેમના નામે ફાઉન્ડેશન ચલાવીએ છીએ જેમાં ઉભરતા કલાકારોને મદદ મળી રહે."
ડૉ. બાબાસાહેબ આંબેડકરનું પૂતળું બનાવવાથી શરૂઆત કરનારાં જશુબહેને રાણી લક્ષ્મીબાઈ, ગાંધીજી, સ્વામી વિવેકાનંદ, ઇન્દુલાલ યાજ્ઞિક, સુભાષચંદ્ર બોઝ, રવિશંકર મહારાજ, સ્વામી વિવેકાનંદ, અને માર્ટિન લ્યૂથર કિંગ જેવા મહાનુભાવોની પ્રતિમાઓ બનાવી. જશુબહેનને તેમના કામ માટે અનેક પુરસ્કારોથી પણ નવાજવામાં આવ્યાં હતાં.
જશુબહેનની શિલ્પકળા અંગે કાંસામાંથી શિલ્પો ઘડતા પ્રસિદ્ધ કલાકાર અને શેઠ સી એન કૉલેજ ઑફ ફાઇન આર્ટ્સના ભૂતપૂર્વ આચાર્ય રતિલાલ કાંસોદરિયા કહે છે, "એક મહિલા તરીકે કાંસાનું કામ કરવું એ ખૂબ હિંમત અને મહેનતનું કામ છે. જાહેર પ્રતિમાઓમાં તેમનું મોટું પ્રદાન કહી શકાય. અગિયાર તબક્કા બાદ કાંસાની પ્રતિમા તમારા હાથમાં આવે છે. આટલું મોટું કામ જશુબહેન કરતાં."
તેઓ કહે છે, "કાંસાનું કામ કરવા માટે અનેક પ્રકારની પ્રતિભા જોઈએ. એ બધાં કામ જશુબહેને કુનેહથી કર્યાં અને મહિલાઓ માટે એક ચીલો ચાતર્યો."
જશુબહેન શિલ્પીનું 2013માં 14મી જાન્યુઆરીએ અવસાન થયું, પરંતુ તેમની પ્રતિમાઓ હજુ પણ ગર્વથી દેશ વિદેશમાં ઊભી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












