હરીશ રઘુવંશી: ફિલ્મક્ષેત્રે સાધકની કક્ષાના સંશોધકની વિદાય

ફિલ્મક્ષેત્રે સંશોધન દ્વારા આગવાં ધોરણ સ્થાપિત કરનાર સુરતના હરીશ રઘુવંશી

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, ફિલ્મક્ષેત્રે સંશોધન દ્વારા આગવાં ધોરણો સ્થાપિત કરનાર સુરતના હરીશ રઘુવંશી
    • લેેખક, બીરેન કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ફિલ્મના માધ્યમને આપણે ત્યાં ખાસ ગંભીરતાથી લેવામાં આવતું નથી, ત્યાં ફિલ્મક્ષેત્રે સંશોધન થઈ શકે એવો ખ્યાલ કેટલાને આવે?

સંશોધનના નામે જે કંઈ પણ થયેલું ગણાવાય છે, એમાં મોટે ભાગે તો અધકચરી, બિનઅધિકૃત અને અટકળ આધારિત માહિતીનું પ્રમાણ વધુ જણાય આવે. આવા માહોલમાં હરીશ રઘુવંશીએ કરેલા કામનું મૂલ્ય અનેકગણું વધી જાય છે, જેમણે એકાગ્રતા તથા સાતત્યપૂર્વક સંશોધન કરીને ચાર દાયકામાં છ જેટલાં પુસ્તકો લખ્યા.

જે જમાનામાં ગૂગલ ન હતું એવા સમયે હિંદી ફિલ્મો અને તેમના કસબીઓના સર્જન વિશે આધારભૂત માહિતી એકઠી કરીને વાચક સમક્ષ રજૂ કરવાનું ભગીરથ કામ તેમણે કર્યું છે.

ફિલ્મક્ષેત્રે સંશોધન દ્વારા આગવાં ધોરણ સ્થાપિત કરનાર સુરતના હરીશ રઘુવંશીએ 27 ઑગસ્ટ, 2024ના રોજ વિદાય લીધી. 15 ઑક્ટોબર, 1949ના રોજ જન્મેલા હરીશભાઈની વય 74 વર્ષની હતી.

અનાયાસે સંશોધનની શરૂઆત

મુકેશે ગાયેલાં ગીતોના ગીતકાર, સંગીતકાર, ફિલ્મ, રેકોર્ડ નંબર જેવી આનુષંગિક વિગતોની સાથે ગીતનો સંપૂર્ણ પાઠ હરીશ રઘુવંશીએ તૈયાર કર્યો હતો

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, મુકેશે ગાયેલાં ગીતોના ગીતકાર, સંગીતકાર, ફિલ્મ, રેકૉર્ડ નંબર જેવી આનુષંગિક વિગતોની સાથે ગીતનો સંપૂર્ણ પાઠ હરીશ રઘુવંશીએ તૈયાર કર્યો હતો

15 ઑક્ટોબર, 1949ના રોજ પાલઘ૨માં જન્મેલા હરીશભાઈ પિતા નારણભાઈ અને ગીતાબહેનના પાંચ પુત્રોમાં સૌથી પહેલા ક્રમે હતા.

તેમની સંશોધનયાત્રાનો આરંભ સાવ અનાયાસે થયેલો.

મૂળભૂત રીતે ‘રેડિયો સિલૉન'ના વફાદાર શ્રોતા એવા હરીશભાઈએ લગભગ 1965થી પોતાની નોટબુકમાં મનપસંદ ગીતો અંગેની માહિતી નોંધવાનું શરૂ કર્યું હતું. પંદરેક વર્ષ પછી એના ૫૨ નજ૨ નાખતાં ખ્યાલ આવ્યો કે આ યાદીમાં સૌથી વધુ ગીતો મુકેશે ગાયેલાં હતાં.

મુકેશે કુલ કેટલા ગીતો ગાયેલાં? એ અંગેનો નક્કર જવાબ તેમને ન મળ્યો. મહંમદ રફીએ 25 હજાર જેટલાં ગીતો ગાયેલાં હોવાનું મનાતું, જ્યારે તેમનાથી પ્રમાણમાં ઓછાં ગીતો ગાનાર મુકેશનાં ગીતોની સંખ્યા માંડ દસેક હજારની ગણાવાતી. આ કારણથી હરીશભાઈને પ્રેરણા મળી ‘મુકેશ ગીતકોશ' તૈયાર ક૨વાની.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એમની નેમ એક જ હતી કે આ પુસ્તકમાં મુકેશે ગાયેલાં તમામ ગીતોનો સંપૂર્ણ પાઠ (ટૅક્સ્ટ), ફિલ્મનું નામ, ગીતકાર, સંગીતકાર, રેકૉર્ડ નંબર જેવી આનુષંગિક તથા ગાયકના વંશવૃક્ષની અધિકૃત વિગતો પણ એમાં હોવી જોઈએ.

આ માટે તેઓ મુકેશના પરિવારજનોને પણ મળ્યા. ક્યાંકથી માહિતીની સાથે સાથે ઉષ્માભર્યો પ્રતિસાદ મળ્યો, તો ક્યાંકથી નિરાશા. આમ છતાં હિંમત હાર્યા વિના જે કોઈ માહિતી મળે એને અધિકૃતતાની એરણ પર ચકાસીને એને ગ્રંથમાં મૂકવાની હતી.

અમુક પ્રાદેશિક તેમ જ બિનફિલ્મી ભજનો મુકેશે ગાયાં હોવાની ભાળ મળતાં તેઓ છેક કૉલંબો (શ્રીલંકા) ઊપડ્યા. ત્યાં જઈને ‘રેડિયો સિલૉન’ના કાર્યાલયની મુલાકાત લીધી. એ ગીતો રેડિયો સિલૉન પરથી પ્રસારિત કરવાની તેમણે વિનંતી કરી, જેને માન આપવામાં આવ્યું.

‘મેંહદી લગી મેરે હાથ' જેવી ફિલ્મમાં મુકેશે ગાયેલાં ગીતો એમણે થિયેટરમાં ટૅપરેકૉર્ડર લઈ જઈને ટૅપ કર્યાં. અમુક ગીતો એમણે પૈસા ચૂકવીને પણ ખરીદવા પડ્યાં.

આ કોશમાં મુકેશે ગાયેલાં હિન્દી ઉપરાંત ગુજરાતી, પંજાબી, બાંગ્લા, ઉડિયા, ઉર્દૂ એ તમામ ભાષાનાં, તથા ફિલ્મી અને બિનફિલ્મી ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો. આમ છતાં, આ તમામ ગીતોનો આંકડો 992 એ પહોંચ્યો.

આ ગ્રંથનું પ્રકાશન કરવા કયા પ્રકાશક આગળ આવે? આખરે એમણે હરીશભાઈએ પોતે જ 1985માં આ ગ્રંથને પ્રકાશિત કર્યો. ‘મુકેશ ગીતકોશ' કોઈ પણ ગાયકનાં ગાયેલાં ગીતોનો ભારતભરમાં આ પ્રકારનો અજોડ કોશ હતો. જેની તમામ નકલો ચપોચપ ઊપડી ગઈ.

ત્યાર પછી વર્ષો સુધી એની ફૉટોકૉપીથી કામ ચલાવવું પડે એવું થઈ ગયું. પુસ્તકના પ્રકાશન પછી પણ મળે ત્યાંથી મુકેશનાં ગીતો એકઠાં કરવાનું કામ હરીશભાઈએ ચાલુ જ રાખ્યું. વિશ્વભરના સંગીતપ્રેમીઓ સાથે તેઓ ઇન્ટ૨નેટના માધ્યમ થકી આદાનપ્રદાન કરતા રહ્યા અને મુકેશનાં વધુ 61 ગીતો એકઠાં કર્યાં.

આ રીતે મુકેશના આશરે 99% ગીતોથી સમૃદ્ધ ‘મુકેશ ગીતકોશ’ની દ્વિતીય આવૃત્તિ 2020માં પ્રકાશિત થઈ. સોએ સો ટકા ગીતો હોવાનો દાવો એક સાચો સંશોધક કદી કરી શકે નહીં.

ગુજરાતી ફિલ્મોનો કોશ

1932માં બનેલી પહેલવહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને 1994 સુધીની દરેક ફિલ્મ અને એનાં ગીતોની વાર વિગતો આ કોશમાં સમાવાઈ છે

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, 1932માં બનેલી પહેલવહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને 1994 સુધીની દરેક ફિલ્મ અને એનાં ગીતોની વાર વિગતો આ કોશમાં સમાવાઈ છે

એ પછી હરીશભાઈએ હાથમાં લીધું ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ'ના સંપાદનનું કામ.

1932માં બનેલી પહેલવહેલી ગુજરાતી ફિલ્મ ‘નરસિંહ મહેતા’થી શરૂ કરીને 1994 સુધીની દરેક ફિલ્મ અને એનાં ગીતોની વિગતો આ કોશમાં સમાવાઈ છે.

આ ગ્રંથ તૈયાર કરવા માટે એમણે કેટલાય લોકોની મુલાકાત લીધી, જવાબી પૉસ્ટકાર્ડ સાથે અસંખ્ય લોકો સાથે વ્યવહાર કર્યો. ક્યારેક તો કોઈ વ્યક્તિ સાથે પત્રવ્યવહારનું પ્રમાણ એટલી હદે વધી જાય કે હરીશભાઈ સામેની વ્યક્તિના નામ-સરનામાવાળો રબરસ્ટેમ્પ કે સ્ટિકર બનાવડાવી લે.

‘ગુજરાતી ફિલ્મગીત કોશ'માં પ્રત્યેક ફિલ્મના અંતે મુકાયેલી પાદટીપમાં એક સંશોધક તરીકેની એમની લાક્ષણિકતા છતી થતી જોઈ શકાય છે. જ્યાં માહિતી ઉપલબ્ધ થઈ શકી નથી, ત્યાં તેમણે એટલી જગા ખાલી છોડી છે, જેથી ભવિષ્યમાં એ માહિતી ઉપલબ્ધ થાય તો કોઈ પણ એને ભરી શકે.

આ ગીતકોશ થકી ગુજરાતી ફિલ્મોના આખા ઇતિહાસનું કદાચ પહેલવહેલી વાર વિસ્તૃત દસ્તાવેજીકરણ થયું તથા અવનવી માહિતી પ્રકાશમાં આવી. ‘સતી સુકન્યા' જેવી 1947માં બનેલી ફિલ્મની ક્યાંય કશી નોંધ લેવાઈ નહોતી. એના અંગે અત્યંત આધારભૂત માહિતી પ્રાપ્ત થઈ.

આ પુસ્તક હવે અપ્રાપ્ય છે, પણ 1932થી 2016 સુધીમાં બનેલી કુલ 1302 ગુજરાતી ફિલ્મોની યાદી એમની પાસે તૈયાર હતી, જેને નવેસરથી પ્રકાશિત થનારા ‘ગુજરાતી ફિલ્મ ગીતકોશ'માં સમાવી લેવાનું એમનું આયોજન હતું.

સંશોધનકાર્યમાં 'હમરાઝ' બન્યા હમસફર

‘જબ દિલ હી તૂટ ગયા'(2004) નામના આ ગ્રંથમાં કુંદનલાલ સાયગલે ગાયેલાં ફિલ્મી-બિનફિલ્મી તેમ જ પ્રાદેશિક ગીતોનો દેવનાગરી તેમ જ અંગ્રેજી લિપિમાં આખેઆખો પાઠ સમાવાયો છે

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, ‘જબ દિલ હી તૂટ ગયા'(2004) નામના આ ગ્રંથમાં કુંદનલાલ સાયગલે ગાયેલાં ફિલ્મી-બિનફિલ્મી તેમ જ પ્રાદેશિક ગીતોનો દેવનાગરી તેમ જ અંગ્રેજી લિપિમાં આખેઆખો પાઠ સમાવાયો છે

એક સંશોધક તરીકે એમને ખબર પડે કે ક્યાંય કોઈ વ્યક્તિ ફિલ્મવિષયક સંશોધન-લેખનકાર્ય કરી રહી છે, તો તેઓ ઊલટભેર એને સામે ચાલીને જરૂરી મદદ કરતા.

સામે પક્ષે મોટે ભાગે થતું એવું કે ‘આભારદર્શન'માં સુધ્ધાં હરીશભાઈનું નામ વિસરાવી દેવાતું. જોકે, કાનપુરના હ૨મંદિરસિંઘ ‘હમરાઝ’ તો સાવ નોખી કિસમના નીકળ્યા.

દંતકથાસમા ગાયક કુંદનલાલ સાયગલના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી કરવાનું ભારત સરકારે 2004માં નક્કી કર્યું. સાયગલપ્રેમી તરીકે હરીશભાઈએ કાનપુરના હરમંદિરસિંઘને એક પૉસ્ટકાર્ડ લખીને સાયગલ ૫૨ એક ગ્રંથ તૈયા૨ કરવાનું સૂચન કર્યું.

આ માટે હરીશભાઈએ પોતાની પાસેની તમામ સાયગલવિષયક સામગ્રી પૂરી પાડવાની તૈયારી બતાવી. તેમના આ સૂચનનો ‘હમરાઝે’ સ્વીકાર કર્યો.

જે જાતની દુર્લભ માહિતી, જે જથ્થામાં હરીશભાઈએ મોકલી એ જોઈને ‘હમરાઝ’ ખુદ નવાઈ પામી ગયા. તેમને થયું કે આટલી વિપુલ સામગ્રી પોતાની પાસે હોવા છતાં હરીશભાઈ પોતે જ શા માટે સાયગલ કોશનું કામ જાતે નથી કરતા?

હરીશભાઈને એમ હતું કે આ પ્રકારના ગ્રંથના સંકલનકાર્ય માટે ‘હમરાઝ' પાસે વિશેષ અનુભવ છે. તેથી આવું કામ તેઓ કરે એ જ વધુ યોગ્ય લેખાય. સામે પક્ષે ‘હમરાઝે’ પણ સવાયું સૌજન્ય દાખવ્યું. એમણે સંયુક્તપણે આ કોશ તૈયાર ક૨વાનું હરીશભાઈને નિમંત્રણ આપ્યું.

અધિકૃતતા અને ચોક્કસાઈના અતિશય આગ્રહી આ બંને સંશોધકો ભેગા મળીને આધારભૂત એવો ‘સાયગલ કોશ’ પ્રકાશિત કર્યો.

‘જબ દિલ હી તૂટ ગયા'(2004) નામના આ ગ્રંથમાં કુંદનલાલ સાયગલે ગાયેલાં ફિલ્મી-બિનફિલ્મી તેમ જ પ્રાદેશિક ગીતોનો દેવનાગરી તેમ જ અંગ્રેજી લિપિમાં આખેઆખો પાઠ સમાવાયો છે. અમુક ઉચ્ચારણો માટે એકના એક ગીતને પચ્ચીસ-ત્રીસ વખત પણ સાંભળવું પડ્યું હોય એવું બન્યું.

ગીતો ઉપરાંત તેમના જન્મદિન તેમ જ મૃત્યુવર્ષ અંગેની સાચી વિગતો પણ સૌ પ્રથમવા૨ પહેલી વાર અધિકૃત રીતે ગ્રંથમાં રજૂ કરાઈ. કોઈ પણ સંપાદન-સંશોધન ગ્રંથ કઈ હદે સંપૂર્ણ, માહિતીપ્રદ છતાં રસાળ હોઈ શકે એનો આ આદર્શ નમૂનો છે.

માહિતી એકઠી કરવામાં હરીશભાઈ એ હદે ખંતીલા કે ફિલ્મોને લગતાં જાતજાતનાં પ્રકાશનો તેઓ નિયમિત મગાવતા, વાંચતા, અને પોતાની પાસેની માહિતીને અપડેટ રાખતા. તેમનો મૂળ રસ જૂની ફિલ્મોમાં હોવા છતાં નવા કલાકારો અંગેની પણ તમામ વિગતો તેઓ એકઠી કરે છે.

કોઈ કલાકાર અંગેના લેખમાં એની જન્મતારીખ, મૃત્યુતારીખ કે એનું જન્મસ્થળ ન લખાયું હોય તો હરીશભાઈ નારાજ પણ થઈ જતા.

હરીશભાઈએ લખેલા ‘ઇન્હેં ના ભૂલાના'(2003) પુસ્તકમાં પ્રેમઅદીબ, મહીપાલ, ગોપ, યાકુબથી લઈને માધુલાલ માસ્ટર જેવા સાવ વિસરાઈ ગયેલા કલાકારો વિશે અત્યંત વિગતે માહિતી અપાયેલી છે, જે ચાહકોને આવા સળંગ લેખ સ્વરૂપે પહેલીવાર મળી. આ પુસ્તકનો લાભ હિન્‍દી વાચકોને મળી શકે એ માટે હરમંદિરસીંઘ ‘હમરાઝે’ તેનો હિન્‍દી અનુવાદ કરાવીને 2018માં પ્રકાશિત કર્યો.

એમના લેખોમાં અજાણી, ઓછી જાણીતી સંબંધિત આંકડાની સાથે એવી રીતે પીરસેલી રહેતી કે જે તે વ્યક્તિના પ્રદાન અંગે એક નવી જ દૃષ્ટિ આપણી સમક્ષ ખૂલતી. એમની પદ્ધતિ સીધીસાદી. લેખ હોય કે ફિલ્મૉગ્રાફી- જે વ્યક્તિ વિષેની વાત હોય એના જીવનના આરંભથી લઈને સમગ્ર કારકિર્દીની વાત તબક્કાવાર આવવી જોઈએ એમ તે માનતા.

એમને સહજ રીતે કશી વિગત પૂછીએ તો પણ એ કશુંય ‘લગભગ’ કહે નહીં. ફોન પર ‘એક જ મિનિટ ચાલુ રાખો ને’ કહીને એક મિનિટથીય ઓછા સમયમાં ચોક્કસ જવાબ આપે. આવી ઝડપ અને ચોકસાઈને લઈને ઘણાના મનમાં એવી છાપ પડેલી કે હરીશભાઈ પાસે અમુક તૈયાર પુસ્તકો છે, જેમાંથી જોઈને એ તમે માંગો એ માહિતી આપે છે.

મહેનત 'પાણીમાં' ગઈ અને બહાર આવી

‘બૉલીવુડમાં ગુજરાતીઓ' હરીશભાઈનું પાંચમુ પુસ્તક હતું

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, ‘બૉલીવુડમાં ગુજરાતીઓ' હરીશભાઈનું પાંચમુ પુસ્તક હતું

હરીશભાઈના પાંચમા પુસ્તક ‘બૉલીવુડમાં ગુજરાતીઓ’ની સર્જનકથા પણ તેની સામગ્રી જેટલી જ રોમાંચક છે. હિન્‍દી ફિલ્મોમાં વિવિધ ક્ષેત્રે કામ કરનારા ગુજરાતીઓ વિશે વિવિધ વિગતો હરીશભાઈ એકઠી કરતા હતા અને તેને અલગ-અલગ ફૉલ્ડરમાં મૂકતા હતા.

2006માં સુરતમાં જે પૂર આવ્યું અને પાણી ભરાઈ રહ્યું તેમાં આ સામગ્રી પલળી ગઈ. હરીશભાઈ એનો નિકાલ કરી દેવાનું વિચારતા હતા.

એવા સમયે મારા ભાઈ ઉર્વિશે તેમને એ ફૉલ્ડરો રાખી મૂકવા કહ્યું. હું અને ઉર્વિશ સુરતથી એ કાદવગ્રસ્ત ફૉલ્ડરોના થેલાને લાવ્યા. ઉર્વિશ તેને પોતાની સાથે મહેમદાવાદ લઈ ગયો. ઉર્વિશ અને પરિવારે એ કાગળિયાં અલગ કરી કરીને તેને અખબારનાં પાનાં વચ્ચે મૂકીને સૂકવવાનું શરૂ કર્યું. એ રીતે બધી તો નહીં, પણ ઘણી હદે સામગ્રી બચી શકી.

એ સામગ્રી હરીશભાઈને પહોંચતી કરાઈ, જેનો ઉપયોગ કરીને તેમણે ‘દિવ્ય ભાસ્કર’માં ‘હિન્‍દી સિનેમા, ગુજરાતી મહિમા’ નામે શ્રેણી લખી. વિવિધ ક્ષેત્રોના 103 ગુજરાતીઓનો તેમાં વિગતે પરિચય અપાયો હતો, જે પછી ‘બૉલીવુડમાં ગુજરાતીઓ’(2021)ના નામે પુસ્તકરૂપે પ્રકાશિત થયો અને તેમાં 110 ગુજરાતીઓનો સમાવેશ કરાયો.

સંશોધનાત્મક પુસ્તકો ઉપરાંત જે બાબતમાં હરીશભાઈની સર્વોપરિતા એકમતે માન્ય ગણાતી, એ હતી વિવિધ કલાકારોની ફિલ્મૉગ્રાફી. હિન્દી ફિલ્મો સાથે સંકળાયેલા મોટા ભાગના કલાકારો, ગાયકો, ગીતકાર, સંગીતકાર વગેરેની ફિલ્મોની તેમણે સૂચિઓ તૈયાર કરી છે.

આંકડાકીય માહિતીનું એમનું ધો૨ણ એવું કે એ તદ્દન નક્કર હોવી જોઈએ. જે સ્રોતમાંથી એ મળી હોય, એના સિવાયના બે-ત્રણ સ્થાને એનો તાળો મળવો જોઈએ. શક્ય હોય તો જેના વિશે લખાયું હોય એ વ્યક્તિ ખુદ પણ આ માહિતીને બહાલી આપે તો સારું.

ખ્યાતનામ ગીતકા૨ કમર જલાલાબાદીની વેબસાઇટ એમની દીકરી સુભાષિની શિવપુરીએ તૈયાર કરેલી. હરીશભાઈએ જોયું તો એમાં કમરસાહેબની જન્મતારીખ ખોટી લખાઈ હતી. એમણે સુભાષિનીનું ધ્યાન દોર્યું.

હરીશભાઈએ પુરાવારૂપે કમરસાહેબનો પોતાના ૫૨ આવેલો પત્ર મોકલ્યો, જેમાં કમરસાહેબે પોતે તેમની પોતાની જન્મતારીખ લખી જણાવી હતી. આમ એ ભૂલ સુધારી લેવામાં આવી.

વીતેલા જમાનાના ગાયક-ગીતકાર ‘પ્રદીપ’ તેમ જ અભિનેતા ચંદ્રશેખરથી લઈને આધુનિક જમાનાના કલાકારો ગુલશન ગ્રૉવર તેમ જ જહોની લીવર જેવાએ સામે ચાલીને હરીશભાઈ પાસે પોતાની ફિલ્મોની સૂચિ બનાવડાવી હતી.

હરીશભાઈની સૂચિની લોકપ્રિયતા અને વ્યાપ પછી તો એ હદે પ્રસર્યાં કે હિન્દીભાષી સામયિકો-અખબારોમાં નામની ક્રૅડિટ આપ્યા વગર એમની સૂચિઓ બારોબાર છપાતી થઈ ગઈ.

112 સંગીતકારોની ફિલ્મોગ્રાફી

‘આરપાર’ સાપ્તાહિકમાં હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી કુલ 112 સંગીતકારોની ફિલ્મોગ્રાફી દર સપ્તાહે પ્રકાશિત થઈ હતી

ઇમેજ સ્રોત, BIREN KOTHARI

ઇમેજ કૅપ્શન, ‘આરપાર’ સાપ્તાહિકમાં હરીશ રઘુવંશીએ તૈયાર કરેલી કુલ 112 સંગીતકારોની ફિલ્મોગ્રાફી દર સપ્તાહે પ્રકાશિત થઈ હતી

‘આરપાર’ સાપ્તાહિકમાં તેમણે તૈયાર કરેલી કુલ 112 સંગીતકારોની ફિલ્મૉગ્રાફી દર સપ્તાહે પ્રકાશિત થઈ હતી, જે તેમના અભ્યાસનો નીચોડ હતો.

‘સાઇલન્‍ટ ઍન્‍ડ ટૉકી હિન્‍દી ફિલ્મ ઇન્‍ડૅક્સ’(2013)માં તેમણે 1913થી 2012 સુધીનાં સો વર્ષોની સૅન્‍સર થયેલી મૂક અને બોલતી કુલ 12,926 ફિલ્મોની કક્કાવાર સૂચિ આપી છે. ફિલ્મના અભ્યાસુઓ માટે તે એકદમ હાથવગો સંદર્ભ બની રહી છે.

ભારતભરમાં આવેલા કુલ નવ સૅન્સર બોર્ડ (મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, હૈદરાબાદ, બેંગ્લોર, ત્રિવેન્દ્રમ, ગૌહાટી અને કટક)માંથી દ૨ વ૨સે સૅન્સર થયેલી ફિલ્મો વિશેની વિગતો મેળવીને એની વર્ષવાર સૂચિ તૈયાર કરવાનું કામ પણ તેઓ ‘હમરાઝ’ સાથે સંયુક્ત રીતે નિયમિતપણે કરતા હતા. એ રીતે તેમણે 2014 સુધીની સૂચિ પ્રકાશિત કરેલી.

હરીશભાઈનોનો એક મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હરમંદિરસિંઘ ‘હમરાઝ' સાથે આયોજનબદ્ધ હતો, જેમાં 1931થી માંડીને 2007 સુધીની કુલ 10,500 થી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત આપનારાઓનો ટૂંકો પરિચય, જન્મતારીખ, મૃત્યુદિન, અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોમાં સંગીત આપ્યું હોય તો એની વિગત, ફિલ્મૉગ્રાફી વગેરે સામેલ કરવાની તેમની યોજના હતી.

ચિશ્તી, ફિરોઝ નિઝામી, નાશાદ, ગુલામ હૈદર, તુફેલ ફારૂકી, રહેમાન વર્મા જેવા સંગીતકારો 1947 પછી પાકિસ્તાનમાં સ્થાયી થયા અને ત્યાંની ફિલ્મોમાં સંગીત આપ્યું. આવા સંગીતકારોની પાકિસ્તાની ફિલ્મોની માહિતી પણ આવરી લેવાનો ઉપક્રમ હતો. બધું મળીને 1800ની આસપાસ સંગીતકારોની માહિતી સમાવિષ્ટ કરવાનું આયોજન હતું.

છેલ્લાં ઘણાં વરસોથી તેમની શારીરિક વિપરીતતાઓ વધતી જતી હતી. રૅટિનાની તકલીફને કારણે દૃષ્ટિ પર અસર થઈ. થાઇરૉઇડ અને પાર્કિન્‍સનની બિમારી વકરતી જતી હતી. તેમનો જુસ્સો ઘટ્યો નહોતો, પણ શરીર સાથ નહોતું આપતું એ હકીકત હતી.

હરીશભાઈનાં પરિવારજનો પત્ની નયનાબહેન, પુત્રો કમલેશ અને ચિરાગ, તેમજ પુત્રી જાસ્મીન પણ હરીશભાઈના આ શોખને બરાબર પિછાણતા હતા.

વડોદરા આકાશવાણીના તત્કાલીન નિયામક અને કવિ યજ્ઞેશ દવેએ હિંદી ફિલ્મોના ગીતકારો પર આધારીત બોંત્તેર હપ્તાની અભૂતપૂર્વ શ્રેણી ‘ગીત તમારા હોઠો પર’નું નિર્માણ કર્યું, ત્યારે તેના લેખક તરીકે ભલે બકુલ ટેલર, ઉર્વિશ કોઠારી કે આ લખનારનું નામ હોય, અમારા સૌની પાછળ હરીશભાઈનું પીઠબળ હતું.

ફિલ્મજગતનું કેટલું મોટું ઋણ હરીશભાઈએ અદા કર્યું છે. એની નોંધ તો ઠીક, અહેસાસ સુદ્ધાં વિચારતા કરી મૂકે તેવો છે.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.