'મહારાજ' ફિલ્મના નાયક, પ્રખર ગુજરાતી સુધારક કરસનદાસ મૂળજીનો પરિવાર આજે ક્યાં છે?

- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
દાંડી કૂચ પર કોઈ મનોરંજક ફિલ્મ બનાવે અને તેમાં એવું બતાવે કે કસ્તુરબાને મીઠાના ભાવવધારાથી દુઃખી જોઈને ગાંધીજીએ મીઠાનો સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધો—તો, તેને ‘ક્રિએટિવ લિબર્ટી’-સર્જકસિદ્ધ છૂટછાટના નામે ક્ષમ્ય ગણી શકાય? કંઈક એવું જ ગુજરાતી સુધારક કરસનદાસ મૂળજીના જીવન પર આધારિત ફિલ્મ ‘મહારાજ’માં થયું.
સ્વતંત્રપણે, સુધારક મિજાજ ધરાવતા કરસનદાસને ફિલ્મમાં પ્રિયતમાના શોષણ-અપમૃત્યુનો બદલો લેતા દર્શાવવામાં આવ્યા છે. વાસ્તવમાં, 1862માં મહારાજ લાઇબલ કેસ ચાલ્યો, ત્યારે કરસનદાસ પરણેલા હતા. આશ્ચર્યનો આંચકો લાગે એવી વાત એ છે કે ફિલ્મમાં તો ઠીક, કરસનદાસનાં બબ્બે જીવનચરિત્રોમાં પણ ક્યાંય તેમનાં પત્નીનું નામ મળતું નથી.
સુધારક-નાયકનો ભૂલાયેલો પરિવાર

ઇમેજ સ્રોત, STREEBODH
કરસનદાસ વિશેનું સૌથી પહેલું ચરિત્ર, તેમના અવસાનનાં છ વર્ષ પછી, સમકાલીન સુધારક મહીપતરામ નીલકંઠે લખ્યું: ‘ઉત્તમ કપોળ કરસનદાસ મૂળજી ચરિત્ર’ (1877)
તેમાં મહીપતરામે કરસનદાસનાં અગાઉ થયેલાં બે લગ્નો વિશે ‘સાંભળ્યું છે’ એવા શબ્દોમાં નોંધીને ત્રીજા લગ્નનિમિત્તે થયેલા સામાજિક સંઘર્ષની થોડી વિગત આપી હતી. તેમણે લખ્યું હતું કે કરસનદાસનાં સાસરિયાંએ જૂની રીતરસમ પ્રમાણે પરણવા આવવાનું કહ્યું, ત્યારે કરસનદાસે ઇન્કાર કરી દીધો હતો અને એક તબક્કે લગ્ન ફોક થવાની સ્થિતિ ઊભી થઈ હતી. છતાં, કરસનદાસે નમતું ન જોખ્યું અને મહીપતરામે નોંધ્યું છે તેમ, તે પગે ચાલતા પરણવા ગયા. (ઉત્તમ કપોળ, પૃ. 18)

ઇમેજ સ્રોત, URVISH KOTHARI
કરસનદાસનું બીજું અને વિગતવાર ચરિત્ર અંગ્રેજીમાં બી.એન. મોતીવાલાએ લખ્યું. તેનું નિમિત્ત હતી 1932માં આવેલી કરસનદાસની જન્મશતાબ્દી. ચારસોથી પણ વધુ પાનાંના તે પુસ્તકનું નામ હતું ‘કરસનદાસ મૂળજી: એ બાયોગ્રાફિકલ સ્ટડી’(1935). પુસ્તકની ભૂમિકામાં મોતીવાલાએ અફસોસ સાથે નોંધ્યું હતું કે ગુજરાત કરસનદાસને ભૂલી ચૂક્યું હતું અને મહીપતરામે લખેલું કરસનદાસનું ચરિત્ર પણ અપ્રાપ્ય હતું. જન્મશતાબ્દિ ઉપરાંત મોતીવાલાના પિતા કરસનદાસના સ્નેહી-મિત્ર હતા, તે કારણે પણ મોતીવાલાને આ ચરિત્ર લખવાનો ધક્કો લાગ્યો.
મોતીવાલાના ચરિત્રમાં કરસનદાસનાં પહેલાં બે લગ્નોનો વર્ષ સાથેનો ઉલ્લેખ મળે છે. 1832માં જન્મેલા કરસનદાસનું પહેલું લગ્ન સોળ વર્ષની વયે 1848માં થયું. તેમનાં પત્નીનું નામ વાળીબાઈ હતું. ચાર જ વર્ષમાં (1852માં) તેમનું અવસાન થયું.
ત્યારપછી 1857માં કરસનદાસે બીજું લગ્ન કર્યું. ત્યારે તે ડીસાની એક અંગ્રેજી શાળામાં હેડ માસ્તર હતા. બીજી વારનાં પત્નીનું નામ મળતું નથી, પણ લગ્નના છ મહિનામાં જ તેમનું અવસાન થયું હોવાનું મોતીવાલાએ લખ્યું છે. એ જ વર્ષે કરસનદાસ ત્રીજી વાર પરણ્યા અને તેમનું એ લગ્નજીવન કરસનદાસના 39 વર્ષની વયે થયેલા અકાળ અવસાન સુધી ટક્યું. પરંતુ મોતીવાલામાં કે મહીપતરામમાં કરસનદાસનાં ત્રીજાં પત્નીનું નામ નોંધાયેલું નથી.
કરસનદાસના પરિવારની ભાળ

ઇમેજ સ્રોત, Urvish Kothari
કરસનદાસે જેમની સાથે લગભગ 14 વર્ષનું દાંપત્યજીવન વીતાવ્યું અને તેમનો પરિવાર થયો, તે પત્નીના અને તેમના પરિવારના નામની શોધ અનાયાસે પૂરી થઈ. તેમાં નિમિત્ત બની ‘મહારાજ’ ફિલ્મ અને ‘ટ્વિટર’ (હવે ‘એક્સ’)નું માધ્યમ. તેની પર કરસનદાસ વિશેના મારા એક લેખના પ્રતિભાવમાં એક ભાઈએ કરસનદાસની જન્મશતાબ્દિની ઉજવણીને લગતા પેમ્ફ્લેટનો ફોટો મુક્યો. તપાસ કરતાં જાણવા મળ્યું કે તે કરસનદાસના પ્રપૌત્ર છે અને મુંબઈમાં રહે છે. ટ્વિટર પર તેઓ બીજા નામે હતા, પણ તેમનું સાચું નામ આશિષ વત્સરાજ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
થોડા દિવસ પહેલાં મુંબઈમાં લેખક-મિત્ર દીપક સોલિયા સાથે આશિષભાઈને તેમના ફ્લેટ પર મળવાનું થયું. ત્યારે તેમની સાથે થયેલી વાતચીતમાંથી પરિવારની ખૂટતી વિગતો મળી. તે પ્રમાણે, કરસનદાસનાં ત્રીજાં પત્નીનું નામ હતું મોંઘીબહેન. મોતીવાલાએ કરસનદાસના ચરિત્રમાં લખ્યું છે કે કરસનદાસ-મોંઘીબહેનનું પહેલું સંતાન એક દીકરી હતી, જે મહારાજ લાઇબલ કેસ પૂરો થયા પછી અવસાન પામી. ત્યાર પછી થયેલો પુત્ર માંડ આઠ મહિનાનો હતો—અને કરસનદાસ ઇંગ્લેન્ડ હતા—ત્યારે તે પુત્રનું અવસાન થયું. ત્યાર પછી તેમને ચાર પુત્ર અને એક પુત્રી થયાં. પુત્રીનો જન્મ તો 1871માં કરસનદાસના અવસાનના થોડા મહિના પછી થયો. (Karsondas Mulji: A Biographical Study, પૃ.371-372)
કરસનદાસ-મોંઘીબહેનના ચાર પુત્રોનાં નામ આશિષભાઈ પાસેથી જાણવા મળ્યાઃ પુરુષોત્તમદાસ, મંગળદાસ, અમીદાસ અને છોટાલાલ. તેમાંથી મંગળદાસે કરસનદાસનાં કેટલાંક પુસ્તકો ફરીથી પ્રગટ કર્યાં હતાં. તે પુસ્તકોના પ્રગટકર્તા તરીકે ‘મંગળદાસ કરસનદાસ’નું નામ વાંચવા મળે છે. કરસનદાસના સૌથી નાના પુત્ર છોટાલાલ આગળ જતાં છોટાલાલ વકીલ તરીકે ઓળખાયા.
છોટાલાલનાં ત્રણ સંતાન દ્વારકાદાસ, તારાબહેન અને અશ્રુબહેન. તેમાંથી તારાબહેન અને રાજેન્દ્ર વત્સરાજના પુત્ર આશિષ વત્સરાજ. તેમનાં ભાઈબહેન છે સમીરભાઈ અને ઝરણાબહેન.
આશિષભાઈ તેમના નાના ભાઈ સમીર વત્સરાજના પરિવાર સાથે રહે છે અને ઝરણાબહેન પણ મુંબઈમાં જ છે.
કરસનદાસના બીજા પુત્ર અમીદાસનો કેટલોક પરિવાર ભાવનગરમાં છે. આશિષભાઈ તેમના સંપર્કમાં છે.
બીજા પરિવાર વિશે તેમની પાસે માહિતી નથી. કરસનદાસના અવસાન પછી જન્મેલાં તેમનાં પુત્રીનું નામ પણ આશિષભાઈને જાણવા મળ્યું નથી.
ફિલ્મ અને પરિવાર

ઇમેજ સ્રોત, Urvish Kothari
આશિષભાઈ કુટુંબ પરંપરાએ નાગર, પણ વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી છે.
કરસનદાસના જીવન પર આધારિત ‘મહારાજ’ ફિલ્મથી કેટલાક વૈષ્ણવ ભક્તો અને મહારાજોને વાંધો પડ્યો હતો, તેની આશિષભાઈને પણ નવાઈ લાગી હતી.
ફિલ્મના પ્રોજેક્ટ વિશે જાણ્યું ત્યારે આશિષભાઈએ યશરાજ ફિલ્મ્સનો સંપર્ક કરતાં, એક વાર પરિવારજનો અને નિર્માતાઓ મળ્યા હતા. તેમનું કહેવું છે કે ત્યાર પછી ફરી તેમની વચ્ચે કોઈ સંપર્ક રહ્યો નથી.
ફિલ્મ ‘નેટફ્લિક્સ’ પર રજૂ થઈ ગયા પછી, તેના હીરો જુનેદ ખાન આશિષભાઈના ભાઈ સમીર વત્સરાજને મળ્યા હતા અને તેમની સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મીડિયા પર મૂકી હતી.
કેટલાક પત્રકારોએ પણ ફિલ્મના પ્રતિભાવ અંગે પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. ફિલ્મ વિશેની કેટલીક ટિપ્પણીઓ સાથે સંમતિ દર્શાવ્યા પછી પણ આશિષભાઈને એ વાતનો આનંદ હતો કે બીજું કંઈ નહીં તો એ બહાને લોકોને કરસનદાસ મૂળજીના નામ અને કામ વિશે—આવું કોઈ હતું એટલી તો ખબર પડી.
આશિષભાઈ પાસે કૌટુંબિક વારસા તરીકે કરસનદાસની કોઈ સ્મૃતિ નથી—સિવાય તેમની જન્મશતાબ્દિનું પેમ્ફ્લેટ.
પણ ઇન્ટરનેટ પરથી તેમણે કરસનદાસ વિશેની સારી એવી સંદર્ભસામગ્રી એકઠી કરી છે અને પ્રતાપી પૂર્વજની સાચીખોટી ગૌરવગાથાઓમાં રાચવાને બદલે, શક્ય તેટલી આધારભૂત માહિતી મેળવવા તેઓ પ્રયત્નશીલ રહે છે.
વ્યાવસાયિક જીવન એક કંપનીમાં ઊંચા હોદ્દે વિતાવીને નિવૃત્ત થયેલા આશિષભાઈ પાસેથી એ હકીકતનો પણ ખુલાસો મળ્યો કે માથેરાનમાં કરસનદાસના નામનું પુસ્તકાલય શી રીતે-શા માટે છે.
આશિષભાઈએ જૂના લેખિત આધારો સાથે આપેલી માહિતી પ્રમાણે, મુંબઈના મોટા દાનવીર અને પુસ્તકપ્રેમી દામોદર ગોરધનદાસ (સુખડવાલા)એ મુંબઈમાં પુસ્તકાલય અને રિડીંગ રૂમ માટે મોટું દાન આપ્યું હતું.
તેમની મદદથી જ 1897માં માથેરાનમાં કરસનદાસના નામનું પુસ્તકાલય તૈયાર થયું.
19મી સદીના અંતભાગના અને 20મી સદીના આરંભના અખબારી અહેવાલોમાંથી જણાય છે કે તે વખતે કરસનદાસ મૂળજી લાયબ્રેરી માથેરાનને લગતા જાહેર મુદ્દાની ચર્ચા કરવા અને તેને લગતી સભાઓ યોજવા માટે પણ વપરાતી હતી.
થોડાં વર્ષ પહેલાં જ એ પુસ્તકાલયનું સમારકામ કરીને તેને નવાં રંગરૂપ આપવામાં આવ્યાં છે, પણ કરસનદાસનું નામ હજુ ટકી રહ્યું છે.
કરસનદાસ મૂળજી જેવાં પાત્રોને સમાજે પોતાની ગરજે ઉચ્ચ આસન પર સ્થાપવાનાં અને યાદ રાખવાનાં હોય છે.
તેવાં પાત્રોનાં જીવનકાર્યને ભૂલાવી દેવાથી શું થાય, તે જાણવા માટે લાંબાપહોળા અભ્યાસની નહીં, ફક્ત આસપાસની વાસ્તવિકતાને ખુલ્લી આંખે જોવાની જ જરૂર છે.
(આ લેખકના અંગત વિચારો છે બીબીસીના નહીં)












