મકરંદ મહેતા : ગુજરાતની નગરશેઠ પરંપરાથી લઈ રાજ્યમાં દલિતોના શોષણનો ઇતિહાસ લખનારા બહુશ્રુત ઇતિહાસકાર

ઇતિહાસકાર મકરંદ મહેતા

ઇમેજ સ્રોત, RIZWAN KADRI

ઇમેજ કૅપ્શન, ઇતિહાસકાર પ્રોફેસર મકરંદ મહેતા
    • લેેખક, ઘનશ્યામ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના અગ્રણી ઇતિહાસકાર મકરંદ મહેતાએ પહેલી સપ્ટેમ્બરના રોજ 93 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધો. તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા અને વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ઍમેરિટ્સ પ્રોફેસર હતા.

મકરંદ મહેતા આ પહેલાં દિલ્હીસ્થિત શ્રીરામ ઇન્સ્ટીટ્યૂટ ઑફ બિઝનેસ હિસ્ટ્રી, પુણેસ્થિત ગોખલે ઇન્સ્ટ્યૂિટ ઑફ પૉલિટિક્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ, આઈઆઈએમ અમદાવાદ અને અમેરિકાની યુનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયા સાથે જોડાયેલા હતા.

તેઓ ઇન્ડિયન હિસ્ટ્રી કૉંગ્રેસના મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી વિભાગના અને ગુજરાત હિસ્ટ્રી કૉંગ્રેસના અધ્યક્ષ હતા.

મકરંદ મહેતા એક પ્રચુર સર્જન કરનારા લેખક હતા. તેમણે 20થી વધારે પુસ્તકો, સેંકડો લેખો અને સેંકડો સમાચારપત્રોમાં કટારલેખો લખ્યા. એટલે સુધી કે તેઓ પોતાનાં મૃત્યુની એક સાંજ પહેલાં પોતાના પુસ્તક “વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ અને તેની પોળો”ને આખરી ઓપ આપી રહ્યા હતા.

“હું લખવા માટે જ જીવું છું અને જીવવા માટે લખું છું.”

મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ, સામાન્ય જીવનમાં છૂત-અછૂત અને ભેદભાવની પ્રથા અને કથિત ઊંચી જાતિઓ વિરુદ્ધ દલિતોના સંઘર્ષ વિશે લેખોની એક શ્રૃંખલા લખી હતી

ઇમેજ સ્રોત, RIZWAN KADRI

ઇમેજ કૅપ્શન, મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ પર લેખોની એક શ્રૃંખલા લખી હતી

તેઓ વારંવાર કહેતા કે “હું લખવા માટે જ જીવું છું અને જીવવા માટે લખું છું.” તેમણે પોતાના જીવનને ભરપૂર માણ્યું.

મેં બે સપ્તાહ પહેલાં તેમનાં અને મારાં સંશોધનપત્રો પર ચર્ચા કરતી એક સુંદર સાંજ તેમની સાથે વિતાવી હતી. તેમણે મને છેલ્લો નિબંધ “મધ્યકાલીન ગુજરાતમાં સમાજ અને ચેતના” પર આપ્યો હતો.

આ પેપરમાં તેમણે તર્ક આપ્યો કે ગુજરાતના કવિ અને લેખકો કથિત આધુનિકતા અને બ્રિટિશ શાસન પહેલાં ભક્તિ સાહિત્ય અને દુન્યવી ભૌતિકવાદ જેવા મુદ્દાઓ પર કામ કરી રહ્યા હતા.

ગુજરાતી વેપારી સમુદાય અને મુખ્ય વેપારીઓ ઉપરાંત અલગ-અલગ સમયગાળા દરમિયાન ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક જીવન પર તેમની અસર વિશે મકરંદ મહેતાનું લખાણ ઇતિહાસકારોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મારા મત પ્રમાણે, મકરંદ મહેતાએ દ્વિજેન્દ્ર ત્રિપાઠી સાથે મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસ પર લખેલાં પુસ્તકો સૌથી વધારે પ્રસિદ્ધ છે.

તેમનાં પુસ્તકો, 'અમદાવાદના નગરશેઠ : ગુજરાતમાં અર્બન ઇન્સ્ટિટ્યૂશનો ઇતિહાસ' (1978) તથા 'ક્લાસ કૅરેક્ટર ઑફ ગુજરાતી બિઝનેસ કૉમ્યુનિટી' (1984) અભ્યાસલક્ષી છે.

આ અભ્યાસ પશ્ચિમ સાથે જોડાયેલા વેપારી વર્ગના ચરિત્રની તુલનામાં ગુજરાતી વેપારીઓના સામાજિક ચરિત્ર પર વધારે ભાર આપે છે.

આ ચરિત્ર ધર્મ અને જાતિની સીમાઓથી પણ ઘણું આગળ છે. આ અભ્યાસ દર્શાવે છે કે 18મી સદી દરમિયાન સ્થાનિક રહેવાસીઓ મુધલ શાસનના પતનને કારણે ચિંતિત હતા ત્યારે વેપારી વર્ગે લોક કલ્યાણની જવાબદારી પોતાની માથે લીધી હતી.

કેટલાક ઇતિહાસકારોએ આ વિશ્લેષણને આધારે બીજા ઇતિહાસકારોએ શહેરી ગુજરાતમાં નગરશેઠની પ્રથાના ઉદય વિશે અનુમાન લગાવ્યું. ''

મકરંદ મહેતાનાં બીજા પુસ્તકો પૈકી 'અમદાવાદ કૉટન ટેક્સ્ટાઇલ ઇન્ડસ્ટ્રી' (1984) અને '17મી સદીથી 19મી સદીમાં ભારતીય વેપારીઓ ખાસ કરીને ગુજરાતના શ્રૉફ (બૅન્કર)નું ઐતિહાસીક દૃષ્ટિએ મહત્ત્વ.' આ પુસ્તકો રાજ્યના આર્થિક વિકાસ અને સામાજિક ઇતિહાસને સમજવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત ગુજરાતના ઘડવૈયા અને મહાજનોની યશગાથા જેવાં પુસ્તકો ગુજરાતના વેપારી સમુદાય વિશે જાણવા માટે મહત્ત્વપૂર્ણ છે.

મકરંદ મહેતાએ ગુજરાતમાં દલિતોની સ્થિતિ, સામાન્ય જીવનમાં છૂત-અછૂત અને ભેદભાવની પ્રથા અને 19મી સદીના અંતથી કથિત ઊંચી જાતિઓ વિરુદ્ધ દલિતોના સંઘર્ષ વિશે લેખોની એક શ્રૃંખલા લખી હતી.

આ શ્રૃંખલાનાં વર્ણનો, વ્યક્તિગત ડાયરીઓ, સમાચારપત્રોના અહેવાલો અને આર્કાઇવલ સામગ્રી પર આધારિત હતાં.

આ લેખોનું સંકલન એક પુસ્તકરૂપે 'હિન્દુવર્ણ વ્યવસ્થા સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો' શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું.

આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવાયું છે, “અનેક સ્રોતોના આધારે તેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, સવર્ણ હિન્દુઓ એ દલિતોનુ કેવું યોજનાપૂર્વક અને મુત્સદ્દીગીરીથી શોષણ કર્યું હતું અને દલિતોએ કેવી મક્કમતાપૂર્વક તેની સામે આંદોલનો કર્યાં હતાં”

કોઈપણ વિદ્યાર્થી માટે ગુજરાતમાં દલિત અને કથિત ઊંચ જાતિના રાજકારણને સમજવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પુસ્તક છે.

સ્વામીનારાયણ સંપ્રદાય પર તેમના લેખને કારણે જ્યારે વિવાદ થયો

મકરંદ મહેતાએ “સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજીક ચેતના: સ્વામીનારાયણ સંપ્રદાયનો એક અભ્યાસ 1800-1840” શિર્ષક સાથે એક રિસર્ચ પેપર પ્રસ્તુત કર્યું

ઇમેજ સ્રોત, RIZWAN KADRI

ઇમેજ કૅપ્શન, મકરંદ મહેતાએ સ્વામીનારાયણ સંપ્રદાય પર એક રિસર્ચ પેપર પણ પ્રસ્તુત કર્યું

જોકે, 1980ના દાયકાના અંતે તેમને સ્વામીનારાયણ સંપ્રદાય પર લખેલા એક લેખને કારણે ગુજરાતની સિવિલ સોસાયટી અને રાજકારણમાં એક વિવાદ થયો હતો.

તેમણે 1986ની શરૂઆતમાં એક સેમિનારમાં 'સાંપ્રદાયિક સાહિત્ય અને સામાજિક ચેતના: સ્વામીનારાયણ સંપ્રદાયનો એક અભ્યાસ 1800-1840' શિર્ષક સાથે એક રિસર્ચ પેપર સોશિયલ સાઇન્ટિસ્ટ અને ઇતિહાસકારો સામે પ્રસ્તુત કર્યું.

'અર્થાત્' નામની એક સામાજિક વિજ્ઞાનની પત્રિકાએ પોતાના ઑક્ટોબર-ડિસેમ્બરના અંકમાં આ રિસર્ચ પેપરને પ્રકાશિત કર્યું હતું.

આ લેખમાં કહેવામાં આવ્યું હતું કે સ્વામીનારાયણને તેમના અનુયાયીઓ ભગવાન કૃષ્ણનો અવતાર માને છે. જોકે, તેઓ માત્ર એક સમાજસુધારક હતા અને તેમણે પોતાના અનુયાયી સાથે મળીને પોતાને ભગવાન તરીકે દર્શાવવા માટે ષડ્યંત્ર રચ્યું હતું.

આ લેખ આર્કાઇવલ દસ્તાવેજો પર આધારિત હતો અને તેમાં કઠોર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જોકે, સંપ્રદાયના બે ભક્તોએ લેખની ટિકા કરતા એક નોટ લખી અને મકરંદ મહેતાના લેખને કચરો ગણાવ્યો. પત્રિકાએ આ પ્રતિક્રિયાને પણ પ્રકાશિત કરી હતી.

કેટલાક ભક્તોનું માનવું હતું કે લેખને કારણે તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી. આ કારણે ભક્તોએ લેખકને ગાળો આપી. કેટલાક ભક્તોએ લેખક અને પત્રિકાના સંપાદકોને ધમકીઓ પણ આપી. આ ભક્તો આ મામલાને અદાલતમાં લઈ જવા માટે ગુજરાત સરકારનો સંપર્ક કર્યો.

ગુજરાત સરકારે લેખક, પત્રિકાના સંપાદક ને પ્રકાશક પર કેસ ચલાવવા માટે પરવાનગી આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ સમયે સેંકડો શિક્ષાવિદોએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું અને લેખક તથા પ્રકાશકને સમર્થન આપ્યું.

જોકે, આ પ્રકરણે ગુજરાતના શિક્ષાવિદોને શક્તિશાળી હિતોથી સાવધાન રહેવાની ચેતવણી પણ આપી.

(લેખક દિલ્હીસ્થિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના સેવા નિવૃત્ત પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક છે)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.