ખુશાલચંદ : અમદાવાદના એ નગરશેઠ જેમણે શહેર બચાવવા પોતાની દોલત લુંટાવી દીધી

ઇમેજ સ્રોત, Ranmal Sindhav
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતની મહાજન પરંપરાના શિરમોર શાંતિલાલ શેઠના પૂર્વજો પણ ક્ષત્રિય સિસોદીયા વંશના હતા.
તેઓ ઓસવાળ વણિક તરીકે ખ્યાતિ પામ્યા જેમાં 'ઓસ'નો અર્થ થાય રણનો ટાપુ અને 'વાળ'નો અર્થ થાય રખેવાળ.
ઐતિહાસિક રીતે જોઈએ તો પ્રાચીન સમયમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં જૈનોની ખૂબ જાહોજલાલી હતી.
આમ મૂળ ક્ષત્રિય પણ પછી જૈન ધર્મ અંગીકાર કરી ઓસવાળ વણિક બનેલા શેઠ શાંતિલાલના પૂર્વજ સહસ્ત્રકિરણ ગુજરાતમાં સ્થાયી થયા. તેમનાં સંતાનોમાં શાંતિલાલ પોતાની કાબેલિયતને લીધે છેક મુઘલ દરબારમાં જાણીતા હતા. જહાંગીર તો તેમને 'શાંતિદાસ મામા' કહીને બોલાવતા.
મુઘલ દરબારમાં તેમની ઘણી લોકપ્રિયતા હતી. તેઓ બાદમાં નગરશેઠ થયા. આવા શાંતિલાલ શેઠના પૌત્ર એટલે ખુશાલચંદ શેઠ.
શાંતિલાલ શેઠની જેમ જ અમદાવાદના મહાજન અને નગરશેઠ એવા ખુશાલચંદ શેઠનો છેક દિલ્હીદરબાર સુધી રણકો વાગતો હતો.
ખુશાલચંદ શેઠની કામગીરીની પ્રસંશા સ્વરૂપે તેમણે એક "ઓસવાલ-ભૂપાળ" તરીકેનું કામ કર્યું છે.
એમ કહેવાતું એ સમય એવો હતો કે પોતાની હોશિયારી અને વ્યવહાર કુશળતાને પરિણામે મુઘલ અને ત્યાર બાદ ગાયકવાડ અને પેશવા સરકારમાં પણ તેઓ સારાં માનપાન પામ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
ખુશાલચંદ શેઠનો સમય એક રીતે જોઈએ તો કપરો સમય કહી શકાય. કારણ કે એક બાજુ ઔરંગઝેબના અંત પછી મુઘલ સામ્રાજ્યનો સૂર્ય ડૂબવાને આરે હતો અને બાદશાહો માત્ર નામ પૂરતાં રાજ કરતા હતા, સુબાઓ મનસ્વી બન્યા હતા.
ગુજરાતમાં તો સુબાઓ વચ્ચેના સંઘર્ષને કારણે મરાઠા સાથે ભળી જઈ પોતાના હરીફ સુબાને પરાસ્ત કરી તેનો ખાતમો બોલાવવા માટે જંગ ખેલાયો હતો.
તેની બદલીમાં સુબાઓ તરફથી મરાઠાઓને ચોથ ઉઘરાવવાની મંજૂરી મળી એટલે તેઓ પ્રજાને લૂંટતા.
આ બાજુ મુઘલ સામ્રાજ્ય લગભગ નિષ્ક્રિય થઈ ચૂક્યું હતુ. ત્યાર બાદ મરાઠાઓ અને પેશવાઓનું વર્ચસ્વ સ્થપાતું ગયું.
આમ મૂળ સલ્તનતના અંત સમયે મરાઠાઓ અને દક્ષિણમાં નિઝામોનું વર્ચસ્વ વધ્યું.
રાજશાસનમાં તે સમયે ઊભાં થયેલ વમળ અને સત્તા સંઘર્ષને કારણે આ સમય નગરશેઠ ખુશાલચંદની અગ્નિપરીક્ષાનો સમય હતો.
પરંતુ પોતાની મુસદ્દીગીરીને લીધે ખુશાલચંદ શેઠ આવા રાજકીય માહોલમાં પણ લડત આપી નગરશેઠ તરીકે ટકી રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
ખુશાલચંદ શેઠની મુસદ્દીગીરીને ટાંકતા કેટલાક પ્રસંગો જોઈએ.
મુઘલ સલ્તનતના બાદશાહ મુહમ્મદશાહ (ઈસ 1719 થી 1748) દિલ્હીની ગાદી પર હતા. ઈ.સ 1722માં બાદશાહે પોતાના વિશ્વાસુ વઝીર નિઝામ-ઉલ-મુલ્કને ગુજરાતના સુબા બનાવ્યા.
આ નિઝામ-ઉલ-મુલ્કે છેક માળવા સુધી કામગીરી સંભાળી તેથી તેમણે ગુજરાતની જવાબદારી તેમના કાકા હમીદખાનને સોંપી. ઈ.સ.1723માં નિઝામ-ઉલ-મુલ્કે રાજધાની દિલ્હીની કચેરીમાંથી અને ગુજરાતની સૂબેદારીમાંથી રાજીનામું આપ્યું. જેથી બાદશાહે ગુજરાતનાં સુબા તરીકે સરબુલંદખાનને નિમ્યા અને સુજાતખાન નાયબ સુબા તરીકે નિમાયા.
પરંતુ વઝીર નિઝામ-ઉલ-મુલ્કના કાકા હમીદખાન સહેલાઈથી પોતાનું પદ સોંપવા તૈયાર નહોતા. તેમણે મરાઠા નેતા કંથાજી સાથે હાથ મિલાવી સુજાતખાનને હરાવી એમનું મોત નિપજાવ્યું.
સુજાતખાનના બે ભાઈઓ, ઇબ્રાહિમ કુલીખાન અને રૂસ્તમખાન હતા. ઇબ્રાહિમ કુલીખાન હમીદખાનને મળવા જતા હતા પણ તેમને રસ્તામાં જ મારી નાખવામાં આવ્યા.
આ બાજુ રૂસ્તમખાને પિલાજી ગાયકવાડ સાથે હાથ મિલાવી હમીદખાનને વસો પાસે લડત આપી. પણ પીલાજીએ દગો કર્યો તેથી રૂસ્તમખાન પણ માર્યા ગયા.
જ્યારે ઈ.સ. 1725માં હમીદખાન વિજયી બની પાછા ફર્યા ત્યારે હમીદખાનના સાથીઓ કંથાજી અને પીલાજી વિજયના ઉન્માદમાં આવી ગયા અને કિલ્લેબંધ શહેર અમદાવાદને લૂંટવાનો ઇરાદો વ્યક્ત કર્યો.
આ વાતની ખુશાલચંદ શેઠને જાણ થતાં પોતાની જાનની પરવા કર્યા વગર હમીદખાનની સેના વચ્ચે જઈ મરાઠાઓને માગે તેટલું ધન આપ્યું. આમ ખુશાલચંદશેઠે નગરને લૂંટાતું બચાવ્યું.
આ કામથી ખુશ થઈ નગરના મહાજનોએ તેમના કામની કદર સ્વરૂપે નગરમાં આવતા જતા બધા સમાન ઉપર જે જકાતની આવક થાય તેમાથી પ્રતિ 100 રૂપિયાની આવકે ચાર આના શેઠ ખુશાલચંદ અને તેમનાં પુત્રી તથા વારસદારોને આપવાનું નક્કી કર્યું.

ઇમેજ સ્રોત, Getty Images
આ વાત અમદાવાદના મહાજનના હિંદુ-મુસલમાન વેપારીઓએ વિ. સં 1781ના રોજ લખાયેલ દસ્તાવેજ પરથી સ્પષ્ટ થાય છે.
ઈ.સ. 1820 સુધી તેમના વારસોને આ આવક મળી પરંતુ ત્યાર બાદ બ્રિટિશ સરકારે વાર્ષિક 2133 રૂપિયા આપવા નક્કી કર્યું.
ત્યાર બાદ એક કલેકટરે આ વર્ષાસન બંધ કરતાં નગરશેઠ પ્રેમાભાઇ વિલાયત સુધી લડ્યા હતા જેમાં જીત્યા અને તેમના વારસોને આ રકમ મળતી થઈ.
એક બીજો પ્રસંગ પણ શેઠ ખુશાલચંદની બહાદુરીની ગાથા વર્ણવે છે. એક વખત જૈન મંદિરેથી મહાવીર સ્વામીનો વરઘોડો કાઢવાનો હતો.
અગાઉ વગર પરવાનગીએ વરઘોડો નીકળતો હતો પણ આ વખતે ગુજરાતના સૂબા અખત્યારખાને ખુશાલચંદ શેઠને કહ્યું કે તમારે વરઘોડો કાઢવાનો હોય તો પરવાનગી જોઈશે.
આ સાંભળી ખુશાલચંદ શેઠે સુબાના પ્રતિનિધિને કહ્યું, "હું દિલ્હીના બાદશાહના ફરમાનને માથે ચઢાવું છું, પણ સૂબાસાહેબના ફરમાનને સ્વીકારતો નથી."
આથી સૂબા અખત્યારખાને જવાબમાં ખુશાલચંદ શેઠની હવેલીએ સૂબેદારને ઘોડેસવારો સાથે મોકલ્યા.
સામે નગરશેઠના પચાસ આરબો પણ બંદૂક તાકીને ઊભા રહ્યા. આથી છંછેડાઈને અખત્યારખાન પોતે સૈનિકના વેશમાં પાંચસો સૈનિકો સાથે આવ્યા અને તોપમારો ચલાવવાનો આદેશ આપ્યો.
પરંતુ આ સમયે શહેરના મહાજને સૂબા પાસે જઈ તેમને આમ ન કરવા સમજાવ્યું અને હવેલી નગરની વચ્ચે હોવાથી આખા શહેરને નુકશાન થશે તેવું કહ્યું.
મહાજનની વિનંતીથી સૂબાએ નગરશેઠ ખુશાલચંદને ત્રણ દિવસની મહેલત આપી અને સુબાએ જીદ પકડી કે "નગરશેઠને મારા શરણે લાવો અથવા શહેર ખાલી કરી બીજે ચાલ્યા જાવ."
પછી મહાજન નગરશેઠ ખુશાલચંદ પાસે ગયો પણ તેઓ સૂબાને નમવા તૈયાર નહોતા.
આ બાજુ મહાજને સૂબા પાસેથી હવેલીને નુકસાન ન થાય તેવી ખાત્રી મેળવી. નગરશેઠ ખુશાલચંદ સૂબાની સામે નમ્યા નહીં અને પોતાની હવેલી ખાલી કરી 500 આરબ સૈનિકો સાથે વાસણા ગામમાં તંબુ તાણ્યા.
ત્યાંથી તેમણે દિલ્હી સલ્તનતને ગુજરાતના સૂબાની જોહુકમીથી વાકેફ કરી.

ઇમેજ સ્રોત, Getty Images
શેઠની આ રજૂઆતને પગલે અમદાવાદના સૂબાને દિલ્હી સલ્તનતે પરત બોલાવવા માટેનું શાહી ફરમાન મોકલ્યું અને અખત્યારખાન સૂબાના સ્થાને સૈયદ હસનઅલીના આશ્રિતની નિમણુક થઈ.
આમ બરાબર એકવીસમે દિવસે ખુશાલચંદની નગરવાપસી થઈ.
નગરશેઠ તરીકે તેમનું દિલ્હીમાં માન હતું તેનો એક દાખલો લઈએ. ઈ.સ. 1725થી ઈ.સ.1730 દરમિયાન સરબુલંદખાન ગુજરાતના સૂબા તરીકે નિમાયા ત્યારે તેમણે શેઠ ખુશાલચંદને કોઈ કારણવશ કેદ કર્યા પરંતુ અંતે એક પીઢ અધિકારીની સલાહ માની રૂ. 60,000ની રકમ ભરી છોડાવ્યા.
સરબુલંદખાનના આ જોહુકમીભર્યા વર્તનને કારણે ખુશાલચંદ દિલ્હી જતા રહ્યા અને 1732માં તેઓ શાહી ફરમાન સાથે પાછા ફર્યા. બાદશાહે આપેલા ફરમાનમાં તેમને નગરશેઠ તરીકે નિમવામાં આવ્યા હતા.
આ રીતે ખુશાલચંદ માનભેર અમદાવાદ પાછા ફર્યા. પરંતુ ગુજરાત પાછા ફરતાં સૂબાના અધિકારીવર્ગની પજવણી ચાલુ રહી. તેથી અમદાવાદ છોડી પેથાપુર અને ત્યાંથી વાસણા થઈ જુનાગઢ ગયા.
છેક 1736માં તેઓ પાછા ફર્યા. ઇતિહાસકાર કૉમીસેરિયેટે તેની નોંધમાં ખુશાલચંદ શેઠનું મૃત્યું ઈસ 1748માં થયાનું નોધ્યું છે.

ઉપસંહાર

ઇમેજ સ્રોત, Getty Images
નગરશેઠ ખુશાલચંદનો કાર્યકાળ તેમના પિતા શાંતિલાલ શેઠ કરતાં જુદો હતો.
શાંતિલાલ શેઠના સમયમાં મુઘલ શાસન હતું અને તેમની દિલ્હી સુધી પહોચ હોવાના કારણે તેમનાં કાર્યો ખુબજ સરળતાથી થતાં જ્યારે ખુશાલચંદના કાર્યકાળ દરમ્યાન મુઘલોનો સૂરજ અસ્તાચળે હતો.
દિલ્હીમાં મુઘલસત્તા માટે અને અન્ય પ્રદેશોમાં મુઘલ સલ્તનતે નિમેલા સૂબાઓ પોતે રાજા બની જોહુકમી ચલાવી રહ્યા હતા.
આવા સમયે એક નગરશેઠ તરીકે ખુશાલચંદની ઘણી બધી વખત કસોટી થયેલી. તેઓ અનેક વખત અમદાવાદના સૂબાની પજવણીનો ભોગ બન્યા હતા.
બીજી બાજુ સૂબાઓની અંદરોઅંદરની લડાઈમાં મરાઠાઓ બેકાબૂ બની અમદાવાદ શહેર લૂંટવાનું નક્કી કર્યું ત્યારે તેમણે તેમણે જાનના જોખમે મરાઠાઓને જોઈતી રકમ આપી શહેરને બચાવ્યું હતું.
આમ ખુશાલચંદની કોઠાસૂઝ અને હોશિયારીને પરિણામે તેમણે તે સમયની રાજકીય અસ્થિરતામાં પણ અડગ રહી એક સફળ નગરશેઠ તરીકે નામના મેળવી હતી.
સંદર્ભ :
1. નગરશેઠ શાંતિદાસ ઝવેરી, લેખક : માલતી શાહ, પ્રકાશક ગુર્જર ગ્રંથ કાર્યાલય દ્વિતીય આવૃત્તિ 2013
2. "History of Gujarat" Vol 1 & 2 by M S Commissariat, Publisher: Orient Longmans, 1938
3. "ખુશાલચંદનું ખમીર બાદશાહતને ઝૂકવા સહેજે તૈયાર નહોતું !," ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ, ગુજરાત સમાચાર, 21-11-2019)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












