ઔરંગઝેબ-ગુરુ ગોવિંદસિંહની લડાઈ : શીખ સૈનિકોએ જ્યારે એક જ દિવસમાં 900 મુઘલોની હત્યા કરી નાખી

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Sikhnet.com/Getty Images

ઇમેજ કૅપ્શન, બિલાસપુરના રાજા ભીમચંદના પુત્ર અને વારસદાર અજમેરચંદ દક્ષિણમાં જઈને ઔરંગઝેબને મળ્યા અને ગુરુ ગોવિંદસિંહને માર્ગમાંથી હટાવવા માટે મદદ માગી હતી
    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી હિન્દી

ગુરુ ગોવિંદસિંહ માત્ર નવ વર્ષના હતા જ્યારે તેમના પિતા તેગબહાદુરનું કપાયેલું માથું અંતિમસંસ્કાર માટે આનંદપુરસાહિબ લાવવામાં આવ્યું હતું.

તેમના પિતાની શહીદીએ આજીવન તેમના દૃષ્ટિકોણને પ્રભાવિત કર્યો.

ઇતિહાસમાં ગુરુ ગોવિંદસિંહની છબિ એક ઊંચા એકવડિયા બાંધાના, ખૂબ સારાં કપડાં પહેરનારા અને ઘણાં પ્રકારનાં હથિયારોથી સુસજ્જ રહેનારા વ્યક્તિની છે.

તસવીરોમાં તેમના ડાબા હાથ પર હંમેશાં એક સફેદ બાજ અને પાઘડીમાં એક કલગી લાગેલી દેખાડવામાં આવે છે. 19 વર્ષની ઉંમરે તેમણે પોતાને ભવિષ્યના સમય માટે તૈયાર કર્યા હતા.

ખુશવંતસિંહે પોતાના જાણીતા પુસ્તક 'ધ હિસ્ટરી ઑફ ધ શીખ્સ'માં લખ્યું છે, "આ દરમિયાન તેમણે સંસ્કૃત અને ફારસીનો અભ્યાસ કર્યો. હિંદી અને પંજાબી તેમને પહેલાંથી જ આવડતી હતી. તેઓ ઘોડેસવારી કરવાનું અને બંદૂક ચલાવવાનું પણ શીખ્યા. તેમણે ચાર ભાષાઓમાં કવિતાઓ લખવાનું શરૂ કરી દીધું. ક્યારેક ક્યારેક તેઓ એક જ કવિતામાં ચારેય ભાષાનો પ્રયોગ કરતા હતા."

ખુશવંતસિંહે લખ્યું છે, "તેમણે હિંદુ ધર્મશાસ્ત્રની ઘણી કથાઓને પોતાના શબ્દોમાં લખી. તેમને ગમતી કથા ચંડીદેવીની હતી, જેઓ રાક્ષસોનો વિનાશ કરતાં હતાં. તેમના વિશે એવું કહેવાતું કે તેમનાં તીરોની અણી સોનાની હતી, જેથી તેને વેચીને મરનારના પરિવારનો ગુજારો થઈ શકે."

ગુરુ ગોવિંદસિંહનો પ્રથમ વિજય

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Oxford

ગુરુ ગોવિંદસિંહને પ્રથમ પડકાર તેમના પડોશી રાજ્ય બિલાસપુરના રાજા ભીમચંદ તરફથી મળ્યો હતો. ગુરુ ગોવિંદસિંહની લોકપ્રિયતા ભીમચંદને પસંદ નહોતી.

આથી રાજા નારાજ થઈ ગયા, કેમ કે, એક વાર ગુરુએ તેમને પોતાના હાથી આપવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે આનંદપુર પર હુમલો કર્યો, જેમાં તેમની હાર થઈ.

પતવંતસિંહે પોતાના પુસ્તક 'ધ શીખ'માં લખ્યું છે, "શીખ ધર્મમાં હિંદુ ધર્મથી વિપરીત બધી જાતિઓને સમાન મહત્ત્વ આપવામાં આવતું હતું, પરિણામે ઊંચી જાતિના સામંતવાદી વિચારસરણી ધરાવતા લોકો સાથે તેમનો સંઘર્ષ થાય તે નિશ્ચિત હતું. પડોશી રાજ્યોના સરદારોને એ વાત બિલકુલ ગમતી નહોતી, કેમ કે, આગામી સમયમાં લોકશાહી શીખ મૂલ્યો તેમના સામંતવાદી અધિકારો માટે જોખમરૂપ સાબિત થઈ શકે તેમ હતાં."

ઈ.સ. 1685માં ગુરુ ગોવિંદસિંહે પડોશી સિરમોર રાજ્યના રાજા મેદિનીપ્રકાશનું આતિથ્ય સ્વીકારી લીધું. તેઓ ત્યાં ત્રણ વર્ષ સુધી રહ્યા. ત્યાર પછી તેમણે પોતાના નિવાસ માટે યુમના નદીના કિનારે એક જગ્યા પસંદ કરી, જેનું નામ હતું પંવટા. અહીં તેમના મોટા પુત્ર અજિતસિંહનો જન્મ થયો.

અહીં, એક વાર ફરી તેમણે લડાઈનો સામનો કરવો પડ્યો. આ વખતે ભીમચંદ અને ફતેહશાહની સંયુક્ત સેનાએ તેમના પર હુમલો કર્યો. આ લડાઈ પંવટાથી છ માઈલ દૂર ભંગાનીમાં થઈ હતી. આ લડાઈમાં પણ એ બધા રાજાઓની હાર થઈ અને લોકોને ખબર પડી કે ગોવિંદસિંહ કેટલા શક્તિશાળી છે.

ખાલસાની સ્થાપના

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Sikhnet.com

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈ.સ. 1699ની શરૂઆતમાં તેમણે બધા શીખને સંદેશો આપ્યો કે તેઓ બૈસાખીના પર્વપ્રસંગે આનંદપુરમાં એકઠા થાય. ભીડની સામે જ તેમણે પોતાની મ્યાનમાંથી તલવાર બહાર કાઢી અને એલાન કર્યું કે એવા પાંચ લોકો આગળ આવે, જેઓ ધર્મની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર હોય.

પતવંતસિંહે લખ્યું છે, "સૌથી પહેલાં લાહોરના દયારામ આગળ આવ્યા. ગુરુ તેમને બાજુમાંના એક તંબુમાં લઈ ગયા. ત્યાર પછી હસ્તિનાપુરના ધરમદાસ, દ્વારકાના મોહકમચંદ, જગન્નાથના હિંમત અને બીદરના સાહિબચંદ આગળ આવ્યા."

તંબુની બહાર જનતા ઉત્સુકતાથી તેમના બહાર આવવાની રાહ જોતી ઊભી હતી. ગુરુની તલવાર પરથી લોહી ટપકતું જોઈને લોકોને લાગ્યું કે તેમને મારી નાખવામાં આવ્યા છે.

પતવંતસિંહે લખ્યું છે, "થોડી વાર પછી ગુરુ ગોવિંદસિંહ આ પાંચ લોકો સાથે બહાર આવ્યા. આ પાંચેયે કેસરિયા રંગનાં કપડાં અને પાઘડી પહેર્યાં હતાં. ત્યારે ત્યાં હાજર લોકોને અનુભૂતિ થઈ કે ગુરુએ તેમને માર્યા નહોતા. તેઓ તેમના સાહસની પરીક્ષા કરી રહ્યા હતા. ગુરુએ આ પાંચેય લોકોને 'પંજપ્યારે' નામ આપ્યું."

તેમણે એક કડાઈમાં પાણી ભરીને તેમાં ખાંડ નાખીને પોતાની કૃપાણથી ઓગાળી અને એ પાંચેય લોકોને એક વાટકામાં પીવા આપ્યું. આ પાંચેય લોકો અલગ-અલગ હિંદુ જાતિના હતા.

આનો સાંકેતિક અર્થ એ હતો કે, એ પાણી પીને તેઓ જાતિવિહીન ખાલસાના સભ્ય થઈ ગયા છે. તે બધાનાં હિંદુ નામ બદલીને તેમને 'સિંહ' ઉપનામ આપવામાં આવ્યું.

કેશ, કાંસકી, કચ્છા, કડું અને કૃપાણ

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Sikhnet.com

ખાલસા માટે પાંચ નિયમ બનાવવામાં આવ્યા, જેનો પ્રથમ અક્ષર 'ક'થી શરૂ થતો હતો, તેથી તેને પંચકાર કહેવામાં આવ્યા – કેશ, કાંસકી, કડું, કચ્છા અને કૃપાણ.

ખુશવંતસિંહે લખ્યું છે, "તેમને કહેવામાં આવ્યું કે તેઓ પોતાનાં વાળ અને દાઢી ન કપાવે. તેમને એક કાંસકી રાખવાની સલાહ આપવામાં આવી, જેથી તેઓ પોતાના વાળને વ્યવસ્થિત રાખી શકે. તેમને ઘૂંટણ સુધીનાં કપડાં પહેરવાનું કહેવાયું, જેવાં તે જમાનાના સૈનિકો પહેરતા હતા. તેમના માટે જમણા હાથમાં લોખંડનું મોટું કડું પહેરવું ફરજિયાત કરાયું અને તેમને હંમેશાં પોતાની સાથે એક કૃપાણ રાખવાનું કહેવાયું."

આ ઉપરાંત, તેમના ધૂમ્રપાન કરવા, તમાકુ ખાવા અને દારૂ પીવા સામે પ્રતિબંધ મૂકી દેવાયો. તેમને એવું પણ કહેવામાં આવ્યું કે, તેઓ હલાલ માંસ ન ખાય, તેના બદલે ઝટકા માંસ ખાય.

તેમને એમ પણ કહેવામાં આવ્યું કે, તેઓ મુસ્લિમ મહિલાઓનું સન્માન કરશે. આખરે તેમણે એક નવા પ્રકારના અભિવાદનની શરૂઆત કરી, વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતહ.

ઔરંગઝેબ સાથે પત્રવ્યવહાર

ઔરંગઝેબ પોતાના દરબારમાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઔરંગઝેબ પોતાના દરબારમાં

ઈ.સ. 1701થી 1704 દરમિયાન શીખો અને પહાડી રાજાઓ વચ્ચે અથડામણો થતી રહી. છેવટે, બિલાસપુરના રાજા ભીમચંદના પુત્ર અને વારસદાર અજમેરચંદ દક્ષિણમાં જઈને ઔરંગઝેબને મળ્યા અને ગુરુ ગોવિંદસિંહને માર્ગમાંથી હટાવવા માટે મદદ માગી.

ઔરંગઝેબે ગુરુને એક પત્ર લખી મોકલ્યો, જેમાં લખેલું, "તમારો અને મારો ધર્મ એક ઈશ્વરમાં માને છે. આપણી વચ્ચે ગેરસમજ શા માટે હોવી જોઈએ? તમારી પાસે મારી પ્રભુસત્તા માનવા સિવાય બીજો કશો માર્ગ નથી, જે મને અલ્લાહે આપી છે. જો તમારી કોઈ ફરિયાદ હોય, તો મારી પાસે આવો. હું તમારી સાથે એક ધાર્મિક વ્યક્તિ જેવો વ્યવહાર કરીશ. પરંતુ, મારી સત્તાને પડકારશો નહીં, નહીંતર હું જાતે હુમલાનું નેતૃત્વ કરીશ."

આ પત્રનો જવાબ આપતાં ગુરુ ગોવિંદસિંહે લખ્યું, "દુનિયામાં માત્ર એક સર્વશક્તિમાન ઈશ્વર છે, જેમના તમે અને હું, બંને આશ્રિત છીએ. પરંતુ, તમે આ નથી માનતા અને જે લોકોનો ધર્મ તમારાથી જુદો છે તેમના માટે ભેદભાવ રાખો છો, તેમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરો છો. ઈશ્વરે મને ન્યાય સ્થાપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે. જ્યારે મારા અને તમારા રસ્તા જુદા છે, ત્યારે આપણી વચ્ચે શાંતિ કઈ રીતે સ્થાપિત થઈ શકે?"

ત્યાર પછી ઔરંગઝેબે દિલ્હી, સરહિંદ અને લાહોરના પોતાના ગવર્નરોને આદેશ આપ્યા કે ગુરુને અંકુશમાં રાખવા માટે પોતાના બધા જ સૈનિકોને કામે લગાડી દે.

આદેશમાં કહેવાયું કે, પહાડી રાજાઓના સૈનિકો પણ મુઘલ સેનાની સાથે જ લડશે અને ગુરુને ઔરંગઝેબ સમક્ષ હાજર કરશે.

ગુરુ ગોવિંદસિંહે યુદ્ધની સંપૂર્ણ તૈયારી કરી

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Getty Images

નક્કી થયું કે સરહિંદના ગવર્નર વજીરખાંના નેતૃત્વમાં મુઘલ અને પહાડી રાજાઓની સેના આનંદપુર તરફ પ્રયાણ કરશે. આ સાંભળતાં જ ગુરુ ગોવિંદસિંહે ભાઈ મુખિયા અને ભાઈ પરસા માટે હુકમનામું મોકલીને ઘોડેસવારો, પદસૈનિકો અને સાહસિક યુવાઓ સાથે આનંદપુર પહોંચવા કહ્યું.

કુરુક્ષેત્રના મેળા અને અફઘાનિસ્તાનના ઘોડાની વ્યવસ્થા કરવામાં આવી. સેનાપતિઓએ પોતાની તમામ શક્તિ સૈન્યને મજબૂત કરવામાં, ખાસ કરીને નવી ભરતી થયેલા સૈનિકોને તાલીમ આપવામાં અને યુદ્ધ માટે આયોજન કરવામાં લગાવી દીધી.

દરેક સૈનિકછાવણીમાં પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી, જેથી ઘેરાબંધી થાય તે સ્થિતિમાં મુશ્કેલીઓનો સામનો કરી શકાય.

કિલ્લાની અંદર રહીને લડવાનો નિર્ણય

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Forgotten Books

ગુરુએ પોતાની સેનાને છ ભાગમાં વહેંચી દીધી. પાંચ ટુકડીને પાંચ કિલ્લાની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી અને છઠ્ઠી ટુકડીને રિઝર્વ તરીકે રાખવામાં આવી.

ગુરુ ગોવિંદસિંહે આનંદગઢની જવાબદારી પોતે લીધી. ફતેહગઢની સુરક્ષાની જવાબદારી ઉદયસિંહને મળી. મખ્ખનસિંહને નાલાગઢના સેનાપતિ બનાવવામાં આવ્યા હતા.

ગુરુના સૌથી મોટા પુત્ર અજિતસિંહને કેશગઢના ઇનચાર્જ બનાવવામાં આવ્યા, જ્યારે તેમના નાનાભાઈ જુઝારને લોહગઢની સુરક્ષાનો ભાર સોંપવામાં આવ્યો.

અમરદીપ દહિયાએ ગુરુ ગોવિંદસિંહના જીવનચરિત્ર 'ફાઉન્ડર ઑફ ધ ખાલસા'માં લખ્યું છે, "ગુરુએ પોતાના બધા જનરલોને જણાવી દીધું કે મુઘલ સેના સંખ્યાની દૃષ્ટિએ મોટી હોવાના કારણે તેમની સાથે ખુલ્લી જગ્યામાં લડાઈ કરવી ચાલાકી નહીં ગણાય. યોગ્ય રણનીતિ એ રહેશે કે આપણે આપણા કિલ્લાની અંદર રહીને તેમની સાથે લડીએ."

મુઘલ સેનાઓએ સમુદ્રની લહેરોની જેમ ગુરુ ગોવિંદસિંહની સેના પર હુમલા કર્યા.

મૅક્સ આર્થર મોકૉલિફે પોતાના પુસ્તક 'ધ શીખ રિલીજન'માં લખ્યું છે, "પાંચેય કિલ્લામાંથી શીખ તોપચીઓએ એવા વિસ્તારને પોતાના નિશાન બનાવ્યા, જ્યાં મુઘલ સૈનિકો મોટી સંખ્યામાં હતા. મુઘલ સૈનિકો ખુલ્લી જગ્યામાંથી લડી રહ્યા હતા, તેથી શીખ સૈનિકોની સરખામણીએ તેમને વધુ નુકસાન થયું. આવું જોયા પછી ઉદયસિંહ અને દયાસિંહના નેતૃત્વમાં શીખ સૈનિકો કિલ્લામાંથી બહાર આવ્યા અને મુઘલ સૈનિકો પર તૂટી પડ્યા. મુઘલોના બે સેનાપતિ વજીરખાં અને જબરદસ્તખાં એ જોઈને સ્તબ્ધ થઈ ગયા કે તેમની ફોજ કરતાં ઘણી નાની એવી ફોજ કેટલું બધું નુકસાન કરી રહી છે.

ગુરુ ગોવિંદસિંહના કિલ્લાને ઘેરી લીધો

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, HARPER COLLINS

પહેલા દિવસનું યુદ્ધ પૂરું થયા પછી કિલ્લાની બહાર લગભગ 900 મુઘલ સૈનિકોનાં શબ પડ્યાં હતાં. બીજા દિવસે ગુરુ ગોવિંદસિંહ જાતે લડાઈમાં જોડાયા.

અમરદીપ દહિયાએ લખ્યું છે, "ગુરુ પોતાના પ્રખ્યાત ઘોડા પર સવાર હતા. તેમના ઘોડાનું પલાણ સોનેરી તારોથી મઢેલું હતું. તેમનું ધનુષ્ય ચમકદાર લીલા રંગથી રંગેલું હતું અને તેમના સાફા પર ઝવેરાતોથી જડેલી કલગી સવારના તડકામાં ચમકતી હતી. ગુરુએ લડાઈમાં ભાગ લીધો તેનાથી પ્રેરાઈને તેમના સૈનિકો પણ જુસ્સાથી મુઘલોનો સામનો કરી રહ્યા હતા. લડતા ગુરુને રાજા અજમેરચંદે ઓળખી લીધા. ત્યારે વજીરખાં અને જબરદસ્તખાંએ ત્યાં જાહેરાત કરી કે જે કોઈ ગુરુ પર હુમલો કરશે તેમને મોટું ઇનામ આપવામાં આવશે."

બીજા દિવસની લડાઈ પૂરી થઈ પછી ગુરુ અને તેમના સૈનિકો કિલ્લામાં પાછા ફર્યા; પણ એ દિવસની લડાઈમાં ગુરુ અને તેમના સૈનિકોએ ખૂબ વિનાશ કર્યો હતો. તેમાં સેંકડો ઘોડા અને મુઘલ સૈનિકનાં મૃત્યુ થયાં હતાં. રાજાઓ અને મુઘલ સૈનિકો વચ્ચે થયેલી બેઠકમાં બંનેએ એકબીજા ઉપર સંપૂર્ણ તાકાતથી નહીં લડ્યાનો આરોપ કર્યો હતો.

મુઘલોને સમજાઈ ગયું કે શીખ સૈનિકોને હરાવવાનો એકમાત્ર ઉપાય એ છે કે, તેમના કિલ્લાની ઘેરાબંધી કરીને બહારની દુનિયા સાથેનો તેમનો સંપર્ક સંપૂર્ણ કાપી નાખવામાં આવે, જેથી અનાજ ન પહોંચવાના કારણે ભૂખથી પરેશાન થઈને તેઓ મુઘલોના શરણે આવી જાય.

નક્કી કરવામાં આવ્યું કે, હવે ગુરુ ગોવિંદસિંહના સૈનિકો પર હુમલો કરવામાં નહીં આવે, બલકે, તેમના કિલ્લાને ચારેબાજુથી ઘેરી લેવામાં આવશે. તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું કે તેઓ શીખ સૈનિકોનાં હથિયારોની પહોંચથી દૂર રહે.

કિલ્લામાં અનાજ ખૂટી ગયું

આનંદપુરનો કિલ્લો

ઇમેજ સ્રોત, PUNJAB DIGITAL LIBRARY

ઇમેજ કૅપ્શન, આનંદપુરનો કિલ્લો

કિલ્લામાં એટલું અનાજ હતું કે થોડાક દિવસ સુધી આ ઘેરાબંધીની કશી અસર જોવા ન મળી. આ રીતે દિવસ–મહિના વીતતા ગયા પરંતુ મુઘલોએ ઘેરાબંધીમાં જરાયે ઢીલ ન મૂકી.

મુઘલ સેનાપતિઓએ પોતાના સૈનિકોને સમજાવવા પડ્યા કે, તેઓ ધીરજ રાખે. એક દિવસ શીખો પાસેનો ખાદ્ય પુરવઠો પૂરો થઈ જશે અને તેમણે હથિયાર હેઠાં મૂકવા મજબૂર થવું પડશે.

ધીમે ધીમે કિલ્લામાંનો પુરવઠો ઘટવા લાગ્યો અને શીખોને લાગવા માંડ્યું કે થોડા દિવસ પછી તેમની પાસે ખાવા માટે કશુંયે નહીં હોય.

સેનાપતિઓની બેઠકમાં નક્કી થયું કે શીખ સૈનિકોની એક ટુકડી બહાર જઈને મુઘલ સૈનિકોનો ઘેરો તોડશે અને જેટલું લઈ શકાય તેટલું અનાજ અંદર લઈ આવશે.

એ જ રાત્રે બહાર જવાનો પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો. મુઘલ સૈનિકોએ આ નહોતું વિચાર્યું. શીખ સૈનિકો ઘેરાબંધી તોડવામાં સફળ થયા અને ઘણું બધું અનાજ કિલ્લામાં લઈ આવ્યા.

ત્યાર પછીના આવા પ્રયાસો સફળ ન થઈ શક્યા. કેમ કે, મુઘલ સૈનિકો સાવધ થઈ ગયા હતા અને તેમના બહાર નીકળવાના પ્રયાસોને સફળતા ન મળી.

સુરક્ષિત નીકળવાનો પ્રસ્તાવ

થોડા દિવસ પછી કિલ્લામાં ભૂખમરા જેવી સ્થિતિ ઊભી થઈ. એ સમયે સંગતના કેટલાક સભ્યોએ આ પીડાથી બચવા માટે કિલ્લામાંથી બહાર નીકળવાનો નિર્ણય કર્યો. ગુરુએ તેમને રોકવાની કોશિશ ન કરી.

જ્યારે મુઘલોએ પણ જોયું કે બહાર આવનારા લોકોમાં મોટા ભાગનાં સ્ત્રીઓ, બાળકો અને આધેડ વ્યક્તિઓ હતાં, ત્યારે તેમણે તેમને રોકવાની કોશિશ ન કરી, જેથી બીજા શીખો પણ કિલ્લામાંથી બહાર આવવા પ્રેરાય.

અજમેરચંદે ગોવિંદસિંહને એક પત્ર લખીને પ્રસ્તાવ મોકલ્યો હતો. પત્રમાં કહેવાયું હતું કે, જો ગુરુ ગોવિંદસિંહ પોતાના સાથીઓ સાથે આનંદપુરમાંથી નીકળી જાય, તો તેઓ જ્યાં ઇચ્છે ત્યાં જવાની મંજૂરી રહેશે અને કશીયે રોકટોક વગર તેઓ પોતાની સાથે પોતાનો સામાન લઈ જઈ શકશે.

ગુરુને આ પ્રસ્તાવમાં શંકા થઈ, પરંતુ, તેમનાં માતા માતા ગુજરીએ તેમને સમજાવ્યા કે એવું કરીને તેઓ અનેક લોકોના જીવ બચાવી શકે છે.

નકામી વસ્તુઓ બહાર મોકલી દેવાઈ

માતા ગુજરી

ઇમેજ સ્રોત, Sikhnet.com

ઇમેજ કૅપ્શન, માતા ગુજરી

ગુરુએ કહ્યું કે, 'હું આ પ્રસ્તાવ સ્વીકારું એ પહેલાં, હું મુઘલો અને રાજાઓના નેક ઇરાદાની પરીક્ષા લેવા માગું છું.'

તેમણે મુઘલોને સંદેશો મોકલ્યો કે, તેઓ અને તેમના સાથીઓ આનંદપુરમાંથી બહાર જવા માટે તૈયાર છે, પરંતુ, શરત એ છે કે સૌથી પહેલાં તેમના કીમતી સામાન ભરેલાં બળદગાડાંના કાફલાને બહાર જવા દેવામાં આવે.

મુઘલોએ તરત જ જવાબી સંદેશો મોકલ્યો કે, તેઓ એ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, જો જરૂર હોય તો અમે તમને બળદગાડાં મોકલવા પણ તૈયાર છીએ.

અમરદીપ દહિયાએ લખ્યું છે, "ગુરુએ આનંદપુરના લોકોને પોતાની પાસેનો બધો નકામો સામાન એકઠો કરવા કહ્યું. થોડી વારમાં જ ત્યાં જૂનાં પગરખાં, જૂનાં ફાટેલાં કપડાં, તૂટેલાં વાસણો અને જાનવરોનાં હાડકાંનો ઢગલો થઈ ગયો. આ બધો સામાન કીમતી થેલામાં ભરીને બળદગાડાં પર લાદી દેવામાં આવ્યો. દરેક બળદગાડા પર સળગતી મશાલ રાખવામાં આવી, જેથી લોકોનું ધ્યાન તેના પર લાદવામાં આવેલા સામાન ઉપર પડી શકે."

અંધારી રાતે બળદગાડાંનો કાફલો કિલ્લામાંથી બહાર નીકળ્યો. જ્યારે તે મુઘલ સેનાની નજીક પહોંચ્યો ત્યારે બધા થેલા લૂંટી લેવામાં આવ્યા. આખી રાત તેના પર ચોકીપહેરો રખાયો. સવારે જ્યારે થેલા ખોલવામાં આવ્યા ત્યારે મુઘલ સૈનિકો એ જોઈને સ્તબ્ધ થઈ ગયા કે થેલામાં તો ભંગાર ભરેલો હતો.

આ રીતે ગુરુ ગોવિંદસિંહે રાજાઓ અને મુઘલ સૈનિકોના ઇરાદાનો પર્દાફાશ કર્યો.

ગુરુના જૂથ પર દગાથી હુમલો

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Sikhnet.com

મુઘલો અને પહાડી રાજાઓએ તેમને આપેલા વચનનું પાલન ન કર્યું. છેવટે ગુરુ ગોવિંદસિંહે આનંદપુર છોડવું પડ્યું. શીખોનું જે પહેલું જૂથ નીકળ્યું, તેમાં મહિલાઓ, બાળકો, ગુરુનાં માતા અને ચાર પુત્ર પણ સામેલ હતાં.

તેઓ જ્યારે એક નાની નદી સરસાના કિનારે પહોંચ્યાં, ત્યારે તેમના પર મુઘલ સૈનિકોએ હુમલો કર્યો. આ લડાઈમાં ગુરુ ગોવિંદસિંહના સૌથી સક્ષમ સેનાપતિ ઉદયસિંહ મૃત્યુ પામ્યા. પરંતુ, જ્યાં સુધી ગુરુ ગોવિંદસિંહ ત્યાંથી સુરક્ષિત નીકળી ન ગયા ત્યાં સુધી તેમણે મુઘલોનો રસ્તો રોકી રાખ્યો.

પતવંતસિંહે લખ્યું છે, "આ લડાઈમાં ઘણા લોકો મરી ગયા અને અનેક લોકો નદીકિનારે પહોંચ્યા પછી પરિવારથી વિખૂટા પડી ગયા. તેમાં ગુરુ ગોવિંદસિંહનાં માતા અને તેમના બે નાના પુત્ર જોરાવરસિંહ અને ફતહસિંહ સામેલ હતાં."

ગુરુ ગોવિંદસિંહના સૈનિકોની સંખ્યા 500થી ઘટીને ફક્ત 40 થઈ ગઈ હતી. તેઓ આ સૈનિકો અને પોતાના બે પુત્રો સાથે ચમકૌર પહોંચવામાં સફળ થયા. મુઘલ સૈનિકો હજુ પણ તેમનો પીછો કરતા હતા.

અહીં થયેલી લડાઈમાં ગુરુ ગોવિંદસિંહના 40 સૈનિકોએ પોતાના કરતાં અનેક ગણા મુઘલ સૈનિકોનો બહાદુરીથી સામનો કર્યો. પરંતુ, આ લડાઈમાં તેમના બે પુત્ર અજિતસિંહ અને જુઝારસિંહ તથા 'પંજપ્યારે'માંના મોહકમસિંહ અને હિંમતસિંહનાં મૃત્યુ થયાં.

ચમકૌરથી બચીને નીકળી ગયા પછી ગુરુ પોતાના સાથીઓથી વિખૂટા પડી ગયા અને મચ્છીવાડા જંગલોમાં સાવ એકલા થઈ ગયા. પરંતુ, થોડા સમય પછી તેમનાથી છૂટા પડી ગયેલા ત્રણ સાથી તેમને મળી ગયા. આ ચારેય કેટલાક સ્થાનિક શીખોની મદદથી ગમે તેમ કરીને તે સ્થળેથી નીકળી જવામાં સફળ રહ્યા.

અંતે તેઓ જટપુરા ગામ પહોંચ્યા, જ્યાં તે વિસ્તારના મુસ્લિમ સરદાર રાય કાલ્હાએ તેમનું સ્વાગત કર્યું.

ગુરુ ગોવિંદસિંહના બે નાના પુત્રનાં પણ મૃત્યુ થયાં

અહીં જ ગોવિંદસિંહને પોતાના બે નાના પુત્ર જોરાવરસિંહ અને ફતહસિંહ માર્યા ગયાના સમાચાર મળ્યા.

શીખ દસ્તાવેજો અનુસાર, તેમના નોકરે જ તેમની બાતમી આપી દીધી હતી. સરહિંદના ગવર્નર વજીરખાંએ તેમને મારવાનો આદેશ આપ્યો હતો.

પતવંતસિંહે લખ્યું છે, "વજીરખાંએ ગુરુ ગોવિંદસિંહના બંને પુત્રોને કહ્યું કે જો તેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લે તો તેમનો જીવ બચી શકશે. તેમણે એવું કરવાનો ઇનકાર કરી દીધો. એટલે, વજીરખાંએ તેમને જીવતા દીવાલમાં ચણી દેવાનો હુકમ કર્યો. આ સમયે તેમની ઉંમર આઠ વર્ષ અને છ વર્ષ હતી."

જ્યારે તેમનું માથું અને ખભા ચણવાના બાકી હતા ત્યારે તેમને ફરી એક વાર ધર્મપરિવર્તન માટે પૂછવામાં આવ્યું. આ વખતે પણ તેમણે ઇનકાર કર્યા પછી તેમને દીવાલમાંથી બહાર કાઢીને વજીરખાં સમક્ષ લઈ જવામાં આવ્યા.

વજીરખાંએ તેમને તલવારથી મારી નાખવાનો હુકમ કર્યો. તેમના મૃત્યુના સમાચાર સાંભળતાં જ રાજકુમારોનાં દાદી માતા ગુજરીને આઘાત લાગ્યો અને તેમનો જીવ ઊડી ગયો.

ઔરંગઝેબના પુત્રની મદદ કરી

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Sikhnet.com

નાભામાં હતા ત્યારે ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબને ફારસીમાં એક પત્ર લખ્યો હતો. તેમાં તેમણે છળકપટથી હુમલો કરવા બદલ ઔરંગઝેબને દોષિત ઠરાવ્યા હતા.

જ્યારે ઔરંગઝેબને અહમદનગરમાં ગુરુ ગોવિંદસિંહે લખેલો પત્ર મળ્યો ત્યારે તેમણે પોતાના બે અધિકારીઓને લાહોરના ડેપ્યુટી ગવર્નર મુનીમખાં પાસે મોકલીને કહેવડાવ્યું કે તેઓ ગુરુ ગોવિંદસિંહ સાથે સંધિ કરી લે.

એક સમય એવો પણ આવ્યો કે, ગુરુ ગોવિંદસિંહે ઔરંગઝેબને મળવાનો નિર્ણય કર્યો. પરંતુ, તેઓ રાજપૂતાના જ પહોંચ્યા હતા, ત્યાં તેમને ઔરંગઝેબના મૃત્યુના સમાચાર મળ્યા.

તેને વિડંબના જ કહી શકાય કે, ઔરંગઝેબના મૃત્યુ પછી થયેલી ઉત્તરાધિકારીની લડાઈમાં તેમના પુત્ર શાહજાદા મુઅઝ્ઝમે પોતાના ભાઈઓ વિરુદ્ધની લડાઈમાં ગુરુ ગોવિંદસિંહની મદદ માગી હતી.

ગુરુએ મુઅઝ્ઝમના ભાઈ આઝમ સામે લડવા માટે કુલદીપકસિંહના નેતૃત્વમાં શીખ લડવૈયાની એક ટુકડી મોકલી હતી. જૂન 1707માં આગરા નજીક જજાઉમાં થયેલી લડાઈમાં આઝમ મૃત્યુ પામ્યા અને મુઅઝ્ઝમ મુઘલોની ગાદી પર બેઠા. ગાદી પર બેઠા પછી મુઅઝ્ઝમે પોતાનું નામ બદલીને બાદશાહ બહાદુરશાહ રાખ્યું.

જ્યારે તેઓ તેમના બીજા ભાઈ કામબખ્શનો બળવો દબાવવા દક્ષિણમાં ગયા, ત્યારે ગુરુ અને તેમના કેટલાક સાથીઓ પણ દક્ષિણ તરફ ગયા.

ગુરુ ગોવિંદસિંહની હત્યા કેવી રીતે થઈ હતી?

ગુરુ ગોવિંદસિંહ અને ઔરંઝબ, મુઘલ સામ્રાજ્ય

ઇમેજ સ્રોત, Sikhnet.com

ઇમેજ કૅપ્શન, ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોને દીવાલમાં ચણી દેવામાં આવ્યા

પોતાના જીવનના અંતિમ ચરણમાં ગુરુ ગોવિંદસિંહ ગોદાવરી નદીના કિનારે વસેલા શહેર નાંદેડમાં હતા. તેમના સુરક્ષાકર્મીઓને આદેશ હતો કે તેમને મળવા આવનાર કોઈ પણ વ્યક્તિને રોકવામાં ન આવે.

ખુશવંતસિંહે લખ્યું છે, "20 સપ્ટેમ્બર 1708ની સાંજે જ્યારે તેઓ પ્રાર્થના કર્યા પછી પોતાની પથારી પર આરામ કરતા હતા, ત્યારે બે યુવા પઠાણ અતાઉલ્લાખાં અને જમશેદખાંએ તેમના તંબુમાં પ્રવેશ કર્યો. ગુરુને એકલા જોઈને બંનેએ તેમના પેટ પર છરાથી હુમલો કર્યો. તે બંનેને વજીરખાંએ મોકલ્યા હતા. ગુરુને મારવાના ઉદ્દેશની ક્યારેય ખબર ન પડી, કેમ કે હૃદયની નજીક છરો માર્યો હોવા છતાં ગુરુ ગોવિંદસિંહે એક હત્યારાને તો ત્યાં જ મારી નાખ્યો હતો અને બીજા હત્યારાને પણ તેમના સાથીઓએ જીવતો ન છોડ્યો."

ગુરુને થયેલા ઘા પર તેમના એક સાથી અમરસિંહે ટાંકા લીધા, પરંતુ, થોડાક દિવસ પછી તેમના ટાંકા ખૂલી ગયા. જ્યારે બાદશાહ બહાદુરશાહને ગોવિંદસિંહ પર થયેલા હુમલાના સમાચાર મળ્યા ત્યારે તેમણે પોતાના ઇટાલિયન ડૉક્ટર નિકોલાઓ મનૂચીને તેમની સારવાર કરવા માટે મોકલ્યા હતા.

મુઘલ બાદશાહ ઔરંગઝેબ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુઘલ બાદશાહ ઔરંગઝેબ

પરંતુ, 6 ઑક્ટોબર પહેલાં તો ગુરુને અનુભૂતિ થઈ ગઈ હતી કે તેમનો અંતિમ સમય નજીક છે. તેમણે પોતાના અનુયાયીઓની સભા બોલાવીને એક જાહેરાત કરી કે, તેમના મૃત્યુ પછી કોઈ વ્યક્તિ ગુરુ નહીં બને અને બધા જ શીખ ગુરુ ગ્રંથસાહિબને ગુરુ માનશે.

સર્વપ્રીતસિંહે પોતાના પુસ્તક 'ધ સ્ટોરી ઑફ ધ શીખ'માં લખ્યું છે, "ગુરુએ દમદમાસાહિબમાં તૈયાર કરેલા ગુરુ ગ્રંથસાહિબને ખોલવા કહ્યું. તેમણે તેમની સામે પોતાનું માથું નમાવ્યું અને પાંચ પૈસા અને એક નારિયેળ પ્રસાદ સ્વરૂપે મૂક્યાં. તેમણે ચાર વખત ગુરુ ગ્રંથસાહિબની પરિક્રમા કરી અને પછી તેમના સન્માનમાં પોતાનું માથું જમીન પર નમાવી દીધું."

ત્યાં જ તેમણે ઘોષણા કરી કે, "આજ્ઞા ભઈ અકાલ કી, તભી ચલાયા પંથ, સબ સિખન કો હુકમ હૈ ગુરુ માન્યો ગ્રંથ."

7 ઑક્ટોબર 1708એ મધરાત પછી ગુરુ ગોવિંદસિંહે માત્ર 42 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહી દીધું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.