ગાંધીજીના પુત્ર હરિલાલના ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા પર ગાંધી અને કસ્તૂરબાએ શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Image/Roli Books
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી હિંદી
મહાત્મા ગાંધીએ પોતે સ્વીકાર્યું હતું કે તેમને જીવનમાં સૌથી મોટો અફસોસ હતો કે તેઓ પોતાના જીવનમાં બે લોકોના વિચારોને ક્યારેય બદલી ન શક્યા.
એક હતા મહમદઅલી ઝીણા અને બીજા હતા તેમના મોટા પુત્ર હરિલાલ ગાંધી.
ગાંધી માત્ર 19 વર્ષના હતા જ્યારે તેમના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીનો જન્મ થયો હતો. બાળપણમાં તેમનો ચહેરો ગાંધી સાથે ઘણો મળતો હતો.
હરિલાલનો જન્મ થયાના થોડા મહિના પછી ગાંધી વકીલાતના અભ્યાસ માટે લંડન જવા રવાના થઈ ગયા હતા.
ત્રણ વર્ષ પછી તેઓ ભારત પાછા આવ્યા હતા. આ દરમિયાન તેમના પરિવાર અને તેમના સૌથી મોટા પુત્ર હરિલાલે ગાંધીની ગેરહાજરી ખૂબ અનુભવી.
લંડનથી કાયદાનો અભ્યાસ પૂરો કર્યા પછી ગાંધી 1893માં પહેલી વાર દક્ષિણ આફ્રિકા ગયા. ત્રણ વર્ષ એકલા રહ્યા પછી જુલાઈ 1896માં તેઓ ભારત આવ્યા અને પાછા વળતા સમયે પોતાના આખા પરિવારને દક્ષિણ આફ્રિકા લઈ ગયા.
ભારત છોડીને દક્ષિણ આફ્રિકા જતાં સમયે હરિલાલની ઉંમર લગભગ આઠ વર્ષ હતી અને ગાંધી પોતે 27 વર્ષના હતા. ગાંધી પોતાના ભત્રીજા ગોકુલદાસને પણ આખા પરિવાર સાથે દક્ષિણ આફ્રિકા લઈ ગયા હતા.
ગાંધીએ હરિલાલને વિદેશ કેમ ન મોકલ્યા?

ઇમેજ સ્રોત, ROLI BOOKS
હરિલાલ પોતાના પિતાની જેમ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માગતા હતા, પરંતુ જે થયું તે તેમનું અણગમતું થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રમોદ કપૂર ગાંધીના જીવનચરિત્ર 'ગાંધી એન ઇલસ્ટ્રેટેડ બાયૉગ્રાફી'માં લખે છે, "ગાંધીની દૃષ્ટિએ તેમનો પુત્ર અને ભત્રીજો એકસમાન હતા. તેમને ભણવા માટે બહાર મોકલવાનો નિર્ણય વિચિત્ર રીતે લેવામાં આવ્યો હતો. તેમણે એક રૂપિયાનો સિક્કો ઘરમાં સંતાડી દીધો. હરિલાલ અને ગોકુલદાસને તે સિક્કો શોધવાનું કહેવામાં આવ્યું. ગાંધીએ નક્કી કર્યું કે જે બાળક એ સિક્કાને શોધી લેશે, તેને જ અભ્યાસ માટે બહાર મોકલવામાં આવશે. ગોકુલદાસે એ સિક્કો શોધી કાઢ્યો."
પ્રમોદ કપૂર લખે છે કે આવું એક વાર નહીં, પરંતુ બીજી વખત થયું, જેથી હરિલાલ ખૂબ જ દુઃખી થઈ ગયા.
સિક્કાવાળી ઘટનાનાં થોડાં વર્ષો પછી ગાંધીએ એક વાર ફરીથી હરિલાલને નજરઅંદાજ કરીને પોતાના બીજા એક ભત્રીજા છગનલાલને ઉચ્ચ શિક્ષણ માટે લંડન મોકલવાનો નિર્ણય કર્યો. જ્યારે છગનલાલ બીમાર પડી ગયા અને પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા, ત્યારે ગાંધીએ તેની જગ્યાએ જનારની પસંદગી કરવા માટે એક નિબંધસ્પર્ધા કરાવી.
આ વખતે એક પારસી યુવાન સોરાબજી અદાજાનિયાનો નિબંધ પ્રથમ આવ્યો અને તેમને મોકલી દેવામાં આવ્યા.
કપૂર લખે છે, "ગાંધી માટે એક સ્પષ્ટ છાપ ખૂબ મહત્ત્વ ધરાવતી હતી, જેમાં ભાઈ-ભત્રીજાવાદને કશું સ્થાન નહોતું, પરંતુ આ બધાની હરિલાલના અંતર્મન પર ખૂબ ખરાબ અસર થઈ અને તેમના મનમાં હંમેશ માટે પોતાના પિતા માટે પૂર્વગ્રહ બંધાઈ ગયો.
હરિલાલે પિતાને જણાવ્યા વિના લગ્ન કર્યાં

ઇમેજ સ્રોત, Hulton Archive/Getty Images
જ્યારે હરિલાલે અમદાવાદથી ગાંધીને પત્ર લખ્યો કે તેઓ મેટ્રિક પરીક્ષામાં એક વિષય તરીકે ફ્રેંચ ભણવા માગે છે, તો ગાંધીએ તેમને સલાહ આપી કે તેઓ ફ્રેન્ચની જગ્યાએ સંસ્કૃત ભણે.
હરિલાલને આ સલાહ ગમી નહીં. તેઓ સતત ત્રણ વર્ષ મેટ્રિકમાં નાપાસ થયા.
તેમના જીવનમાં જુગાર અને દારૂએ અભ્યાસનું સ્થાન લઈ લીધું. હરિલાલે, પોતાના પિતાને જણાવ્યા વગર, 2 મે 1906એ રાજકોટની એક છોકરી ગુલાબબહેન સાથે લગ્ન કરી લીધાં. તે સમયે તેમની ઉંમર 18 વર્ષ હતી.
ગાંધીની દૃષ્ટિએ હરિલાલ માટે લગ્ન કરવાનો આ યોગ્ય સમય નહોતો. તેઓ ઇચ્છતા હતા કે તેઓ દક્ષિણ આફ્રિકા આવીને તેમના કામમાં સાથ આપે.
જ્યારે ગાંધીને આ લગ્ન વિશે ખબર પડી ત્યારે તેમણે પોતાના મોટા ભાઈ લક્ષ્મીદાસને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી.
ગાંધીએ લખ્યું, "હરિલાલ લગ્ન કરે તોપણ સારું છે અને ન કરે તોપણ સારું છે. અત્યારે મારી નજરમાં તે મારો પુત્ર નથી."
પિતા-પુત્રના વિચારોમાં અંતર
હરિલાલ પોતાનાં પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા.
રામચંદ્ર ગુહા પોતાના પુસ્તક 'ગાંધી ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ'માં લખે છે, "ગાંધીની નજરમાં એ પણ સારી વાત નહોતી, કેમ કે તેઓ માનતા હતા કે યૌનસંબંધ ફક્ત વંશવૃદ્ધિ માટે છે. સાચા સત્યાગ્રહીએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ."
"હરિલાલ આની સાથે સહમત નહોતા. તેમણે પોતાના પિતાને સ્પષ્ટ કહ્યું કે જબરજસ્તી કોઈ વ્યક્તિને યોગી બનાવી શકાય નહીં, જો તે પોતે ઇચ્છે તો જ યોગી બની શકે છે. ગાંધી પોતાના પરિવારમાં એક પરંપરાગત હિન્દુ મોભીની જેમ વર્તન કરતા હતા. પોતાનાં પત્ની અને પુત્રોની ઇચ્છાઓને તેઓ મહત્ત્વ નહોતા આપતા. પુત્રો યુવાન થઈ ગયા પછી પણ તેઓ તેમની પાસેથી એવી અપેક્ષા રાખતા હતા કે તેઓ તેમની સૂચનાઓનું પાલન કરે.
ગાંધી અને હરિલાલ વચ્ચે લાંબી વાતચીત

ઇમેજ સ્રોત, Penguin Random House
શરૂઆતમાં હરિલાલે દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીના સંઘર્ષમાં તેમને પૂરો સાથ આપ્યો. ગાંધી અને હરિલાલ બંનેની ધરપકડ કરવામાં આવી અને બંનેને જેલની એક જ કોટડીમાં રાખવામાં આવ્યા.
શરૂઆતમાં હરિલાલની ઇચ્છા નાણાકીય રીતે સ્વતંત્ર જીવન જીવવાની હતી. તેમણે પોતાના ઘરેથી ભાગીને ભારત પાછા જવાનો નિર્ણય કર્યો.
મહાત્મા ગાંધીના પૌત્ર રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના જીવનચરિત્ર 'મોહનદાસ'માં લખે છે, "જતાં પહેલાં તેમણે ગાંધીને પત્ર લખીને કહ્યું કે તેઓ એક સારા પિતા સાબિત નથી થયા, તેથી તેઓ પરિવાર સાથેનો પોતાનો સંબંધ તોડી રહ્યા છે, પરંતુ તેઓ પોતાની સાથે ગાંધીનો એક ફોટો લઈ જવાનું ન ભૂલ્યા."
ગાંધીએ આખા જોહાનિસબર્ગમાં તેમની શોધ કરાવી. તેમને જાણવા મળ્યું કે તેઓ ભારત જવાના રસ્તે મોઝામ્બિક પહોંચી ગયા છે. ગાંધીએ પોતાના નજીકના મિત્ર હરમૅન કાલેનબૅકને તેમને પાછા લઈ આવવા મોકલ્યા. કાલેનબૅક તેમને પાછા લઈ આવ્યા.
રાજમોહન ગાંધી લખે છે, "પિતા અને પુત્ર આખી રાત વાતો કરતા રહ્યા. હરિલાલે પોતાના પિતા પર આરોપ કર્યો કે તેમણે ક્યારેય પોતાના પુત્રોનાં વખાણ નથી કર્યાં અને હંમેશાં તેમના પિતરાઈ ભાઈઓ મગનલાલ અને છગનલાલનો પક્ષ લીધો."
હરિલાલની દારૂ પીવાની અને જુગાર રમવાની ટેવ

ઇમેજ સ્રોત, Viking/Penguin India
તેમના જીવનચરિત્ર 'મોહનદાસ' અનુસાર, બીજા દિવસે ગાંધીએ જાહેરાત કરી કે હરિલાલ ભારત પાછા જઈ રહ્યા છે. દુઃખી ગાંધીએ પોતાના સૌથી મોટા પુત્રને ભેટીને કહ્યું, 'જો તમને લાગતું હોય કે તમારા પિતાએ તમારી સાથે કંઈક ખરાબ કર્યું છે, તો તેમને માફ કરી દો.'
ત્યાર પછી જાન્યુઆરી 1915 સુધી પિતા અને પુત્રની કોઈ મુલાકાત ન થઈ. ભારત પાછા ફર્યાના એક વર્ષ પછી ગાંધીને જાણ થઈ કે તેમના નાના પુત્ર મણિલાલે હરિલાલને વેપાર કરવા માટે આશ્રમના થોડા પૈસા ઉછીના આપ્યા છે. આ સાંભળીને ગાંધી એટલા નારાજ થયા કે તેમણે ભૂખ હડતાળ કરવાનો નિર્ણય કર્યો.
કસ્તૂરબા અને તેમના નાના પુત્ર દેવદાસે મહાપ્રયત્ને તેમને એવું ન કરવા સમજાવ્યા. બે વર્ષ પછી હરિલાલનાં પત્નીનું અચાનક અવસાન થઈ ગયું.
ગાંધીએ તેમને ફરી વાર લગ્ન કરવાની મંજૂરી ન આપી. પત્નીના મૃત્યુ પછી હરિલાલનું જીવન ખૂબ બદલાઈ ગયું. તેમણે દારૂ પીવાનું અને જુગાર રમવાનું શરૂ કરી દીધું.
વેપાર કરવાના તેમના બધા પ્રયત્નો નિષ્ફળ થયા. ઘણા લોકોએ ગાંધીને પત્ર લખીને તેમના પુત્રની ઉધાર લેવાની આદતની ફરિયાદ કરી અને માગ કરી કે તેઓ પોતાના પુત્રનું દેવું ચૂકવે.
ત્યાર પછીના સમયમાં, હરિલાલ ગોદરેજ સોપના સેલ્સમૅન તરીકે સફળ રહ્યા.
એબી ગોદરેજ તેમના કામથી એટલા ખુશ થયા કે તેમણે કંપની છોડી ત્યાર પછી પણ તેઓ હરિલાલને જીવનનિર્વાહ માટે થોડાક પૈસા મોકલતા રહ્યા.
ગાંધીએ ખુલ્લો પત્ર લખ્યો

ઇમેજ સ્રોત, Dinodia Photos/Getty Images
1925માં ગાંધીએ એક ખુલ્લો પત્ર લખીને પોતાના પુત્ર સાથેના સંબંધો વિશે પહેલી વાર વાત કરી. તેમણે લખ્યું, "હરિલાલના જીવનમાં ઘણી બધી એવી બાબતો છે, જે મને નથી ગમતી; પરંતુ તેના દોષો છતાં હું તેને પ્રેમ કરું છું."
1935માં પોતાનાં પત્નીના મૃત્યુનાં 17 વર્ષ પછી હરિલાલને એક જર્મન યહૂદી મહિલા માર્ગરેટ સ્પીગલ સાથે પ્રેમ થઈ ગયો. તેઓ મહાત્મા ગાંધીનાં એક નિકટ સહયોગી હતાં. એ બંને લગ્ન કરવા માગતાં હતાં, પરંતુ ગાંધી તેના પક્ષમાં નહોતા.
તેમણે હરિલાલને એક પત્ર લખી કહ્યું, "મેં હંમેશાં સેક્સ ત્યાગવાની તરફેણ કરી છે. તેના માટે હું તમને પ્રોત્સાહિત કઈ રીતે કરી શકું?"
આ વિષય પર ગાંધી, હરિલાલ અને માર્ગરેટ સ્પીગલ વચ્ચે થયેલા પત્રાચારનો રેકૉર્ડ ઉપલબ્ધ નથી, પરંતુ એમાં બેમત નથી કે આ સંબંધ આગળ ન વધી શક્યો.
ગાંધીને પોતાના પુત્રની દારૂ પીવાની અને બીજી ટેવો વિશે ખબર હતી. તેમણે હરિલાલને ચેતવતાં લખ્યું હતું, "જો તમે ભૂખથી મરી રહ્યા હો, તોપણ ભીખ ન માગો. જો તમે ખૂબ જ તરસ્યા હો, તોપણ દારૂ ન પીઓ."
હરિલાલે ઇસ્લામ ધર્મ અપનાવ્યો
સીબી દલાલ હરિલાલના જીવનચરિત્ર 'હરિલાલ ગાંધી: અ લાઇફ'માં હરિલાલનાં પુત્રવધૂ સરસ્વતી ગાંધીનો આધાર ટાંકીને લખે છે, "મારા સસરા ખૂબ જ મજાકિયા, ઉદાર અને આતિથ્યભાવનાવાળી વ્યક્તિ હતી. તેઓ અમારી સાથે છ મહિના રહ્યા હતા. ત્યારે તેમણે બોલીને પોતાના પિતા માટે પોતાનો છેલ્લો પત્ર લખાવ્યો હતો, જેનું શીર્ષક હતું 'મારા પિતા માટેની મારી ફરિયાદો'. તેઓ આ પત્ર પૂરો નહોતા કરી શક્યા."
એપ્રિલ 1936માં હરિલાલ પોતાના પિતા અને માતા કસ્તૂરબાને નાગપુરમાં મળ્યા હતા. ત્યારે તેમણે વેપાર કરવા માટે ગાંધી પાસે થોડાક પૈસાની માગણી કરી હતી. ગાંધીએ પૈસા આપવાની ના પાડી દીધી હતી. હરિલાલ એથી એટલા નારાજ થયા કે શક્ય છે, એ જ કારણે તેમણે ઇસ્લામ ધર્મ અપનાવવાનો નિર્ણય કરી લીધો.
29 મે 1936એ તેમણે બૉમ્બે (હવે મુંબઈ)ની જામા મસ્જિદમાં ઇસ્લામ કબૂલ કરવા અને નવું નામ અબ્દુલ્લાહ રાખવાની જાહેરાત કરી. ગાંધીને તેનાથી ખૂબ આઘાત લાગ્યો, પરંતુ સૌથી વધુ આઘાત તેમનાં માતા કસ્તૂરબાને લાગ્યો.
હરિલાલે ફરી હિન્દુ ધર્મ અપનાવ્યો

ઇમેજ સ્રોત, ROLI BOOKS
કસ્તૂરબાએ હરિલાલનાં પુત્રી રામીને પત્ર લખીને કહ્યું, "મને બહુ ગમ્યું નથી, પરંતુ હું શું કરી શકું? હકીકતમાં હું ખૂબ જ શરમ અનુભવું છું. અમે અમારું એક રત્ન ગુમાવી દીધું છે. એ રત્ન હવે મુસલમાનોના હાથમાં જતું રહ્યું છે" (નીલમ પરીખ, મહાત્મા ગાંધીઝ લાસ્ટ જ્વેલ હરિલાલ ગાંધી).
ગાંધીએ હરિજનના 6 જૂન, 1936ના અંકમાં એક સાર્વજનિક નિવેદનમાં લખ્યું, "જો આ ધર્માંતરણ મનથી થયું છે અને કોઈ સાંસારિક વિચાર વગર થયું છે, તો મને કંઈ વાંધો નથી. મને કશો ફરક નથી પડતો કે તેઓ અબ્દુલ્લાહ નામથી ઓળખાય કે હરિલાલના નામથી. બધા અર્થોમાં તે ઈશ્વરના ભક્ત છે. કેમ કે, બંને નામોના અર્થ ઈશ્વર છે."
પરંતુ કસ્તૂરબાએ પોતાની નિરાશાને છુપાવવાનો પ્રયત્ન ન કર્યો.
તેમણે પોતાના પુત્રને ખુલ્લો પત્ર લખીને કહ્યું, "મારા માટે હવે જીવવું પણ ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. એ વિશે વિચારો કે તમે તમારાં માતાપિતાને તેમના જીવનના છેલ્લા તબક્કામાં કેટલું દુઃખ આપી રહ્યા છો. તમારા પિતા આ વિષયમાં કોઈને કશું નથી કહેતા, પરંતુ આ આઘાતે તેમના મનને ભાંગી નાખ્યું છે. ઈશ્વરે તેમને મજબૂત ઇચ્છાશક્તિ આપી છે, પરંતુ હું તો એક નબળી ઘરડી મહિલા છું અને આ માનસિક પીડાને સહન કરવાની સ્થિતિમાં નથી. તમારા પિતાએ તો તમને માફ કરી દીધા છે, પરંતુ ઈશ્વર તમારા આ કામ માટે તમને ક્યારેય માફ નહીં કરે."
પરંતુ હરિલાલનું ધર્માંતરણ 'વાસ્તવિક' નહોતું, કેમ કે વર્ષ પૂરું થાય એ પહેલાં તો તેમણે આર્યસમાજની વિધિથી ફરી હિન્દુ ધર્મ અપનાવી લીધો હતો અને પોતાનું નવું નામ હીરાલાલ રાખ્યું હતું.
'કસ્તૂરબા માતાની જય'

ઇમેજ સ્રોત, Universal History Archive/Universal Images Group via Getty Images
એક વાર જ્યારે હરિલાલને ખબર પડી કે મહાત્મા ગાંધી અને કસ્તૂરબા ગાંધી ટ્રેન દ્વારા કટની સ્ટેશનથી પસાર થઈ રહ્યાં છે, ત્યારે હરિલાલ પોતાનાં માતાપિતાની ઝલક જોવા માટે પોતાને રોકી ન શક્યા.
પ્રમોદ કપૂર લખે છે, "હરિલાલ કટની સ્ટેશન પહોંચી ગયા, જ્યાં બધા લોકો મહાત્મા ગાંધીની જય જયકાર કરતા હતા. તેઓ એકમાત્ર મોટા અવાજે 'કસ્તૂરબા માતાની જય' બોલતા હતા."
પોતાનું નામ સાંભળીને કસ્તૂરબાએ એ તરફ જોયું જ્યાંથી એ અવાજ આવ્યો હતો. તેઓ એ જોઈને વિસ્મય પામ્યાં કે ત્યાં તેમનો પુત્ર ઊભો હતો.
હરિલાલે પોતાના ગજવામાંથી એક નારંગી કાઢી અને કહ્યું, "બા, આ હું તમારા માટે લાવ્યો છું."
આ સાંભળીને ગાંધી બોલ્યા, 'મારા માટે પણ કંઈ લાવ્યા છો?'
એ સાંભળીને હરિલાલે કહ્યું, 'ના, આ બા માટે છે.' ટ્રેન ચાલવા લાગી ત્યારે કસ્તૂરબાએ પોતાના પુત્રના મોંએ સાંભળ્યું, 'બા, આ નારંગી તમે જ ખાજો.'
કસ્તૂરબા સાથે અંતિમ મુલાકાત

ઇમેજ સ્રોત, ROLI BOOKS
1944 શરૂ થાય તે પહેલાં કસ્તૂરબાની તબિયત ખૂબ બગડી ગઈ. ત્યારે તેમણે ઇચ્છા પ્રગટ કરી કે તેઓ પોતાના સૌથી મોટા પુત્રને જોવા માગે છે.
તેમના મૃત્યુના પાંચ દિવસ પહેલાં હરિલાલ તેમને જોવા માટે પુણેના આગાખાન પૅલેસ પહોંચ્યા હતા. કસ્તૂરબાના મૃત્યુના એક દિવસ પહેલાં હરિલાલ ફરી એક વાર તેમને મળવા ગયા હતા.
તે સમયે તેઓ દારૂ પીધેલા હતા. તેમની આ હાલત જોઈને કસ્તૂરબા ખૂબ દુઃખી થયાં. જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે હરિલાલ ત્યાં હાજર હતા.
હરિલાલનું અવસાન

ઇમેજ સ્રોત, Roli Books
31 જાન્યુઆરી, 1948એ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી. હિન્દુ રિવાજ અનુસાર સૌથી મોટો પુત્ર પિતાની ચિતાને અગ્નિ આપે છે, પરંતુ હરિલાલની ગેરહાજરીમાં ગાંધીના બીજા નંબરના પુત્ર રામદાસે તેમના અંતિમ સંસ્કાર કર્યા.
આ વિશે ઇતિહાસકારોએ અલગ-અલગ વિવરણ આપ્યાં છે. એક વિવરણ અનુસાર, ગાંધીના મૃત્યુના ચાર દિવસ પછી હરિલાલ પોતાનાં બિસ્તરાપોટલાં લઈને પોતાના ભાઈ દેવદાસ ગાંધીના ઘરે પહોંચી ગયા હતા.
પરંતુ કેટલાક લોકો આ વિવરણને સાચું નથી માનતા. તેમના અનુસાર, ગાંધીની હત્યાના સમાચાર આખા ભારતમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા હતા. એ વાતની ખૂબ ઓછી શક્યતા છે કે હરિલાલને આ સમાચાર ન મળ્યા હોય.
ગાંધી પરિવારના સભ્યો તેમનાથી નારાજ જરૂર હતા, પરંતુ સતત તેમના સંપર્કમાં હતા. સવાલ એ ઊભો થાય છે કે શું તેઓ એટલા બીમાર હતા કે ગાંધીના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા માટે મુસાફરી પણ નહોતા કરી શકતા?
કે પછી પોતાના પિતા સાથેની નારાજગીના કારણે તેમણે એવું કર્યું હતું? બંને વાતોની સંભાવના ઓછી જણાય છે.
મહાત્મા ગાંધીના એક જીવનચરિત્રકાર રૉબર્ટ પેને પોતાના પુસ્તક 'ધ લાઇફ ઍન્ડ ડેથ ઑફ મહાત્મા ગાંધી'માં લખ્યું હતું, "ગાંધીના અંતિમ સંસ્કારમાં પહોંચનારા પુત્રોમાં તેમના મોટા પુત્ર હરિલાલ પણ હતા. દૂબળા-પાતળા અને ક્ષયથી પીડિત હરિલાલ એ સાંજે ત્યાં હાજર લોકોમાં સામેલ હતા. તેમને ત્યાં કોઈ ઓળખી નહોતું શક્યું. તેમણે એ રાત્રિ પોતાના નાના ભાઈ દેવદાસ ગાંધીના ઘરે વિતાવી હતી."
ગાંધીના મૃત્યુ પછીના પાંચમા મહિને, 18 જૂન, 1948એ હરિલાલ ગાંધીએ પણ મુંબઈમાં આ દુનિયાને અલવિદા કહી દીધું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












