ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરની જ પસંદગી કેવી રીતે કરવામાં આવી હતી?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, આશિષ વશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરની 60મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે. વર્ષ 1960માં જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયાં ત્યારે સૌપ્રથમ ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું હતું. પરંતુ તે વખતે ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડૉ. જીવરાજ મહેતાને વિચાર આવ્યો કે ગુજરાતનું નવનિર્મિત પાટનગર હોવું જોઈએ અને તે સમયની જરૂરિયાત પણ હતી. અને પછી સાકાર થઈ ગુજરાતના પાટનગરની યોજના.
શરૂઆતમાં ઘણી જગ્યાઓ ચકાસવામાં આવી. પરંતુ પસંદગી અમદાવાદથી લગભગ 32 કિલોમીટર દૂર આવેલાં કેટલાંક ગામડાંઓની, જે બાદમાં ગાંધીનગરમાં ભળી ગયાં.
ગુજરાતનું પ્રથમ અયોજનબદ્ધ રીતે તૈયાર થયલું શહેર અને ગુજરાતનું સૌથી હરિયાળું શહેર. આ બે વાત આવે એટલે તરત પાટનગર ગાંધીનગરની યાદ આવી જાય છે.
2જી ઑગસ્ટ, એટલે કે આજે ગાંધીનગરનો સ્થાપના દિવસ છે. આજના દિવસે જ ગાંધીનગરની પ્રથમ ઈંટ મૂકવામાં આવી હતી.
1965માં બાંધકામ શરૂ થયા બાદ 1 મે, 1970ના રોજ અમદાવાદથી ગાંધીનગરમાં સરકારી ઑફિસો ખસેડવામાં આવી હતી. આજે પાટનગર ગાંધીનગરની પોતાની આગવી ઓળખ ધરાવે છે.
ગાંધીનગરની પસંદગી કઈ રીતે થઈ હતી?

ઇમેજ સ્રોત, giftcityclub.com
1960માં ગુજરાતને ભાષાના આધારે લાંબા આંદોલન બાદ સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો. આ પહેલાં ગુજરાત મુંબઈ રાજ્યનો ભાગ હતો, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાત બંને રાજ્યો હતાં.
ગુજરાત અલગ રાજ્ય બનતા ઘડવૈયાઓએ પાટનગરની પસંદગી વિશે વિચારણ શરૂ કરી. નવી રાજધાની માટે અનેક સ્થળો અંગે ચર્ચા પણ શરૂ થઇ હતી.
આ પહેલા ચંડીગઢ અને ભુવનેશ્વર જેવી નવા જમાનાનું પ્રતિનિધિત્વ કરતી રાજધાનીઓ સ્થાપવાની શરૂઆત દેશમાં થઇ ગઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાંધીનગર પર સંશોધન કરનાર પ્રો. રવિ કાલીયા તેમના પુસ્તક ગાંધીનગર, બિલ્ડિંગ નૅશનલ આઇડેન્ટિટી ઇન પોસ્ટકૉલોનિયલ ઇન્ડિયામાં લખે છે કે, ચર્ચાના અંતે અમદાવાદથી 24 કિલોમીટર દૂર સાબરમતી નદીના કિનારે સ્થિત ગાંધીનગરને પાટનગર તરીકે પસંદ કરવામાં આવ્યું.
પ્રો. રવિ કાલીયા વધુમાં જણાવે છે કે, આ પહેલાં કૉટન મિલોના શેઠિયાઓએ બહુ પ્રયત્નો કર્યા કે અમદાવાદને પાટનગર બનાવવામાં આવે પરંતુ સરકારે જુદો નિર્ણય લીધો. જોકે, નવું પાટનગર અમદાવાદથી નજીક હોવાના કારણે તેમણે બધાએ ગાંધીનગરને રાજધાની તરીકે સ્વીકારી લીધી હતી.
16મી માર્ચ, 1960ના રોજ ગુજરાતના પાટનગરનું નામ ગાંધીનગર હશે તેવી ઘોષણા કરવામાં આવી.
2 ઑગસ્ટ, 1965ના રોજ નવા પાટનગરની પ્રથમ ઈંટ મૂકાઈ હતી.
30મી જૂન, 1970ના રોજ નવા પાટનગરમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને તેને નોટિફાઇડ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો. જોકે, ગાંધીનગરને તેની પહેલી મહાનગરપાલિકા છેક પહેલી મે, 2010માં મળી.
ગાંધીનગરના આર્કિટૅક્ટ કોણ હતા?

ઇમેજ સ્રોત, Institute of Town Planners of India
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નવી રાજધાનીના સ્થપતિ (આર્કિટૅક્ટ) કોણ હશે તે નક્કી કરવા માટે ઘડવૈયાઓએ ઘણી જહેમત ઉઠાવી હતી.
પ્રો. કાલીયા લખે છે કે, સૌ પ્રથમ તો અમેરિકાના વિખ્યાત આર્કિટૅક્ટ લુઇસ કાહ્નને ગાંધીનગરની સ્થપતિ તરીકે પસંદ કરવા માટેના પ્રયત્નો થયા હતા. પરંતુ તેમાં સફળતા ન મળી.
ગાંધીનગરને રાજધાની બનાવવાની જાહેરાત થઇ તે પહેલાં અમદાવાદના શેઠિયાઓએ પ્રસિદ્ધ આર્કિટૅક્ટ લુઇસ કાહ્નને આ પ્રોજેક્ટમાં લઇ આવવા માટે પ્રયત્નો પણ કર્યા હતા.
લુઇસ કાહ્ન સાથે કામ કરનારા બાલકૃષ્ણ દોશીએ પણ આ માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તેઓ અસફળ રહ્યા હતા.
છેવટે ગુજરાતી અને પ્રખર ગાંધીવાદી એચ. કે. મેવાડાની આર્કિટૅક્ટ તરીકે પસંદગી કરવામાં આવી. ચંડીગઢના આર્કિટેક્ટ લે કર્બુઝીયર (Le Corbusier) સાથે તેમણે કામ કર્યું હતું.
એચ. કે. મેવાડાની ચીફ ટાઉન પ્લાનર તરીકે નિમણૂક કરવામાં આવી. તેમનો સાથ આપવા માટે પ્રકાશ આપ્ટેની નિમણૂક થઇ.
કાલીયા તેમના પુસ્તકમાં એવો પણ ઉલ્લેખ કરે છે કે, અમદાવાદ રાજધાની બનશે તેવું ધારીને અમદાવાદના ધનાઢ્ય લોકોએ શહેરની પશ્ચિમ વિસ્તારમાં સેંકડો એકર જમીનની ખરીદી કરી હતી.
અમદાવાદ રાજધાની બનતા આ બધી જમીન સોનાની લગડી બની જશે એવું ધારીને ધનાઢ્ય લોકોએ જમીનોમાં પૈસા રોક્યા હતા. આ ઉપરાંત કેટલાક રાજકારણીઓ પણ આ શેઠિયાઓને ફાયદો કરાવવાની તરફેણમાં હતા.
લુઇસ કાહ્નને રાજધાનીનું સ્થાપત્ય કરે તેવો પ્રોજેક્ટ સરકારને આપવામાં આવ્યો. તેને ચાર વર્ષનાં ગાળામાં એક લાખ ડૉલર ફી તરીકે આપવાની આમા વાત હતી. પરંતુ સરકારે આ પ્રોજેકટ અભરાઇએ ચડાવી દીધો.
ભારતીય પરંપરાને અનુરૂપ શહેર

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીનગર બન્યુ ત્યારે તેનો મુખ્ય હેતુ ભારતીય પરંપરાને અનુરુપ શહેર બનાવવાનો હતો.
ગાંધીનગર શહેર બન્યું ત્યારથી તેમાં ગાંધીજીની યાદ માટે સાબરમતી નદી કિનારે જગ્યા પણ રાખવામાં આવી હતી. જોકે, ગાંધીનગરમાં તેમનું મેમોરિયલ ક્યારેય બન્યું નહીં. પરંતુ તત્કાલિન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ પાછળથી ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ કર્યું.
એચ. કે. મેવાડાના આસિસ્ટન્ટ પ્રકાશ આપ્ટે ગાંધીનગરના પ્લાનિંગ વિશે લખે છે કે, "આ શહેરને સૌથી પહેલાં 30 સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. કુલ 30 સેક્ટરમાં ત્રણ લાખ લોકો રહી શકે તેવી ધારણથી આ શહેર બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ આ શહેરને પૂર્વ પશ્ચિમ બાજુ વિકસાવવાની યોજના હતી. જેમાં બીજાં ત્રીસ સેક્ટર પાડીને સાડા ચાર લાખ લોકોને સમાવવાનું આયોજન હતું. આમ કુલ સાત લાખ 50 હજાર લોકો આ શહેરમાં રહી શકે તેવી રીતે આયોજન કરવામાં આવ્યું હતું.''
આ ટાઉન પ્લાનરોએ શહેરને પૂર્વ પશ્ચિમ તરફ વિકાસ થાય તે રીતે બનાવ્યું હતું.
આપ્ટે તેમના લખેલા પેપરમાં જણાવે છે કે, ગાંધીનગર શહેરમાં સાત લાખ 50 હજારની વસ્તી માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ગાંધીનગરના સ્થાનિક સત્તાધીશોએ શહેરનો વિકાસ દક્ષિણ દિશા તરફ એટલે કે અમદાવાદ બાજુ કર્યો.

ઇમેજ સ્રોત, Ashish Vashi
પોતાના પેપરમાં આપ્ટેએ ભય વ્યક્ત કર્યો હતો કે આમ કરવાથી ગાંધીનગર શહેર પોતાની મૂળભૂત ઓળખ ગુમાવી નાખશે અને અમદાવાદના જ એક વિસ્તાર તરીકે જ ઓળખાશે. આજે ગાંધીનગર અને અમદાવાદ બધી બાજુએથી ભળી ગયાં છે.
'આપણાં સૌનું ગાંધીનગર- ગઈકાલ,આજ અને આવતીકાલ' નામના પુસ્તકમાં અરૂણ બુચ લખે છે કે, "ગાંધીનગર શહેરની શરૂઆતની અવસ્થા લગભગ કલ્પી ના શકાય તેવી હતી. ગામડાંને શરમાવે તેવી પાટનગરની સ્થિતિ. દિવસે રેતની ડમરી ઊડાડતા રણની ઝાંખી, તો રાત્રે સ્મશાનવત શાંતિ."
માત્ર 14,000 ની વસ્તી. ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ અને મંત્રીમંડળના સભ્યોએ વસવાટ શરૂ કર્યો. ધીમે ધીમે સરકારી આવાસો બંધાવવાં માંડ્યાં. વિવિધ પ્રકારનાં 16,466 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું.
બુચ લખે છે કે, "સરકારે તે વખતે ઓછામાં ઓછાં બે રૂમ રસોડું અને સંડાસ-બાથરૂમ જેવી સુવિધાથી માંડીને મંત્રી અને ઉચ્ચ અધિકારીઓનાં પંદર પ્રકારનાં આવાસોનું નિર્માણ કર્યું."
ગુજરાતની રાજધાનીઓનો કેવો છે ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
ગાંધીનગર શહેરના સિનિયર ટાઉન પ્લાનર પ્રકાશ એમ. આપ્ટે લખે છે કે ગુજરાતીઓ શહેર સ્થાપવાનો શોખ ધરાવે છે. તેમણે 'કૅપિટલ્સ ઑફ ગુજરાત'માં ભુતકાળમાં ડોકીયું કરીને વિવિધ રાજધાનીઓ વિશે લખ્યું છે.
દ્વારકા - ગુજરાતનું પ્રાચીન સમયમાં એક કેન્દ્ર દ્વારકામાં હતું. તે સમયે તે સૌરાષ્ટ્રમાં યાદવોની રાજધાની હતી. આ રાજધાનીનાં સમયગાળા અંગે હજુ મતમતાંતરો છે. પરંતુ સૌથી જુની રાજ્યની રાજધાની તરીકે તેનો ઉલ્લેખ વારંવાર આવે છે.
આનર્તપુર - ગુજરાત એક સમયે આનર્ત પ્રદેશ તરીકે ઓળખાતું હતું. તેનું તે વખતની રાજધાની આનર્તપુર હોવાની વાત ઇતિહાસમાં આવે છે. આનર્તપુર હાલમાં આવેલા વડનગરની આસપાસ હતું.
ગિરિનગર - સૌરાષ્ટ્રમાં ત્યારબાદ રાજધાની તરીકે જેનો ઉલ્લેખ આવે છે તે ગિરિનગર છે. આ ગિરિનગર એટલે કે હાલમાં આવેલા જૂનાગઢ પાસેનું શહેર. આ રાજધાનીની સ્થાપના ઇ.સ પૂર્વે 300માં ગુપ્ત સમયગાળામાં થઇ હોવાનું માનવામાં આવે છે.
વલ્લભી - ભાવનગરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલા વલ્લભીનો ગુજરાતની રાજધાની તરીકે ઉલ્લેખ આવે છે. હાલમાં વાલા નામનું ગામ જ્યાં આવેલું છે ત્યાં આ રાજધાની હતી. મૈત્રક રાજાઓનાં સમય દરમિયાન વલ્લભી લાંબો સમય સુધી ગુજરાતની રાજધાની હતી.
પાટણ - 745માં વનરાજ ચાવડાએ પાટણ શહેરની સ્થાપના કરી હતી. તેણે એ સમયે તેનું નામ અણહિલપુર પાટણ રાખ્યું હતું. ગુજરાતના ઇતિહાસ પર વિવિધ પુસ્તકો લખનારા ક. મા. મુનશીએ પાટણ અંગે લખ્યું છે કે, "હું પાટણને ગુજરાતની અસ્મિતાનું કેન્દ્ર ગણું છું. આ કેવળ નાનું શહેર નહતું પરંતુ તે શિક્ષણ,. સંપત્તિ અને સુંદરતામાં રોમ, ઍથેન્સ અને પાટલીપુત્રની સરખામણીમાં ઊભું રહી શકે તેવું હતું."
અમદાવાદ - પાટણ બાદ તેની જ તરહ પર અમદાવાદ શહેરની સ્થાપના અહમદશાહે 1411માં કરી. સ્વતંત્ર ગુજરાત થયું ત્યાં સુધી તે ગુજરાતનું પાટનગર રહ્યું. તે પાટનગર હોવા ઉપરાંત ઉદ્યોગ ધંધાનું પણ કેન્દ્ર હતું.
ગાંધીનગર - ભારત આઝાદ થયું ત્યાર બાદ સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાતને દરજ્જો મળ્યો. ગુજરાતના ઘડવૈયાઓએ ગુજરાતની નવી રાજધાની બનાવવાનું વિચાર્યું. અને ગાંધીજીના નામ પર ગાંધીનગર શહેરનું નિર્માણ શરુ કર્યું. 1970માં ગાંધીનગર સંપૂર્ણ રીતે કાર્યરત થઇ ગયું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












