કચ્છ : ઘાસની ગંજીમાં છૂપાઈને દુશ્મનોનો અત્યાચાર જોનારા રાજકુમારે ભુજની સ્થાપના કેવી રીતે કરી?

ઇમેજ સ્રોત, InfoGujarat/x
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી
વિક્રમ સંવત 1605માં માગશર સુદ છઠના દિવસે રાવ ખેંગારે ભુજ શહેરની સ્થાપના કરી, જે આજે કચ્છનું મુખ્ય વહીવટી મથક છે. જોકે, નવીન નગરની સ્થાપના પહેલાં ભારે પૅલેસ પોલિટિક્સ થયું હતું.
રાવ ખેંગારના પિતાની તેમના જ પારિવારિક ભાઈ દ્વારા દગાથી હત્યા કરવામાં આવી હતી. કોઈ ફિલ્મની કહાણીની જેમ નવરાત્રિના સમયમાં રાવ ખેંગાર તથા તેમના ભાઈનું વેરીઓએ તેમનું પગેરું દાબ્યું.
વફાદાર નોકરે ખેંગાર તથા તેમના ભાઈને બચાવવા માટે પ્રયાસ કર્યા. છૂપાયેલા બંને રાજકુમારોએ દુશ્મનોના અત્યાચાર પોતાની સગી આંખે જોયા હતા. આ રાજપૂત રાજકુંવરોને બચાવવા એક મિયાણાંએ પોતાના છોકરાઓની કુરબાની આપી.
આગળ જતાં રા' ખેંગારે કચ્છની સત્તા હાંસલ કરી. સુલતાન મહંમદ બેગડા પણ ઇતિહાસના આ પ્રકરણમાં પોતાની ભૂમિકા ભજવવાના હતા. એ પછી રાવ ખેગારે નવા શહેર ભુજની સ્થાપના કરી, જેને પોતાના દીકરાનું નામ આપ્યું.
એ પછી ભુજે સદીઓની સફરમાં મુઘલકાળ, બ્રિટિશકાળ તથા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ જોયા છે. વર્ષ 2001માં ગુજરાતને હચમચાવી નાખનારો ભૂકંપ આવ્યો, એ પછી ભુજનું 'નવનિર્માણ' થયું.
દગાથી શરૂઆત

ઇમેજ સ્રોત, Darshan Thakkar
કચ્છમાં જામ રાવળ તથા જામ હમીર વચ્ચે સીમાઓ અંગે બાપ-દાદાના સમયથી વિવાદ ચાલતો હતો, ત્યારે જામ રાવળે પહેલ કરી અને જામ હમીરની રાજધાની હબાઈ આવીને સમાધાન કર્યું. એ પછી જામ હમીરજીએ પોતાની રાજધાનીને લખિયારવીરા ખસેડી અને ત્યાં જઈને રાજ્યાભિષેક કર્યો.
તત્કાલીન નવાનગર સ્ટૅટ દ્વારા પ્રકાશિત 'શ્રીયદુવંશપ્રકાશ'માં (ખંડ બીજો, પેજ 161-162) ઉલ્લેખ પ્રમાણે, ગરીબનાથ નામના સિદ્ધપુરુષ ભડલી ખાતે તપ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકો દ્વારા તેમની કનડગત કરવામાં આવતી. આથી, જામ હમીરજીના નાના ભાઈ અજાજીએ કનડગત કરનારાઓને હરાવીને ગરીબનાથની સેવાચાકરી કરી.
ગરીબનાથનું તપ પૂર્ણ થયું અને તેમણે અજોજીને બીજા દિવસે સવાર આશીર્વચન લેવા માટે આવવા માટે કહ્યું. આના વિશે જામ હમીરજીને માહિતી મળી. એટલે બીજા દિવસે જામ હમીરજી વહેલી પ્રભાતે દૂધની તાંબડી ગરીબનાથ પાસે ધરી અને હાથ જોડીને ઊભા રહ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આગંતુકને જોઈને ગરીબનાથ બોલ્યા, "જા બચ્ચા, તું આખા કચ્છનો રાજા થા." આ સાંભળીને જામ હમીરજી રાજી થયા અને ત્યાંથી ચાલ્યા ગયા.
થોડીવાર પછી અજાજી દૂધ લઈને ગરીબનાથની ઝૂંપડીએ પહોંચ્યા, ત્યારે સાધુએ દૂધ લઈને ફરીથી આવવાનું કારણ પૂછ્યું. અજાજીએ પોતે પહેલી વખત જ આવ્યા હોવાનું જણાવ્યું.
સમગ્ર બીના જાણીને ગરીબનાથ બોલ્યા, 'આશીર્વચન તો હમીરજી લે ગયા, લેકિન ઉસને દગા કિયા હૈ, ઉસકા બી દગા સે મૃત્યુ હોગા. ઔર તેરે વંશ કી સહાયતા કે બિના નિર્વિઘ્ને રાજ નહીં કર સકેગા."
દગાથી અંત
આ બાજુ રાવળે તેમના ભાયાત હમીરનો વિશ્વાસ સંપાદિત કર્યો, પરંતુ તેમના મનમાં બીજી યોજના ચાલતી હતી. તેમણે જામ હમીરને પોતાને ત્યાં આવવા માટે આમંત્રણ આપ્યું.
'કચ્છનો સર્વાંગી ઇતિહાસ'માં (ભાગ-1, પેજ 120-130) બાપાલાલ જાડેજા લખે છે કે હમીરજીનો વિશ્વાસ જીતી લેવામાં રાવળને સફળતા મળી. વિશ્વાસ બેસતા જામ હમીરજીએ જવાનું નક્કી કર્યું. એ સમયે તેમના કુંવર રાયબજી પારકર વીરાવાવમાં તેમના મોસાળે ગયા હતા. ખેંગારજી તથા સાહેબજી તેમની સાથે જ હતા.
વિંઝણામાં જામ રાવળજીનાં કાકી રહેતાં, જેઓ જામ ખેંગારજીનાં સગાં માસીબા થતાં. તેમને કાવતરાંની ગંધ આવી ગઈ હતી, એટલે તેમણે બંને કુંવરને રાતવાસો કરવા માટે પોતાને ત્યાં બોલાવી લીધાં.
જામ રાવળે દગાથી જામ હમીરજીની હત્યા કરી. આ બાજુ, માસીએ વિશ્વાસુ નોકર છછરબુટા મારફત બંને કુંવરોને અમદાવાદ મોકલી આપ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
'શ્રીયદુવંશપ્રકાશ'ના (દ્વિતિય ખંડ, પેજ 163-169) વિવરણ પ્રમાણે, છછરબુટા તેમને લઈને સાપરમાં મિયાણા ભિંયા ક્કલને ત્યાં આશરો લેવા પહોંચ્યા. ઘરધણીએ તેમને ઘાસની ગંજીઓમાં છૂપાવી દીધા, જ્યારે છછરબુટાએ ડુંગરમાં આશરો લીધો.
પગેરું દાબતા-દાબતા જામ રાવળ સાપરમાં ભિયાં ક્કલને ત્યાં પહોંચ્યા. જામ રાવળે કુંવરોને સોંપી દેવા ભિંયા ક્કલને કહ્યું, પરંતુ તેમણે કોઈ આવ્યું હોવાનો ઇન્કાર કર્યો. એથી જામ રાવળે ગુસ્સે થઈને ભિંયા ક્કલના એક પછી એક એમ છ દીકરા મારી નાખ્યા, છતાં ભિંયા ક્કલે માહિતી ન આપી.
જામ રાવળ સાતમા દીકરાને મારી નાખવામાં હતા, ત્યારે એક અમીરે કહ્યું કે કોઈ બીજાના દીકરા માટે પોતાના કૂળનો ક્ષય ન કરે. રાંક થઈ ગયેલા એ રાજપૂતો થોડા છત્રપતિ થવાના હતા? જામ રાવળે વાત માની, પરંતુ ગામને સળગાવી દેવાનો ઢંઢેરો પીટાવ્યો.
એ પછી જામ રાવળે વાડાઓમાં રહેલી ઘાસની ગંજીઓ જોઈ અને તેને સળગાવી નાખવાના આદેશ આપ્યા. ત્યારે લોકોએ રજૂઆત કરી કે ગામ સળગાવી દીધું એટલે અમે ઘર-અનાજ વગરના થયા. હવે, ઘાસ સળગી જશે તો ગાયો પણ ભૂખે મરશે.
જામ રાવળે સાપરના ગ્રામજનોને નુકસાની આપીને ત્યાંથી રવાના થયા. ઘાસની ગંજીમાંથી ખેંગારે આ દૃશ્યો જોયાં હતાં. એજ રાત્રે ભિંયા ક્કલે છછરબુટાને બોલાવી ત્રણેયને જમાડીને અમદાવાદ માટે રવાના કર્યા.
ત્રણેય જણા ચરડવામાં આશરો લઈ રહ્યા હતા, ત્યારે ગામના ગોર માણેક મેરજીએ છછરબુટા પાસેથી વિગતો સાંભળી અને તેમને પોતાની પોશાળામાં લઈ ગયા. 'શ્રીયદુવંશપ્રકાશ'ની વિગતો પ્રમાણે, નવરાત્રિ સમયમાં માણેક મેરજીએ પોતાનાં ઇષ્ટદેવ આશાપુરા પાસે આશીર્વચન માંગ્યાં. દેવીએ કુંડમાંથી સાંગ કાઢી આપીને કહ્યું કે તેનાથી ખેંગારને તેમનું રાજ પરત મળશે.
સાપરની ઘટના પછી પછી રાવળે લખિયારવીરા જઈને રાજ્યાભિષેક કરીને 'જામ'ની પદવી ધારણ કરી, ત્યાંથી કેરાકોટમાં ગાદી સ્થાપી.
'રાવ' પછી જામ બન્યા રાવ

ઇમેજ સ્રોત, Puneet Barnala/BBC
કચ્છમાં ભાયાતો વચ્ચે આંતરિક ઉથલપાથલ થઈ રહી હતી, ત્યારે ગુજરાતમાં સલ્તનતકાળ ચાલી રહ્યો હતો અને મહંમદ બેગડાનો સૂરજ મધ્યાહ્ને તપતો હતો.
'શ્રીયદુવંશપ્રકાશ'માં ઉલ્લેખ પ્રમાણે, જામ હમીરજીને રાણીથી ખેંગાર, સાહેબ તથા રાયબ અને દાસી થકી અલિયાજી અને કમાંબાઈ હતાં. વિ.સં. 1562 આસપાસ અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ સિંધને સર કરવા ત્રીજું અભિયાન હાથ ધર્યું હતું, ત્યારે તેણે સાપરર પાસે પડાવ નાખ્યો.
જામ હમીરજીએ દીવાન ભૂધરશા મારફત નજરાણું મોકલ્યું. ત્યારે બાદશાહે હમીરજીને કહેવડાવ્યું કે 'હું તમારો દેશ જીતવા આવ્યો હતો, પરંતુ તમે સામો વિવેક દેખાડતા, એમ કરીશ નહીં, પણ તમે મને એક રાજકન્યા પરણાવો, એટલે અહીંથી ચાલ્યો જઇશ.'
જામ હમીરજીએ દાસીજાયી કમાંબાઈને પરણાવી, દાયજો આપીને તેમને ભાઈ અલિયાજી સાથા અમદાવાદ વળાવી આપ્યાં હતાં.
કચ્છમાં વેરીઓથી પ્રાણ બચાવીને બંને કુંવર અને છછરબુટે અમદાવાદની વાટ પકડી. મહંમદ બેગડા સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કર્યું.
'ગુજરાતનો ઇતિહાસ'માં (ખંડ-5, સં. રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, પૃષ્ઠક્રમાંક 153-155) એક વખત સિંહનો શિકાર કરતી વખતે બાદશાહ મહંમદ બેગડાનો જીવ જોખમમાં આવી ગયો, આવા સમયે ખેંગારે ચરડવામાંથી મળેલી સાંગના ઘાથી સિંહને મારી નાખ્યો.
ખેંગારની સાંગ (બરછી જેવું હથિયાર) માણેક મેરજીની પોશાળમાં મોજુદ છે અને કચ્છના પૂર્વ રાવોના વંશજ વિજયાદશમીના દિવસે તેની પૂજા કરે છે.
પરીખ-શાસ્ત્રી લખે છે કે આ પછી સુલતાને ખેંગારને 'રાવ'નો ઇકલાબ, પોશાક, રત્નજડિત તલવાર અને મોરબીનું પરગણું આપ્યાં. કચ્છને પરત મેળવવા માટે અલિયોજીની સાથે જમાદાર મલેક અને સૈયદની સરદારીમાં બાર હજાર સવાર આપ્યા.
મોરબીના નવાબ ઘાનખોરીએ મોરબીના દરવાજા બંધ કર્યા અને બાદશાહના હુકમની નાફરમાની કરી. ખેંગારે તેમને હરાવ્યા. મોરબીમાં રહીને કચ્છમાં લડવું મુશ્કેલ પડે તેમ હોવાથી સાપરના જામ અબડાને ત્યાં થાણું રાખ્યું.
અહીં આ પહેલાં વિષ્ટીએ આવેલા હમીરજીના મોટા દીકરા અલિયોજીનું જામ અબડાએ વિશ્વાસમાં લીધા બાદ ખૂન કર્યું હતું, પણ સમાધાન થતા રા' ખેંગારે માફી આપી હતી.
એ પછી અલિયોજીના મિત્ર નોંઘણે આ હત્યાનું વેર લેવા જામ અબડાની હત્યા કરી હતી. નોંઘણ અને જામ અબડા માસિયાઈ ભાઈઓ થતા. આમ રાજાનું સ્થાન ખાલી પડતા 'રાવ' તરીકે સાપરમાં જ રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને તેનું નામ બદલીને 'રાપર' કર્યું.
રાવ ખેંગાર અને ભુજ

ઇમેજ સ્રોત, Getty Images
ધીમે-ધીમે જામ રાવળની જમીન ઉપર રાવ ખેંગારે કબજો કરવાનું શરૂ કર્યું, લખિયારવીરા, બારાતેરા પરગણાં સહિત છૂટીછવાઈ જાગીરોને પોતાની આણ નીચે લાવી. એક તબક્કે જામ રાવળે સૌરાષ્ટ્ર-હાલારની વાટ પકડી અને સદાને માટે કચ્છનો ત્યાગ કર્યો.
'શ્રીયદુવંશપ્રકાશ'માં (ખંડ બીજો, પેજ 167-168) ઉલ્લેખ પ્રમાણે, જામ ખેંગાર સાથે લડાઈ કરવા જતી વખતે જામ રાવળ આશાપુરાના મંદિરે આજ્ઞા લેવા ગયા. ત્યારે તેમને ભાસ થયો કે 'મારા ખોટા સોગન ખાઈને તમે હમીરજી સાથે દગો કર્યો છે માટે કચ્છ છોડીને બીજે ક્યાંય જશો, તો મારાથી સહાય થશે.' આથી જામ રાવળે ઇસર બારોટને સાથે રાખીને સમાધાન કર્યું.
આગળ જતાં જાડેજાઓની એક વંશાવલી સૌરાષ્ટ્ર-હાલારમાં વિકસી, જે તત્કાલીન નવાનગર તથા હાલ જામનગર તરીકે ઓળખાય છે.
ગુજરાતી વિશ્વકોશમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, જામનગરમાંથી રાજકોટ, ધ્રોળ અને ગોંડલની શાખાઓ ફંટાઈ. ઉપરાંત ભાણવડ, ખીરસરા, જાલિયા, દેવાણી, વીરપુર, ખરેડી વગેરેમાં પ્રશાખાઓ પ્રસ્થાપિત થઈ.
સૌરાષ્ટ્રમાં મોરબીમાંનો જાડેજા વંશ કચ્છના મૂળ વંશની શાખારૂપે હતો. આ સિવાય માળિયા-મિયાણા અને કોટડા સાંગાણીમાં પણ જાડેજા કુળની રિયાસતો હતી.
જામ રાવળના કચ્છમાંથી નિર્ગમન પછી રાવ ખેંગાર તથા તેમના રાજ ઉપર કોઈપણ પ્રકારનું સંકટ હતું નહીં અને તેમણે રાજકાજ તેમજ પ્રજાકાર્યો ઉપર ધ્યાન આપવાનું શરૂ કર્યું.
'શ્રીયદુવંશ પ્રકાશ'માં ઉલ્લેખ પ્રમાણે, લખિયારવીરાની ગાદીએ બેઠા પછી છછરબુટાને વંશપરંપરાગતના ભોગવટે સાત ગામ, મિયાણા ભિંયા ક્કલને 12 ગામ અને 'જામ'નો ખિતાબ બક્ષિસ કર્યો. ભિંયા ક્કલના વંશજો આજે પણ જામની અવટંક લખાવે છે.
માણેક મેરજીને 'ઉપાધ્યાય'ની પદવી, 12 ગામ, મોટી હવેલી અને યજમાન પરનો લાગો બાંધી આપ્યા. મોરબી ખાતેના અભિયાનમાં મદદ કરનારા રૂઘા જોશીને ખાખરડું ગામ આપ્યું.

ઇમેજ સ્રોત, Getty Images
'કચ્છનો સર્વાંગી ઇતિહાસ' (પન્નું 130) ઉપર ઉલ્લેખ પ્રમાણે, સમગ્ર રાજ્ય ઉપર કેન્દ્રવર્તી રીતે શાસન કરી શકાય, સુરક્ષિત હોય તથા પાણીની પૂરતી વ્યવસ્થા હોય તેવા વિચાર સાથે રા' ખેંગારે સંવત 1605 (ઈ.સ. 1549)ના માગશર સુદ છઠના દિવસે નવા પાટનગરની સ્થાપના કરી.
રાવ ખેંગારે નગરસ્થાપન માટે ધાર્મિકવિધિ કરાવનારા પુરોહિતને રાવ ખેંગારે નવા શહેરના નામ વિશે પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે નગરસ્થાપનાની ખીલી ભુજંગની (સર્પ) ફેણ ઉપર ખોડી હોવાથી 'ભુજંગનગર' નામ રાખવું યોગ્ય ગણાશે. આગળ જતાં તે અપ્રભંશ થઈને 'ભુજનગર' અને પછી ટૂંકાણમાં માત્ર 'ભુજ' તરીકે ઓળખાય છે.
અન્ય એક મત પ્રમાણે, પાસે આવેલા ભુજંગિયા ડુંગર પરથી નવા નગરનું નામ ભુજંગનર પડ્યું, જે આગળ જતાં 'ભુજનગર' અને પછી 'ભુજ' તરીકે પ્રચલિત થયું.
'શ્રીયદુવંશપ્રકાશ'ના (પેજ 169) ઉલ્લેખ પ્રમાણે, રાવ અમદાવાદ જેવા જાહોજલાલીવાળા શહેરમાં રહ્યા હોવાથી તેમણે તેવી જ ઢબનાં શહેરો કચ્છમાં વસાવવા શરૂ કર્યાં.
રાવ ખેંગારે પોતાના પાટવીકુંવર ભોજરાજજીની સ્મૃતિમાં 'ભોજનગર'નું તોરણ બાંધ્યું. વાગડની લખાણશૈલીમાં અક્ષરની સાથે કાનામાતર ઉમેરવાનો રિવાજ નહીં હોવાને કારણે 'ભોજનગર'ના બદલે 'ભજનગર' લખાતું. તેમાં સુધારો થતા-થતા તે 'ભુજનગર' તરીકે પ્રસિદ્ધ થયું, જે પાછળથી 'ભુજ' તરીકે ઓળખાયું.
રાવ ખેંગારે અર્જુનપુર એટલે કે હાલના અંજાર (ઈ.સ. 1546) તથા હાલમાં માંડવી તરીકે ઓળખાતા તત્કાલીન રાયબંદરના વિ.સં. 1656 (ઈ.સ. 1586) તોરણ બાંધ્યાં હતાં. વિક્રમ સંવત 1642માં તેમનું મૃત્યુ થયું.
મુઘલકાળ દરમિયાન કચ્છના રાવને કોરી બહાર પાડવાની છૂટ હતી, જેની કિંમત રૂપિયા કરતાં ઓછી હતી.
રાવના શાસન દરમિયાન છ દરવાજાવાળો કિલ્લો નગરને સુરક્ષિત બનાવતો. તેમાં સભા ભરવા માટે દરબારગઢ તથા રાવોના મહેલ પણ છે. પ્રાગમહેલ, આયનામહેલ, હમીરસર તળાવ, કચ્છના શાસકોની છત્રીઓ, ફર્ગ્યુસન મ્યુઝિયમ, હુન્નરશાળા, ટંકશાળા વગેરે જોવાલાયક આકર્ષણો છે.
બ્રિટિશકાળમાં મુંબઈથી કરાચી વચ્ચેની ઉડ્ડાણમાં ભુજનું ઍરોડ્રામ મહત્ત્વપૂર્ણ મુકામ હતું. સ્વતંત્રતા પછી ભુજના કિલ્લામાં સેનાએ પોતાનું થાણું સ્થાપ્યું હતું.
વર્ષ 2001માં ગુજરાતમાં આવેલા ભૂકંપની સૌથી વધુ અસર કચ્છ અને ભુજમાં જોવા મળી હતી. એક અહેવાલ પ્રમાણે, ધરતીકંપને કારણે 13 હજાર 600 જેટલા મૃત્યુ થયાં હતાં, જ્યારે 21 હજાર 500 જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી ભુજનું 'નવનિર્માણ' થયું.
'સ્મૃતિવન'એ રાખમાંથી પણ બેઠા થવાના કચ્છીઓના જુસ્સાનો પડઘો ઝીલે છે અને તે 'ડાર્ક ટુરિઝમ'નું આકર્ષણ બન્યું છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન














