20 વર્ષ બાદ એક મંચ પર આવેલા ઉદ્ધવ અને રાજ ઠાકરેએ એક થવા મામલે શું સંકેત આપ્યો?

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને શિવસેના (યૂટીબી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં એક જ મંચ શૅર કર્યો છે.
હિંદીને ફરજિયાત કરવાના નિર્ણયનો વિરોધ થયા બાદ મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણયને રદ કરી નાખ્યો હતો.
રાજ અને ઉદ્ધવ ઠાકરે તેની સામે માર્ચ કાઢવાના હતા. પરંતુ નિર્ણય રદ થયા બાદ વિજય રેલી કાઢવામાં આવીત આ મુંબઈના વરલી વિસ્તારમાં થઈ.
એમએનએસ પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું, "મેં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારું મહારાષ્ટ્ર કોઈ પણ લડાઈ કરતાં મોટું છે. આજે 20 વર્ષ બાદ હું અને ઉદ્ધવ એક સાથે આવ્યા છીએ."
"જે બાલાસાહેબ નહીં કરી શક્યા તે કામ સીએમ દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું. અમે બંનેને સાથે લાવવાનું કામ કર્યું."

ઇમેજ સ્રોત, Getty Images
ઉદ્ધવ ઠાકરેનું પણ કહેવું હતું કે બંને ભાઈઓ સાથે રહેવા માટે મંચ પર ભેગા થયા છે.
આ પહેલાં જ્યારે માર્ચ કાઢવાનો પ્રસ્તાવ થયો હતો ત્યારે સંજય રાઉતે ફેસબુક પર રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેની તસવીર પોસ્ટ કરી હતી.
આ રેલીમાં પ્રકાશ રેડ્ડી, સુપ્રિયા સુળે, અજીત નવલે, જિતેન્દ્ર આવ્હાડ, મહાદેવ જાનકર, જયંત પાટીલ, આદિત્ય ઠાકરે, અમિત ઠાકરે તથા સંજય રાઉત જેવા નેતાઓ પણ ઉપસ્થિત હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ શું આ સભામાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે તરફથી બંને સેનાઓ વચ્ચેના ગઠબંધનનો કોઈ સંકેત મળશે કે નહીં તેના પર બધાની નજર રહેલી હતી.
મરાઠી એક માત્ર એજેન્ડા: રાજ ઠાકરે

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ સભામાં બોલતા રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે તથા તમામ મરાઠી લોકોને સંબોધિત કરતા કહ્યું, "હકીકતમાં, આજે એક માર્ચ કાઢવામાં આવવી જોઈતી હતી. મરાઠી લોકો કેવી રીતે એક છે, તેની તસવીર સામે આવી શકી હોત. પરંતુ માર્ચની ચર્ચા જ બંધ કરવી પડી. આજનો કાર્યક્રમ શિવ તીર્થ (શિવાજી પાર્ક)માં હોવો જોઈતો હતો. પરંતુ વરસાદ પડી રહ્યો છે. જેઓ બહાર ઊભા છે, તેમની હું માફી માગુ છું."
"આ ત્યારે શરૂ થયું જ્યારે મેં પોતાના ઇન્ટરવ્યૂમાં આમ કહ્યું. મહારાષ્ટ્ર કોઈ પણ લડાઈ કે વિવાદથી મોટું છે. અમે 20 વર્ષ બાદ સાથે આવ્યા છીએ. જે કામ બાલાસાહેબ ન કરી શક્યા તે કામ દેવેન્દ્ર ફડણવીસે કરી દેખાડ્યું. મરાઠી જ એક માત્ર એજેન્ડા છે."
તેમણે આગળ કહ્યું, "મને નથી ખબર કે હિંદી અચાનક ક્યાંથી આવી ગઈ, હિંદી કેમ? કોના માટે? તમે શા માટે નાનાં બાળકો પર તેને થોપી રહ્યા છો. જો તમારી પાસે તાકત હોય, તો તે વિધાનસભામાં હશે, રસ્તા પર અમારી પાસે તાકત છે."
ઉદ્ધવ ઠાકરેએ સભાને સંબોધિત કરતાં કહ્યું, "અમે એક સાથે રહેવા માટે મંચ પર આવ્યા છીએ."
તેમણે કહ્યું, "જ્યારે અમે આ કાર્યક્રમની ઘોષણા કરી, ત્યારથી તમામ લોકો અમારાં ભાષણોની રાહ જોતાં હતાં. પરંતુ મારા વિચાર પ્રમાણે અમે બંને સાથે આવી રહ્યા છીએ અને આ મંચ અમારાં ભાષણોથી વધુ મહત્ત્વપૂર્ણ છે. રાજ પહેલા જ શાનદાર ભાષણ આપી ચૂક્યા છે. મને લાગે છે કે મારા બોલવાની જરૂર નથી."
ઉદ્ધવ ઠાકરે પહેલાં રાજ ઠાકરેએ કહ્યું હતું, "તેમણે જોયું કે મહારાષ્ટ્રમાં આગ લાગી હતી તો શું થયું હતું. તેથી તેઓ પાછળ હઠી ગયા. હિંદી ભાષી રાજ્ય આર્થિક રીતે પછાત છે. અન્ય રાજ્યો આર્થિક રીતે ઉન્નત છે. કોણ હિંદી શીખવા માગે છે? શું તમે પાંચમા ધોરણથી હિંદી ફિલ્મ ઉદ્યોગમાં આવવા માગો છો? કોઈ પણ ભાષા મહાન છે. તમામ ભાષાને મહાન બનવા માટે ઘણી ઇચ્છાશક્તિ જોઈએ."
શું બંને એક સાથે આવશે?

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "મહારાષ્ટ્રની જનતાના મનમાં જે હશે, તે જ થશે. હું આપને એક જ વાક્યમાં કહું છું. અમે આ સંબંધમાં ઝીણવટથી કામ કરી રહ્યા છે. હું તમને માત્ર સંદેશ નહીં સમાચાર આપીશ. મારા શિવસૈનિકોના મનમાં કોઈ ભ્રમ નથી. તેથી સંદેશ આપવાને બદલે અમે જે સમાચાર આપવાના હશે તે આપીશું."
રાજ ઠાકરેની મનસે પાર્ટી સાથે શિવસેના (યુટીબી)ના ગઠબંધન પર ઉદ્ધવ ઠાકરેએ કેટલાક દિવસો પહેલા સંકેતાત્મક નિવેદન આપ્યું હતું. ઘણાં વર્ષોથી કહેવાય છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એક થશે.
કેટલાક દિવસોથી એ પણ ચર્ચા થઈ રહી છે કે નગર નિગમ ચૂંટણીમાં બંને ભાઈ ફરીથી સાથે આવશે. કારણકે આ પ્રકારના સંકેતો અન્ય કોઈએ નહીં પરંતુ બંને ભાઈઓ રાજ અને ઉદ્ધવ ઠાકરેએ આપ્યા છે.
રાજ ઠાકરેએ મરાઠી મુદ્દા પર માર્ચ કાઢવાની ઘોષણા કરી અને તમામે પોતાની પાર્ટીના ઝંડા ઉતારીને તેમાં ભાગ લેવાની અપીલ કરી. તેને ઉદ્ધવ ઠાકરેએ સકારાત્મક લીધી.
સંજય રાઉતે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કરી દીધું હતું કે મરાઠી મુદ્દા પર બંને ભાઈ એક સાથે આવશે,
પરંતુ સરકાર તરફથી હિંદી ફરજિયાત કરવા મામલાનો નિર્ણય રદ કરી દેવાતા માર્ચને બદલે રેલી થઈ. સરકારે આ નિર્ણયમાં પીછેહઠ કરવી પડી તેથી બંને ભાઈઓએ વિજય રેલી યોજી હતી.
શું છે વિવાદ?

ઇમેજ સ્રોત, Getty Images
મહારાષ્ટ્ર સરકારે ગત મહિને પહેલીથી પાંચમા ધોરણ સુધી મરાઠી અને અંગ્રેજી સાથે હિંદી લાગુ કરવા માટે બે સરકારી આદેશો બહાર પાડ્યા હતા. જોકે સરકારે તેને પરત લીધા.
આ આદેશો સામે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આંદોલન કરવાના મૂડમાં હતા. આ નિર્ણયને પરત લેવાતા બંનેએ વિજય મનાવવા માટે એક સાથે મંચ શૅર કરવાની ઘોષણા કરી હતી.
મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક લોકોને ફરજિયાત મરાઠી બોલવા માટે કહેવાતું હોય.
કેટલાક મામલાઓમાં મારપીટ થઈ છે. આ વિવાદો પર શુક્રવારે મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી હતી.
ફડણવીસે પત્રકારોને જણાવ્યું, "હું સ્પષ્ટ શબ્દોમાં કહેવા માગુ છું, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાનું અભિમાન રાખવું કોઈ ખોટું નથી."
"પરંતુ ભાષાને કારણે કોઈ ગુંડાગર્દી કરશે, તો અમે તેને સહન નહીં કરીએ. કોઈ ભાષાના આધારે મારપીટ કરશે તો તેને સહન નહીં કરવામાં આવે."
તેમણે કહ્યું હતું, "જે પ્રકારની ઘટના થઈ છે તેના પર પોલીસે કાર્યવાહી પણ કરી છે. આગળ પણ કરશે. જો કોઈ આ પ્રકારે ભાષાને લઈને વિવાદ કરશે તો તેના પર કાર્યવાહી થશે."
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "ભારતની કોઈ પણ ભાષા સાથે આ પ્રકારે અન્યાય નહીં કરી શકાય. મને તો ક્યારેક આશ્ચર્ય થાય છે કે આ લોકો અંગ્રેજીને ગળે લગાડે છે અને હિંદી સામે વિવાદ કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












