વિઠ્ઠલ એટલે કોણ? બુદ્ધ, નેમિનાથ, લોકદેવ કે કૃષ્ણ... લોકસંસ્કૃતિમાં શું કહેવાયું છે?

- લેેખક, વિનાયક હોગાડે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
એક ઈંટ અને તે ઈંટ પર કમરે હાથ રાખીને ઊભેલા મરાઠી લોકોના સખા અને સાથી ગણવામાં આવે છે તે વિઠ્ઠલ છે.
કેટલાક કહે છે, તેઓ બુદ્ધ છે, કેટલાક કહે છે, તેઓ ગવળી-ધનગરોના લોકદેવ છે. કેટલાક કહે છે, તેઓ મૂળ અહીંના નથી, દક્ષિણના છે. કેટલાક કહે છે, તેઓ જૈનોના નેમિનાથ છે, જ્યારે કેટલાક કહે છે, તેઓ આ બધાનો "મહાન સમન્વય" છે.
ત્રણ ફૂટ, નવ ઈંટ ઊંચી વિઠ્ઠલની પ્રતિષ્ઠિત પાષાણ પ્રતિમા પર ઘણા લોકોએ વિવિધ દાવા કરેલા છે અને તેમના પર માલિકીનો દાવો કર્યો છે. હકીકતમાં પથ્થરમાંથી ઘડવામાં આવેલા દેવ તેમને બનાવનારા માણસોની કથા કહે છે. એ રીતે આ વિઠ્ઠલની કથા શું છે?
વિઠ્ઠલ ખરેખર કોણ છે? બુદ્ધ, નેમિનાથ, લોકદેવ કે કૃષ્ણ? લોકસંસ્કૃતિના સંદર્ભો શું કહે છે?
આ બધા સવાલોનો તાગ મેળવતી "વિઠ્ઠલ શોધની શબ્દયાત્રા" વાંચો.
વિઠોબા કોના છે? વિઠોબાની આવી શોધ શા માટે?
દુર્ગા ભાગવત, ડૉ. જી.એ. દલરી, ડૉ. ગુંથર સોનથાયમર, ડૉ. શંગો તુળપુળે, ડૉ. માણિકરાવ ધનપલવાર તેમજ ડૉ. રા. ચિં. ઢેરે જેવા અનેક મરાઠી વિદ્વાનોએ વિઠ્ઠલના મૂળ સ્વરૂપને શોધવાના પ્રયાસ અત્યાર સુધી કર્યા છે.
સાંસ્કૃતિક જગતમાં તેમના વિશે ઘણી દંતકથાઓ, દાવાઓ તથા પ્રતિ-દાવાઓની ચર્ચા થાય છે. તેમના મૂળ સ્વરૂપ વિશેની ઉત્કંઠા આજે પણ રહી છે અને તે અભ્યાસુઓને આકર્ષિત કરે છે.
લોકસંસ્કૃતિમાં તેમના વિશે ઘણા પ્રકારની દંતકથાઓ પ્રચલિત છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ દંતકથાઓ વિશે બીબીસી સાથે વાત કરતાં ડૉ. અશોક રાણાએ કહ્યું હતું, "આ દંતકથાઓને દંતકથા ગણી શકાય નહીં. આજના સમયમાં તેને ઉપયોગી ગણી શકાય નહીં. આ દંતકથાઓમાંથી ઇતિહાસના કેટલાક તંતુઓ મળે છે. તેથી વિદ્વાનો આ દંતકથાઓનો અભ્યાસ કરે છે અને તેમાંથી લોકસંસ્કૃતિના સંદર્ભો શોધવાના પ્રયાસ કરે છે."

ઇમેજ સ્રોત, Getty Images
લોકસંસ્કૃતિના પ્રખ્યાત વિદ્વાન અને સંશોધક રા. ચિં. ઠેરેએ તેમના પુસ્તક 'શ્રી વિઠ્ઠલઃ એક મહાસમન્વય'માં લખ્યું છે, "દેવતાઓના ઉદય અથવા સ્થિતિનું અવલોકન એક રીતે તે દેવતાઓમાં શ્રદ્ધા ધરાવતા સમાજના પરિસ્થિતિનું અવલોકન હોય છે, એવું મને અત્યાર સુધીના મારા અભ્યાસથી સમજાયું છે."
વિદ્વાનોએ વિઠ્ઠલ, વીત, પુંડલિક, પંઢરપુર, પાંડુરંગ નામો, તેમની સાથે સંકળાયેલી લોકપ્રિય દંતકથાઓ તથા વાર્તાઓ તેમજ પવિત્ર સાહિત્યમાંના વિઠ્ઠલનાં વર્ણનો, કેટલાંક પુરાણો તથા લોકગીતો, ઓવ્યા અને અન્ય મૌખિક સાહિત્ય, લીલાચરિત્ર જેવા જૂના ગ્રંથોમાં મળતા ઉલ્લેખો, વિવિધ સ્થળોએથી મળેલી મૂર્તિઓ અને શિલાલેખો દ્વારા વિઠ્ઠલના મૂળ સ્વરૂપને ઉજાગર કરવાના પ્રયાસ સતત કર્યા છે.
વિઠ્ઠલને શોધવાનો પ્રયાસ કઈ-કઈ દિશામાં કરવામાં આવ્યો છે, તેની માહિતી મેળવીએ.
વિઠ્ઠલની દંતકથાઓ અને તેમના વિશેના દાવા-પ્રતિદાવા

ઇમેજ સ્રોત, Padmgandha Publication
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આપણે વિઠ્ઠલની શોધની શરૂઆત વિઠ્ઠલ વિશેની સૌથી લોકપ્રિય દંતકથાથી કરીએ.
"માતાપિતાની સેવામાં મગ્ન પુંડલિક અને તેણે ફેંકેલી ઈંટ પર અઠ્ઠાવીસ યુગ સુધી ઊભેલા વિઠ્ઠલ," એવી દંતકથા સૌથી વધુ લોકપ્રિય છે.
અમે પ્રોફેસર અશોક રાણા સાથે આ દંતકથા વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું, "પુંડલિકની આ કથા સૌપ્રથમ સ્કંદપુરાણ અંતર્ગત રચાયેલા પાંડુરંગ માહાત્મ્યમાં જોવા મળી છે. તેનો રચનાકાળ ચૌદમી અને પંદરમી સદી વચ્ચેનો હોવાનું માનવામાં આવે છે."
પુંડલિકની આ કથાનું વિશ્લેષણ કરતાં રા. વિં. ઢેરેએ કહ્યું છે, "જ્ઞાનદેવના સમય પહેલાં પણ લોકોએ સ્વીકારેલી પુંડલિકની આ કથા ઐતિહાસિક જ નહીં, પરંતુ વિઠ્ઠલની શુદ્ધ પૌરાણિક પ્રકૃતિની અવતારકથા છે. પુંડલિક ઇતિહાસનો પુત્ર નથી. ભક્તોની ભાવભૂમિની કલ્પના માત્ર છે. વિઠ્ઠલ ક્ષેત્રનું મૂળ નામ, જે આજે પંઢરી અને પંઢરપુર નામે ઓળખાય છે તે, મૂળ કન્નડ નામ પડરંગે છે."
મહારાષ્ટ્રના પંઢરપુર ખાતેના વિઠોબાના મંદિરના સોળ સ્તંભના મંડપના એક સ્તંભ પર કોતરવામાં આવેલા સંસ્કૃત અને કન્નડ શિલાલેખમાં પંઢરપુરને સંસ્કૃત તથા કન્નડ બન્નેમાં 'પડરંગે' કોતરેલું જોવા મળે છે.
પડરંગે પંઢરપુરનું મૂળ નામ છે. તે કન્નડ છે. તે નામ પરથી પાંડુરંગ ક્ષેત્ર, પાંડુરંગપુર, પંડરી ક્ષેત્ર, પંડરીપુર અને પંઢરપુર એવા આ ક્ષેત્રનાં નામ પડ્યાં હતાં. પાંડુરંગ એ વિઠ્ઠલનું નામ નથી, પરંતુ તે વિસ્તારનું નામ છે, એવું તેઓ જણાવે છે.
તેમના જણાવ્યા મુજબ, કાશી વિશ્વનાથનો અર્થ કાશીના વિશ્વનાથ, તિરુમલાઈ વેંકટેશનો અર્થ તિરુમલાઈને વેંકટેશ અને પાંડુરંગ વિઠ્ઠલનો અર્થ પાંડુરંગ ક્ષેત્રના દેવ વિઠ્ઠલ એવો થાય છે.
"વિઠ્ઠલ નામનો અર્થ સંતોષકારક રીતે સમજાવવામા આવ્યો નથી. તેથી જ પુંડરિકે ઈંટો ફેંકી હોવાની કથા તે નામને સમજાવવા માટે રચવામાં આવી હતી," એમ કહેતાં તેઓ ઉમેરે છે કે આ ક્ષેત્રનું નામ પાંડુરંગ ક્ષેત્ર પોતે જ વિઠ્ઠલ માટેનું એક લોકપ્રિય નામ બની ગયું છે.
'વિઠ્ઠલ' નામ પાછળનાં વણઉકેલાયેલાં રહસ્ય

ઇમેજ સ્રોત, Vitthal Rukmini Mandir Samiti
વિઠ્ઠલ નામની સાર્વત્રિક રીતે સ્વીકૃત વ્યુત્પત્તિ આજ સુધી મળી નથી. જોકે, ઘણા લોકોએ તે નામ પાછળની કથાને ઉકેલવાનો પ્રયાસ જરૂર કર્યો છે.
ઇતિહાસ સંશોધક અનંત રામચંદ્ર કુલકર્ણીએ તેમના લેખ 'વિઠોબા'માં આ વિશે માહિતી આપી છે.
ઇતિહાસકાર વિ. કા. રાજવડેએ એવું જણાવ્યું છે કે વિઠ્ઠલ શબ્દ "વિષ્ટલ" (દૂરના જંગલમાં આવેલું એક સ્થળ) શબ્દ પરથી આવ્યો હશે. તેમના દાવા મુજબ, વિઠ્ઠલદેવ દૂરના જંગલમાં રહેતા એક દેવ હશે.
ડૉ. રામકૃષ્ણ ગોપાલ ભંડારકરના મતાનુસાર, વિષ્ણુ શબ્દનો કન્નડ અપભ્રંશ વિટ્ટી છે. વિટ્ટીમાંથી જ વિઠ્ઠલ શબ્દ બન્યો હશે.
શબ્દમણિદર્પણના અપભ્રંશ પ્રકરણના 32મા સૂત્રના આધારે રાજપુરોહિતે વિષ્ણુનું વિટ્ટુ સ્વરૂપ કેવું હતું તે દેખાડ્યું છે. તેમનો દાવો છે કે આ શબ્દ સ્વરૂપમાં પ્રેમથી લ પ્રત્યય ઉમેરવામાં આવ્યો હતો અને એ રીતે વિઠ્ઠલ શબ્દનું નિર્માણ થયું હતું.
બીજી વ્યુત્પત્તિનો અર્થ એવો છે કે "અજ્ઞાની લોકોને જ્ઞાનથી સ્વીકારે છે તે વિઠ્ઠલ છે."
આ વ્યુત્પત્તિમાં વિઠ્ઠલ નામના દરેક અક્ષરને એક દાર્શનિક અર્થ આપવામાં આવ્યો છે. "વિદિ (જ્ઞાને) સ્થલઃ (સ્થિર)" એટલે કે જે જ્ઞાનના સ્થાને છે તે વિઠ્ઠલ છે. આવી વ્યુત્પત્તિ વિ. કૃ. ક્ષોત્રિયે આપી છે.
ગ્રામીણ મરાઠીમાં વિઠ્ઠલના ઉચ્ચારમાં ઈટુ, ઈઠુ, ઈટુબા, ઈઠુબા છે અને વિઠ્ઠલનું ધ્યાન કમર પર હાથ રાખવા જેવું છે. શ્રી વિઠ્ઠલના એક અભ્યાસુ વિશ્વનાથ ખૈરૈએ આ ઈટુ શબ્દ તમિલ ભાષાનો હોવાનો અને તેનો અર્થ કમર પર હાથ રાખવો એવો થતો હોવાનું પ્રતિપાદન કર્યું છે. "જે ઈંટ પર ઊભા છે, તે વિઠ્ઠલ છે." એવી વ્યુત્પત્તિ પણ આપવામાં આવી છે.
શ્રીવેંકટેશ અને શ્રીવિઠ્ઠલ, એક સમયે દક્ષિણના એકમાત્ર દેવ?
વિઠ્ઠલ મહારાષ્ટ્રના મૂળ લોકદેવતા ન પણ હોય, એવું અનુમાન કેટલાક વિદ્વાનો કરે છે.
ઈરાવતી કર્વેએ તેમના સંશોધન ગ્રંથ 'મહારાષ્ટ્રઃ અ સ્ટડી'માં નોંધ્યું છે, "વિઠોબા આપણા આરાધ્યદેવ હોવા છતાં તે કોઈ કુળદેવતા નથી."
"તેમની વર્ષાનુવર્ષ પૂજા કરવાનું માન જે બડવે, ડિંગરે, દિવટે, પૂજારી તથા બેણારેને મળ્યું હતું એમના પણ તેઓ કુળદેવતા નથી. તેથી તેઓ કુળદેવતા ન હોવાથી અહીંના આદિવાસી લોકોને દેવ પણ ન હોવા જોઈએ," એવી શંકા તેમણે તેમના 1971ના પુસ્તકમાં વ્યક્ત કરી છે.
પંઢરપુર આજે પણ મહારાષ્ટ્ર-કર્ણાટકની સીમા પર આવેલું છે. વિઠ્ઠલના મોટા ભાગના હક્કદાર સેવાદારો કર્ણાટકના છે. તેમના મૂળ કુળદેવતા કર્ણાટકના જ છે. એ ઉપરાંત તેમનું કન્નડપણું નાની નાની બાબતો દ્વારા પણ સિદ્ધ થાય છે.
તેથી દક્ષિણ સાથેની તેમની નિકટતા સ્પષ્ટ છે, એવો મત વિદ્વાનોએ માંડ્યો છે.
આ સંદર્ભમાં ડૉ. અશોક રાણા તેમના પુસ્તક 'દૈવતાંચી સત્યકથા'માં જણાવે છે, "ઉત્તર કર્ણાટકના બદામી પુલકેશી બીજાના નાના ભાઈનું નામ બિટ્ટા અથવા બિટ્ટારસ હતું. હોયસળ વંશમાં પણ આ જ નામના રાજાઓ ઉદભવ્યા હતા. વિઠ્ઠલ નામના રાજાઓ પણ દક્ષિણમાં જ ઉદભવ્યા હતા. કન્નડ ભાષામાં વિષ્ણુ શબ્દનું સ્વરૂપ બિટ્ટી પરથી બન્યું હોવાનું ડૉ. રા. ગો. ભંડારકરે જણાવ્યું છે. રાજપુરોહિતે શબ્દમણિદર્પણના અપભ્રંશ પ્રકરણમાં 32મા સૂત્રના આધારે જણાવ્યું છે કે વિઠ્ઠલ શબ્દ બિટ્ટીમાંથી બન્યો છે. તેથી વિઠ્ઠલ કન્નડ છે, એવું સ્વીકારવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ."
આ પૃષ્ઠભૂમિ સામે, એવી શક્યતા પણ ઊભી થાય છે કે આ બંને દેવતાઓ એક સમયે એક જ હતા, કારણ કે વિઠ્ઠલ અને દક્ષિણના જાણીતા દેવ વેંકટેશ્વર વચ્ચે ઘણી સમાનતા છે.

ઇમેજ સ્રોત, Urmilla Deshpande
વિઠ્ઠલ અને શ્રી વેંકટેશ બન્ને સમધર્મી દેવતા છે. બન્ને વિષ્ણુના પૌરાણિક અવતાર કે સ્વરૂપો સાથે સંબંધિત ન હોવા છતાં તેમણે વિષ્ણુનું સ્વરૂપ ધારણ કર્યું છે.
વિઠ્ઠલને બાળકૃષ્ણ માનવામાં આવે છે, જ્યારે વેંકટેશને બાલાજી તરીકે ઓળખવામાં આવે છે. વિઠ્ઠલનાં પત્ની રાધે દિંડીરવનમાં નારાજ થઈને બેઠેલાં છે, જ્યારે વેંકટેશનાં પત્ની પણ તેમનાથી નારાજ થઈને દૂર બેસેલાં છે. બન્ને શસ્ત્રવિહીન અને મૌન છે.
આ બંને વચ્ચેની સમાનતા પર પ્રકાશ પાડતાં રા. ચિં. ઢેરેએ કહ્યું છે કે "આ સમાનતા જેટલી વધુ આપણે અવલોકન કરીશું, તેટલું જ આપણે વધારે એવા નિષ્કર્ષ પર પહોંચીશું કે આજે આ બે દેવતા બે અલગ-અલગ સ્થળોએ અલગ નામો, સ્વરૂપો અને પાત્રો સાથે પૂજાય છે, પણ મૂળભૂત રીતે એક જ લોકદેવની સર્વોચ્ચ શોધ છે, જે વિવિધ સ્થાનિક વિકાસમાં અલગ-અલગ બન્યા છે."
એક પ્રખ્યાત દંતકથા એવી પણ છે કે રાધેની ઈર્ષ્યામાં નારાજ થયેલી રુકિમણીને શોધવા માટે વિઠ્ઠલ દિંડીરાવન (હાલનું પંઢરપુર) આવ્યા હતા. એ સંદર્ભમાં આ વાત ધ્યાનમાં લેવી મહત્ત્વપૂર્ણ છે.
વિઠોબા ગવળી-ધનગર-યાદવોના લોકદેવ છે?
વિઠોબા ખરેખર કોણ છે અને વિદ્વાનોએ તેમનું મૂળ શોધવાના પ્રયાસો શા માટે કર્યા છે, એ સવાલ સૌથી મહત્ત્વનો છે.
ડૉ. શં. ગો. તુળપુળેએ મહાનુભાવના 'લીલાચરિત્ર'ની એક લીલાને આધારે 1977માં મરાઠી સંશોધન પત્રિકામાં એવું જણાવ્યું હતું કે વિઠ્ઠલની ઉત્પત્તિ એક ગૌરક્ષક નાયકના સ્મારકમાં હોવી જોઈએ.
એ પછી વિઠ્ઠલની શોધ માટેનું વિદ્વાનોનું અભિયાન વધારે ગતિશીલ થઈ ગયું. આ બાબતે વાત કરતાં ડૉ. અશોક રાણાએ કહ્યું હતું, "વિઠોબાના મૂળ રૂપની શોધ લીલાચરિત્રથી શરૂ થઈ હતી. લીલાચરિત્રમાં 'વિઠ્ઠલ વીરુ-કથન' નામની એક લીલા છે. તેમાં વિઠ્ઠલ નામના એક નાયક હતા અને તેઓ ગૌવંશની રક્ષા કરતાં વીરગતિને પામ્યા હતા. તેમની સ્મૃતિમાં એક વીરગલ બનાવવામાં આવ્યું હતું."
"લીલાચરિત્રમાં એ માટે ભડખંભા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બધા વિદ્વાનોએ આ સૂત્રને ધ્યાનમાં રાખીને તેમને શોધવાના પ્રયાસ કર્યા છે. હવે મોટા ભાગના વિદ્વાનોએ સ્વીકારી લીધું છે કે તેઓ મૂળ રીતે 'ગોપાલકોના લોકદેવ' છે."

ઇમેજ સ્રોત, Getty Images
ટૂંકમાં તેઓ દક્ષિણના ગૌપાલકોના લોકદેવતા છે અને તેમના વર્તમાન સ્વરૂપ સુધી પહોંચવામાં ધીમે ધીમે વિકાસ થયો હશે. વિઠ્ઠલ ગવળી-ધનગરોમાં ગાયોના રક્ષણ માટે મૃત્યુ પામેલા વીર હતા અને પછી તેમને વિષ્ણુ સ્વરૂપ પ્રાપ્ત થયું હતું, એવો દાવો કરવામાં આવે છે.
ડૉ. દુર્ગા ભાગવતે 1956માં તેમના પુસ્તક 'લોકસાહિત્યાચી રુપરેષા' પુસ્તકમાં એવો દૃષ્ટિકોણ સૌપ્રથમ રજૂ કર્યો હતો કે વિઠ્ઠલ ગૌપાલકોના દેવ છે.
ત્યાર બાદ એ જ દિશામાં ડૉ. જી. એ. દલરી, ડો. ગુંથર સોનથાયમર, ડૉ. શં. ગો. તુળપુળે, ડો. માણિકરાવ ધનપલવાર તેમજ ડૉ. રા. ચિં. ઢેરેએ સંશોધન કર્યું હતું.
ડૉ. ગુંથર સોનથાયમરે પંઢરપુરમાં મહાદ્વારની સામે એક વીરની સ્મારકશીલા જોઈ હતી. તેમણે એ બાબતે ડૉ. તુળપુળેનું ધ્યાન દોર્યું હતું. એ પછી ડૉ. તુળપુળેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે વિઠ્ઠલનું મૂળ સ્વરૂપ તેમાં હોવું જોઈએ. ડૉ. દલરીએ તેમના અભિપ્રાયને સમર્થન આપ્યું હતું અને વિઠ્ઠલ તથા વીરગલ વચ્ચેના સંબંધને સૌપ્રથમ ડૉ. જી. એ. દલરી દ્વારા સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યો હતો.
જોકે, વીરગલ વિઠ્ઠલનું મૂળ રૂપ હોવાની વાત ડૉ. ઢેરે સ્વીકારતા નથી. તેમના મતાનુસાર, લીલાચરિત્રમાં જે કથા છે તે બાબતે વધારે સ્પષ્ટતા થવી જોઈએ. ડૉ. રા. ચિં. ઢેરેના મત મુજબ, વિઠોબા મૂળતઃ ગોપાલકોના દેવતા છે.
ગોપાલકોના લોકદેવ
રા. ચિં. ઢેરે એક મહત્ત્વના સંશોધક છે, જેમણે બધા સંશોધકોના સંશોધનને એકત્ર કરીને આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે.
તેમના કહેવા મુજબ, આંધ્ર-કર્ણાટકના ગોલ્લ-કુરુબ અને ખાસ કરીને દક્ષિણ મહારાષ્ટ્રના ગવળી-ધનગર લોકો વિઠ્ઠલના મૂળ ઉપાસક છે તથા તેઓ આંધ્ર-કર્ણાટકમાં આજે પણ યાદવ તરીકે ઓળખાય છે.
તેઓ ગોપાલકોના મૂળ લોકદેવ હોવાનું પણ કહેવાય છે. જે રીતે ગોપાલકોને યાદવ કહેવામાં આવે છે, એવી જ રીતે વિઠ્ઠલનો મહિમા વધારનારા રાજવંશોને પણ યાદવ તરીકે ઓળખવામાં આવે છે. ઢેરે પણ કહે છે કે તેમણે તેમને વિષ્ણુ-કૃષ્ણનું સ્વરૂપ આપ્યું હતું.
આ બધું સમજાવતાં તેઓ કહે છે, "કુરુબ-ધનગરોના જોડિયા દેવતા વિઠ્ઠલ-બિરપ્પા, વિજયનગરની સ્થાપનાનાં લગભગ સો-દોઢસો વર્ષ પહેલાં કર્ણાટક-મહારાષ્ટ્રની સીમા પરના પંઢરપુરમાં વિષ્ણુ-કૃષ્ણ સ્વરૂપમાં હતા. તેઓ રાજા અને પ્રજાના પ્રેમથી વિભૂષિત હતા તેમજ વીરશૈવોના શાસનમાં આંધ્ર-કર્ણાટક-મહારાષ્ટ્રમાં અનેક સ્થળે વીરભદ્ર સ્વરૂપમાં હતા."
ટૂંકમાં કહીએ તો યાદવોના દેવતા વિઠ્ઠલ આજે પણ મહારાષ્ટ્રમાં તેમના મૂળ ગોપજનીય સ્વરૂપમાં વિદ્યમાન છે અને બીજી તરફ વૈદિકીકરણ પછી તેઓ વિષ્ણુના સ્વરૂપમાં કૃષ્ણના અવતાર સ્વરૂપે પણ ભક્તો માટે ઊભેલા જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ મૂળ લોકદેવતા વિઠોબાની ખ્યાતિ ધીમે ધીમે એટલી હદે વધી ગઈ કે પાછળથી તેમનું વૈદિકીકરણ થયું અને તેમણે કૃષ્ણના અવતારનું વર્તમાન સ્વરૂપ પ્રાપ્ત કર્યું હોવાનું વિદ્વાનો સૂચવે છે.
આ સંદર્ભમાં ડૉ. રા. ચિં. ઢેરે લખે છે, "વિઠ્ઠલનું વૈષ્ણવીકરણ જ નહીં, પરંતુ વૈદિકીકરણ પણ સંતોના ઉદય પહેલાં થયું હતું અને તે આજે પણ થઈ રહ્યું છે. ક્ષેત્રોપાધ્યાયોએ યાદવ રાજવી પરિવારો દ્વારા પ્રોત્સાહિત આ વૈષ્ણવીકરણ અને વૈદિકીકરણમાં પહેલ કરી હતી તેવી જ રીતે શાસ્ત્રી પંડિતોએ પણ મોખરાની ભૂમિકા ભજવી હતી. ક્ષેત્રોપાધ્યાયો અને શાસ્ત્રી પંડિતો માટે શ્રુતિ-સ્મૃતિ અને ઇતિહાસ-પુરાણની પરંપરા સ્થાપિત કર્યા વિના આ લોકપ્રિય દેવને સ્વીકારવાનું આસાન ન હતું."
એ ઉપરાંત પંઢરીના વિઠ્ઠલ "જૈનોના દેવ" છે, તેવો દાવો કદાચ અઢારમી સદીના અંત સુધી કરવામાં આવતો હતો, એવું માનવાનું કારણ છે. તેમને નેમિનાથ ગણાવવામાં આવ્યા હતા, એવું રા. ચિં. ઢેરે જણાવે છે.

ઇમેજ સ્રોત, Dr. R. C. Dhere Center For Cultural Studies
કેટલાક વિદ્વાનોના મતે વિઠોબા દેવનો જે રીતે વિવિધ તબક્કામાં વિકાસ થયો છે તે સમયની સાંસ્કૃતિક સુક્ષ્મતા પણ વિવિધ સ્થળોએ ઓછા-વત્તા અંશે જોવા મળે છે.
દાખલા તરીકે, અહોબલમ (આંધ્ર પ્રદેશ) ખાતે આવેલી વિઠ્ઠલ મૂર્તિ કમળ આકારના આસન ઉપર કમરે હાથ રાખીને ઊભી છે. તેના હાથમાં શંખ અને કમળ છે. તેના મસ્તક પર ટોપી જેવો ઊંચો, શણગારેલો મુગટ છે. એ મૂર્તિ પંઢરપુર ખાતેની વિઠ્ઠલ મૂર્તિ કરતાં ઘણી જૂની હોવાનો ગ. હ. ખરેનો મત છે.
કર્ણાટકમાં માંડ્યા જિલ્લાના ગોવિંદહલ્લીમાં તેમજ હસન જિલ્લાના હરણહલ્લી ખાતેના ચેન્ના કેશવ મંદિરમાં, વસરુલ (માંડ્યા જિલ્લો) ખાતેના મલ્લિકાર્જુન મંદિરમાં અને ટુમકુર જિલ્લાના નાગલપુર ખાતે વિઠ્ઠલની મૂર્તિઓ છે. કર્ણાટકના બેલ્લારી જિલ્લાના હમ્પીના વિરુપાક્ષ મંદિરમાં પણ વિઠ્ઠલની મૂર્તિ છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરના પટ્ટનકોડોલીમાં પણ જોડિયા દેવતા વિઠ્ઠલ-બિરદેવનું મંદિર છે.
કૃષ્ણનું સ્વરૂપ ગણાતા અને કમર પર હાથ રાખીને ઊભેલા પશ્ચિમ બિહારના આહીરદેવ 'બીર કુઅર' (વીર કુમાર) હોય કે પછી અહલ્યાનગર (અગાઉના અહમદનગર)માં ચાર હાથ તથા મૂછોવાળા (રુક્મિણી સાથેના) વિઠ્ઠલ હોય, આવાં વિવિધ સ્વરૂપોમાં વિઠ્ઠલની છટાથી તેમના વિશેની જિજ્ઞાસામાં વધારો થાય છે.
શું વિઠ્ઠલ બુદ્ધ છે?
વિઠ્ઠલ જૈનોના નેમિનાથ છે, એવો દાવો હવે તો દુર્લભ બની ગયો છે, છતાં વિઠ્ઠલ બુદ્ધ હોવાનો દાવો હજુ પણ ક્યારેક કરવામાં આવે છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતે આ દાવો કર્યો હોવાથી સાંસ્કૃતિક ચર્ચાની દુનિયામાં તેને વધારે મહત્ત્વ મળ્યું છે. ડૉ. આંબેડકરે એ બાબતે એક પુસ્તક લખવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે પુસ્તક પૂર્ણ થઈ શક્યું ન હતું.
ધનંજય કીરલિખિત 'ડૉ. બાબાસાહેબ આંબેડકર' પુસ્તકમાં તેમનો મત સંક્ષિપ્ત સ્વરૂપમાં આપવામાં આવ્યો છેઃ "પંઢરપુરમાં વિઠોબાની જે મૂર્તિ છે તે ખરેખર બુદ્ધની મૂર્તિ છે. હું આ બાબતે એક થિસીસ લખીશ અને તેનું વાચન પુણેના ભારત ઇતિહાસ સંશોધન મંડળ સમક્ષ કરવામાં આવશે. પાંડુરંગ શબ્દ પુંડરિક શબ્દ પરથી આવ્યો છે. પુંડરિક શબ્દનો અર્થ કમળ થાય છે અને પાલિમાં કમળને પાંડુરંગ કહેવામાં આવે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે પાંડુરંગનો અર્થ બુદ્ધ થાય છે, બીજો કોઈ નહીં."
વારકરી સંતોએ પણ વિઠ્ઠલને બુદ્ધ સ્વરૂપે જોયા હોવાના ઘણા સંદર્ભો તેમનાં અભંગો અને રચનાઓમાંથી સ્પષ્ટ થાય છે.

ઇમેજ સ્રોત, DHANANJAY KEER
જનાબાઈ, એકનાથ, તુકોબા અને સંત નામદેવની રચનાઓ આ સંદર્ભે અભ્યાસ યોગ્ય છે.
વારકરી પરંપરામાં વિવિધ સમયગાળાના સંતોએ વિઠ્ઠલનો ઉલ્લેખ "મૌનસ્થ" અને "બૌદ્ધ" ઉપનામોથી વારંવાર કર્યો છે.
આ બધાની ચર્ચા કરતાં રા. ચિં. ઢેરેએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે "વૈદિક પરંપરા સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા છતાં મરાઠી સંતોએ વિઠ્ઠલને અ-વૈદિક બુદ્ધ સાથે કેમ જોડ્યા? વિઠ્ઠલ અને બુદ્ધને એક માનવા સુધી ધર્મમાં તેમની કઈ સમાનતા હતી? બુદ્ધના પૌરાણિક અવતારો વિશે જાણતા હોવા છતાં સંતોએ બુદ્ધના સ્વરૂપમાં તેમને પરમ આરાધ્ય કેમ માન્યા? વિઠ્ઠલને બુદ્ધ સાથે જોડતી વખતે તેમના ધર્મના ક્ષીણ થતા સ્વરૂપ બાબતે સંતોએ કઈ ભૂમિકા સ્વીકારી હતી?"
આ બધાનું વિશ્લેષણ કરતાં તેઓ જણાવે છે, "આપણી પરંપરામાં સામાન્ય રીતે કશું નાશ પામતું નથી. તેનાં ફક્ત નામ અને સ્વરૂપો જ બદલાય છે, એ આપણે ભૂલવું ન જોઈએ."
તેઓ એમ પણ કહે છે કે "બૌદ્ધ ધર્મનો આ નવો ભાગવતી અવતાર મહારાષ્ટ્રના સાંસ્કૃતિક જીવનમાં એક મહાન વૈચારિક પરિવર્તનનું પ્રતિનિધિત્વ કરે છે."

ઇમેજ સ્રોત, Vishwakarma Publications
વિઠોબા મૂળ ગોપજનોના લોકદેવ હતા, એવો દાવો મોટા ભાગના વિદ્વાનો કરતા હોય તો તેઓ બુદ્ધ હોવાના દાવામાં કેટલી સચ્ચાઈ હોઈ શકે?
એ ઉપરાંત સંતોએ તેમનું વર્ણન બૌદ્ધ સ્વરૂપમાં કેવી રીતે કર્યું છે, તેવો સવાલ થવો સ્વાભાવિક છે.
આ સંદર્ભે બીબીસી સાથે વાત કરતાં ડૉ. અશોક રાણાએ કહ્યું હતું, "તેનાથી ખબર પડે છે કે તેરમી સદી પહેલાં અને સંત શિરોમણિ નામદેવ વિઠ્ઠલને કૃષ્ણના સંતાન તરીકે આગળ લાવ્યા એ પહેલાં બૌદ્ધોએ લાંબા સમય સુધી વિઠ્ઠલને બુદ્ધ સ્વરૂપે પૂજ્યા હતા. મહારાષ્ટ્રમાં લગભગ 1,000 ગુફાઓ છે. એ પૈકીની લગભગ 800 બૌદ્ધ ગુફાઓ છે, જ્યારે 200 ગુફાઓ જૈન, શૈવ કે અન્ય સંપ્રદાયોની છે. તેમાં સૌથી વધુ સંખ્યા બૌદ્ધ ગુફાઓની છે."
"આઠમી સદીમાં મધ્ય ભારતમાં વ્રજયાન સંપ્રદાયની બોલબાલા હતી. એ દરમિયાન અનેક દેવતાઓને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. એ સમયે બૌદ્ધ બનેલા મોટા ભાગના લોકો વિઠ્ઠલને બુદ્ધના સ્વરૂપમાં પૂજતા હતા. જોકે, બુદ્ધની મૂર્તિની વિશેષતાઓ વિઠ્ઠલની મૂર્તિમાં જોવા મળતી નથી."
તેમણે ઉમેર્યું હતું, "આઠમી સદી પહેલાં અને તેની આસપાસ જૈનોએ પણ તેમને કૃષ્ણનું તીર્થંકર સ્વરૂપ નેમિનાથ આપવાનો પ્રયાસ કર્યો હતો. કેટલાંક સ્થળોએ નેમિનાથનો ઉલ્લેખ કૃષ્ણના ભાઈ તરીકે પણ કરવામાં આવ્યો છે. તેથી જૈનો દ્વારા વિઠ્ઠલ મંદિરને મોટું દાન દેવાના સંદર્ભો મળે છે."
"આ કારણે વચ્ચેના લાંબા સમયગાળામાં વિઠોબાને નેમિનાથ તરીકે પૂજવામાં આવતા રહ્યા હતા અને બાદમાં તેમનો કૃષ્ણના અવતાર સ્વરૂપમાં પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો. પછીના સમયમાં, વૈદિકીકરણ બાદ વારકરી સંતોએ તેમનો કૃષ્ણના બાળસ્વરૂપે સ્વીકાર કર્યો. તેથી અભંગોમાંના વર્ણનથી એ સ્પષ્ટ છે કે વિઠોબાનું બૌદ્ધ રૂપ સંતોનો ઉદ્દેશ હતું."
વિઠોબા – બધાનો મહાન સમન્વય

ઇમેજ સ્રોત, Yogesh Devlalkar
છેલ્લી આઠ સદી કે તેથી વધારે સમયથી આ શ્યામવર્ણી મોહક અને નિશસ્ત્ર દેવ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. એ જ પાંડુરંગ, હરિ, વિઠોબા, વિઠ્યા, ઈઠુ છે અને તુકોબાના અભંગમાં ઉલ્લેખ છે તેમ "પંઢરીમાંનું એક મોટું ભૂત છે."
તુકોબા કહે છે તેમ, તેઓ એક એવું ભૂત છે, જે આવતા-જતા લોકો પર એવો જાદુ કરે છે કે એ લોકો તેના થઈ જાય છે. વિદ્વાનો પણ તેમનાથી મોહિત ન થાય તો જ આશ્ચર્ય ગણાય. તેથી વિઠોબાની ચોક્કસ ઉત્પત્તિની શોધ આજે પણ વ્યવસ્થિત રીતે ચાલુ છે.
વિઠ્ઠલના મૂળ સ્વરૂપ વિશે તમામ શક્યતાને ચકાસવા છતાં "વિઠોબા વાસ્તવમાં કોણ છે" એ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી.
વિદ્વાનો વિઠ્ઠલ નામની વ્યુત્પત્તિ હજુ પણ સંતોષકારક રીતે આપી શક્યા નથી.
તેનાં મૂળ શોધવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે, પરંતુ તેની વધુ શોધ માટે આજે પણ વ્યાપક અવકાશ છે.
રા. ચિં. ઢેરે કહે છે તેમ, હાલ આ લોકપ્રિય દેવતા બુદ્ધ, જૈન, શૈવ અને વૈષ્ણવ સહિતના બધા માટે એક મહાન એકીકૃત કડી બની ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












