દલાઈ લામા એટલે કોણ અને તિબેટી બૌદ્ધ ધર્મમાં 'પુનર્જન્મ'ને કેવી રીતે માન્યતા મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
તિબેટીયન બૌદ્ધ આધ્યાત્મિક નેતા (90 વર્ષીય) દલાઈ લામાએ બુધવારે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે એમના મૃત્યુ બાદ એમના ઉત્તરાધિકારીની પસંદગી થશે.
એમણે કહ્યું કે, ''એમના ઉત્તરાધિકારીની પસંદગી ગાદેન ફોડરંગ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે અન્ય કોઈને આ મામલે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.''
આ સિવાય વર્તમાન દલાઈ લામાએ કહ્યું કે પાછલાં 14 વર્ષમાં એમને તિબેટ, મંગોલિયા, રશિયા, હિમાલય ક્ષેત્ર અને ચીનના બૌદ્ધ સમર્થકો એમના વારસાને આગળ વધારવા માટે વિનંતીઓ કરી રહ્યા છે.
તિબેટીયન બૌદ્ધ માન્યતા અનુસાર દલાઈ લામા મૃત્યુ બાદ બીજા શરીરમાં પુનર્જન્મ ધારણ કરે છે.
ચીન પોતાના દલાઈ લામાને પસંદ કરી શકે છે તેવી ચિંતાઓ વચ્ચે આ જાહેરાત કરવામાં આવી છે.
ચીને કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની પ્રક્રિયામાં ચીનના કાયદા અને નિયમોની સાથેસાથે 'ધાર્મિક અનુષ્ઠાનો અને ઐતિહાસિક પરંપરા'નું પાલન થવું જોઈએ.
ચીને 1951માં તિબેટ પર કબજો જમાવ્યો હતો અને દલાઈ લામાને તે અલગતાવાદી માને છે.
દલાઈ લામા કોણ છે?

ઇમેજ સ્રોત, Christopher Michel
દલાઈ લામાને અવલોકિતેશ્વર (ચેનરેઝિગ - કરુણાપૂર્ણ બુદ્ધ)ના અવતાર માનવામાં આવે છે .
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હિન્દુઓ અને જૈનોની જેમ, બૌદ્ધો પણ પુનર્જન્મમાં માને છે.
તિબેટીયન બૌદ્ધ માન્યતાઓ અનુસાર, મહાન આધ્યાત્મિક શક્તિ ધરાવતા લોકો ક્યારે અને ક્યાં પુનર્જન્મ લેવો તે પસંદ કરે છે.
વર્તમાન દલાઈ લામાનો જન્મ 6 જુલાઈ, 1935ના રોજ ઉત્તર પૂર્વીય તિબેટમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેમનાं માતાપિતાએ તેમને લામા ધોંડુબ નામ આપ્યું હતું .
બે વર્ષની ઉંમરે લામાને 13મા દલાઈ લામાના પુનર્જન્મ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
1985થી દલાઈ લામાના અનુવાદક ડૉ. થુપ્ટેન જિન્પાએ કહ્યું, "તિબેટી લોકો માને છે કે એક જ આત્મા વારંવાર પુનર્જન્મ પામે છે."
બૌદ્ધ ધર્મનો ઇતિહાસ 2,500 વર્ષ જૂનો છે, પરંતુ દલાઈ લામા પ્રણાલીનો જન્મ પછીથી થયો હતો.
એબરડીન યુનિવર્સિટી ખાતે સ્કોટિશ સેન્ટર ફૉર હિમાલયન રિસર્ચના ડિરેક્ટર પ્રોફેસર માર્ટિન એ મિલ્સે જણાવ્યું હતું, "પ્રથમ દલાઈ લામા ગેડુન દ્રુપ હતા, જેનો જન્મ 1931માં થયો હતો."
પરંતુ માર્ટિને કહ્યું કે, આ બૌદ્ધ ગુરુના પુનર્જન્મનો વિચાર તેના 300 વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતો.
દલાઈ લામાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Sanjay Baid/AFP via Getty Images
ડૉ. થુપ્તેન જિનપા કહે છે, દલાઈ લામાની પસંદગી એક લાંબી અને કઠિન પ્રક્રિયા છે.
આ પ્રક્રિયામાં ઘણાં વર્ષો લાગે છે. 14મા દલાઈ લામાની પસંદગીમાં ચાર વર્ષ લાગ્યા હતા.
દલાઈ લામાના મૃત્યુ બાદ ઉચ્ચ પદસ્થ ભિક્ષુ એ સમયે જન્મેલાં કેટલાંક ખાસ બાળકોની શોધ કરે છે. એના માટે તેઓ કેટલાક ખાસ સંકેતોનો પણ ઉપયોગ કરે છે.
કોઈ પણ સાધુ છોકરાની ઓળખ વિશે સ્વપ્ન જોઈ શકે છે. દલાઈ લામાના અંતિમ સંસ્કારમાંથી નીકળતા ધુમાડાની દિશાને પણ આધાર તરીકે લેવામાં આવે છે.
જો કોઈ આ પ્રક્રિયામાં છોકરાને ઓળખે છે, તો તેની કસોટી કરવામાં આવે છે. તેને ઘણી વસ્તુઓ બતાવવામાં આવે છે. જો તે છેલ્લા દલાઈ લામાની વસ્તુઓ પસંદ કરે છે, તો તે એક મજબૂત સંકેત માનવામાં આવે છે.
જો ઉચ્ચતમ સાધુઓ છોકરાનાં કાર્યોથી સંતુષ્ટ થાય, તો તેને દલાઈ લામા તરીકે પસંદ કરવામાં આવે છે. આ પછી, વર્ષો સુધી તેને ધાર્મિક અને આધ્યાત્મિક પ્રશિક્ષણ આપવામાં આવે છે.
આજ સુધી તિબેટની બહાર ફક્ત બે જ દલાઈ લામાનો જન્મ થયો છે. એક મોંગોલિયામાં અને બીજો ઉત્તર પૂર્વ ભારતમાં.
ચીન શું કામ હસ્તક્ષેપ કરી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
1950માં ચીને હજારો સૈનિકો તિબેટમાં મોકલ્યા હતા અને પ્રદેશ પર નિયંત્રણ મેળવવાનું શરૂ કર્યું હતું. 1959માં તિબેટીયનોએ ચીન સામે નિષ્ફળ બળવો કરવાનો પ્રયાસ કર્યા બાદ દલાઈ લામા ભારત ભાગી ગયા.
દલાઈ લામાએ તિબેટીયન સરકારના વડા તરીકેની ભૂમિકા છોડી દીધી હોવા છતાં, ઘણા લોકો હજુ પણ તેમને ચીની શાસનના વિરોધના પ્રતીક તરીકે જુએ છે.
દલાઈ લામાએ અગાઉ કહ્યું હતું કે આ વખતે તેમનો પુનર્જન્મ તિબેટની બહાર હોઈ શકે છે.
દરમિયાન, ચીને દલાઈ લામા પર રાજકીય આશ્રિત હોવાનો અને ધર્મનો ઉપયોગ કરીને દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ સંદર્ભમાં ચીને 2007માં દલાઈ લામા જેવા ભાવિ તિબેટી ધાર્મિક નેતાઓની પસંદગી કેવી રીતે કરવી તે અંગે એક આદેશ જાહેર કર્યો હતો. આ દલાઈ લામાની પસંદગી પર ચીન નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગતું હતું.
માનવાધિકાર જૂથોએ તિબેટી બાબતોમાં ચીનના હસ્તક્ષેપ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
એમ્નેસ્ટી ઇન્ટરનૅશનલના ચીન ડિરેક્ટર સારાહ બ્રુક્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ચીની અધિકારીઓએ તિબેટીયન ધાર્મિક પ્રથામાં રાજકીય હસ્તક્ષેપ તાત્કાલિક બંધ કરવો જોઈએ. ધાર્મિક વારસાનો ઉપયોગ નિયંત્રણના સાધન તરીકે થવો જોઈએ નહીં."
દલાઈ લામા ભારતમાં કેમ રહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દલાઈ લામા 1959માં યુવાન હતા ત્યારે તિબેટથી ભાગીને ભારતમાં આશ્રય મેળવ્યો હતો.
10 માર્ચ, 1959ના રોજ એક ચીની જનરલે દલાઈ લામાને નૃત્ય પ્રદર્શન માટે આમંત્રણ આપ્યું.
જોકે, ઘણા તિબેટી લોકોને ડર હતો કે આ તેમનું અપહરણ કરવાનું કાવતરું છે. તેઓએ દલાઈ લામાના મહેલને ઘેરી લીધો અને તેમની રક્ષા કરી.
આનાથી તિબેટ પર ચીનના નિયંત્રણ સામે વિરોધ શરૂ થયો, ચીની સૈન્યે હિંસક દમન આચર્યું અને અહેવાલો અનુસાર હજારો લોકો મૃત્યુ પામ્યા.
થોડા દિવસો પછી દલાઈ લામા સૈનિકનો પોશાક પહેરીને રાત્રે શાંતિથી હજારો અનુયાયીઓ સાથે નીકળી પડ્યા. હિમાલયમાંથી 15 દિવસની મુસાફરી પછી તેઓ ભારતીય સરહદ પર પહોંચ્યા હતા.
માર્ચ 1959માં ભારત પહોંચ્યા ત્યારે દલાઈ લામાનું સ્વાગત વડા પ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું.
ત્યારથી, દલાઈ લામા અને તેમના અનુયાયીઓ ધર્મશાળામાં રહે છે.
ગુમ થયેલા પંચેન લામાનું ઠેકાણું

ઇમેજ સ્રોત, Getty Images
દલાઈ લામાની જેમ, પંચેન લામાને પણ બુદ્ધનું એક રૂપ માનવામાં આવે છે. તેમને અમિતાભ (અનંત પ્રકાશના બુદ્ધ)ના પુન: અવતાર માનવામાં આવે છે. તેઓ તિબેટીયન બૌદ્ધ ધર્મમાં બીજા ક્રમના સૌથી મહત્ત્વપૂર્ણ વ્યક્તિ છે.
તિબેટીયન પરંપરા અનુસાર, દલાઈ લામા અને પંચેન લામા એકબીજાને માર્ગદર્શન આપે છે, તેમને તેમનો આગામી અવતાર શોધવામાં મદદ કરે છે.
પંચેન લામા દલાઈ લામા કરતા 50 વર્ષ નાના હોવાથી તેઓ સામાન્ય રીતે દલાઈ લામાને તેમનો આગામી પુનર્જન્મ નક્કી કરવામાં મદદ કરે છે.
1989માં જ્યારે પંચેન લામાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું (કેટલાક માને છે કે તેમને ચીન દ્વારા ઝેર આપવામાં આવ્યું હશે), ત્યારે એવું માનવામાં આવતું હતું કે તેમનો ટૂંક સમયમાં પુનર્જન્મ થશે.
દલાઈ લામાએ 14 મે, 1995ના રોજ જાહેરાત કરી કે એક નવો પંચેન લામા મળી આવ્યો છે. નવો પંચેન લામા ગેધુન ચોકી ન્યામા નામનો છ વર્ષનો છોકરો હતો, જે તિબેટીયન શહેર નાક્ચુના એક ડૉક્ટર અને નર્સનો પુત્ર હતો.
જોકે, પંચેન લામા તરીકે ઓળખાયાના ત્રણ દિવસ પછી (17 મેના રોજ) તે અને તેમનો પરિવાર ગાયબ થઈ ગયા હતા.
ત્યારથી પંચેન લામા જોવા મળ્યા નથી. એક ચીની અધિકારીએ એક વાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટને કહ્યું હતું કે ગેધુન ચોકી ન્યામા ઉત્તર ચીનના ગાંસુ પ્રાંતમાં રહે છે. બીજો દાવો એ છે કે તેમને બીજિંગમાં અથવા તેની નજીક અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
નિષ્ણાતો વિશ્લેષણ કરી રહ્યા છે કે ચીન માને છે કે દલાઈ લામાની જેમ પંચેન લામા પણ ચીનમાં તેના શાસનમાં અવરોધ ન બનવું જોઈએ અને તેમણે લોકોના નેતા ન બનવું જોઈએ.
ગેધુન ગાયબ થયા પછી, ચીને બીજા કોઈને પંચેન લામા તરીકે જાહેર કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












