ગુજરાતમાં કયા જિલ્લામાં અતિભારે વરસાદ પડશે, હવામાન વિભાગે શું આગાહી કરી?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં વરસાદની સિઝનના લગભગ 20 દિવસમાં જ સિઝનનો 39 ટકા જેટલો વરસાદ પડી ગયો છે. હવામાન ખાતાએ આગાહી કરી છે કે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ પડતો રહેશે.
છેલ્લા 24 કલાક કરતાં વધુ સમયથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક ડૅમોના નીચાણવાળા વિસ્તારોમાં 'હાઈ ઍલર્ટ', 'ઍલર્ટ' તથા 'ચેતવણી' જાહેર કરવામાં આવી છે.
સાઇક્લૉનિક સર્ક્યુલેશન ગુજરાત પરથી પસાર થઈ રહ્યું છે. ઉત્તર તથા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હલચલ જોવા મળી રહી છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડૅમમાં પાણીની ભારે આવક જોવા મળી રહી છે, રાજ્યનાં જળાશયો તેમની કુલ ક્ષમતાના અડધા જેટલાં ભરાયેલાં છે.
જોકે, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં રાજ્યની સરેરાશ કરતાં ઓછો વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી શું છે?

ઇમેજ સ્રોત, imd
ચોથી જુલાઈની સ્થિતિ પ્રમાણે, પશ્ચિમ રાજસ્થાન આસપાસ ઉદ્દભવેલું સાઇક્લૉનિક સર્ક્યુલેશન હાલમાં મધ્ય રાજસ્થાન તથા તેના આસપાસના વિસ્તારમાં દરિયાની સપાટીથી 0.9 કિલોમીટરની ઊંચાઈએ સ્થિર છે.
ઉત્તર-પૂર્વ અરબ સાગરમાં ઉદ્દભવેલો લૉ પ્રેશર એરિયા ઉત્તર ગુજરાત પર થઈને બંગાળની ખાડીની દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યો છે. તે પશ્ચિમ બંગાળના ગંગાના કિનારાના વિસ્તારો, મધ્ય પ્રદેશ અને ઝારખંડમાં દરિયાની સપાટીથી 3.1 કિલોમીટર ઉપર સ્થિર છે.
ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
હવામાન ખાતાએ શનિવારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ દાહોદ અને મહીસાગર એમ લગભગ તમામ જિલ્લામાં ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને ખેડા વડોદરામાં વરસાદની આગાહી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં (સુરત, ડાંગ, તાપી, ભરૂચ, વલસાડ અને નવસારી), તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદનાં મોટાં ભાગનાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવી આગાહી કરી છે. આ સિવાય દીવ, દમણ અને દાદરાનગરમાં ચોમાસું સક્રિય રહેશે.
રવિવારે પણ વરસાદની સ્થિતિ મહદંશે શનિવાર જેવી જ રહેશે અને ઉપરોક્ત વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડશે.
એટલે આગામી બે દિવસ અને એ પછી ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતમાં વરસાદની સ્થિતિ

ઇમેજ સ્રોત, imd
રાજ્યનો એક પણ તાલુકો એવો નથી કે જ્યાં 50 મિમી કરતાં ઓછો વરસાદ પડ્યો હોય, જ્યારે 42 તાલુકામાં 500 મિમી કરતાં વધુ વરસાદ પડી ગયો છે.
રાજકોટના જામકંડોરણા (5.6 ઈંચ) અને ધોરાજીમાં (4.6 ઈંચ) વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના ઈડર તથા બનાસકાંઠાના ધાનેરામાં અનુક્રમે 5.5 અને 5.2 ઈંચ વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં શુક્રવાર સાંજની પરિસ્થિતિ પ્રમાણે, રાજ્યની કુલ જરૂરિયાતના 38.84 ટકા વરસાદ પડી ગયો છે. દક્ષિણ ગુજરાતમાં 40.93, સૌરાષ્ટ્રમાં 39.75 અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 38.87 ટકા વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ સરેરાશ કરતાં વધુ છે.
કચ્છમાં 37.64 ટકા તથા ઉત્તર ગુજરાતમાં 33.57 ટકા વરસાદ પડ્યો છે, જે રાજ્યની કુલ સરેરાશ કરતાં ઓછો આંક છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 143.14 ટકા, વર્ષ 2023માં 108.16 ટકા અને વર્ષ 2022માં 122.09 ટકા સિઝનનો કુલ વરસાદ પડ્યો હતો.
ગુજરાતનાં જળાશયોની સ્થિતિ
ગુજરાતની જીવદોરી સમાન સરદાર સરોવર ડૅમ 47 ટકા જેટલો ભરાયો છે. રાજ્યનાં જળાશયો કુલક્ષમતા 51.52 % જેટલાં ભરાયેલાં છે.
રાજ્યનાં કુલ 206 જળ સંશાધનોમાંથી 17 પૂર્ણપણે ભરાઈ ગયાં છે. 43 (70થી 100 ટકા), 38 (50થી 70 ટકા) અને 54 (25થી 50 %) ભરાયેલાં છે. જ્યારે રાજ્યના 54 ડૅમ તેમની કુલ ક્ષમતાના 25 ટકા કે એથી પણ ઓછા ભરાયેલા છે.
રાજ્યના ડૅમોમાં 23 હાઈ ઍલર્ટ, 17 ઍલર્ટ તથા 20 ચેતવણી આપવામાં આવી છે.
સીપુ, દાંતીવાડા, હાથમતી, મચ્છુ-1, મચ્છુ-2, કડાણા, ભાદર, દમણગંગા જેવા ડૅમોને બાદ કરતાં અન્ય મોટા ડૅમો 50 ટકા કરતાં વધુ ભરાઈ ગયા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













