હવામાન વિભાગે વિકસાવી વરસાદની આગાહી કરવાની નવી સિસ્ટમ, હવે અગાઉથી કેવી રીતે ખબર પડી જશે કે ક્યાં વરસાદ પડશે?

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ, ડોપ્લર રડાર, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે, ભારતમાં વરસાદ, તાલુકાના સ્તરે આગાહી કરવી શક્ય બનશે, બાર કિલોમીટરના બદલે છ કિલોમીટર રિઝોલ્યુશન, IMD હવામાન વિભાગ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં હાલના સમયમાં હવામાનમાં સતત ફેરફારો આવી રહ્યા છે. ક્યારેક ક્યાંક વરસાદ પડે છે, તો ક્યારેય ગરમી અને બફારો અનુભવાય છે.

જોકે હવે તમારા તાલુકા કે ગામમાં આવતી કાલે કેવું હવામાન રહેશે તેની વધુ સચોટ અને સ્થાનિક સ્તરની આગાહી હવામાન વિભાગ ટૂંક સમયમાં કરી શકશે.

ભારતે સચોટ આગાહી માટે એક નવી સિસ્ટમ વિકસાવી છે અને તેનું નામ છે ભારત ફોરકાસ્ટ સિસ્ટમ.

આ સિસ્ટમ હવામાનની આગાહી માટેનું વિશ્વનું સૌથી વધુ રિઝૉલ્યુશન ધરાવતું કમ્પ્યુટર મૉડલ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટ્રૉપિકલ મેટેઓરોલોજી (આઈઆઈટીએમ)ના 'અર્કા' અને 'અરુણિકા' નામના સુપર કમ્પ્યુટરની મદદથી આ સિસ્ટમ વિકસાવાઈ છે.

અગાઉ 'પ્રત્યુષા' નામના સુપર કમ્પ્યુટરમાં તમામ માહિતી એકત્ર કરીને, તેનું પ્રોસેસિંગ કરીને હવામાનની આગાહી કરવામાં દસ કલાક લાગતા હતા, પરંતુ નવું 'અર્કા' સુપર કમ્પ્યુટર આ કામ ચાર જ કલાકમાં કરી શકે છે.

ભારત ફોરકાસ્ટ સિસ્ટમની વિશેષતા શું છે?

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ, ડોપ્લર રડાર, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે, ભારતમાં વરસાદ, તાલુકાના સ્તરે આગાહી કરવી શક્ય બનશે, બાર કિલોમીટરના બદલે છ કિલોમીટર રિઝોલ્યુશન, IMD હવામાન વિભાગ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, pib.gov.in

ઇમેજ કૅપ્શન, ભારત બ્રોડકાસ્ટને સાર્વજનિક કરતી વેળાએ વિજ્ઞાન મંત્રી ડૉ. જિતેન્દ્રસિંહ

આ ભારતીય હવામાન પ્રણાલી ભારત સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના નેજા હેઠળ વિકસાવાઈ છે.

આ હવામાન પ્રણાલીના ઉદ્ઘાટન સમયે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગની (આઈએમડી) ફોરકાસ્ટ સિસ્ટમ પ્રગતિ કરી રહી છે.

2047ના લક્ષ્યની પ્રાપ્તિ માટે ભારતીય હવામાન વિભાગ કેટલું યોગદાન આપી શકે છે તે જોવાનો સમય આવી ગયો છે.

સંભવિત નુકસાન ટાળી અને મહત્તમ લાભ મેળવીને ભારતીય અર્થતંત્રને ટોચ પર લઈ જવા માટે અમે ભારતીય હવામાન વિભાગની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

જિતેન્દ્રસિંહે એમ પણ જણાવ્યું હતું કે અમારું લક્ષ્ય હવામાન વિભાગના કાર્યને ઉચ્ચતમ સ્તરે વિકસાવવાનું છે.

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ, ડોપ્લર રડાર, ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે, ભારતમાં વરસાદ, તાલુકાના સ્તરે આગાહી કરવી શક્ય બનશે, બાર કિલોમીટરના બદલે છ કિલોમીટર રિઝોલ્યુશન, IMD હવામાન વિભાગ, બીબીસી ગુજરાતી સાથે સમજો,

ઇમેજ સ્રોત, imd.gov.in

ઇમેજ કૅપ્શન, ભારત ફોરકાસ્ટને કારણે વાવાઝોડું તથા તેના માર્ગ અંગે વધુ સચોટ આગાહી કરવામાં મદદ મળશે (પ્રતીકાત્મક ફાઇલ તસવીર)

અગાઉની હવામાન પ્રણાલીમાં 12 કિલોમીટરના વિસ્તારની આગાહી કરી શકાતી હતી, પરંતુ હાઈ રિઝૉલ્યુશનવાળી આ નવી સિસ્ટમ છ કિલોમીટર સુધીની હવામાનની સચોટ આગાહી કરી શકશે. તેનાથી નાનામાં નાના વિસ્તારોમાં પણ હવામાનમાં થતા ફેરફારોને વધુ સ્પષ્ટ રીતે સમજવાનું શક્ય બનશે.

સ્થાનિક સ્તરે પંચાયત અથવા થોડાં ગામડાં માટે હવામાનની આગાહી કરવાનું પણ શક્ય બનશે.

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ માટે દેશભરના 40 ડોપ્લર રડારમાંથી મળતા ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. ડોપ્લર રડારની સંખ્યા તબક્કા વાર વધારીને 100 કરવાની યોજના પણ છે.

ભારત ફોરકાસ્ટ સિસ્ટમના ફાયદા શું છે?

વીડિયો કૅપ્શન, Gujarat Monsoon : ચોમાસું ઝડપથી આગળ વધ્યું, ગુજરાતમાં ક્યારે પહોંચશે, કયા વિસ્તારોમાં ભારે વરસાદ?

આ સિસ્ટમ ખેતી માટે હવામાનની વધુ સચોટ આગાહી કરવામાં અને પાકને થતા નુકસાનને ટાળવામાં મદદરૂપ થશે.

તે ભારે વરસાદ અને વાવાઝોડા જેવી જોખમી હવામાનની ઘટનાઓની સચોટ આગાહી કરી શકશે. તેના લીધે આપત્તિ વ્યવસ્થાપન વધુ અસરકારક બનશે અને જાનહાનિ અટકશે.

હવામાન વધુ અનિશ્ચિત બની રહ્યું છે અને આબોહવા પરિવર્તનની તીવ્રતા વધી રહી છે, ત્યારે ભારત ફોરકાસ્ટ સિસ્ટમનો પ્રારંભ થઈ રહ્યો છે.

નવી સિસ્ટમથી હવામાનની આગાહીમાં 30 ટકા સુધારો થશે. આબોહવા પરિવર્તનની માઠી અસરનો સામનો કરવા માટે આ બહુ જરૂરી છે.

ભારત ફોરકાસ્ટ સિસ્ટમ પ્રાયોગિક ધોરણે 2022થી કાર્યરત્ છે અને મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પ્રણાલીના ઉપયોગથી અતિવૃષ્ટિની ઘટનાઓની આગાહીમાં 30 ટકા સુધારો થયો છે.

એ ઉપરાંત વાવાઝોડાના માર્ગ અને તેની તીવ્રતાની આગાહી કરવામાં પણ આ પ્રણાલી સચોટ સાબિત થઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન