મુંબઈમાં ચોમાસું પહોંચ્યું, ગુજરાતમાં ચોમાસું જો વહેલું પહોંચે તો ખેતીમાં કેવું નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અજિત ગઢવી
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં આ વખતે ચોમાસું સામાન્ય કરતા વહેલું બેસી ગયું છે અને ગુજરાતમાં પણ હાલમાં કેટલાક વિસ્તારોમાં ત્રણથી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ પહેલી જૂન હોય છે. પરંતુ આ વખતે કેરળમાં 24 મેના રોજ ચોમાસું બેસી ગયું છે અને તેની સાથે દેશના બીજા વિસ્તારોમાં પણ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, કેરળમાં આ વર્ષે આઠ દિવસ વહેલી ચોમાસાની શરૂઆત થઈ છે.
આમ મુંબઈમાં પણ સામાન્ય કરતાં વહેલું ચોમાસું બેસી ગયું છે. ચોમાસું બેસે એ પહેલાં જ મુંબઈમાં ભારે વરસાદને કારણે ભયંકર પરિસ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતના અમુક ભાગોમાં તેજ પવન સાથે વરસાદી ઝાપટા પડ્યાં છે જેના કારણે પાકને નુકસાન થઈ ગયું છે અને હજુ પણ નુકસાન થવાની સંભાવના છે.
ગુજરાતમાં ક્યાં વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, Ankit Chauhan
અમદાવાદસ્થિત હવામાન કચેરીની આગાહી પ્રમાણે 26 મેએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે.
સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદની શક્યતા છે. કચ્છમાં પણ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
27 મે, મંગળવારે પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને સૌરાષ્ટ્રના કિનારાવર્તી વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. 28 અને 29 મે માટે પણ આવી જ આગાહી છે.
હવામાન વિભાગ પ્રમાણે 27 મેના રોજ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે.
આ દરમિયાન પવનની ઝડપ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
હાલના વરસાદથી કયા પાકને નુકસાન થશે?
ગુજરાતના કેટલાક જિલ્લામાં તાજેતરમાં હવામાન બદલાયું તેના કારણે ખેતીને નુકસાન થયું છે. હજુ પણ કમોસમી વરસાદથી નુકસાન થવાની શક્યતા છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રૉફેસર મનોજ લુણાગરિયા કહે છે કે, "હાલમાં વાવેતર માટે જમીન તૈયાર કરવાનો સમય છે. અત્યારના વરસાદથી વ્યાપક નુકસાનની શક્યતા ઓછી છે. અત્યારે અમુક વિસ્તારમાં તલ, ઉનાળુ મગફળી, કઠોળ પાક અને ઘાસચારાનો પાક હશે. પરંતુ મોટા ભાગનો વિસ્તાર ખાલી હશે."
તેમણે કહ્યું કે, "તલ અને કેરી જેવા પાકને નુકસાન જઈ શકે છે."
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું કે, "સૌરાષ્ટ્રમાં ઉનાળુ પાકનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂતોનો પાક પરિપક્વ અવસ્થામાં હોય તો તેને કમોસમી વરસાદથી નુકસાન થઈ શકે છે."
તેમણે જણાવ્યું કે, "પવનની ઝડપ વધે તેવી હાલમાં કોઈ સિસ્ટમ નથી."
તેમણે કહ્યું કે "જૂનાગઢ અને આસપસના વિસ્તારમાં હાલમાં અડદ, મગ અને તલનો પાક છે. વરસાદ પડે તો તલના પાકને નુકસાન થઈ શકે છે. જૂનાગઢ અને આસપાસના વિસ્તારમાં મગફળી અને સોયાબીનનું વધારે ઉત્પાદન થાય છે."

ઇમેજ સ્રોત, FarukQadri
પ્રૉફેસર ધીમંત વઘાસિયાએ જણાવ્યું કે, "ચોમાસું વહેલું આવ્યું છે તે મુંબઈ સુધી રહેશે અને ત્યાં જ આઠથી દશ દિવસ સ્થિર થઈ જાય તેવી શક્યતા છે. ગુજરાતમાં તો ચોમાસું બહુ વહેલું નહીં આવે."
બીજી તરફ કૃષિ વિભાગના જૉઇન્ટ ડાયરેક્ટર (રિટાયર્ડ) મધુભાઈ ધોરાજિયા માને છે કે તાજેતરમાં જે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે પાકને નુકસાન થઈ જ ગયું છે. ખાસ કરીને શાકભાજી, ઘાસચારો અને બાગાયતી પાકને વધારે નુકસાન થયું છે.
બીબીસી સાથે વાત કરતા મધુભાઈએ કહ્યું કે, "ઉનાળી મગ, તલ, અડદ, મગફળીના પાકને છેલ્લે પડેલા વરસાદમાં નુકસાન થયું છે. આ ઉપરાંત જ્યાં ડાંગરની લણણી ચાલુ છે ત્યાં પણ પાકને નુકસાન થયું છે."
તેમણે કહ્યું કે,"અમરેલી, જૂનાગઢ, પોરબંદર, જામનગર, સુરેન્દ્રનગર, ભાવનગરમાં વધારે નુકસાન થયું છે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ડાંગરને કમોસમી વરસાદથી નુકસાન થયું છે."
"કમોસમી વરસાદથી વાવેતરની તારીખોને પણ અસર થશે. પ્રિમોન્સુન વરસાદ પછી મગફળી અને કપાસનું વાવેતર થશે."
ચોમાસાની ગતિ ધીમી પણ પડી શકે?

ઇમેજ સ્રોત, IMD
આણંદ કૃષિ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રૉફેસર મનોજ લુણાગરિયા કહે છે કે, "આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચોમાસાની ઍક્ટિવિટી વધી છે. આમ તો જૂનની શરૂઆતમાં કે મેની શરૂઆતમાં પ્રિમોન્સુન ઍક્ટિવિટી થતી જ હોય છે. તાજેતરમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન પસાર થવાનું હતું જે નબળું પડી ગયું છે. આમ છતાં તેનાથી લોકલ લેવલ પર વાદળો સર્જાતાં હોય છે અને અમુક જગ્યાએ કરાં પણ પડતાં હોય છે."
તેમણે કહ્યું કે, "24 તારીખથી કેરળમાં ચોમાસું પ્રવેશી ગયું છે. તે મુંબઈ સુધી આગળ વધશે અને દક્ષિણ ગુજરાત પહોંચીને સાત-આઠ દિવસ વિરામ કરશે. આખા ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેની સરેરાશ તારીખ 20 જૂન હોય છે."
"આ વખતે તે કદાચ થોડું વહેલું હોઈ શકે. જોકે, સિસ્ટમ આગળ વધવાની ગતિ ધીમી પડશે. સાઉથ ગુજરાતમાં પ્રિ-મોન્સુન ઍક્ટિવિટી ચાલુ જ છે. આખા ગુજરાતમાં ચોમાસું બેસતા 15 જૂનની તારીખ આવી જાય તેવી સંભાવના છે."
રાજ્યમાં બે દિવસમાં કઈ જગ્યાએ વરસાદ પડ્યો

ઇમેજ સ્રોત, Ankit Chauhan
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં છેલ્લા બે દિવસમાં સૌરાષ્ટ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલાક જિલ્લામાં હવામાન પલટાયું છે. સાબરકાંઠામાં રવિવારે સાંજે વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને લાઇટ જતી રહી હતી. સાબરકાંઠામાં ધરોઈ ઍડવેન્ચર ફેસ્ટિવલ દરમિયાન ભારે પવનના કારણે ટેન્ટ ઊડી ગયો હતો અને ટેન્ટ સિટીને નુકસાન થયું છે.
વડોદરામાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે જેના કારણે કેટલીક જગ્યાએ સરકારી કાર્યક્રમોના મંડપ ધરાશાયી થઈ ગયા હતા.
સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકામાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદના કારણે ખેતરના પાક ઉપરાંત મકાનોને પણ નુકસાન થયું છે. કેટલીક જગ્યાએ ઘરનાં છાપરાં ઊડી ગયાં છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જસાપર ગામના ખેડૂત મહેશભાઈ પટેલે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ગઈકાલે અહીં રાતે 11 વાગ્યે વાવાઝોડાની જેમ પવન ફૂંકાયો હતો. અમારી નજીક ચુડા અને લીમડી પાસે વરસાદ પડ્યો છે. હાલમાં ખેતરમાં તલનો પાક કાપીને રાખ્યો છે. તડકો ઓછો થાય ત્યાર પછી કપાસનું વાવેતર કરવાની યોજના છે."
મહેશભાઈ પટેલ તલ, મગફળી અને કપાસનો પાક લેતા હોય છે. તેમણે કહ્યું કે, "15 દિવસ અગાઉ અહીં વરસાદ પડ્યો હતો ત્યારે તલ વાઢવાના બાકી હતા એટલે નુકસાન થતું રહી ગયું. હાલમાં કેટલીક જગ્યાએ મગફળીનું વાવેતર શરૂ થઈ ગયું છે."
આ ઉપરાંત બોટાદમાં પણ રવિવારે રાતે વાતાવરણ પલટાયું હતું અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. બોટાદ શહેર અને જિલ્લામાં કેટલાંક વૃક્ષો તૂટી પડ્યાના અહેવાલ છે.
તેવી જ રીતે ધંધૂકા અને ધોલેરા પંથકમાં પણ વાવાઝોડાના કારણે લીમડી હાઈવે પર વૃક્ષો તૂટી પડતા વાહન વ્યવહાર અટક્યો હતો. વીજળી પણ જતી રહી હતી અને લોકો પરેશાન થયા હતા. સૌરાષ્ટ્રમાં અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વાવાઝોડાના કારણે અમુક મકાનોનાં છાપરાં ઊડી ગયાં હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













