યુવાનોમાં હાર્ટ ઍટેક માટે કોવિડ વૅક્સિન જવાબદાર નથી : સરકારના દાવા સામે નિષ્ણાતોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી હાર્ટ ઍટેક કોવિડ 19 વેક્સિન મેડિકલ રિસર્ચ એસ્ટ્રાઝેનેકા હૃદય રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિડની રસીને હાર્ટ ઍટેક સાથે સંબંધ નથી
    • લેેખક, આનંદમણિ ત્રિપાઠી
    • પદ, બીબીસી સંવાદદાતા

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે જાહેરાત કરી કે કોવિડ-19ની રસીને દેશમાં અચાનક હાર્ટ ઍટેકથી થતા મૃત્યુ સાથે કોઈ સીધો સંબંધ નથી.

મંત્રાલયે જણાવ્યું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) અને રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી)ના બે અલગ અલગ અભ્યાસમાં આ વાતની પુષ્ટિ થઈ છે.

મંત્રાલયે જણાવ્યું કે, "ભારતમાં કોવિડ-19ની રસી સુરક્ષિત અને અસરકારક છે. તેની ગંભીર આડઅસરની ઘટનાઓ બહુ ઓછી જોવા મળી છે."

સરકારે કહ્યું કે, "અચાનક હાર્ટ ઍટેકથી થતા મૃત્યુનો સંબંધ વારસાગત, જીવનશૈલી, પહેલેથી હાજર બીમારીઓ અને કોવિડ પછી થયેલી પરેશાનીઓ સાથે હોઈ શકે છે."

મંત્રાલયે જણાવ્યું કે નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજી (એનઆઈઆઈ)એ 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અભ્યાસ કર્યો જેમાં એ જાણવા મળ્યું કે કોવિડ-19ના રસીકરણથી યુવાનોમાં અચાનક હાર્ટ ઍટેકનું જોખમ વધતું નથી.

જ્યારે ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (એઇમ્સ)એ અભ્યાસ પછીના શરૂઆતના વિશ્લેષણમાં જણાવ્યું છે કે, "માયોકાર્ડિયલ ઇન્ફેક્શન અથવા હાર્ટ ઍટેક એ અચાનક મૃત્યુનું મુખ્ય કારણ બની ગયું છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પણ તેના કારણોની પેટર્નમાં કોઈ મોટો ફેરફાર નથી થયો."

એઇમ્સે જણાવ્યું કે અભ્યાસ પૂરો થયા પછી અંતિમ પરિણામો શૅયર કરવામાં આવશે. પરંતુ એઇમ્સ આ મૃત્યુ માટે આનુવંશિક પરિવર્તનને સંભવિત કારણ માને છે.

મંત્રાલયે કહ્યું કે, "બંને અભ્યાસ પરથી જાણવા મળે છે કે અચાનક થયેલા મોત માટે કોવિડ-19ની રસી નહીં, પરંતુ પહેલેથી હોય તેવી આરોગ્યની સમસ્યાઓ, આનુવંશિક પ્રકૃતિ અને અસંતુલિત જીવનશૈલી ભૂમિકા ભજવે છે."

પરંતુ જાણકારોના કહેવા મુજબ આ મિશ્ર અભિપ્રાય છે. કેટલાક નિષ્ણાતો સરકારના દાવા સાથે સહમત નથી.

ઍસ્ટ્રાજેનેકાએ પણ રસીની આડઅસરો સ્વીકારી

બીબીસી ગુજરાતી હાર્ટ ઍટેક કોવિડ 19 વેક્સિન મેડિકલ રિસર્ચ એસ્ટ્રાઝેનેકા હૃદય રોગ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કર્ણાટકના હાસન જિલ્લામાં લગભગ એક મહિનામાં 22 યુવાનો હાર્ટ ઍટેકથી મૃત્યુ પામ્યા છે. મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ મૃત્યુ પાછળ કોવિડ વૅક્સિન જવાબદાર હોવાની શંકા દર્શાવી છે.

કર્ણાટકના મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ ઍક્સ પર લખ્યું કે, "હાસન જિલ્લામાં તાજેતરમાં 20થી વધુ લોકો હાર્ટ ઍટેકથી મૃત્યુ પામ્યા છે. આ ગંભીર મામલો છે. શું અચાનક થતા મોત પાછળ કોવિડની આડઅસર તો નથી?"

તેમણે લખ્યું કે, "ઘણા ઇન્ટરનૅશનલ રિસર્ચમાં હાલમાં સંકેત મળ્યો છે કે વૅક્સિન હાર્ટ ઍટેકનું કારણ બની શકે છે. શું વૅક્સિનને ઉતાવળમાં મંજૂરી અપાઈ તે આ મૃત્યુનું કારણ હોઈ શકે છે?"

કોવિડ 19 વૅક્સિન અંગે સેન્ટ સ્ટીફન હૉસ્પિટલના ડૉક્ટર જૈકબ પુલિયાલનો અભિપ્રાય પણ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અભ્યાસ કરતા અલગ છે.

ડૉક્ટર જેકબ પુલિયાલ કહે છે કે, "દેખીતી વાત છે કે ભારતમાં જે વૅક્સિન બનાવાય છે તે મૂળ બ્રિટનથી આવી રહી છે. જે કંપનીએ વૅક્સિન બનાવી છે તે જ સ્વીકારે છે કે તેનાથી તકલીફ થઈ શકે છે, તો પછી આ તપાસની પદ્ધતિ સમજી શકાય છે."

તેમણે કહ્યું કે, "કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય કઈ રીતે તપાસ કરાવે છે, કઈ વૅક્સિનની તપાસ કરાવે છે અને તેની તપાસની પદ્ધતિ કઈ છે. બ્રિટન જેવી તકલીફ ભારતમાં નથી એવું કહેવું એ વાત બધાને સમજાય છે."

કોરોનાની રસી બનાવતી કંપની ઍસ્ટ્રાઝેનેકાએ લગભગ એક વર્ષ અગાઉ સ્વીકાર્યું હતું કે તેમની વૅક્સિનની 'ગંભીર આડઅસરો' થઈ શકે છે.

કંપનીએ યુકેની હાકોર્ટમાં સ્વીકાર્યું કે વૅક્સિનના કારણે કોઈ વ્યક્તિને થ્રોમ્બોસિસ વિથ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ (ટીસીએસ) જેવી સ્થિતિ થઈ શકે છે.

તેના કારણે લોકોમાં લોહીના ગઠ્ઠા બની જાય છે અને બ્લડ પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. આવામાં બ્રેઇન સ્ટ્રોક અને કાર્ડિયાક એરેસ્ટની શક્યતા વધી જાય છે.

'આડઅસર વગરની કોઈ વૅક્સિન ન હોય'

બીબીસી ગુજરાતી હાર્ટ ઍટેક કોવિડ 19 વેક્સિન મેડિકલ રિસર્ચ એસ્ટ્રાઝેનેકા હૃદય રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા લિમિટેડની કોવિશીલ્ડ વેક્સિનને ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવવામાં આવી છે

ફાઉન્ડેશન ફૉર પીપલ સેન્ટ્રિક હેલ્થ સિસ્ટમ્સના નિર્દેશક ડૉક્ટર ચંદકાંત લહરિયા જણાવે છે કે, "દુનિયામાં કોઈ વૅક્સિન એવી નથી જેની શૂન્ય આડઅસર હોય. બધામાં કંઈકને કંઈક હોય છે. તેથી આ વૅક્સિનમાં પણ આડઅસર છે."

ડૉક્ટર લહરિયા જણાવે છે કે, "એક જ વૅક્સિન અલગ અલગ જગ્યાએ અલગ પ્રકારનો દુષ્પ્રભાવ કરે છે. યુરોપના દેશમાં જે આડઅસરો જોવા મળી હોય તે એશિયન દેશોમાં પણ જોવા મળે તે જરૂરી નથી."

તેમણે કહ્યું કે "ત્રીજી વાત એ જોવામાં આવે છે કે વસતી પ્રમાણે અગાઉ કેટલા હાર્ટ ઍટેક આવતા હતા અને હવે કેટલા આવે છે. તેના દરમાં ફેરફાર થયો હોય તો ચિંતાનું કારણ છે, નહીંતર નથી."

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટને આ બધા માપદંડના આધારે જોઈ શકાય છે.

ડૉક્ટર લહરિયા કહે છે કે એમઆરએનએ વૅક્સિનમાં ઘણી જગ્યાએ હાર્ટ ઍટેકની વાત જોવા મળી, પરંતુ ભારતમાં હજુ તેની કોઈ વૈજ્ઞાનિક સાબિતી નથી મળી. જે ટીટીએસની વાત થાય છે, તેના પુરાવા પણ ભારતમાં નથી મળ્યા."

'10 હજારમાંથી એકને નુકસાન થઈ શકે'

બીબીસી ગુજરાતી હાર્ટ ઍટેક કોવિડ 19 વેક્સિન મેડિકલ રિસર્ચ એસ્ટ્રાઝેનેકા હૃદય રોગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ 2021માં ઍસ્ટ્રાઝેનેકા સાથે કરાર કર્યા હતા

હાર્ટ ઍટેકથી યુવાનોમાં થતા મોતને લઈને આઈએમસીઆરએ ભલે કોવિડ-19 વૅક્સિનને ક્લીન ચિટ આપી દીધી હોય, પરંતુ યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલૉજી અલગ મત ધરાવે છે.

યુરોપિયન સોસાયટી ઑફ કાર્ડિયોલૉજીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે માયોકાર્ડિટિસથી થતા મોત અને કોવિડ-19ની વૅક્સિન વચ્ચે ગાઢ સંબંધ હોવાની આશંકા છે.

બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન મુજબ કોવિડ-19 વૅક્સિનનો સંબંધ માયોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ વચ્ચે છે. જોકે આ બહુ ઓછું છે પરંતુ યુકેની ગ્રીન બુક ઑન વૅક્સિન મુજબ 25 વર્ષથી ઓછી વયના યુવાન પુરુષોમાં આ વધારે છે.

પેરિકાર્ડિટિસ હૃદયની ચારે બાજુના લેયરનો સોજો છે, જ્યારે માયોકાર્ડિટિસ હૃદયની માંસપેશીનો સોજો છે.

ફાઉન્ડેશન મુજબ પહેલા ડોઝની તુલનામાં બીજા ડોઝમાં વધારે જોખમ જોવા મળ્યું છે. બે કંપનીઓની દવાઓનો ઉલ્લેખ કરીને જણાવાયું છે કે આ જોખમ દશ હજારમાંથી એક વ્યક્તિને હોઈ શકે છે.

જોકે, યુકેની મેડિસિન્સ ઍન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સીનું કહેવું છે કે મોટા ભાગના લોકો માટે કોવિડ-19 વૅક્સિન લગાવવાનો ફાયદો બીજા કોઈ જોખમ કરતા વધુ હોય છે.

યુવાનોમાં હાર્ટ ઍટેક

બીબીસી ગુજરાતી હાર્ટ ઍટેક કોવિડ 19 વેક્સિન મેડિકલ રિસર્ચ એસ્ટ્રાઝેનેકા હૃદય રોગ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે હેલ્થ વર્કર એસ્ટ્રાઝેનેકાનો ડોઝ તૈયાર કરી રહ્યા છે (ફાઈલ તસવીર)

ભારતમાં છેલ્લાં વર્ષોમાં હૃદયને લગતી બીમારીઓથી મોતના ઘણા કિસ્સા બહાર આવ્યા છે. ઘણા લોકોને અચાનક બેઠા બેઠા, નાચતી વખતે, કસરત કરતી વખતે હાર્ટ ઍટેક આવ્યા હોય તેવા વીડિયો જોવા મળ્યા છે.

વીડિયોમાં લોકો હાર્ટ ઍટેકથી અચાનક પડી જાય અને મૃત્યુ પામે એવું જોવા મળે છે. તેમાંથી ઘણા લોકો નાની ઉંમરના હતા. યુવાનો અને કિશોરોમાં આવા ઘણા કિસ્સા જોવા મળ્યા છે.

  • 46 વર્ષીય કન્નડ અભિનેતા પુનીત રાજકુમારને હાર્ટ ઍટેક
  • 41 વર્ષીય ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લાને હાર્ટ ઍટેક
  • 59 વર્ષના કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને જિમમાં કસરત કરતી વખતે હાર્ટ ઍટેક
  • જમ્મુ-કાશ્મીરમાં 21 વર્ષના એક યુવાન નાચતી વખતે પડી ગયા. તેમને હાર્ટ ઍટેક આવ્યો અને મૃત્યુ થયું
  • મુંબઈમાં ગરબા રમતા 35 વર્ષની એક વ્યક્તિનું હાર્ટ ઍટેકથી મૃત્યુ
  • 33 વર્ષના એક જિમ ટ્રેનર બેઠા બેઠા બેભાન થઈ ગયા. હાર્ટ ઍટેકથી મોત થયું

આમાંથી કોઈ કેસ કોવિડની રસી સાથે સંકળાયેલો હોવાના પુરાવા નથી મળ્યા. પરંતુ ભારતમાં કોવિડની લાંબા ગાળાની અસરો વિશે ડૉક્ટરોએ પહેલાં પણ ચેતવણી આપી છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન