ગુજરાતમાં રહીને ફ્રૅન્ચ, જર્મન જેવી વિદેશી ભાષા શીખવાનો ટ્રૅન્ડ કેમ વધી રહ્યો છે, તેનો શું ફાયદો છે?

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Jaydev Makwana

ઇમેજ કૅપ્શન, જયદેવ મકવાણા (જમણેથી પ્રથમ) ફ્રૅન્ચ પર્યટકો સાથે
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

57 વર્ષીય ભૂતપૂર્વ બૅન્ક ઑફિસર જયદેવ મકવાણા કાયદાનો અભ્યાસ કરવાની સાથે સાથે ફ્રૅન્ચ ભાષા શીખવે છે અને ફ્રૅન્ચ પર્યટકો સાથે ભારતમાં અલગ અલગ જગ્યાએ ટૂર કરે છે.

તેઓ કહે છે કે "હું લગભગ 36 વર્ષ અગાઉ ફ્રૅન્ચ ભાષા શીખ્યો હતો. ત્યારથી હું તેની સાથે જોડાયેલો છું. તેના કારણે મને નવું નવું શીખવા મળે છે અને નવા લોકોને મળી શકું છું."

મકવાણાએ જણાવ્યું કે, "હું 21 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ભાષા શીખ્યો. ત્યાર બાદ વર્ષો સુધી પબ્લિક સેક્ટરની બૅન્કમાં જૉબ કરી. હાલમાં હું વર્ષમાં આઠથી નવ મહિના ફ્રૅન્ચ પર્યટકો સાથે ટૂર મેનેજર તરીકે ફરું છું અને તેમને ગાઇડ કરું છું."

વિદેશી ભાષાની જાણકારીના કારણે જયદેવ મકવાણા રિટાયરમેન્ટ પછી પણ ફ્રૅન્ચ લૅંગ્વેજના જ્ઞાનના કારણે પ્રોફેશનલ કામ મેળવે છે.

ભારતમાં અંગ્રેજી એ સૌથી વધુ બોલાતી વિદેશી ભાષા છે. પરંતુ વિદેશમાં શિક્ષણ અને રોજગારી માટે ઘણા વિદ્યાર્થીઓ તથા પ્રોફેશનલો નવી નવી ભાષાઓ શીખી રહ્યા છે.

વિદેશમાં કઈ ભાષાની વધારે ડિમાન્ડ છે, નવી વિદેશી ભાષા શીખવામાં કેટલો સમય લાગે અને તેમાં કેવા પડકારો છે તે વિશે બીબીસીએ નિષ્ણાતો અને પ્રોફેશનલો સાથે વાત કરી છે.

કઈ વિદેશી ભાષાઓ શીખવાનો ટ્રેન્ડ છે?

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં લોકો વિદેશમાં શિક્ષણ અને બિઝનેસ બંને કારણોથી વિદેશી ભાષાઓ શીખે છે. (પ્રતીકાત્મક તસવીર)

અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનમાં લગભગ અડધા ડઝનથી વધારે વિદેશી ભાષાઓ શીખવાના કોર્સ ચાલે છે. તેમાં ફ્રૅન્ચ અને જર્મન ઉપરાંત જાપાની, ચાઇનીઝ, રશિયન અને અરબી ભાષા પણ શીખવવામાં આવે છે.

સંસ્થાનના ડાયરેક્ટર ડૉ. દિવ્યેશ ભટ્ટે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "ફ્રૅન્ચ અને જર્મન શીખવામાં સૌથી વધારે લોકોને વધારે રસ હોય છે. ત્યાર પછી સ્પેનિશ, ચાઇનીઝ અને જાપાનીઝ ભાષા શીખવા માટે પણ લોકો આવતા હોય છે."

તેઓ કહે છે કે, "ચાઇનીઝ કે રશિયન શીખવી હોય ત્યારે સ્ટુડન્ટ કરતા બિઝનેસના હેતુથી આવનારા લોકો વધુ હોય છે. આ દેશોમાં જોઈને બિઝનેસ ડીલ કરવી હોય ત્યારે લોકો ચીન અથવા રશિયન શીખતા હોય છે."

મોનિકા ગ્રેવાલ અમદાવાદમાં 33 વર્ષથી જર્મન ભાષા શીખવે છે. તેઓ કહે છે કે "અમેરિકા અને બીજા કેટલાક દેશોમાં સ્ટુડન્ટ માટે જવાનું મુશ્કેલ બન્યું છે. તેથી જર્મનીમાં સ્ટુડન્ટ અને પ્રોફેશનલો બંનેનો રસ વધ્યો છે. પ્રોફેશનલો પાસે જૉબ ન હોય તો તેઓ જૉબ સીકર વિઝા પર જઈને ત્યાં એક વર્ષની અંદર જૉબ શોધી શકે છે. તેથી તેઓ અહીંથી જર્મન ભાષા શીખીને જાય છે."

"આ ઉપરાંત વૉકેશનલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે આઈટી, મેડિકલ પ્રોફેશનલો જર્મની જવા લાગ્યા છે કારણ કે ત્યાં તેમને ભણવાની સાથે સાથે સ્ટાઇપેન્ડ પણ મળે છે."

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Divyesh Bhatt/FB

ઇમેજ કૅપ્શન, ગૂજરાત વિદ્યાપીઠ ખાતે ભારતીય ભાષા સંસ્કૃતિ સંસ્થાનના ડાયરેક્ટર ડૉ. દિવ્યેશ ભટ્ટ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદસ્થિત ગ્લોબલકાર્ટ લૅંગ્વેજ લર્નિંગ સેન્ટરના અક્ષય ચુડાસમાએ જણાવ્યું કે, "એશિયન લૅંગ્વેજમાં જાપાની ભાષાની વધારે ડિમાન્ડ છે, જ્યારે યુરોપિયનમાં સ્પેનિશ અને જર્મન ભાષા શીખવાનું ચલણ વધારે છે."

"ફ્રૅન્ચનું મહત્ત્વ થોડું ઘટી ગયું છે કારણ કે કોવિડ પછી કૅનેડાએ ફ્રૅન્ચને ફરજિયાત લૅંગ્વેજમાંથી કાઢી નાખી છે. અગાઉ કૅનેડા મારફત અમેરિકા જવા ઇચ્છતા લોકો ફ્રૅન્ચ શીખતા હતા. તેની જગ્યા જર્મનીએ લીધી છે કારણ કે તે ફાઇનાન્શિયલ હબ અને ઍજ્યુકેશન માટે જર્મની જાણીતું છે."

30 વર્ષીય અક્ષય ચુડાસમાએ કહ્યું કે તેઓ 14 વિદેશી ભાષા જાણે છે. જાપાની અને જર્મન ભાષાથી તેમણે શરૂઆત કરી હતી.

તેઓ કહે છે, "સ્પેનિશ એક સમયે અંગ્રેજી કરતા પણ સૌથી વધુ બોલાતી ભાષા હતી પણ હવે અંગ્રેજી બોલનારાઓની સંખ્યા વધારે છે. અમેરિકામાં જવું હોય તો સ્પેનિશ ભાષા બોલતા લોકોની મોટી સંખ્યા છે. ઇન્ડો-જાપાન જોડાણ અને બિઝનેસ સંબંધોના કારણે જાપાની ભાષા શીખવામાં આવે છે."

ફ્રૅન્ચ ભાષાના શિક્ષક જયદેવ મકવાણા કહે છે કે, "સાઉથ અમેરિકામાં સ્પેનિશ ભાષા વધારે બોલાય છે. પરંતુ બીજા ઘણા દેશોમાં અંગ્રેજી ઉપરાંત ફ્રૅન્ચ ચાલે છે. જેમ કે કૅનેડામાં ક્યુબેકના ભાગમાં ફ્રૅન્ચ ચાલે છે, નૉર્થ આફ્રિકાના ટ્યુનિશિયા, મોરોક્કો, અલ્જિરિયા જેવા દેશો ફ્રૅન્ચ કૉલોની હતા તેથી ત્યાં પણ આ ભાષા બોલાય છે. સ્વિટર્ઝર્લેન્ડની ચાર સત્તાવાર ભાષાઓમાં એક ફ્રૅન્ચ છે. બેલ્જિયમ અને લક્ઝમબર્ગમાં ફ્રૅન્ચ ભાષા સત્તાવાર છે."

તેઓ કહે છે, "ફ્રૅન્ચ ભાષા શીખવામાં બેઝિકથી લઈને પ્રોફિશિયન્સી સુધી અલગ અલગ સ્ટેજ હોય છે."

મકવાણાએ જણાવ્યું કે, "યુકે અને અમેરિકાની પૉલિસીના કારણે સ્ટુડન્ટ યુરોપના બીજા દેશો તરફ વળી રહ્યા છે તેમાં જર્મનની ડિમાન્ડ વધી છે. તમિલનાડુ જેવાં રાજ્યોએ જર્મનીના ક્લાસિસ શરૂ કરી દીધા છે. જર્મનીમાં એજ્યુકેશન લગભગ મફત છે, ત્યાં રહેવાના અને રોજગારીના નિયમો સરળ છે."

નવી ભાષા શીખવામાં કેટલો સમય લાગે?

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Monica grewal

ઇમેજ કૅપ્શન, મોનિકા ગ્રેવાલ અમદાવાદમાં 33 વર્ષથી જર્મન ભાષા શીખવે છે.

કોઈ પણ નવી વિદેશી ભાષા શીખવી હોય ત્યારે લોકોને સૌથી પહેલો સવાલ થાય છે કે ભાષા શીખવામાં કેટલો સમય લાગશે.

ફ્રૅન્ચ ટીચર જયદેવ મકવાણા કહે છે કે, "સ્પેનિશ અને ફ્રૅન્ચ ભાષાને ત્રણથી ચાર મહિનામાં બેઝિક વાત કરી શકો. જર્મન શીખવામાં થોડો વધુ સમય લાગી શકે. જોકે, ઍફિસિયન્સીના લેવલ પર જવામાં તો ઘણી વાર લાગે."

જ્યારે ગુજરાત વિદ્યાપીઠના ડૉ. ભટ્ટ કહે છે કે "વિદ્યાપીઠમાં ત્રણ મહિનામાં બેઝિક લેવલ સુધી શીખી શકાય અને છ મહિનામાં ઍડવાન્સ લેવલ સુધી શીખી શકાય છે. તેમાં સપ્તાહમાં છ કલાક શીખવવામાં આવે છે. ભાષા શીખવા માટે મહાવરો જરૂરી છે તેથી એક દિવસ તમે જે ભણો તેની બીજા દિવસે પ્રેક્ટિસ કરવી જરૂરી છે."

તેમણે કહ્યું કે "તરતા શીખવું એ સ્કિલ છે તેવી જ રીતે નવી ભાષા શીખવી એ પણ સ્કિલ છે. ભાષામાં ઉંમરનું કોઈ બંધન નથી. 60 કે 65 વર્ષથી વધારે ઉંમર હોય તેવા ઘણા લોકો નવી ભાષા શીખતા હોય છે. ગયા વર્ષે અમારી પાસે 83 વર્ષના એક સિનિયર સિટિઝન ચાઇનીઝ શીખવા આવ્યા હતા અને તે પણ શોખ માટે."

જર્મન ભાષાનાં નિષ્ણાત મોનિકા ગ્રેવાલના કહેવા મુજબ, "આજે ઘણા લોકો 15 દિવસ કે એક મહિનામાં ભાષા શીખવી દેવાનો દાવો કરે છે, પરંતુ મારું માનવું છે કે ભાષાનું કોઈ પણ લેવલ શીખવા માટે ત્રણ મહિના આપવા જ પડે. જર્મન ભાષાને એક વર્ષ આપો તો બહુ સારી રીતે શીખી શકાય છે. તેઓ કહે છે કે અગાઉ ચાઇનીઝ ભાષા શીખવાની ડિમાન્ડ હતી, પરંતુ કોવિડ પછી તેની માંગ ઘટી છે. યુરોપિયન ભાષામાં ફ્રૅન્ચ અને જર્મનીની વધુ ડિમાન્ડ છે. સ્પેનિશ ભાષા ટુરિઝમના દૃષ્ટિકોણથી શીખવામાં આવે છે પરંતુ તેમાં બહુ રોજગારી નથી."

બીજી તરફ અક્ષય ચુડાસમાનું કહેવું છે કે, "કોઈ વ્યક્તિ બે વર્ષમાં પણ નવી ભાષા શીખી શકે અને કોઈને પાંચ વર્ષ પણ લાગી શકે."

તેઓ કહે છે કે, "ઘણી ભાષામાં ઘણી બધી સમાનતા હોય છે તેથી યોગ્ય મેથડ અપનાવવી જોઈએ. જેમ કે ગુજરાતી અને હિંદીમાં ઘણી સમાનતા છે તેવી જ રીતે યુરોપીયન ભાષામાં પણ સમાનતા છે."

કઈ ભાષા શીખવી વધારે અઘરી છે?

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Akshay Chudasama

ઇમેજ કૅપ્શન, વિદેશી ભાષાઓ શીખવતા અક્ષય ચુડાસમા માને છે કે ઓપન માઇન્ડસેટથી નવી ભાષા ઝડપથી શીખી શકાય.

નવી વિદેશી ભાષા શીખવાની વાત આવે ત્યારે કેટલીક ભાષાઓના આલ્ફાબેટ જોઈને અથવા ઉચ્ચારણ સાંભળીને લોકો ગભરાઈ જાય છે.

જેમ કે ચાઇનીઝ, જાપાની કે કોરિયન ભાષા શીખવી બહુ મુશ્કેલ છે એવી માન્યતા છે.

આના વિશે ગુજરાત વિદ્યાપીઠના ડૉ. દિવ્યેશ ભટ્ટે કહ્યું કે, "કોઈ પણ નવી ભાષા શીખવા એક પ્રકારની મહેનત કરવી છે. મેન્ડેરિન (ચાઇનીઝ) કે જાપાની ભાષાનું ગ્રૂપ એકદમ અલગ હોય છે, જેના વિશે આપણું કોઈ ઍક્સપોઝર નથી હોતું."

તેઓ કહે છે, "અંગ્રેજી આપણે જોયેલી અને સાંભળેલી ભાષા છે તેથી ચાઇનીઝ અને જાપાની ભાષા અઘરી લાગે છે. પરંતુ શીખનારને રસ હોય અને શીખવનાર યોગ્ય વ્યક્તિ હોય તો દુનિયાની કોઈ ભાષા અઘરી નથી હોતી."

બીજી તરફ સ્પેનિશ, ફ્રૅન્ચ, જર્મન સહિતની ભાષાઓ શીખવતા અક્ષય ચુડાસમાએ જણાવ્યું કે "બધી લૅંગ્વેજની કેટલીક વિશેષતા હોય છે. એશિયન ભાષાઓના આલ્ફાબેટ (મૂળાક્ષરો) ચેન્જ થઈ જાય છે. ચાઇનીઝ ભાષામાં કોઈએ પીએચડી કરવું હોય તો 50 હજાર આલ્ફાબેટનો અભ્યાસ કરવો પડે. જ્યારે જાપાની કે કોરિયનમાં 3000 સાઉન્ડથી કામ થઈ જાય. પરંતુ ચાઇનીઝનું ગ્રામર અંગ્રેજી જેવું હોય છે જ્યારે કોરિયન અને જાપાની ભાષાનું ગ્રામર તમે ગુજરાતી વ્યાકરણ સાથે સરખાવી શકો."

"યુરોપીયન ભાષાને લોકો એટલા માટે પસંદ કરે કારણ કે તેના આલ્ફાબેટ સમાન રહે છે. સંસ્કૃત અને જર્મન ભાષામાં વ્યાકરણની રીતે ઘણી સમાનતા છે. જર્મન અને રશિયન ભાષામાં એક શબ્દમાં 26 કે 30 આલ્બેટ હોઈ શકે."

જર્મન ભાષા ભારતીયો માટે કેટલી કઠિન છે તેવા સવાલના જવાબમાં મોનિકા ગ્રેવાલ કહે છે કે, "કોઈ પણ નવી ભાષા શરૂઆતમાં મુશ્કેલ જ લાગશે. તમને અંગ્રેજી આવડતી હોયતો બધી ભાષા આવડી જશે એવું ન માનો. તમે ક્લાસમાં ભાષા ભણો પછી તમારે ઘરે પણ પ્રેક્ટિસ કરવી પડે. વ્યાકરણ શીખવા કરતા શબ્દભંડોળ વધારવો વધુ જરૂરી છે. તેથી નવા શબ્દો શીખવા પર ધ્યાન આપો."

અક્ષય ચુડાસમા કહે છે કે, "કોઈ પણ નવી ભાષા શીખવી હોય તો તે અઘરી છે અથવા મુશ્કેલ છે એવું વિચારવાનું છોડી દો. ઓપન માઇન્ડસેટ રાખો ભાષા પ્રત્યે કોઈ પૂર્વગ્રહ ન રાખો. ભાષાને ચેલેન્જ ન કરો, તેની સાથે અનુકૂળ થવાની તૈયારી રાખો."

ઇન્ટરનેટના જમાનામાં નવા પડકારો

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા લોકો મોબાઇલ ઍપ કે યુટ્યૂબની મદદથી પણ ભાષા શીખતા હોય છે

આજે યુટ્યૂબ અને બીજા ઑનલાઇન માધ્યમથી પણ લોકો નવી ભાષા શીખતા હોય છે. તેના વિશે ડૉ. દિવ્યેશ ભટ્ટે જણાવ્યું કે, "વ્યક્તિગત રીતે શિક્ષણ મેળવવું એ આખી અલગ ચીજ છે અને તેનું સ્થાન કોઈ ટૂલ્સ કે ઍપ ન લઈ શકે. ઘણા લોકો ઑનલાઇન તેમાં ટ્રાય કરીને પછી જ આવે છે. કોઈ ટેકનૉલૉજી ટીચરનું સ્થાન નહીં લઈ શકે."

જયદેવ મકવાણા કહે છે કે, "આજે નવાં-નવાં ઑનલાઇન ટૂલ્સ અને એપ્સના કારણે લૅંગ્વેજની જાણકારીનું મહત્ત્વ ઘટી રહ્યું છે. વેરાવળમાં ધોરણ 10 પાસ હોય એવા માછીમાર યુવાનોને ચીનની કંપનીઓ સાથે સીધી ડીલ કરતા જોયા છે. તેઓ અમુક એપ્સ દ્વારા કૉમ્યુનિકેશન કરે છે જે ગુજરાતીને ચાઇનીઝ ભાષામાં અને ચાઇનીઝને ગુજરાતીમાં સરળતાથી અનુવાદ કરે છે."

તેઓ કહે છે, "કોઈએ એકલા ફરવું હોય તો ગૂગલ ટ્રાન્સલેટર અને બીજા એપ કે ટૂલ દ્વારા સરળતાથી અનુવાદ કરી શકે છે. તેમાં ભાષાની જાણકારી પણ જરૂરી નથી. હવે મેટા કંપની એવા ચશ્મા આવ્યા છે જેમાં લાઇવ અનુવાદ થઈ જાય છે."

નવી ભાષાને ઑનલાઇન શીખવી કે ક્લાસરૂમમાં જવાય તેવા સવાલના જવાબમાં અક્ષય ચુડાસમાએ જણાવ્યું કે, "બંનેના ફાયદા અને ગેરફાયદા છે. ઑનલાઇન વીડિયોમાં ફૉર્મલ પદ્ધતિમાં શીખવે છે જ્યારે બોલચાલની પદ્ધતિ અલગ હોય છે."

તેમના મતે ભાષાની બાબતમાં ક્લાસરૂમનું સ્થાન ઑનલાઇન પ્લૅટફૉર્મ ન લઈ શકે. કારણ કે કોઈ ભાષા શીખો ત્યારે તમે માત્ર મૂળાક્ષરો નથી શીખતા પરંતુ જે તે દેશ, તેના કલ્ચર, નિયમો, તહેવારો, એટિકેટ્સ વિશે જાણો છો.

કઈ ભાષાની કયાં કારણોથી ડિમાન્ડ છે

બીબીસી ગુજરાતી ફોરેન લેંગ્વેજ વિદેશી ભાષા ફ્રેન્ચ જર્મન સ્પેનિશ વિદ્યાપીઠ અમેરિકા કૅનેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભાષા નિષ્ણાતો માને છે કે શીખવાની બાબતમાં ક્લાસરૂમનું સ્થાન ઓનલાઈન પ્લેટફૉર્મ ન લઈ શકે.

ફ્રૅન્ચ શીખવાના ફાયદા

  • આંતરરાષ્ટ્રીય બિઝનેસ, ટુરિઝમ, શિક્ષણ ક્ષેત્રે ફ્રૅન્ચ ભાષાની કુશળતા ઉપયોગી થઈ શકે.
  • ભારતમાં અમદાવાદ સહિતનાં શહેરોમાં અલ્યૉંસ ફ્રૉંસેઝ (Alliance Française)નું નેટવર્ક છે. આ ઉપરાંત અનેક શાળાઓ અને કૉલેજોમાં ફ્રૅન્ચ શીખવવામાં આવે છે.
  • દુનિયાના બે ડઝનથી વધુ દેશોમાં ફ્રૅન્ચ ભાષા બોલાય છે. વિદેશમાં કામ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો આ કારણથી ફ્રૅન્ચને પસંદ કરે છે.

જર્મન શીખવાના ફાયદા

  • જર્મની એ દુનિયામાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર છે અને ઍન્જિનિયરિંગ, ટેકનૉલૉજી, સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ જર્મની ભણવા જાય છે.
  • જર્મનીનો ફ્રૅન્ડસ્ટ્રિયલ બેઝ મજબૂત છે અને યુરોપના બીજા દેશો કરતા રોજગારી મળવાની શક્યતા વધી જાય છે.
  • ઑટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી, મેડિકલ રિસર્ચ, ઉચ્ચ અભ્યાસ માટે જર્મની જવા માંગતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલો આ ભાષા શીખતા હોય છે.

જાપાની શીખવાના ફાયદા

  • ટેકનૉલૉજી, ઍન્જિનિયરિંગ અને ઈલેક્ટ્રૉનિક્સમાં જાપાન અગ્રણી દેશ છે. બીજા ઉદ્યોગો માટે પણ જાપાન મહત્ત્વનો દેશ છે.
  • ભારતમાં જાપાન ફાઉન્ડેશન, અલગ અલગ યુનિવર્સિટીઓમાં જાપાનીઝ ભાષાનો પ્રોગ્રામ ચલાવાય છે.
  • જાપાન ચોથા ક્રમનું અર્થતંત્ર છે. ઑટોમોટિવ, આઈટી અને ઇલેક્ટ્રૉનિક્સમાં જાપાની ભાષા ઉપયોગી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન