ગુજરાતઃ ચોમાસાનો દસ વર્ષનો રેકૉર્ડ તૂટ્યો, હવે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં ઉનાળામાં ભયંકર ગરમીના અનુભવ પછી વરસાદે સારી એવી ઠંડક આપી છે.
મે મહિનામાં સતત 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન સહન કરનાર ગુજરાતમાં જૂન મહિનામાં એટલો વરસાદ પડ્યો કે છેલ્લા 10 વર્ષનો રેકૉર્ડ બની ગયો છે.
સત્તાવાર આંકડા પ્રમાણે 2015 પછી આ વખતના જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. પીટીઆઈના અહેવાલ પ્રમાણે 30 જૂન સુધીમાં ગુજરાતમાં 288 મીમી કરતા વધુ વરસાદ પડ્યો હતો. તેમાં છેલ્લા એક દિવસનો વરસાદ ઉમેરવામાં આવે તો પહેલી જુલાઈ સુધીમાં સરેરાશ 303 મીમી વરસાદ નોંધાયો છે.
16 જૂનથી રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થયું અને 18 જૂન સુધીમાં ચોમાસાએ આખા રાજ્યને આવરી લીધું હતું. ગુજરાતમાં સરેરાશ વાર્ષિક વરસાદની તુલનામાં આ વખતે જૂન મહિનામાં 32.73 ટકા વધુ વરસાદ પડ્યો છે.
છેલ્લે જૂન 2023માં જૂન મહિનામાં ગુજરાતમાં 200.83 મીમી વરસાદ પડ્યો હતો.
આ વખતના જૂનના વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 532.55 મીમી વરસાદ નોંધાયો હતો. ત્યાર પછી પૂર્વ-મધ્યમાં સરેરાશ 245 મીમી અને સૌરાષ્ટ્રમાં 278.94 મીમી વરસાદ પડ્યો છે.
કયા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો?
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઈઓસી)ના ડેટા પ્રમાણે માત્ર પાંચ જિલ્લા - બનાસકાંઠા, પાટણ, મહેસાણા, દેવભૂમિ દ્વારકા અને રાજકોટમાં સરેરાશ વરસાદના 25 ટકા કરતા ઓછો વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર, બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદના 50 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
વર્ષ 2024માં ગુજરાતે ઑગસ્ટ મહિનામાં સૌથી વધુ 442.23 મીમી વરસાદ નોંધાવ્યો હતો. એટલે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જૂન 2026માં ગુજરાતમાં માત્ર 36.76 મીમી વરસાદ પડ્યો હતો જે સૌથી ઓછો વરસાદ હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં તાજેતરમાં જ ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે અને રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડી ચૂક્યો છે.
હવે ફરીથી જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. હવામાનનાં વિવિધ મૉડલ અનુસાર રાજ્યમાં 3થી 4 જુલાઈની આસપાસ વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થશે.
ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મમૅનેજમેન્ટ ઑથોરિટીના લેટેસ્ટ આંકડા પ્રમાણે કચ્છમાં સરેરાશ વાર્ષિક વરસાદની સામે 32.76 ટકા વરસાદ પડી ગયો છે જ્યારે ઉત્તર ગુજરાતમાં 25.54 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 36 ટકા, સૌરાષ્ટ્રમાં સરેરાશ વરસાદના 35 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 37 ટકા વરસાદ પડી ગયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં સરેરાશ 14.39 મીમી વરસાદ પડ્યો છે અને આ સિઝનમાં કુલ સરેરાશ વરસાદ 303 મીમી પડ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા કરતા વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 4થી 9 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. સૌપ્રથમ પૂર્વ અને મધ્ય ગુજરાત અને ત્યાર બાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે જે ચાલુ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ઉપરોક્ત દિવસોમાં અતિભારે વરસાદ થઈ શકે છે.
કચ્છમાં પણ 5થી 8 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ આ દિવસોમાં વરસાદ વધવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં હવે ક્યાં ભારે વરસાદ પડશે?

ઇમેજ સ્રોત, IMD
હવામાન ખાતાની આગાહી પ્રમાણે પશ્ચિમ ભારતમાં ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ પ્રદેશમાં આગામી સાત દિવસમાં છૂટાછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
અમદાવાદસ્થિત હવામાન ખાતાની કચેરી પ્રમાણે આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેશે અને પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે.
બીજી જુલાઈએ રાજ્યમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, અમરેલી અને ભાવનગરમાં બીજી જુલાઈએ કેટલાક સ્થળે ભારે વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













