ગુજરાતમાં BH સિરીઝ નંબર પ્લેટનો ફાયદો શું છે અને કોને આનો લાભ મળે?

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

જો તમે ગુજરાતમાં રહો છો અને તમારે કોઈ કામસર બીજાં રાજ્યોમાં જવું પડતું હોય, કામ કે નોકરીનું સ્થળ બદલાયું હોય અને જે તે રાજ્યમાં તમારે બે-ત્રણ વર્ષ રહેવું પડે તેમ હોય તો બીએચ સિરીઝવાળી નંબર પ્લેટ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આ બીએચ સિરીઝવાળી નંબર પ્લેટ શું છે? આ નંબર પ્લેટ કોને મળી શકે? આના માટે શું કરવું પડે? આ નંબર પ્લેટ લેવાથી કોઈ નુકસાન ખરું? જાણીએ આ અહેવાલમાં.

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી

બીએચ સિરીઝ નંબર પ્લેટની શરૂઆત ભારત સરકારે ઑગસ્ટ, 2021માં કરી હતી. આ નંબર પ્લેટ નવાં ખાનગી વાહનોને આપવામાં આવતી હતી. કૉમર્શિયલ વાહનોને આ પ્લેટ આપવામાં આવતી ન હતી.

આ નંબર પ્લેટને ઓળખવી ખૂબ જ આસાન છે. બિલકુલ સામાન્ય દેખાતી આ નંબર પ્લેટમાં અંગ્રેજીમાં બીએચ લખેલું હોય છે, જેનો મતલબ થાય છે ભારત.

સામાન્ય નંબર પ્લેટની તુલનામાં અહીં નંબર લખવાની શૈલી અલગ છે.

આ સિરીઝની નંબર પ્લેટમાં બીચ બાદ ગાડીનો રજિસ્ટ્રેશન નંબર લખેલો હોય છે અને વાહનની કૅટેગરી શું છે એની જાણકારી પણ આપેલી હોય છે.

આના ફૉર્મેટની વાત કરીએ તો આમાં યર ઑફ રજિસ્ટ્રેશન (YY), પછી બીએચ (ભારત સિરીઝ) અને પછી 4 ડિજીટનો રજિસ્ટ્રેશન નંબર અને પછી વાહનની કૅટેગરી બતાવતા બે અક્ષરો લખેલા હોય છે.

ધારો કે જો કોઈ કારનો નંબર 22BH 9999AA છે તો એનો મતલબ એમ થયો કે આ વાહન 2022માં ભારત સિરીઝમાં રજિસ્ટ્રેશન થયું છે. આગલા ચાર અંક રજિસ્ટ્રેશન નંબર અને પછી વાહનની કૅટેગરી હોય છે.

આ નંબર પ્લેટ આખા દેશમાં માન્ય ગણાય છે. બીજા રાજ્યમાં તમારે વાહનને ફરીથી રજિસ્ટર કરવાની જરૂર રહેતી નથી. આ સિવાય વધુ એક ઝંઝટમાંથી તમે બચી શકો છો.

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો તમે સ્ટેટ રજિસ્ટ્રેશન નંબર સાથે તમે તમારી જગ્યા બદલો છો એટલે કે અન્ય કોઈ રાજ્યમાં જાઓ છો તો તમારે 12 મહિનાની અંદર વાહનનું રજિસ્ટ્રેશન બદલવું પડે છે. જો તમે આમ ન કરતા તો તમે સડક નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. આમ કરવાથી તમારો કાર વીમાનો ક્લૅમ પણ રિજેક્ટ થઈ શકે છે.

વીમા કંપની સડક નિયમોનું પાલન ન કરવાને કારણે કાર ઇન્સ્યોરન્સ ક્લૅમને રિજેક્ટ કરી શકે છે. જ્યારે બીએચ નંબરમાં આ મુશ્કેલી રહેતી નથી, કારણ કે તમારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવા પર વાહનના રજિસ્ટ્રેશનમાં કોઈ બદલાવ નથી કરવો પડતો.

આ ઉપરાંત સાધારણ નંબર પ્લેટની નવી કાર ખરીદવા પર સામાન્ય રીતે 15 વર્ષનો રોડ ટૅક્સ ચૂકવવો પડે છે. જે વાહનની લંબાઈ, એન્જિન ક્ષમતા અને એના પ્રકાર પર નિર્ભર છે.

જ્યારે બીએચ સિરીઝ નંબર પ્લેટ લેવાથી આવનારાં બે વર્ષનો જ રોડ ટૅક્સ જમા કરાવવો પડે છે.

આ પછી દર બે વર્ષે રોડ ટૅક્સ ફરીથી જમા કરાવવો પડે છે.

બીએચ સિરીઝની નંબર પ્લેટવાળી ગાડીઓ પર રોડ ટૅક્સ, વાહનની કુલ કિંમતમાંથી જીએસટી કાઢીને નક્કી કરવામાં આવે છે.

બીએચ સિરીઝ નંબર પ્લેટવાળી ગાડીનો એક ફાયદો એ પણ છે કે તમે કોઈ અન્ય રાજ્યના વ્યક્તિને તમારું વાહન આસાનીથી વેચી શકો છો, કારણ કે આ રજિસ્ટ્રેશન આખા ભારતમાં માન્ય છે.

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

PIBની વર્ષ 2023 માટેની પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે ભારત સિરીઝ નંબર પ્લેટ નોંધણી સુવિધા દેશનાં 26 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.

તો આ સ્થળના તમામ લોકો, જેઓ રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, બૅન્ક કર્મચારીઓ અથવા વહીવટી સેવાના કર્મચારીઓ છે, તેઓ BH શ્રેણીની નંબર પ્લેટ માટે અરજી કરી શકે છે.

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓ પણ આ માટે પાત્ર છે, જો તેમની કંપનીની ઑફિસો ઓછામાં ઓછા ચાર રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં નોંધાયેલી હોય.

હવે, જો તમે આ માપદંડમાં ફિટ થાઓ છો, તો તમે એ પણ જાણવા માગશો કે BH શ્રેણીની નંબર પ્લેટ માટે કેવી રીતે નોંધણી કરાવવી?

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી
બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, parivahan.gov.in

ઇમેજ કૅપ્શન, તમે તમારા ઘરે બેઠા BH સિરીઝની નંબર પ્લેટ માટે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરી શકો છો

BH સિરીઝની નંબર પ્લેટ માટે રજિસ્ટ્રેશન ખૂબ જ સરળ છે.

આ માટે તમારે તમારા રાજ્યની RTO ઑફિસ જવાની જરૂર રહેશે નહીં. તમે ઘરે બેઠા આ પ્રોસેસ કરી શકો છો.

આ માટે, તમારે મિનિસ્ટ્રીઝ ઑફ રોડ ટ્રાન્સપૉર્ટ ઍન્ડ હાઈવેના VAHAN પોર્ટલ પર જાતે લોગીન કરી શકો છો અથવા કોઈ પણ અધિકૃત ઑટોમોબાઇલ ડીલરની મદદ લઈ શકો છો.

આ માટે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ ફૉર્મ 60 ભરવાનું રહેશે. તેમણે વર્ક સર્ટિફિકેટ સાથે ઍમ્પલૉઇમૅન્ટ ID બતાવવાનું રહેશે, પછી જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે.

આ પછી, અધિકારીઓ વાહનની યોગ્યતા તપાસે છે. BH નંબર માટે RTO પાસેથી મંજૂરી મેળવ્યા પછી, જરૂરી મોટર વ્હીકલ ટૅક્સ ચૂકવવાનો રહેશે.

પછી વાહન પોર્ટલ તમારી કાર માટે BH સિરીઝ રજિસ્ટ્રેશન જનરેટ કરે છે.

હવે જો આપણે વાત કરીએ કે BH સિરીઝ નંબર પ્લેટ લેવામાં કોઈ ગેરફાયદા છે કે નહીં, તો મોટા ભાગના ઑટો નિષ્ણાતો માને છે કે BH સિરીઝ નંબર પ્લેટના ગેરફાયદા તેના ફાયદાઓની તુલનામાં નહિવત્ છે.

બીએચ સિરીઝ, બીબીસી, ગુજરાતી

જો વાહન લોન પર લેવામાં આવ્યું હોય, તો બૅન્ક NOCની જરૂર પડી શકે છે. BH સિરીઝ રજિસ્ટ્રેશન અંગે ઘણી બૅન્કોની નીતિ હજુ સ્પષ્ટ નથી.

જોકે, જો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ BH નંબર કાઢીને સામાન્ય સ્ટેટ નંબર પ્લેટ મેળવવા માગે છે, તો પ્રક્રિયા થોડી લાંબી અને જટિલ બની શકે છે.

ઉપરાંત, ટૅક્સ દર થોડા વધારે લાગી શકે છે.

ઉદાહરણ તરીકે, દસ લાખ રૂપિયા સુધીની કિંમતનાં વાહનો માટે 8% ટૅક્સ, દસથી વીસ લાખ રૂપિયાની કિંમતનાં વાહનો માટે 10% ટૅક્સ અને વીસ લાખ રૂપિયાથી વધુ કિંમતનાં વાહનો પર 12% ટૅક્સ.

આ ટૅક્સ પેટ્રોલ કાર માટે છે, ડીઝલ પર 2% વધારાનો અને ઇલેક્ટ્રિક પર 2% ઓછો ટૅક્સ વસૂલવામાં આવે છે.

બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન