ટર્મ ઇન્શ્યૉરન્સઃ પાંચ કરોડ રૂપિયા સુધીની નાણાકીય સુરક્ષા પૂરી પાડતો ઇન્શ્યૉરન્સ કેવી રીતે લેશો?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, નાગેન્દ્ર સાંઈ કુંડાવરમ
- પદ, બિઝનેસ ઍનાલિસ્ટ, બીબીસી માટે
29 વર્ષના અર્જુન એક આઈટી કંપનીમાં સૉફ્ટવેર ઍન્જીનિયર છે. તેમણે 800 રૂપિયાની ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસી લીધી હતી. અર્જુનને કંઈ થાય, તો તેમના પરિવારને નાણાંકીય સુરક્ષા મળી રહે, એ આશયથી તેમણે આ પ્લાન લીધો હતો.
જોકે, આ પૉલિસીમાં મેચ્યૉરિટીના કોઈ લાભ નથી કે કોઈ રિટર્ન પણ નથી. આ સંપૂર્ણપણે નાણાંકીય સુરક્ષા પૂરી પાડતી પ્રૉડક્ટ છે.
નવાઈ પમાડનારી વાત છે કે, ભારતમાં ઇન્શ્યૉરન્સ ધરાવનારા લોકોની સંખ્યા હજુયે ત્રણ ટકા કરતાં પણ ઓછી છે.
આપણે ફોન ખરીદવા માટે નાણાં વાપરીએ છીએ. લાખો રૂપિયા ખર્ચીને બાઇક કે કાર ખરીદીએ છીએ, પણ લાઇફ ઇન્શ્યૉરન્સ શા માટે નથી લઈ શકતા?
શું આપણા જીવનમાં આ ચીજો મહત્ત્વની નથી? ચાલો, ટર્મ ઇન્શ્યૉરન્સ શું છે અને કેવા પ્રકારની કંપનીઓમાંથી ટર્મ ઇન્શ્યૉરન્સ લેવાં જોઈએ, તે વિશે જાણકારી મેળવીએ.

ટર્મ ઇન્શ્યૉરન્સ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
સરળ શબ્દોમાં કહીએ તો, અત્યારે બજારમાં તે સૌથી સસ્તી લાઇફ ઇન્શ્યૉરન્સ પ્રૉડક્ટ છે.
વ્યક્તિએ તેની વયના આધારે ચોક્કસ વર્ષો સુધી દર વર્ષે ચોક્કસ રકમનું પ્રિમિયમ ભરવાનું રહે છે.
જો પૉલિસી પિરિયડ દરમિયાન અકસ્માત થાય, તો પૉલિસીધારકના પરિવારજનોને પૉલિસીની (વીમા હેઠળની) રકમનાં નાણાં મળે છે. જો આવું કંઈ ન થાય, તો પૉલિસી સમાપ્ત થઈ જાય છે અને કોઈ રિટર્ન મળતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિયમિત લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલિસીથી અલગ, ટર્મ ઇન્શ્યૉરન્સ પૉલિસી કોઈ રિટર્ન કે સેવિંગ્ઝ ઑફર કરતી નથી. તે કેવળ એક પ્રોટેક્શન પ્લાન છે.


ઇમેજ સ્રોત, Getty Images
દરેક વ્યક્તિ માટે જીવન વીમો આવશ્યક છે, તેમ છતાં પ્રત્યેક સોમાંથી ત્રણ વ્યક્તિ પાસે વીમાકવચ નથી.
આઈઆરડીએઆઈના આંકડા પ્રમાણે, ભારતમાં ઇન્શ્યૉરન્સનો વ્યાપ માત્ર 3.2 ટકા છે. વળી, ટર્મ ઇન્શ્યૉરન્સ, એન્ડાઉમેન્ટ્સ અને યુલિપ્સના સંયુક્ત આંકડા પણ આ આંકડા કરતાં ઓછા છે.
એગ્રીગેટર પ્લૅટફૉર્મ 'પૉલિસી બઝાર' અનુસાર, પ્યૉર ટર્મ ઇન્શ્યૉરન્સ લેનારા લોકોની સંખ્યા એક ટકાથીયે ઓછી છે.
કેટલાક લોકો વીમો લે, તો પણ તે પાંચ-દસ લાખ રૂપિયાનો લે છે.

વ્યક્તિગત નાણાંકીય નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વ્યક્તિનું ટર્મ કવર તેની વાર્ષિક આવક કરતાં 10થી 15 ગણું હોવું જોઈએ.
તેનો અર્થ એ કે, જો વ્યક્તિનો વાર્ષિક પગાર છ લાખ રૂપિયા હોય, તો તે ઓછામાં ઓછું 60થી 90 લાખ રૂપિયાનું લાઇફ કવર લે, એ સલાહભર્યું છે. જોકે, તે ઉપરાંત નીચેની બાબતો પર ધ્યાન આપવું પણ જરૂરી બની રહે છેઃ
- તમે કેટલી લોન ધરાવો છો (હાઉસિંગ, કાર, પર્સનલ લોન)?
- બાળકોના અભ્યાસનો ખર્ચ
- આગામી દસ વર્ષ માટે રોજીંદો જીવન નિર્વાહનો ખર્ચ
- અન્ય પારિવારિક જવાબદારીઓ
ટર્મ કવર લેતી વખતે આ તમામ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. સાથે જ એ ન ભૂલવું જોઈએ કે, વ્યક્તિ ઉપર જેટલી વધારે જવાબદારી હોય અને જેટલા વધુ લોકો તેના પર નિર્ભર હોય, ટર્મ ઇન્શ્યૉરન્સની રકમ પણ એટલી ઊંચી હોવી જોઈએ.


ઇમેજ સ્રોત, Getty Images
આ પરિબળો નીચે પ્રમાણે છેઃ
- વય
- ધૂમ્રપાન કરનારા - ધૂમ્રપાન ન કરનારી વ્યક્તિઓ
- નોકરીમાં જોખમનું સ્તર
- પૉલિસી ટર્મ
- પૉલિસીની રકમ
પૉલિસી જેટલી જલ્દી ઉપાડી લેવામાં આવે, તેટલી પ્રિમિયમની રકમ ઘટી જાય છે. એક વખત પ્રિમિયમ નક્કી થઈ ગયા પછી તે સમગ્ર ટર્મ માટે એકસમાન રહે છે.

20 કે 30 વર્ષ સુધી પ્રિમિયમ ચૂકવ્યા પછી પણ જો કોઈ લાભ ન મળે, તો પણ ચિંતા ન કરશો. કારણ કે, પ્રિમિયમની નાની રકમ ચૂકવીને તમે અને તમારો પરિવાર અપાર વિશ્વાસ અને આશ્વાસન મેળવશો.

માત્ર એલઆઈસીની પૉલિસી લઈને એવી નિશ્ચિંતતા ન અનુભવશો કે, જીવન માટે તે પર્યાપ્ત છે. સાથે જ, તમારી આવક ધ્યાનમાં રાખો અને તમે જે ટર્મ ઇન્શ્યૉરન્સ લઈ રહ્યા છો, તે તેના માટે પૂરતો છે કે કેમ, તે પણ ચકાસી જુઓ.
એલઆઈસી સિવાય, આશરે 25 કંપનીઓ વિવિધ લાભ સાથેની પોલિસી ઓફર કરે છે. આ તમામ કંપનીઓ આઈઆરડીએઆઈના નિયંત્રણ હેઠળ હોવાથી ચિંતા કરવાની જરૂર નથી.
રોકાણ કરતાં ઇન્શ્યૉરન્સને પ્રાથમિકતા આપવી. ઘણા લોકો કહે છે કે, પગાર મળે, એ પછી રોકાણ કરવું જોઈએ. પણ ઇન્શ્યૉરન્સ સમાપ્ત કર્યા પછી જ રોકાણ શરૂ કરવું જોઈએ. આ વાત મનમાં બરાબર ઠસાવી લેવી.
ઇન્શ્યૉરન્સ કંપનીની પસંદગી કેવી રીતે કરશો?

ઇમેજ સ્રોત, Getty Images
- વીમા કંપનીનો ક્લેઇમ સેટલમેન્ટ રેશિયો 95 ટકા કરતાં વધારે હોવો જોઈએ.
- 65થી 70 વર્ષ સુધીની પૉલિસી ટર્મ ઑફર કરતી કંપની પસંદ કરવી
- આકસ્મિક મૃત્યુ, ગંભીર બીમારી અને વિકલાંગતા પ્રિમિયમ મુક્તિને આવરી લેનારી કંપનીઓને પ્રાથમિકતા આપવી જોઈએ.
- નીચું પ્રિમિયમ ધરાવનારી કંપનીઓની જ નહીં, બલ્કે તેની સાથે પૉલિસીની વિગતો અને ક્લેઇમ્સની ચૂકવણીના આવર્તનની તપાસ કરવી પણ જરૂરી બની રહે છે.
- ઇન્શ્યૉરન્સ મિક્સ ધરાવનારી યુલિપ્સ જેવી ચીજોથી દૂર રહેવું.
- ઉલ્લેખનીય છે કે, પૉલિસીની કિંમત ઑનલાઇન મોડ પર થોડી નીચી હોય છે.
- એગ્રીગેટર કંપનીઓની વેબસાઇટ પર જઈને જુદી-જુદી કંપનીઓની પૉલિસી તપાસવી અને તેમની તુલના કર્યા પછી નિર્ણય લેવો.
(નોંધ: આ તમામ વિગતો માહિતી પૂરી પાડવાના આશયથી જ રજૂ કરવામાં આવી છે. નાણાંકીય બાબતો અંગે કોઈપણ નિર્ણય લેવા માટે તમે નિષ્ણાતોની સલાહ લઈ શકો છો.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












