આઈફોન-16 સિરીઝ લૉન્ચ, પ્રથમ આઈફોન કેવી રીતે બન્યો હતો?

અમેરિકન ટેકનૉલૉજી કંપની ઍપલે આઈફોનની નવી સિરીઝ લૉન્ચ કરી છે

ઇમેજ સ્રોત, Apple Newsroom

ઇમેજ કૅપ્શન, અમેરિકન ટેકનૉલૉજી કંપની ઍપલે આઈફોનની નવી સિરીઝ લૉન્ચ કરી છે

અમેરિકન ટેકનૉલૉજી કંપની ઍપલે આઈફોનની નવી સિરીઝ લૉન્ચ કરી છે.

અમેરિકાના ક્યૂપર્ટિનોસ્થિત ઍપલ પાર્કના સ્ટીવ જૉબ્સ થિયેટરમાં આ વર્ષે ઍપલ ઇવેન્ટનું આયોજન થયું હતું.

આ ઇવેન્ટને 'ઇટ્સ ગ્લોટાઇમ' નામ આપવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઍપલ વૉચ સિરીઝ-10, ઍપલ વૉચ અલ્ટ્રા 2, ઍરપૉડ-4, ઍરપૉડ મૅક્સ લૉન્ચ કર્યા. આ ઉપરાંત આઈફોન-16, આઈફોન- 16 પ્લસ, આઇફોન -16 પ્રો અને આઇફોન-16 પ્રો મૅક્સ લૉન્ચ કરવામાં આવ્યાં.

વિશ્વભરના બજારોમાં આઈફોનની માંગ ખૂબ જ રહે છે. ભારતીય બજારમાં પણ ઇન્ટરનેટની વધતી માંગ સાથે સ્માર્ટફોનનો ક્રેઝ વધી રહ્યો છે. આ કારણે આઈફોનની માંગ ભારતીય બજારમાં પણ સતત વધી રહી છે.

આ અહેવાલમાં અમે તમને પ્રથમ આઈફોન કેવી રીતે બન્યો અને તેની સફળતા સાથે જોડાયેલા કેટલાક તથ્યો જણાવીશું.

પ્રથમ આઇફોન કેવી રીતે બન્યો?

આઇફોન 4એસ અને આઇફોન 2જી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આઈફોન 4એસ અને આઈફોન 2જી

સ્ટીવ જૉબ્સ અને તેમના બિઝનેસ પાર્ટનર સ્ટીવ વોઝ્નિયાક અને રોનાલ્ડ વેને સાથે મળીને વર્ષ 1976માં ઍપલ કંપનીની સ્થાપના કરી હતી.

ઍપલે લગભગ એક હજાર 414 કરોડની માર્કેટ વેલ્યુ સાથે વર્ષ 1980માં સ્ટૉક માર્કેટમાં શરૂઆત કરી હતી.

નવેમ્બર 2021માં સ્ટીવ વોઝ્નિયાક અને સ્ટીવ જૉબ્સના ઓરિજનલ ઍપલ કોમ્પ્યુટરની નીલામી ચાર લાખ અમેરિકન ડૉલર (લગભગ 31 લાખ 40 હજાર રૂપિયા)માં થઈ હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઈપૉડના 'ગોડફાધર' તરીકે ઓળખાતા ટોની ફૅડેલે પ્રથમ આઇફોન બનવાની કહાણી બીબીસી સાથે શૅર કરી હતી.

તેમને જ આ વિચાર આવ્યો હતો કે આઈપૉડને વધારે સારું બનાવી શકાય છે.

તેમણે બીબીસીને જણાવ્યું કે પ્રથમ આઈફોનનો પ્રોટોટાઇપ મારાથી ખોવાઈ ગયો હતો.

તેઓ હવાઈ મુસાફરી કરી રહ્યા હતા, પરંતુ જ્યારે વિમાનમાંથી ઊતરીને તેમને ખિસ્સામાં હાથ નાખ્યો તો તેમના હોશ ઊડી ગયા. ફોનનો પ્રોટોટાઇપ ગાયબ હતો.

ટોની ફૅડેલ વિચારી રહ્યા હતા કે તેઓ સ્ટીવ જૉબ્સને શું જવાબ આપશે. જોકે, તેમને એ અંદાજો ન હતો કે આઈફોન આટલી સફળ પ્રોડ્કટ બની જશે.

જોકે, ટોનીના ખિસ્સામાંથી જે પ્રોટોટાઇપ પડી ગયો હતો ટોની પ્લેનમાં જ્યાં બેઠા હતા તે બંને સીટ વચ્ચે પડ્યો હતો.

આ એ સમય હતો જ્યારે માઇક્રોસૉફ્ટ જેવી કંપનીઓ પર્સનલ કૉમ્પ્યુટરને ફોનમાં સામેલ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. જ્યારે ઍપલ આઈપૉડને અપડેટ કરીને તેને ફોનનું સ્વરૂપ આપે.

ઍપલ એ સમયે એક મૅકિનટૉશ કૉમ્પ્યુટર પર કામ કરી રહી હતી. આ કૉમ્પ્યુટરની સાઇઝ એ સમયે એક પિંગ પૉંગના ટેબલ જેવડી હતી.

સ્ટીવે ટોનીને કહ્યું કે હું ઇચ્છું છું કે આ ટચસ્ક્રીન આઈપૉડ પર આવી જાય.

ઍપલ પાસે ખૂબ જ પ્રતિભાશાળી લોકો હતા, પરંતુ ફોન બનાવાની આવડત તેમની પાસે ન હતી. આ કારણે ટોનીએ વિશ્વના સૌથી સારા નિષ્ણાત સાથે મળવાનું વિચાર્યું.

જોકે, ટોની જ્યારે સ્વીડનની એક હૉટલમાં બીજી ટીમ સાથે રાતનું ભોજન કરીને પાછા ફર્યા ત્યારે જાણ્યું કે તેમનો બધો જ સમય ખતમ થઈ ગયો હતો.

તેમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે આ કોઈ હરીફ કંપનીનું કામ હતું.

આ સાથે જ એ વાત પર મતભેદ શરૂ થયા કે ફોનમાં કીબોર્ડ રાખવું કે નહીં. આ મામલે ટીમની અંદર ખૂબ જ તણાવ ઊભો થયો હતો.

સ્ટીવ ઇચ્છતા હતાં કે આઈફોનમાં ટચસ્ક્રીન રહે. જોકે, બાકી ટીમે આ વાતનો વિરોધ કર્યો. સ્ટીવ જૉબ્સે અંતે ગુસ્સામાં એક દિવસ કહ્યું કે જે ટચસ્ક્રીનની વિરોધમાં છે તે ટીમમાંથી બહાર નીકળી જાય.

સ્ટાઇલ વિશે પણ મતભેદો હતા. જોકે, ટીમ આ બાબતે સ્ટીવથી છુપાવીને કામ કરી રહી હતી.

વર્ષ 2007માં સૅન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલા વાર્ષિક મૅકવર્લ્ડ ઍક્સપોમાં ઍપલના માલિક સ્ટીવ જૉબ્સે જ્યારે પ્રથમ આઈફોન લૉન્ચ કર્યો ત્યારે તેમની ખૂબ જ મજાક ઉડાવવામાં આવી હતી.

જોકે, ઍપલ હાલમાં વિશ્વની સૌથી અમીર કંપનીઓ પૈકીની એક છે અને આઈફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

ઍપલ પ્રથમ આઈફોનમાં ટચ સ્ક્રીન, વાઇડસ્ક્રીન આઈપૉડ, મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બ્રાઉઝર જેવા ફીચર સામેલ હતા.

સીએનએનના અહેવાલ પ્રમાણે, સ્ટીવ જૉબ્સે લૉન્ચિંગ વખતે કહ્યું હતું કે હું આ દિવસની રાહ છેલ્લાં અઢી વર્ષથી કરી રહ્યો હતો.

પ્રથમ આઈફોનની કિંમત 399 અમેરિકન ડૉલર (તે સમયે લગભગ 16 હજાર 500 રૂપિયા) હતી.

આ આઈફોનમાં 16 જીબી મેમરી, સાડા ત્રણ ઇંચની ટચસ્ક્રીન અને બે મેગાપિક્સેલનો કૅમેરો સામેલ હતો.

સ્ટીવ જૉબ્સને આઇફોન બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો?

એપ્પલનાં સંસ્થાપક સ્ટીવ જૉબ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપલનાં સંસ્થાપક સ્ટીવ જૉબ્સ

વર્ષ 2010માં યોજાયેલી ડી8 કૉન્ફ્રેન્સમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન સ્ટીવ જૉબ્સે જણાવ્યું કે તેઓ એક ટૅબલેટ બનાવાના પ્લાન પર કામ કરી રહ્યા હતા. તેમણે વિચાર આવ્યો કે કીબોર્ડથી કેવી રીતે છુટકારો મેળવવો અને મલ્ટીટચ ગ્લાસ ડિસ્પ્લે પર કેવી રીતે ટાઇપ કરી શકાય.

તેમણે આ બાબતે તેમની ટીમ સાથે વાત કરી. તેમણે પૂછ્યું કે શું આપણે એક મલ્ટીટચ ડિસ્પ્લે બનાવી શકીએ જેથી કરીને આપણે હાથને ટાઇપિંગથી રાહત આપી શકીએ.

જૉબ્સે ઇન્ટરવ્યુમાં જણાવ્યું, "મલ્ટીટચ ડિસ્પ્લે માટે મારી ટીમે લગભગ છ મહિના પછી મને ફોન કર્યો અને મને એક પ્રોટોટાઇપ ડિસ્પ્લે દેખાડી."

"મેં આ ડિસ્પ્લે એક અત્યંત પ્રતિભાશાળી યૂઆઈ કામદારને આપી. તેમણે મને થોડાક અઠવાડિયા પછી ફોન કર્યો. મેં તેમને જ્યારે રબરબૅંડ અને બીજી વસ્તુઓ પર સ્ક્રોલ કરતા જોયા ત્યારે મને વિચાર આવ્યો કે ટૅબલેટને બદલે ફોન બનાવી શકાય છે."

તેમણે જણાવ્યું, "મેં ત્યારબાદ ટૅબલેટના પ્રોજેક્ટને પડતો મૂકી દીધો. કારણ કે ફોન વધારે જરૂરી હતો. ત્યારબાદ આવનારાં થોડાંક વર્ષો અમે આઈફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું."

"અમને જ્યારે લાગ્યું કે હવે કોઈ બીજા પ્રોજેક્ટ પર કામ કરી શકીએ છીએ ત્યારે અમે ફરીથી ટૅબલેટના પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું."

કેટલા આઈફોન મૉડલ આજ સુધી રિલીઝ થયાં છે?

એપ્પલે અત્યાર સુધી લગભગ 25 પ્રકારના આઈફોન મૉડલ અથવા સિરીઝ લૉન્ચ કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપલે અત્યાર સુધી લગભગ 25 પ્રકારના આઈફોન મૉડલ અથવા સિરીઝ લૉન્ચ કરી છે

ઍપલે અત્યાર સુધી લગભગ 25 પ્રકારનાં આઈફોન મૉડલ અથવા સિરીઝ લૉન્ચ કરી છે.

  • 2007માં પ્રથમ આઈફોન
  • 2008માં આઈફોન 3જી
  • 2009માં આઈફોન 3જીએસ
  • 2010માં આઈફોન 4
  • 2011માં આઈફોન 4એસ
  • 2012માં આઈફોન 5
  • 2013માં આઈફોન 5એસ
  • 2013માં આઈફોન 5સી
  • 2014માં આઈફોન 6 અને 6 પ્લસ
  • 2015માં આઈફોન 6એસ અને 6એસ પ્લસ
  • 2016માં આઈફોન એસઈ
  • 2016માં આઈફોન 7 અને 7 પ્લસ
  • 2017માં આઈફોન 8 અને 8 પ્લસ
  • 2017માં આઈફોન એક્સ
  • 2018માં આઈફોન એક્સ અને એક્સ એસ મૅક્સ
  • 2018માં આઈફોન એક્સ આર
  • 2019માં આઈફોન 11 સિરીઝ
  • 2020માં આઈફોન એસઆઈ
  • 2020માં આઈફોન 12 મિની
  • 2020માં આઈફોન 12 સિરીઝ
  • 2021માં આઈફોન 13 સિરીઝ
  • 2022માં આઈફોન એસ થર્ડ જેન
  • 2022માં આઈફોન 14 સિરીઝ
  • 2023માં આઈફોન 15 સિરીઝ
  • 2024માં આઈફોન 16 સિરીઝ

ઍપલ આઈફોન સિવાય શું બનાવે છે?

એપ્પલ આઈપૅડ, આઈફોન, સ્માર્ટવૉચ, એયરપૉડ, વિઝન અને આ યંત્રો સાથે સંબંધી એક્સેસરીઝ બનાવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍપલ આઈપૅડ, આઈફોન, સ્માર્ટવૉચ, ઍરપૉડ, વિઝન અને આ યંત્રો સાથે સંબંધી ઍક્સેસરીઝ બનાવે છે

ઍપલની શરૂઆત કૉમ્પ્યુટરથી થઈ હતી. કંપનીએ પોતાનું પ્રથમ લૅપટૉપ વર્ષ 1991માં લૉન્ચ કર્યું હતું. કંપનીએ પોતાનું પ્રથમ મૅકબુક વર્ષ 2006માં લૉન્ચ કર્યું.

આ ઉપરાંત ઍપલ આઈપૅડ, આઈફોન, સ્માર્ટવૉચ, ઍરપૉડ, વિઝન અને આ યંત્રો સાથે સંબંધી ઍક્સેસરીઝ બનાવે છે.

ઍપલે પોતાનું પ્રથમ આઈપૅડ 2010માં લૉન્ચ કર્યું. સ્માર્ટવૉચ 2015માં અને ઍરપૉડ 2016માં લૉન્ચ કરાયાં હતાં. જ્યારે વિઝનનું લૉન્ચ 2024માં થયું.

આઇફોનને કેમ સુરક્ષિત ગણવામાં આવે છે?

સ્માર્ટફોનની દુનિયામાં આઈફોનને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્માર્ટફોનની દુનિયામાં આઈફોનને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે

સ્માર્ટફોનની દુનિયામાં આઈફોનને સૌથી સુરક્ષિત ગણવામાં આવે છે તેની પાછળ કેટલાંક કારણો છે.

કંપનીની સત્તાવાર વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, આઈફોનમાં "સિક્યૉરિટી ચેક" જેવી સુવિધા છે, જે વપરાશકર્તાની ખાનગી જાણકારીને શૅર કરતા અટકાવે છે.

જોકે, આ સુવિધા આઈફોનની ઑપરેટિંગ સિસ્ટમ આઈઓએસ 16 અથવા ત્યારબાદ લૉન્ચ થયેલા આઈફોન પર જ ઉપલબ્ધ છે.

"સિક્યૉરિટી ચેક" વિકલ્પ હેઠળ આઈફોનમાં કેટલીક એવી એપ્સ હાજર છે જે ખાનગી જાણકારી શૅર થતાં બચાવે છે.

આઈફોનમાં આ સુવિધાનો ઉપયોગ કરવા માટે વપરાશકર્તા માટે ઍપલ આઇડી હોવું જોઈએ, જે ટૂ-ફૅક્ટર ઑથેટિંફિકેશન (બે વખત ચકાસણી)નો ઉપયોગ કરે છે.

જો આઈફોન ચોરી થઈ જાય કે ખોવાઈ જાય તો તે સ્થિતિમાં આઈફોનમાં એક ખાસ વિકલ્પ છે જે વપરાશકર્તાની જાણકારીને ખાનગી રાખી શકે છે.

આ ઉપરાંત મોબાઇલમાં હૅકિંગ વાયરસ અથવા સાઇબર એટૅકથી સુરક્ષા માટે પણ ફિચર ઉપલબ્ધ છે, જે આઈફોનને વધારે સુરક્ષિત બનાવે છે.

તેનું શ્રેષ્ઠ ઉદાહરણ થોડાંક વર્ષો પહેલાં થયેલો પેગાસસ સૉફ્ટવેર સાથે જોડાયેલો મામલો છે. આ દરમિયાન ભારતનાં ઘણા રાજકારણીઓના આઈફોનમાં સુરક્ષા સાથે જોડાયેલ એક એલર્ટ આવ્યું.

આઇફોન સાથે જોડાયેલા કેટલા વિક્રમો

ભારતમાં એપ્પલની વાર્ષિક માર્કેટ આઠ બિલિયન ડૉલર ( 67 હજાર 166 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં એપ્પલની વાર્ષિક માર્કેટ આઠ બિલિયન ડૉલર ( 67 હજાર 166 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે

આઈફોનને લઈને વપરાશકર્તાઓમાં અલગ પ્રકારનો ક્રેઝ જોવા મળે છે. આ કારણે વપરાશકર્તા ઘણી વધારે કિંમત આપીને પણ આઈફોન લેવાનું પસંદ કરે છે.

ગયા વર્ષે એક આવો જ કિસ્સો સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ આઈફોનનું પ્રથમ મૉડલ (2007 મૉડલ) ખરીદવા માટે એક લાખ 90 હજાર 372 અમેરિકન ડૉલર (લગભગ એક કરોડ 52 લાખ રૂપિયા) ચૂકવ્યાં.

આ આઈફોનની ખાસિયત એ હતી કે તે આઈફોનનું પ્રથમ 4જીબી મૉડલ હતું.

ભારતમાં આઈફોન અને ઍપલના અન્ય પ્રોડક્ટની માંગ સતત વધી રહી છે.

બ્લૂમબર્ગના એક અહેવાલ પ્રમાણે, ભારતમાં ઍપલની વાર્ષિક માર્કેટ આઠ બિલિયન ડૉલર ( 67 હજાર 166 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. ભારતમાં ઍપલની ખરીદીમાં 33 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

હાલમાં જ બ્રિટેનનાં એક યૂટ્યૂબરે વિશ્વની સૌથી લાંબી આઈફોન રેપ્લિકા બનાવીને ગિનિઝ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું. આ આઈફોનની ઊંચાઈ 6.74 ફુટ છે.

ભારતીય મૂળના યૂટ્યૂબર અરુણ રૂપેશ મૈનીએ “આઈફોન 15 પ્રો મૅક્સ મૉડલ”ની રેપ્લિકા તૈયાર કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.