ગુજરાત : રબારી સમાજની લગ્નમાં સોનાના દાગીના ચઢાવવાની પ્રથા શું છે, જેને બંધ કરવાની વાત થઈ રહી છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

"અમારા રબારી સમાજમાં પહેલાંના જમાનામાં વહુને લગ્નમાં પગની ઝાંઝર અને એક સાડી જ આપવામાં આવતી. સમાજમાં પૈસા આવ્યા ત્યારથી લોકો દેખાદેખીને કારણે વહુઓને વધારે સોનું આપવા લાગ્યા. હવે તો ઓછામાં ઓછુ 20 તોલા સોનું તો આપવું જ પડે છે. આના કારણે જે લોકો પાસે વ્યવસ્થા નથી, તે દીકરા પરણાવવા માટે જમીન-ઘર વેચીને કે ગીરો મૂકીને સોનું ખરીદે છે.સોનું ખરીદવા માટે લોકો દેવામાં ધકેલાઈ રહ્યા છે. સોનાની વ્યવસ્થા ન કરી શકનાર કેટલાક યુવાનોનાં તો લગ્ન પણ થઈ રહ્યાં નથી."

ઉત્તર ગુજરાતનાં અંબાબહેન રબારીના સમાજમાં લગ્નપ્રસંગે વહુને દાગીના પહેરાવવાની પ્રથાને કારણે રબારી સમાજમાં સર્જાયેલી મુશ્કેલીઓ તરફ ધ્યાન દોરતાં આ વાત કહે છે.

રબારી સમાજના લોકોનું કહેવું છે કે સોના-ચાંદીના વધતા જતા ભાવને કારણે લગ્નપ્રસંગે પરંપરાના ભાગરૂપે આપવામાં આવતા દાગીના હવે સમાજમાં કેટલાક લોકોને દેવા તરફ ધકેલી રહ્યા હોવાના કિસ્સા સામે આવવા લાગ્યા છે. જેને કારણે ઉત્તર ગુજરાતના રબારી સમાજે લગ્નપ્રસંગમાં 'દાગીના પ્રથા' બંધ કરવા માટેની ઝુંબેશ શરૂ કરી છે.

હવે કચ્છ સૌરાષ્ટ્ર , દક્ષિણ ગુજરાત સહિતના અલગ અલગ વિસ્તારના રબારી સમાજના લોકો પણ આ ઝુંબેશમાં જોડાયા છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, HAMIR RABARI

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયામાં રબારી સમાજમાં લગ્ન ટાણે 'દાગીના પ્રથા બંધ' કરવા બાબતના મૅસેજ વહેતા થયા છે

અંબાબહેન સહિતનાં રબારી સમાજનાં ઘણાં મહિલાઓ વીડિયો બનાવીને અન્ય મહિલાઓને 'દાગીના પ્રથા બંધ' કરવાની ઝુંબેશમાં જોડાવવા માટે અપીલ કરી રહ્યાં છે. જે પૈકી કેટલાક વીડિયો વાઇરલ પણ થઈ રહ્યા છે.

'દાગીના પ્રથા' બંધ કરવા માટેની ઝુંબેશ અંગે સમાજના લોકોનું કહેવું છે મુશ્કેલીમાં કામ લાગતું હાથવગું સોનું ખરીદવામાં હવે લોકો દેવાદાર થઈ રહ્યા છે.

સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે રબારી-ભરવાડ સહિતના માલધારી સમાજના લોકો વજનદાર ઘરેણાં પહેરે છે. પહેલાંના સમયમાં માલધારી સમાજના લોકો પોતાનાં ઢોર લઈને ફરતા હતા અને દૂધના પૈસા આવે તેમાંથી સોનું અને ચાંદી ખરીદતા હતા અને જરૂર પડ્યે તેને વેચી દેતા હતા. હવે સોનું ખરીદવા માટે મિલકત વેચવાનો વારો આવ્યો છે.

"સોનાની વ્યવસ્થા કરવામાં સમાજના દીકરા દેવાદાર થઈ રહ્યા છે"

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, Ambabahen Rabari/BBC

ભારતીય સમાજની વાત કરીએ તો મોટા ભાગે લગ્નમાં દીકરીઓને શક્ય એટલું વધારે સોનું આપવાનું ચલણ જોવા મળે છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જોકે, રબારી સમાજમાં વહુઓને વધુ સોનું આપવાની પ્રથા છે. આ સમાજમાં દીકરીઓને માતાપિતાની આર્થિક સ્થિતિ મુજબ સોનું અપાય છે.

રબારી સમાજમાં લગ્નમાં વહુને દાગીના ચઢાવવાની પ્રથાને કારણે હતાશામાં સરી પડેલા એક યુવાનનો કિસ્સો જણાવતાં અંબાબહેન રબારી કહે છે કે, "અમારા સમાજમાં એક યુવાનની દસ વર્ષથી સગાઈ કરેલી છે. તેના સાસરિયાં 30 તોલા સોનું ચઢાવવાનું કહે છે. આ યુવાન સોનાની વ્યવસ્થા કરી શકતો ન હોવાથી તેનાં લગ્ન થઈ રહ્યાં નથી. આ યુવાન આત્મહત્યા કરવા જતો હતો ત્યારે તેને બચાવી લેવાયો. આ પ્રકારના કિસ્સા બનતા જ રહે છે. જેથી સમાજે પોતાના દીકરાને બચાવવા માટે આ પ્રથા પર પ્રતિબંધ લાદવો જ પડશે."

આ પ્રથાને કુરિવાજ ગણાવતાં અંબાબહેન કહે છે કે, "અન્ય સમાજના લોકો પોતાની વહુઓને આટલું સોનું આપતા નથી, તેમ છતાં તેમના દીકરાનાં લગ્ન થાય જ છે."

આ સમસ્યા અંગે વાત કરતાં અંબાબહેન કહે છે કે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે, રબારી સમાજમાં લગ્ન ટાણે વહુને 50થી 100 તોલા સોનું આપવાનું ચલણ છે.

તેઓ સવાલ પૂછે છે કે મધ્યમ વર્ગના દીકરા આટલા પૈસા ક્યાંથી લાવે? લગ્નવાંછુ દીકરા પાસે વીઘા-બે વીઘા જમીન હોય તો ગીરવે મૂકે અથવા તો વ્યાજે પૈસા લાવીને વ્યાજના ચક્રમાં ફસાઈ જાય છે.

"દેવામાં ફસાયેલા આવા યુવાનોએ આત્મહત્યા કરી હોવાના કિસ્સા સામે આવતા રહે છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, ASHAH RABARI

ઇમેજ કૅપ્શન, આશાબહેન રબારી

(આત્મહત્યા એ ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)

પાટણ જિલ્લાનાં ખાનપુર ગામનાં આશાબેન દેસાઈ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે.

તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં એક મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, "સમજવાની વાત એ છે કે સાસરિયાં દેવું કરશે તો લગ્ન બાદ તમારી દીકરીએ જ એ દેવું ભરવું પડશે. દીકરીનાં માતાપિતાએ જ તેનાં સાસરિયાંને લગ્નમાં સોનું ઓછું લાવવા કે ન લાવવા માટેની અપીલ કરવી જોઈએ."

સોના પાછળ ખર્ચ કરવાને બદલે શિક્ષણ પાછળ ખર્ચ કરવાની વાત પર ભાર આપતાં આશા દેસાઈ કહે છે કે, "અમારા સમાજના કેટલાક મધ્યમ વર્ગના લોકો બાળકોના શિક્ષણ પાછળ વધુ પૈસા ખર્ચ કરવાને બદલે સમાજમાં દેખાદેખીને કારણે વહુને સોનું આપવા પાછળ વધુ પૈસા ખર્ચવાનું પસંદ કરે છે. સોનું કોઈ કાયમી પહેરતું નથી."

કંઈક આવી જ વાત કરતાં પાટણ જિલ્લાનાં મક્મમપુરા ગામનાં શિલ્પા દેસાઈ જણાવે છે કે, "અમે અમારા સમાજમાં અમારી આંખો સામે લોકોને લગ્ન માટે સોનું આપવાને કારણે દેવાદાર થતા જોયા છે.વહુને સોનું ન ચઢાવી શકે તેવા આર્થિક રીતે નબળા ઘરના છોકરા કુવાંરા રહી જવાના પણ કિસ્સા બની રહ્યા છે."

રબારી સમાજના લોકોએ 'દાગીના પ્રથા બંધ' ઝુંબેશ કેમ શરૂ કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, HIRABHAI RABARI

ઇમેજ કૅપ્શન, ઝુંબેશ શરૂ કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર હીરાભાઈ રબારી

પહેલાંના જમાનામાં બૅન્કમાં પૈસા મૂકવાને બદલે સોનું અને ચાંદી વધુ ખરીદવાનું વલણ ધરાવતા રબારી સમાજમાં ધીરે ધીરે સોનું એ 'પ્રથા' બની ગયું છે.

જોકે, સોનાના વધતા જતા ભાવને કારણે હવે લોકોને સોનું ખરીદવામાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

રબારી સમાજમાં લગ્નમાં 'દાગીના પ્રથા' બંધ કરવા માટેની ઝુંબેશ પાટણ જિલ્લાના સોનાદરા ગામના હીરાભાઈ દેસાઈ તેમજ માલધારી સમાજ યુવા સંગઠન દ્વારા શરૂ કરવામાં આવી છે.

તેમની સાથે સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે.

ઉત્તર ગુજરાતમાં ગામેગામ જઈને સભાઓ કરી આ લોકો સમાજના અન્ય લોકોને સમજાવી રહ્યા છે. આ મુદ્દે આગામી સમયમાં મોટું સંમેલન યોજવાનું પણ આયોજન છે.

હીરાભાઈ રબારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમે અમારી નજર સામે લગ્નમાં દાગીના ચઢાવવાની આ પ્રથાને કારણે લોકોને દેવામાં ડૂબતા જોયા છે. આવા એક-બે નહી, પણ કેટલાય કિસ્સા જોવા મળ્ચા હતા. જેથી આવી ઝુંબેશનો વિચાર યુવાનો આગળ મૂક્યો હતો. જે તેમણે વધાવી લીધો છે."

ઝુંબેશ શરૂ કરવા અંગે હીરાભાઈ કહે છે કે, "સોના-ચાંદી સાથે રબારી સમાજની લાગણી વર્ષોથી જોડાયેલી છે. પહેલાંના જમાનામાં સમાજના લોકો દૂધ વેચીને તે પૈસાના દાગીના લેતા હતા. જ્યારે પણ જરૂર પડે ત્યારે તે દાગીના વેચતા હતા. જ્યારે અત્યારના સમયમાં દાગીના ખરીદવા માટે લોકોએ જમીન અને મિલકત વેચવી પડે છે. જેના કારણે સમાજના લોકો દેવા નીચે દબાતા જાય છે. આ પ્રથા હવે રિવાજ મટીને કુરિવાજ બનતી જાય છે."

હીરાભાઈ ઝુંબેશના ધ્યેય વિશે કહે છે કે, " હવે સમાજમાં જેના ઘરે લગ્ન હોય તો તેની મોટામાં મોટી સમસ્યા સોનાને લગતી જ હોય છે.લગ્નમાં વહુને માત્ર મંગળસૂત્ર જ આપવામાં આવે એવો નિયમ બનાવવા માગીએ છીએ."

માલધારી સમાજ યુવા સંગઠનના ફાઉન્ડર હમીર દેસાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "અમારા સમાજમાં લગ્ન સમયે સોનાના વધતા જતા ભાવને કારણે 20 તોલા સોનું આપવામાં 25 લાખ કરતાં વધારે ખર્ચ થઈ જાય એમ છે. તેમજ લગ્નનો અન્ય ખર્ચ દસ થી 15 લાખ થાય છે.જે માટે કેટલાક લોકો જમીન વેચીને કે વ્યાજે પૈસાની વ્યવસ્થા કરે છે."

સમાજશાસ્ત્રીઓ રબારી સમાજની આ પ્રથા પાછળનાં કારણો અંગે શું કહે છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, રબારી, માલધારી, લગ્નપ્રસંગ, સોનું, દાગીના પ્રથા

ઇમેજ સ્રોત, VIDHYUT JOSHI/FB/BBC

રબારી સમાજમાં લગ્ન ટાણે સોનાના દાગીના ચઢાવવાની આ પ્રથાના સામાજિક પાસા અંગે વાત કરતાં સામાજશાસ્ત્રી પ્રોફેસર વિદ્યુત જોશીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "રબારી અને ભરવાડ સમાજના લોકો પહેલાં પોતાનાં ઢોર લઈને ફરતા હતા. તે સમયે તેઓ પોતાની કમાણીમાંથી સોનું-ચાંદી લેતા હતા અને આ દાગીના મહિલાઓ પહેરી રાખતી હતી. જેથી તેને સાચવવા માટેની કોઈ સમસ્યા ન થાય. તેમજ જ્યારે પણ ભીડ પડે ત્યારે તેને વેચી શકાય. તેઓ બૅન્કમાં પૈસા મૂકતા ન હતા. તેમજ ઘર પણ કાચાં હોઈ તેઓ ત્યાં પણ પૈસા સાચવી શકતા નહોતા."

વિદ્યુત જોશી સમય સાથે સોનાની બદલાયેલી ભૂમિકા અને સમસ્યાનાં મૂળ અંગે વાત કરતાં કહે છે, "પહેલાંના સમયમાં સોનું એ અસ્ક્યામત માનવામાં આવતું, જયારે આજે સોનું રોકાણ બની ગયું છે.સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ રબારી સમાજમાં હજુ પણ મોટા ભાગના લોકો પરંપરાગત દૂધ અને ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જેટલી ઝડપથી સોનાના ભાવ વધી રહ્યા છે તેટલા ઝડપથી દૂધ અને ખેતપેદાશોના ભાવ વધી રહ્યા નથી."

વિદ્યુત જોશી આ પ્રથાનાં મૂળ અંગે પોતાના વિચારો રજૂ કરતાં કહે છે કે, "પહેલાંના સમયમાં જમીનદાર કરતાં પણ વધારે મહત્ત્વ માલધારીઓનું હતું, કારણ કે પશુઓની કિંમત વધારે જ હતી. તે સમયે માલધારી સમાજ ખેતી કરનારા સમાજ કરતાં પણ આર્થિક રીતે વધારે સધ્ધર મનાતા. એ સમયે માલધારી સમાજમાં લગ્ન સમયે સોનું ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી. જોકે, આજના સમયમાં સ્થિતી ઊંધી થઈ છે. પરંપરાગત પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને હવે સોનું પોસાય તેમ નથી."

સામાન્ય લોકોમાં સોનાના આકર્ષણ અંગે વાત કરતાં વિદ્યુત જોશી કહે છે કે "આજે પણ સમાજમાં જેની પાસે વધારે સોનું હોય તેને ઊંચું સ્થાન મળે છે."

ગ્રામીણ વિકાસ અને અર્થશાસ્ત્રનાં નિષ્ણાંત મંદાબહેન પરીખે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં આ મુદ્દે જણાવ્યું કે, "લગ્નમાં સોનું આપવાની પ્રથાની શરૂઆતનું કારણ સ્ત્રીઓની આર્થિક સુરક્ષા માનવામાં આવે છે. માલધારી સમાજમાં મહિલાઓ ચાંદીનાં મોટાં મોટાં કડાં કે પછી વજનદાર સોનાના દાગીના પહેરે છે. આ દાગીના તેઓ ફૅશન માટે નહીં, પરંતુ આર્થિક સુરક્ષાના ભાગરૂપે પહેરતાં હતાં."

વધતા જતા સોનાના ભાવને કારણે થયેલી અસરો અંગે વાત કરતાં મંદાબહેન કહે છે કે "જેમ જેમ સોનાના ભાવ વધતા જાય છે, તેમ તેમ માત્ર રબારી સમાજના જ નહીં, પરંતુ દરેક સમાજના મધ્યમ વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હવે સોનાના દાગીના પોસાય તેમ નથી. હવે દાગીના પાતળા થતા જાય છે, તેમજ ઓછા કૅરેટના બનતા જાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન