ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો એકના એક પ્રશ્નો વારંવાર કેમ પૂછે છે, ધારાસભ્યોએ બીબીસી સમક્ષ શું ખુલાસો કર્યો?

ઇમેજ સ્રોત, gujarat.neva.gov.in/FB
- લેેખક, શ્યામ બક્ષી
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતની 15મી વિધાનસભાનું સાતમું સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ ચાલ્યું હતું. ત્રણ દિવસના આ સત્રમાં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય ધારાસભ્યોએ કુલ 619 પ્રશ્નો વિધાનસભામાં પૂછ્યા હતા.
બીબીસીએ આ તમામ પ્રશ્નોનું વિશ્લેષણ કરતાં સામે આવ્યું કે ત્રણ દિવસના પ્રશ્નકાળ દરમિયાન જુદા જુદા વિષયો અને વિભાગોના પૂછવામાં આવેલા એ 619 પ્રશ્નોમાંથી કુલ 481 પ્રશ્નો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એક કરતાં વધારે વખત પુછાયા હતા. આ પૈકી ઘણા પ્રશ્નોમાં એક જ જેવી માહિતી માગવામાં આવી હતી.
જ્યારે 136 પ્રશ્નો જ એક વખત પુછાયા હતા. ગૃહમાં સત્રના બીજા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બરે બે પ્રશ્નો પરત ખેંચવામાં આવ્યા હતા.
એક જ પ્રકારના પ્રશ્નોનું વારંવાર પુનરાવર્તન વિધાનસભાના આ સત્ર દરમિયાન પણ ચર્ચાનો મુદ્દો રહ્યો હતો. આ મુદ્દો વિધાનસભાના સત્ર દરમિયાન પહેલી વાર ગૃહમાં ભાગ લેનારા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ ઉઠાવ્યો હતો.
તેમણે આરોપ લગાવ્યો હતો કે પ્રશ્ન પૂછવાની ધારાસભ્યની સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે. કૉંગ્રેસે પણ આ જ વાત કરી હતી. જ્યારે આ અંગે ભાજપનું કહે છે કે આવી કોઈ ઊણપ સત્તાપક્ષે ન રહી હોય.

કેવી રીતે એકના એક પ્રશ્નો પુછાયા?
પ્રશ્નોનું નિરીક્ષણ કરતાં પ્રશ્નો પૂછવાની ચોક્કસ પૅટર્ન જોવા મળે છે. જેને મુખ્ય રીતે ત્રણ ભાગમાં વહેંચી શકાય. પહેલી પૅટર્નમાં એકના એક પ્રશ્નોનું કોઈ પણ પ્રકારના ફેરફાર વિના ફરી વાર પૂછવામાં આવ્યા.
બીજી પૅટર્ન મુજબ એકના એક વિષય પર માહિતી અલગ-અલગ જિલ્લાવાર મગાઈ છે અને તેમાં પણ પુનરાવર્તન જોવા મળે છે.
ત્રીજી પૅટર્નમાં એક જ વિષયમાં થોડા બદલાવ કરીને અથવા તો પેટા પ્રશ્નોમાં બદલાવ કરીને પ્રશ્નો પુછાયેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમામ પ્રશ્નો ચકાસતાં એક બાબત સ્પષ્ટ થાય છે કે ભાજપ અને કૉંગ્રેસ બંનેના ધારાસભ્યોએ એકના એક પ્રશ્નો વારંવાર પૂછ્યા છે.
ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધારે હોવાથી તેમના પુનરાવર્તિત પ્રશ્નોની સંખ્યા વધારે જોવા મળે છે.
એકના એક પ્રશ્નો વારંવાર પૂછવા બાબતે રાજકીય નિવેદનબાજી પણ થઈ હતી. કૉંગ્રેસ અને આપે આરોપ લગાવ્યો કે ભાજપ વિધાનસભામાં વિપક્ષનો અવાજ દબાવવા માગે છે.
વીસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સત્રના પ્રથમ જ દિવસે મીડિયા સાથેની વાતમાં આરોપ લગાવ્યો હતો કે "વિપક્ષના પ્રશ્નો દબાઈ જાય તે માટે પ્રશ્ન પૂછવાની સત્તાનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે."

ઇમેજ સ્રોત, ANI/BBC
તો, કૉંગ્રેસે તો આરોપ લગાવ્યો કે ભાજપ એવા જ પ્રયાસો કરે છે કે કૉંગ્રેસના પ્રશ્નો ડ્રૉમાં આવે જ નહીં.

ઇમેજ સ્રોત, Amit Chavda/FB/BBC
કયા પ્રશ્નો ફેરફાર વિના સીધેસીધા ફરી વાર પૂછવામાં આવ્યા?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પ્રશ્નોનું વિશ્લેષણ કરતાં ખબર પડે છે કે એકના એક પ્રશ્નો સીધી રીતે અલગ અલગ ધારાસભ્યોએ વારંવાર પૂછ્યા છે. જેમાં પ્રશ્નોના શબ્દો પણ એકસમાન જોવા મળે છે, અને તેમના જવાબો પણ એક જ પ્રકારે લેખિતમાં આપવામાં આવ્યા છે.
જેમ કે 8 સપ્ટેમ્બરનો એક પ્રશ્ન - 31/07/2025ની સ્થિતિએ રાજ્ય સરકાર દ્વારા છેલ્લાં બે વર્ષમાં રાજ્યની કુલ કેટલી વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે? વર્ષ વાર કેટલી વિકાસ યોજનાઓને મંજૂરી આપવામાં આવેલ છે ?'
આ એકનો એક પ્રશ્ન 8 તારીખે એટલે કે એક જ દિવસમાં કુલ ચાર ધારાસભ્યોએ (પ્રશ્ન ક્રમાંક 44, 19, 154, 176) પૂછ્યો છે.
આ ચારેય પ્રશ્નોનો જવાબ પણ એક જેવો જ અપાયો છે. '04' જ્યારે સમયગાળામાં અને 01/08/2023થી 31/07/2024 સમયગાળામાં - 01 અને 01/08/2024 થી 31/08/2024 ના સમયગાળામાં ચાર'
આવી જ રીતે 10 સપ્ટેમ્બરે એક જ પ્રશ્ન ત્રણ વખત પુછાયો છે અને તેનો જવાબ પણ 'હા,જી' એમ બે શબ્દોમાં ત્રણ વખત અપાયો છે. જ્યારે પેટા પ્રશ્નના જવાબમાં આંકડા અપાયા છે.
પ્રશ્ન છે -31/07/2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ખાતે નવી સિવિલ કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે નકશા અંદાજોને વહીવટી મંજૂરી આપી છે? તે હકીકત સાચી છે? અને જો હા તો, ઉક્ત સ્થિતિએ ક્યારે અને કેટલી રકમની વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે?(પ્રશ્ન નંબર 92, 64, 38)
આ પ્રશ્નનો ત્રણ વખત 'હા,જી' એવો જવાબ આપ્યો છે. જ્યારે પેટાપ્રશ્નનો જવાબ પણ ત્રણ વાર અપાયો છે - રૂ 12,48,00,000ની વહીવટી મંજૂરી તારીખ 01/04/2025 ના રોજ આપવામાં આવેલ છે.
આમ કોઈ પણ ફેરફાર વગર, સ્થળ કે વિષય પણ બદલ્યા વગર ત્રણ દિવસમાં જુદા જુદા વિભાગના કુલ 132 પ્રશ્નો વારંવાર પૂછવામાં આવ્યા છે.
પુનરાવર્તિત પ્રશ્નો અંગે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાનું કહેવું છે કે "પદ્ધતિ એવી છે કે ધારાસભ્ય સહી કરે એટલે પ્રશ્ન ઍડમિટ થઈ જાય. પણ તેના પરથી પ્રશ્ન કોણે લખ્યો છે તે ખબર પડતી નથી."

ઇમેજ સ્રોત, ANI/BBC
જોકે, કોરા ફૉર્મ પર સહી લઈ લેવાની વાતને ભાજપ નકારે છે. વિધાનસભામાં ભાજપના નાયબ દંડક અને ડાંગથી ભાજપના ધારાસભ્ય વિજય પટેલ કહે છે, "કૉંગ્રેસના આ આરોપો ખોટા છે. વિધાનસભામાં પ્રશ્નોનું ડ્રૉ થાય છે. અગાઉ પણ કૉંગ્રેસના અનેક પ્રશ્નો ડ્રૉમાં આવેલા છે. અને અગ્રતાક્રમે પણ આવેલા છે. કોરા ફૉર્મ પર સહી કરાવવા જેવું કાંઈ નથી."
પરંતુ વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરી આ ડ્રૉની પ્રક્રિયા પર પણ સવાલ ઉઠાવે છે.

ઇમેજ સ્રોત, Tushar Chaudhri/FB/BBC
ધારાસભ્યોએ એક સરખી કઈ માહિતી અલગ-અલગ જિલ્લા માટે માગી?
પ્રશ્નોમાં એક સરખી માહિતી અલગ-અલગ જિલ્લાઓ માટે મંગાઈ છે, અને એક જ વિસ્તાર માટે એક જ સરખી માહિતી બે ધારાસભ્યોએ માગી હોય એવું પણ સતત જોવા મળ્યું છે. આવા કુલ 299 સવાલ છે.
જેમ કે, 10 સપ્ટેમ્બરે પ્રશ્ન કરાયો હતો -31/07/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં દાહોદ જિલ્લામાં કેટલાં અને કયાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યાં?
આ જ માહિતી વિવિધ જિલ્લા માટે કુલ 35 ધારાસભ્યોએ માગી છે. જેમાં 'દાહોદ'ની (પ્રશ્ન ક્રમાંક 127-
53) જગ્યાએ જિલ્લો બદલાઈ જાય છે.
એમાં પણ 13 પ્રશ્નોનું સીધેસીધું બબ્બે વખત પુનરાવર્તન થયું છે. એટલે કે બે ધારાસભ્યોએ એક જ પ્રશ્ન પૂછીને એક જ જિલ્લાની માહિતી માગી છે. જ્યારે નવ પ્રશ્નો એક જ જિલ્લાના છે.
ગીર સોમનાથ (108, 228), મહેસાણા (137, 113), આણંદ (188, 37), અમદાવાદ (01,185), કચ્છ (234, 237) , ખેડા (68, 207), ગાંધીનગર (77, 96), અમરેલી (129, 02), છોટાઉદેપુર (225, 11), ભરૂચ (12, 63), ભાવનગર (87, 21), સુરેન્દ્રનગર (09, 151), અરવલ્લી (230), પંચમહાલ (216), સુરત (34), બનાસકાંઠા (76), પાટણ (75), નવસારી (138), વલસાડ (અહીંના પેટા પ્રશ્નમાં થોડો બદલાવ કરાયો છે.) (190), દેવભૂમિ દ્વારકા (71), સાબરકાંઠા (67)

ઇમેજ સ્રોત, Gopal Italia/FB/BBC

ઇમેજ સ્રોત, balushuklabjp/INSTA/BBC
એક જ પ્રશ્ન વાંરવાર કરનારા ધારાસભ્યોએ શું કહે છે?
કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલે ત્રણ દિવસમાં કુલ સાત પ્રશ્નો પૂછ્યા હતા. તેમના સાતેય પ્રશ્નોનું એક યા બીજી રીતે પુનરાવર્તન થયેલું હતું.
તેમનું કહેવું છે,"કેટલાક પ્રશ્નો એવા હોય કે તે બધાને જ અસર કરતા હોય. દાખલા તરીકે કોટિંગ વાયરવાળો ખેડૂતોને લગતો મુદ્દો છે. ગામડાંમાં વારંવાર વીજળી જતી હોય છે. એટલે સરકારે કહ્યું કે કોટેડ વાયરોનો ઉપયોગ કરો. આમ સરકારની યોજનાઓ પર અમે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. આવા પ્રશ્નોનું સામાન્ય રીતે પુનરાવર્તન થતું હોય છે."
એક જ જિલ્લાના ધારાસભ્યોએ વારંવાર પૂછ્યા એકના એક પ્રશ્નો

ઇમેજ સ્રોત, gujarat.neva.gov.in
એક વલણ એવું પણ જોવા મળ્યું છે જેમાં એક જિલ્લાના ધારાસભ્યો એક સરખા જ પ્રશ્નો પૂછી લીધા છે.
જેમાં પ્રત્યેક પ્રશ્નમાં કોઈ એક ચોક્કસ વિષયની અથવા તેમના જિલ્લાની, આસપાસના જિલ્લાની કે રાજ્યભરની એક સરખી જ માહિતી માગવામાં આવી છે.
જેમ કે, 8 સપ્ટેમ્બરે ખેડા જિલ્લાના ત્રણ ધારાસભ્યોએ એક જ પ્રશ્ન પૂછ્યો છે. આ પ્રશ્ન છે-31/07/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં પ્રજાજનો અને પોલીસને જોડતો ખેડા જિલ્લાના 'મૈત્રી પ્રોજેક્ટ'હેઠળ ખેડા પોલીસે કેટલા ફરિયાદીનો સંપર્ક કરીને પ્રતિભાવ મેળવેલ, અને આ પ્રોજેક્ટનો હેતુ શું છે?' (પ્રશ્ન નંબર 34, 126, 148)
આ ત્રણ ધારાસભ્યોમાં ખેડાના ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, કપડવંજના ધારાસભ્ય રાજેશકુમાર ઝાલા, મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા સામેલ છે.
સમગ્ર બાબતે ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ જણાવે છે, "સંલગ્ન બાબતોને અભ્યાસ કરીને જ અમે પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. સભ્યો ઇચ્છે એ પ્રશ્ન પૂછી શકે છે. મેં જે પ્રશ્નો પૂછ્યા એ બીજા ના પૂછી શકે અથવા તો બીજાએ જે પ્રશ્નો પૂછ્યા એ હું ના પૂછી શકું એવુ તો ના હોઈ શકે." મહત્ત્વનું છે કે ચિરાગ પટેલે ત્રણ દિવસમાં કુલ પાંચ પ્રશ્નો પૂછ્યા છે. પાંચમાંથી ચાર પ્રશ્નો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે એક જેવા હતા.
બે જિલ્લા ભેગા કરીને પૂછેલા સમાન પ્રશ્નો
કેટલાક પ્રશ્નોમાં એવું પણ વલણ જોવા મળ્યું છે કે બે અલગ-અલગ જિલ્લાને સાંકળીને બે ધારાસભ્યો પોતાના પ્રશ્નમાં એકસરખી માહિતી માગી છે. અને બંને ધારાસભ્યોએ એ જ બે જિલ્લાનો ઉલ્લેખ કરીને એક સરખો પ્રશ્ન પૂછ્યો છે.
જેમ કે, 8 સપ્ટેમ્બરનો પ્રશ્ન - 31/07/2025ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં સુરત અને મોરબી જિલ્લામાં કેટલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ થયેલા અને તે અંતર્ગત કેટલી રકમનો મુદ્દામાલ નાગરિકોને પરત કરવામાં આવેલ છે?
આ પ્રશ્ન એક વાર સુરત ઉત્તરના ધારાસભ્ય કાંતિભાઈ બલરે તથા મોરબીના ધારાસભ્ય અને હવે ગુજરાત સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનેલા કાંતિ અમૃતિયાએ એક-એક વાર પૂછ્યો હતો. એમ આ પ્રશ્ન કુલ બે વાર પુછાયો છે. (પ્રશ્ન નંબર 93 અને 115)
કૉંગ્રેસના ધારાસભ્યોએ પણ એક જેવા જ પ્રશ્નો પૂછ્યા
માત્ર ભાજપના નહીં, પણ કૉંગ્રેસના ધારાસભ્યોએ પણ આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા હોવાનું ધ્યાને આવ્યું છે.
નવ સપ્ટેમ્બરે કૉંગ્રેસના બે ધારાસભ્યોએ પણ આવી જ રીતે એક પ્રશ્ન પૂછ્યો છે.
પ્રશ્ન છે - 31/07/2025ની સ્થિતિએ પાર-તાપી-નર્મદા રિવર લિંક યોજના રદ કરવામાં આવી છે કે મુલતવી રાખવામાં આવી છે તે હકીકત સાચી છે, અને જો હા, તો ઉક્ત યોજના રદ કરવા અને મુલતવી રાખવા અંગેનો કેન્દ્ર સરકારનો પત્ર રાજ્ય સરકારને ક્યારે મળ્યો?(પ્રશ્ન નંબર 12, 126)
એક વખત વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પૂછ્યો છે જ્યારે અન્ય એક વખત લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે પૂછ્યો છે.
લુણાવાડા અને વાંસદા બંને ભૌગોલિક દૃષ્ટિએ ઘણાં દૂર છે. આ બંને ધારાસભ્ય કૉંગ્રેસના છે.
કૉંગ્રેસના સાત ધારાસભ્યોએ એક જ પ્રશ્ન કેમ પૂછ્યો?
9 સપ્ટેમ્બરે 'રાજ્યમાં નલ સે જલ યોજના અંતર્ગત થયેલી ગેરરીતિઓ' અંગેનો પ્રશ્ન કુલ સાત વાર પુછાયો છે. અને પૂછનારા સાતેય કૉંગ્રેસના ધારાસભ્યો છે.
પ્રશ્ન એવો છે કે - 31/07/2025ની સ્થિતિએ છેલ્લા છ માસમાં રાજ્યમાં નલ સે જલ યોજનામાં ગેરરીતિ થઈ હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે મળવાપાત્ર ગ્રાન્ટ અટકાવી દેવામાં આવી છે તે હકીકત સાચી છે કે કેમ. જો હા, તો ઉક્ત સ્થિતિએ ઉક્ત નલ સે જલ યોજનામાં થયેલી ગેરરીતિઓની તપાસ કરવા માટે સરકાર કક્ષાએ શી કાર્યવાહી કરવામાં આવી? (પ્રશ્ન નંબર 150,49, 97,09,40,86 અને 19 )
આ પ્રશ્ન પૂછવામાં વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તુષાર ચૌધરી અને જિજ્ઞેશ મેવાણી પણ સામેલ છે.

ઇમેજ સ્રોત, Tushar Chaudhri/FB/BBC
કૉંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું "ભાજપ અને અમારા પ્રશ્નો જુદી જુદી રીતે પુછાતા હોય છે. એમણે સરકારની વાહવાહી કરવા માટે પ્રશ્નો પૂછ્યા હોય, જ્યારે અમે નૅગેટિવ રીતે પ્રશ્નો પૂછ્યા હોય. અને મહત્ત્વના પ્રશ્નોને પ્રાથમિકતામાં મળે એટલે અમે એક કરતાં વધારે વખત પૂછ્યા હોય."

ઇમેજ સ્રોત, Ramanlal Vora/INSTA/BBC

ઇમેજ સ્રોત, Ramanlal Vora/INSTA/BBC

ઇમેજ સ્રોત, Ketan Inamdar/FB/BBC
રિપીટ પુછાયેલા પ્રશ્નોને બાકાત રાખી શકાય ખરા?
ધારાસભ્યો ગમે એટલા પ્રશ્નોની નોટિસ આપી શકે છે. પણ પ્રાથમિકતા પ્રમાણે માત્ર ત્રણ જ પ્રશ્નોને સ્થાન અપાય છે. બાકીના પ્રશ્નો રદ ગણવામાં આવે છે. ગૃહમાં એક વાર જ્યારે એક પ્રશ્નની ચર્ચા થઈ જાય અને બીજી વાર તે પ્રશ્ન આવે તો તેના પર ચર્ચા નથી થતી.
વિધાનસભામાં સેક્રેટરી ચેતન પંડ્યા કહે છે, "એક વાર પ્રશ્નની ચર્ચા થઈ જાય પછી બીજી વાર તે પ્રશ્ન આવે તો તેના પર ચર્ચાની માગ સભ્યો પણ નથી કરતા. પ્રશ્ન પુછાય તેનો જવાબ પણ અપાય, પરંતુ તેની ચર્ચા નથી થતી. તેથી રિપીટ પ્રશ્નોથી ગૃહનો સમય બરબાદ થાય છે એવું નથી."

ઇમેજ સ્રોત, ANI/BBC
રિપીટ પ્રશ્નોને અલગ તારવીને બાકાત કરી શકાય કે નહીં? તે અંગે સેક્રેટરી ચેતન પંડ્યા જણાવે છે,
"સંસદીય પરંપરા છે કે કોઈ સભ્યના હક તમે અવરોધી ન કરી શકો. સભ્યોના હકની કોઈ મર્યાદા નથી હોતી. બે ધારાસભ્યો એક જ પ્રશ્ન પૂછે તો અને કોઈ એકની સૂચના પહેલા મળી અને બીજાની પછી મળી હોય તો અમે કોઈની સૂચના કાઢી ના શકીએ. અમારે અમારા નિયમ મુજબ કાર્ય કરવાનું હોય. જો પ્રથમ સભ્ય ગેરહાજર રહે તો એમની જગ્યાએ બીજા સભ્યની સૂચના આવી શકે. આપણે એવા સંજોગો પણ જોવાના હોય."
વિધાનસભામાં પ્રશ્નો કેવી રીતે પૂછવામાં આવે છે, તેની પદ્ધતિ શું હોય છે?


ઇમેજ સ્રોત, Ramanlal Vora/INSTA/BBC

વિધાનસભામાં કયા વિષય પર ચર્ચા થશે તે અગાઉથી જ નક્કી હોય છે. જે વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરવાની હોય તે દિવસે તે વિભાગના પ્રશ્નોનું ડ્રૉ કરાય છે.

ઇમેજ સ્રોત, Tushar Chaudhri/FB/BBC
મહત્ત્વનું છે કે ધારાસભ્યોને પ્રશ્ન પૂછવામાં કોઈ સમસ્યા આવે તો તેઓ પ્રશ્ન વિભાગમાં જઈને માહિતી મેળવી શકે છે. આ સિવાય આ અંગે એક ત્રણ દિવસનો વર્ગ પણ રાખવામાં આવે છે. જેમાં ધારાસભ્યોને આ બધી માહિતી આપવામાં આવે છે.
રિપીટ પ્રશ્નોની પ્રથા ક્યારથી શરૂ થઈ?
રાજ્યની રાજકીય પ્રવૃત્તિઓ પર લાંબા સમયથી નજર રાખતા લોકોનું માનવું છે કે ગુજરાત વિધાનસભામાં આ પ્રકારનું વલણ લગભગ છેલ્લા એક દાયકાથી જોવા મળી રહ્યું છે.
ઘણા લાંબા સમયથી ગુજરાત વિધાનસભા કવર કરતા પત્રકાર હરેશ ઝાલા કહે છે કે, "સરકાર સીધી રીતે ભીંસમાં આવે તેવા પ્રશ્નોની ચર્ચા ગૃહમાં ના થાય માટે અન્ય બિનજરૂરી એકના એક પ્રશ્નો પુછાતા હોય એવી પૅટર્ન છેલ્લાં દસ-15 વર્ષથી જોવા મળે છે. વિધાનસભાના ગૃહમાં પણ જેમાં પ્રજાના વાસ્તવિક પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ એની જગ્યાએ ગૃહનો સમય ટીકા ટિપ્પણીમાં રાજકીય આક્ષેપોમાં વધુ ખર્ચાઈ જાય છે."
સમગ્ર બાબતે એમએસ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સનાં પ્રોફેસર લાજવંતી છતાનીનું માનવું છે કે આવા પ્રકારના વલણથી લોકોના વાસ્તવિક મુદ્દાઓની ચર્ચા ગૃહમાં ઘટી જાય છે.
તેઓ જણાવે છે, "જો આટલા મોટા પ્રમાણમાં રિપીટ પ્રશ્નો પુછાયા છે તો એક બાબત સ્પષ્ટ છે કે તે અગાઉથી થયેલા આયોજન પ્રમાણેના પ્રશ્નો હતા. એ સિવાય આ શક્ય નથી. આનાથી એક બાબત સામે આવે છે કે ધારાસભ્યોએ જે રીતે લોકોના પ્રશ્નો ઉઠાવવા જોઈએ તે નથી થઈ રહ્યું. એનો સીધો નિષ્કર્ષ એ કાઢી શકાય કે મુખ્ય મુદ્દા પર, લોકોની જરૂરિયાતો મુદ્દે ગૃહમાં ઓછી ચર્ચા થાય છે."

ઇમેજ સ્રોત, Haresh zala/BBC
તો, સમગ્ર બાબતે સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્ય વિભાગના હેડ ડૉ. બળદેવભાઈ આગજા જાણાવે છે, "લોકશાહીમાં આ પ્રકારનું વલણ ના ચાલે. આ વિધાનસભામાં કામકાજના કલાકોનો વ્યય છે. અને જ્યારે ઓછા સમય માટે સત્ર મળતું હોય ત્યારે સ્પીકરે આ બાબતે ખાસ કરીને ધ્યાન દોરવાની જરૂર છે. હવે સત્ર ટૂંકું પણ બોલાવાઈ રહ્યું છે. વાસ્તવમાં તે એક મહિનાનું હોવું જોઈએ. જેમાં પ્રશ્નોની ચર્ચા થાય અને લોકોની સમસ્યાને ઉજાગર કરી શકાય."

ઇમેજ સ્રોત, Lajwanti Chatani/BBC
વિધાનસભાની સંપૂર્ણ કાર્યવાહી વિધાનસભાના અધ્યક્ષની દેખરેખમાં ચાલતી હોય છે. આ સમગ્ર બાબતે તેમનો પક્ષ જાણવાનો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સાથે સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરાયો હતો.
જોકે, તેમનો કોઈ ઉત્તર મળી શક્યો નહોતો. તેમનો જવાબ મળ્યે અહીં અપડેટ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












