પરસોત્તમ સોલંકી : ગુજરાતમાં ચાર-ચાર મુખ્ય મંત્રી બદલાયા પણ આ દિગ્ગજ નેતાનું મંત્રીપદ કેમ ચાલુ રહે છે?

- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરાયું છે. ગુજરાતના નવા મંત્રીમંડળ માટે કુલ 26 મંત્રીની યાદી જાહેર કરાઈ છે, જેમાં પરસોત્તમસોલંકીનું નામ યથાવત્ છે.
પરસોત્તમ સોલંકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ કોળી સમાજના મત પર 'નિર્ણાયક અસર' ધરાવે છે, તેઓ ગુજરાતના પાંચ મુખ્ય મંત્રીની સરકારોમાં મંત્રી તરીકે કાર્ય કરી ચૂક્યા છે, તે ધ્યાન ખેંચી લે તેવી બાબત છે.
પરસોત્તમ સોલંકીની એક એવા નેતા તરીકેની ઓળખ છે કે તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી.
1998થી પરસોત્તમ સોલંકીના ઑફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી વીરેન્દ્ર મણિયાર જણાવે છે કે, "પરસોત્તમ સોલંકી પ્રથમ વખત 13 માર્ચ, 1998માં કેશુભાઈ પટેલની સરકારમાં શ્રમ અને રોજગાર નાયબ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે પછી 1999માં મંત્રીમંડળમાં ફેરફાર થતાં પરસોત્તમ સોલંકી પાસે સામાજિક પછાત વર્ગ કલ્યાણ વિભાગ આવ્યો હતો. તે 2001 સુધી રહ્યો હતો."
"ત્યાર બાદ 2001માં નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી બન્યા, ત્યારે તેમને મત્સ્ય ઉદ્યોગ મંત્રાલય મળ્યું હતું. પછી ગુજરાતમાં વર્ષ 2007થી અત્યાર સુધીમાં ચાર મુખ્ય મંત્રી બદલાયા અને મંત્રીમંડળમાં અનેક ફેરફારો થયા, તેમ છતાં કોળી સમાજના નેતા પરસોત્તમ ભાજપ સરકારમાં સતત મંત્રી તરીકે રહ્યા છે."
એટલે કે કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલની સરકારની કૅબિનેટમાં પરસોત્તમ સોલંકીને સ્થાન મળ્યું.
પરસોત્તમ સોલંકી કોણ છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીપંચની વેબસાઇટમાં સબમિટ કરાયેલા સોગંદનામામાં જણાવ્યા અનુસાર પરસોત્તમ સોલંકીના પિતા ઓધવજીભાઈ રામજીભાઈ છે. તેમની પત્નીનું નામ ફાલ્ગુનીબહેન છે. તેમણે પ્રાથમિક અભ્યાસ ભાવનગરની ગંગાજળિયા પ્રાથમિક શાળામાંથી કર્યો છે.
પરસોત્તમ સોલંકી સાથે શરૂઆતથી રહેલા તેમના મિત્ર ચંદુભાઈ ચુડાસમા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "તેમનું મૂળ વતન નવા બંદર, ઊના ખાતે છે. પણ તેઓ મુંબઈની અંધેરીના મોગરાપાડાની ચાલીમાં રહેતા હતા. ત્યાં જ તેઓ કૉર્પોરેટર તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. તેમના પિતા ઓધવજીભાઈનું ખૂન થયું હતું. તે ઘટના બાદ તેઓ 'ભાઈ' તરીકે ઓળખાયા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચંદુભાઈ ચુડાસમા કહે છે કે, 1995માં ટાડામાંથી પરસોત્તમ સોલંકી અને તેમના ભાઈઓ હીરાભાઈ સોલંકી, ભારતભાઈ સોલંકી મુક્ત થયા તે પછી ભાવનગરની એક ધાર્મિકસભામાં પ્રથમ વખત મળ્યા હતા. ત્યારથી તેઓ તેમના મિત્ર છે.
ટાડાના કેસ અંગે તેઓ કહે છે કે "તેમની ખોટી રીતે સંડોવણી થઈ હતી."
ચંદુભાઈ ચુડાસમા જણાવે છે કે, "તેમના વ્યક્તિત્વ વિશે કહે છે કે તેઓ નિખાલસ છે, ગરીબોની પડખે આર્થિક મદદ કરતાં મેં જોયા છે."
તેમની સામે પ્રથમ ચૂંટણી લડેલા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા તેમના મુંબઈના ઇતિહાસ વિશે વાત કરતાં જણાવે છે કે, "જોગેશ્વરીમાં થયેલાં હિન્દુ-મુસ્લિમ રમખાણોમાં તેઓ 'ભાઈ' તરીકે સ્થાપિત થયા હતા. તે વખતે મહારાષ્ટ્રમાં શ્રી કૃષ્ણ કમિશનનો રિપોર્ટ આવ્યા બાદ ત્યાંની પરિસ્થિતિ જોતાં તેમને લાગ્યું કે તેમને કર્મક્ષેત્ર બદલવું પડશે, તેથી તેઓ ભાવનગર આવ્યા હતા."
પરસોત્તમ સોલંકીની રાજકીય કારકિર્દી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પરસોત્તમ સોલંકીએ તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1996માં ભાવનગર લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કરી હતી
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, 1997માં તેઓ ભાજપમાં જોડાયા.
વર્ષ 1998માં તેઓ ઘોઘા (ભાવનગર ગ્રામ્ય બેઠક પહેલાં ઘોઘા બેઠક તરીકે ઓળખાતી હતી) બેઠક પરથી પ્રથમવાર ધારાસભ્ય બન્યા. બાદમાં સીમાંકન બાદ બેઠક બદલાતાં તેઓ ભાવનગર ગ્રામ્યમાંથી 2012, 2017 અને 2022માં ચૂંટાયા. 2022ની ચૂંટણી જીત સાથે તેઓ છઠ્ઠી વખત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
પરસોત્તમ સોલંકીને વર્ષ 2007માં પહેલી વખત મત્સ્યોદ્યોગ અને પશુપાલનના રાજ્યકક્ષાના મંત્રી બનાવામાં આવ્યા હતા.
ભાવનગર, અમરેલી અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના કોળી પ્રભુત્વવાળા વિસ્તારોના મતદારોમાં પરસોત્તમ સોલંકીનું પ્રભુત્વ છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક 2012માં અસ્તિત્વમાં આવી ત્યારથી દરેક ચૂંટણીમાં પરસોત્તમ સોલંકી વિજેતા રહ્યા છે.
પૂર્વ સાંસદ અને ગુજરાત ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ રાણા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "વર્ષ 1996ની લોકસભા ચૂંટણીમાં હું ભાજપના ઉમેદવાર તરીકે લડ્યો હતો. મારી સામે પરસોત્તમભાઈ સોલંકી અપક્ષ ઉમેદવાર તરીકે 'પાવડો'ના નિશાન સાથે મુંબઈયા સ્ટાઈલમાં ચૂંટણી લડ્યા હતા. ત્યારે તેઓ મુંબઈથી આવેલા."
"ઘોઘા, તળાજા, સિહોર જેવા વિસ્તારોમાં કોળી જ્ઞાતિ પર તેમનું મજબૂત વર્ચસ્વ હતું. તે સમયે કૉંગ્રેસના ધારાસભ્ય દિલીપસિંહજી ગોહિલ હતા. તે ચૂંટણીમાં ભાજપમાંથી મારી જીત થઈ હતી, પણ પરસોત્તમભાઈ બીજા નંબરે રહ્યા હતા અને મારા કરતાં તેમને માત્ર 7,500 મત ઓછા મળ્યા હતા."
સૌરાષ્ટ્ર સમાચારના એક્ઝિક્યુટિવ ઍડિટર તારક શાહ કહે છે કે "પરસોત્તમ સોલંકી મુંબઈથી ભાવનગર આવ્યા, તે એક વર્ષ દરમિયાન મેં એક પત્રકાર તરીકે તેમનું અવલોકન કર્યું છે. તે વખતે ભાવનગરના ગોહિલવાડ વિસ્તારમાં ચોક્કસ લોકોની દાદાગીરી હતી, તેની સામે કોળી સમાજને રક્ષણ પૂરું પાડવાનું કામ પરસોત્તમ સોલંકીએ કર્યું હતું. તેઓ કોળી સમાજના સામાજિક પ્રશ્નો અને મુદ્દાઓને લઈને ઊભા રહ્યા હતા. પોલીસ કેસ હોય કે ન્યાયાલયને લગતી કોઈપણ બાબત હોય, તેઓ કોળી સમાજની મદદે આવતા હતા."
રાજુલાના વરિષ્ઠ પત્રકાર જયદેવ વરુ કહે છે કે, તેમને બે દીકરા છે દિવ્યેશ અને હિરેન અને એક દીકરી છે. તેઓ આગામી ચૂંટણીમાં દિવ્યેશને પ્રોજેક્ટ કરી શકે છે.
તેમના મત પ્રમાણે, "ભાજપે પરસોત્તમ અને હીરા સોલંકીનો વિકલ્પ શોધવાનો પ્રયત્નો કર્યો તો ખરો પરંતુ આ નેતાઓ જેવી લોકપ્રિયતા કોઈ હાંસલ કરી શક્યું નથી."
'મુંબઈયા સ્ટાઈલ'માં ચૂંટણીપ્રચાર

ઇમેજ સ્રોત, PARSHOTTAMBHAISOLANKI/FB
પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "1996માં તેમનો અપક્ષ ઉમેદવાર તરીકેનો પ્રચાર અનોખો હતો. પ્રચાર દરમિયાન 'રૂપક ચોક' નામની જગ્યાએ તેમણે એવું ઍલાન કર્યું હતું કે જે વ્યક્તિ પોતાના માથાના વાળ ઉતારી ટાલ પર પાવડો દોરાવશે, તેમને તે વખતે ₹500 નું ઇનામ મળશે. આનું કારણ એ હતું કે તેમનું ચૂંટણી નિશાન 'પાવડો' હતું. આખરે અમે જોયું કે તે વખતે પ્રચાર દરમિયાન ગામે-ગામ લોકોએ ટકલું કરાવીને પાવડો દોરાવ્યો હતો."
"આમ, સ્થાનિક વિસ્તારોમાં આ એક નવી સ્ટાઈલ બની ગઈ હતી."
તે ઉપરાંત, રાજુભાઈ કહે છે કે "અમે બહુ સારા વાતાવરણમાં ચૂંટણી લડ્યા હતા. ક્યારેય કોઈ ઘર્ષણ કે બોલાચાલી થઈ નહોતી. એક હરીફ તરીકે અમારા સંબંધો ખૂબ સારા રહ્યા હતા, જે આજે પણ છે."
રાજુભાઈ રાણા કહે છે કે, "કોળી જ્ઞાતિનું પૉલિટિકલ મોબિલાઇઝેશન પરસોત્તમભાઈના આવ્યા પછી થયું. 1998માં જ્યારે કેશુભાઈ પટેલ મુખ્ય મંત્રી હતા, ત્યારે સંગઠનની એક બેઠકમાં તે મુદ્દો ચર્ચાયો હતો કે રાજકીય સમીકરણોને આધારે ભાજપની કોળી જ્ઞાતિ પર પકડ લગભગ નહિવત્ હતી. ત્યારે કોળી જ્ઞાતિ એક ખેતમજૂર તરીકે સ્થાપિત હતી અને પરસોત્તમ સોલંકી આવ્યા બાદ તેમાં રાજકીય જાગૃતિ આવી."
"પરસોત્તમ સોલંકી થકી કોળી જ્ઞાતિનાં રાજકીય સમીકરણમાં ફાયદો થાય તે માટે તેમને ભાજપમાં સામેલ કરાયા. તેમના આવ્યા પછી કોળી મત ભાજપ તરફ વળ્યા અને અમે આ બેઠકમાં લેવાયેલા નિર્ણય લેવામાં સફળ રહ્યા તે સાબિત થયું. ખાસ કરીને સૌરાષ્ટ્રના સંદર્ભે રાજકીય મૅસેજ આપી શક્યા હતા. ત્યાર પછીની ચૂંટણીઓમાં તેમના નામનો પ્રભાવ અકબંધ રહ્યો, જે આજે પણ છે."
પરસોત્તમ સોલંકી કેમ વારંવાર મંત્રી બને છે?

ઇમેજ સ્રોત, PARSHOTTAMBHAISOLANKI/FB
તારક શાહ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે "સૌરાષ્ટ્રની 27થી 28 બેઠકો પર કોળી સમાજનું વર્ચસ્વ છે. કોળી સમાજના કદાવર નેતા તરીકે પરસોત્તમ સોલંકીને મંત્રી તરીકે રિપીટ કરાયા છે. તે ઉપરાંત, કુંવરજી બાવળિયાને પણ આ જ કારણોસર રિપીટ કરાયા છે."
તારક શાહ કહે છે કે "પરસોત્તમ સોલંકી ભણેલા-ગણેલા છે. તેઓ મૅનેજમૅન્ટના માણસ હોવાથી તેમના ખાતાને તેમણે પૂરતો ન્યાય આપવામાં સફળતા મેળવી છે. તેથી જ તેમને મત્સ્ય વિભાગનું ખાતું વારંવાર આપવામાં આવે છે."
રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "પરસોત્તમ સોલંકી કોળી સમાજના કદાવર નેતા છે. તેમનું ભૂતકાળનું બૅકગ્રાઉન્ડ માફિયાગીરી અને તેમની છાપ 'મસલમૅન' તરીકેની રહી છે."
"તેઓ કોળી સમાજની સામાજિક ઉપરાંત પારિવારિક સમસ્યાઓનું પણ નિરાકરણ લાવતા રહ્યા છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામનગર જેવા શહેરી મતવિસ્તારોને બાદ કરતાં, કોળી સમાજના મત સમગ્ર સૌરાષ્ટ્રની 47 બેઠકો પર અસર કરે છે. વર્ષો સુધી કોળી સમાજનું નેતૃત્વ કુંવરજી બાવળિયા પાસે હતું અને કૉંગ્રેસે તે જાળવી રાખ્યું હતું, પણ તેને કાઉન્ટર કરવા માટે આટલાં વર્ષો સુધી પરસોત્તમ સોલંકી ભાજપને બહુ ઉપયોગી રહ્યા છે."
જગદીશ આચાર્ય ઉમેરે છે કે, "તેઓ બીમાર છે. તેઓ મંત્રીમંડળમાં કામ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોવા છતાં, તેઓ પોતે સતત મંત્રી તરીકે રહેવા ઈચ્છે છે. આ વખતે તેમની જગ્યાએ તેમના ભાઈ હીરાભાઈ સોલંકીને સ્થાન મળશે તેવી અટકળો હતી, પણ છેલ્લી ક્ષણ સુધી પરસોત્તમભાઈએ પોતાનો જ આગ્રહ રાખ્યો હતો. ભાજપની રણનીતિ પ્રમાણે, તેઓ કોઈ વિવાદાસ્પદ નિર્ણય લઈને પરસોત્તમ સોલંકીને નારાજ કરવા માંગતી નથી. તે ઉપરાંત, પરસોત્તમ સોલંકીની છાપ એક 'નૉટોરિયસ લીડર' તરીકે સ્થાપિત છે, તેથી ભાજપને ખાતરી છે કે તેઓ ભાજપ સામે જોખમ બની શકે છે."
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "પરસોત્તમ સોલંકી કોળી વોટબૅન્ક પર મજબૂત પકડ ધરાવે છે. તેમને મંત્રી બનાવવા પડ્યા છે, તે ભાજપની મજબૂરી હતી."
કૌશિક મહેતા વધુમાં જણાવે છે કે, "નરેન્દ્ર મોદીએ જ્યારે તેમને એક વાર પડતા મૂકવાની કોશિશ કરી હતી, ત્યારે તેમણે તે પછીના એક મંચ પર મોદી સાથે હાથ મિલાવ્યો હતો; તે ઘટના એક આગવી છાપ છોડે છે. તેમને મંત્રીમંડળમાં સામેલ ન કરવાથી સીધી કોળી વોટબૅન્ક પર અસર થઈ શકે છે, તેથી ભાજપ તેવી હિંમત કરી શકતો નથી."
છેલ્લી ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીને કેટલા મત મળ્યા?
ભારતના ચૂંટણીપંચની વેબસાઇટ પરના આંકડા મુજબ, ભાવનગર ગ્રામ્ય બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ સોલંકીને કુલ 1,16,034 મત મળ્યા હતા, જે બેઠકના કુલ મતોના 63.61% જેટલા હતા.
બીજી તરફ, મુખ્ય વિપક્ષી પક્ષ કૉંગ્રેસના ઉમેદવાર ગોહિલ રેવતસિંહ બટુકભાએ 42,550 મત મેળવ્યા હતા.
આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોહિલ ખુમાનસિંહ નટુભાએ બેઠક પર 17,236 મત મેળવ્યા હતા, જે મતોની ટકાવારીમાં 9.45% જેટલું યોગદાન આપે છે. આમ, આ બેઠક પર ભાજપે કૉંગ્રેસ અને આપ બંનેને મોટા માર્જિનથી પાછળ રાખીને જીત મેળવી હતી.
પરસોત્તમ સોલંકી પર લાગેલો આરોપ

ઇમેજ સ્રોત, PARSHOTTAMSOLANKI/FB
વર્ષ 2013માં પરસોત્તમ સોલંકી પર '400 કરોડના ફિશરીઝ કૌભાંડનો આરોપ' લાગ્યો હતો અને લાંચરુશવતવિરોધી કોર્ટમાં હજુ પણ કેસ પૅન્ડિંગ છે.
ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 'આ કેસમાં પરસોત્તમ સોલંકી ઉપરાંત પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણી અને મત્સ્ય ઉદ્યોગ વિભાગના ભૂતપૂર્વ અધિકારીઓ જેવા કે વિક્ટર ખરાડી, કમલેશ ટાબિયાર, ચંદ્રિકા શાહ અને પ્રદ્યુમન ભટ્ટ સામે પણ ભ્રષ્ટાચારના આરોપો છે.'
મત્સ્યઉદ્યોગમંત્રી તરીકે સોલંકી પર 'નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વગર 58 જળાશયોમાં માછીમારીના કૉન્ટ્રેક્ટ આપી દેવાનો આરોપ' લાગ્યો હતો.
પરસોત્તમ સોલંકીને મુખ્ય મંત્રી બનવું છે કે કેમ?

ઇમેજ સ્રોત, PARSHOTTAMBHAISOLANKI/FB
પરસોત્તમ સોલંકી નરેન્દ્ર મોદીનાં વખાણ કરે છે પરંતુ બંને નેતાઓ એકસાથે સ્ટેજ પર જોવા મળ્યા હોય એવું ભાગ્યે જ બન્યું છે.
તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે "હું રાજકીય મહત્ત્વ લેવા કોઈની આગળ પાછળ ફરું તે પ્રકારનો માણસ નથી તેઓ કહે છે કે,"હું મર્દ જેમ રહેલો છું અને હું મર્દ જેમ રહીશ."
તેઓ વધુમાં કહે છે, "એમના (નરેન્દ્ર મોદી) અને મારામાં જમીન-આસમાનનો ફરક છે."
ઘોઘા રો-રો ફેરી સર્વિસનું લોકાર્પણ થયું ત્યારે નરેન્દ્ર મોદી આવ્યા હતા ત્યારે એ સમારોહમાં પરસોત્તમ સોલંકી નહોતા જોવા મળ્યા.
કોળી સમાજ વિષે લાગણી વ્યક્ત કરતાં તેઓએ જણાવ્યું હતું કે "કોળી સમાજમાં ગરીબી છે. મારા સમાજના ગરીબોને પથ્થરનું શાક બનાવીને રોટલા સાથે ખાતા જોયા છે."
તેઓ તેમને ભૂતકાળ તરફ ઇશારો કરતાં જણાવે છે કે, "મારુ રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ઘણા પ્રયત્નો થયા છે."
તેમનો દાવો છે કે કોળી સમાજ તેમને બહુ પ્રેમ કરે છે.
તેઓ કબૂલે છે કે "હું મચ્છી ચિકન મટન ખાવા જોઈએ હું મારી પાર્ટી વાળાને કહી દઉં કે હું જમતો હોઉં ત્યારે એક કલાક કોઈએ આવવું નહીં."
પૉલિટિકલ કૅરિયર વિષે વાત કરતાં તેઓ જણાવે છે કે, તેઓ મુંબઇમાં નગરસેવક રહી ચૂક્યા છે. તે વખતના પક્ષો તેમને ટિકિટ આપવા તૈયાર ન હતા, ત્યારે તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
2004માં નરેન્દ્ર મોદી સામેના બળવામાં પરસોત્તમ સોલંકી સામી (કેશુભાઈ પટેલ) છાવણીમાં હતા અને તેમણે નરેન્દ્ર મોદી વિશે 'આકરા શબ્દો' કહ્યા હતા.
તેઓ કહે છે, "હા, હવે અફસોસ થાય છે કે એમ બોલવાની શું જરૂર હતી? એ વખતે મારી જુવાની હતી."
ગુજરાતમાં કોળી સમાજ 20-22 ટકા જેટલી વસ્તી ધરાવે છે પણ હજુ સુધી કોઈ મુખ્ય મંત્રી આ સમાજમાં નથી.
પરસોત્તમ સોલંકી કહે છે, "તમે જ કહો કે મારા સમાજમાં મુખ્ય મંત્રી બને એવો કોણ છે?"
જ્યારે સોલંકીને પોતાને મુખ્ય મંત્રી બનવું છે કે નહીં? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે ઘસીને ના પાડતા કહ્યું કે "પાર્ટી કહે તો પણ મારે નથી બનવું. એ આપણું કામ નહીં. એક રૂપિયાની પણ મારે જવાબદારી નથી જોઈતી. મારાથી થશે એટલું કામ કરીશ. મને ખોટું બોલતા આવડતું નથી અને આમાં (મુખ્ય મંત્રી બન્યા પછી) બધું ખોટું બોલવું પડે."
પરસોત્તમ સોલંકીની 'ભાઈ' તરીકેની છાપ

ઇમેજ સ્રોત, PARSHOTTAMBHAISOLANKI/FB
તારક શાહ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "મુંબઈથી જ્યારે તેઓ ભાવનગર આવ્યા, ત્યારે તેમની છાપ એક 'ભાઈ' તરીકેની હતી. પણ 42 વર્ષની મારી પત્રકારત્વ ક્ષેત્રની કારકિર્દી દરમિયાન મેં તેમને ભાવનગરમાં કોઈ પણ ઉદ્યોગપતિ કે હીરા ઉદ્યોગના માલિકને ખોટી રીતે હેરાન કરતા જોયા નથી."
બીબીસી સહયોગી અલ્પેશ ડાભી જણાવે છે કે, "ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈને હેલિકૉપ્ટર ફાળવવામાં આવતું હતું, તે કક્ષાએ પ્રચાર અર્થે ગુજરાતના કોળી મતોના અસરકર્તા વિસ્તારોમાં જવા એક સમયે પરસોત્તમ સોલંકીને હેલિકૉપ્ટર ફાળવવામાં આવ્યું હતું."
રાજુલાના પત્રકાર જયદેવ વરુ સોલંકી વિશે વાત કરતાં જણાવે છે કે, ભાવનગર, ઊના, વેરાવળ જેવા દરિયાકાંઠાના વિસ્તારમાં તેમનું વર્ચસ્વ રહ્યું છે, તેઓ હાલ તબિયત ખરાબ છે તેમ છતાં સરકાર તેમને મંત્રી મંડળમાં સામેલ ન કરવાનું જોખમ લઈ શકતી નથી. તે તેમનું પ્રભુત્વ દર્શાવે છે.
તારક શાહ કહે છે કે, "અગાઉ પણ જ્યારે ભાવનગરનાં સાંસદ નીમુબહેન પરસોત્તમ સોલંકીના એક કાર્યક્રમમાં નહોતાં ગયાં અને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી, ત્યારે ભાજપે નિમુબહેન પર ફરજ પાડી હતી અને તેમને મુંબઈ ખાતે પરસોત્તમભાઈના નિવાસસ્થાને સંબંધો સુધારવા જવા કહ્યું હતું."
પરસોત્તમ સોલંકીનો ભાજપ વિકલ્પ શોધી રહ્યો છે?

ઇમેજ સ્રોત, PARSHOTTAMBHAISOLANKI/FB
પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા પરસોત્તમ સોલંકી વિશે કહે છે કે, "તેમના આવ્યા પહેલા કોળી જ્ઞાતિ 'કિંગ મેકર્સ'ની ભૂમિકામાં હતી, ત્યારબાદ તેઓ 'લોકપ્રતિનિધિ'ની ભૂમિકામાં સ્થાપિત થયા. તેમની સામેના વિકલ્પ તરીકે ભારતીબેન શિયાળ, આર. સી. મકવાણાને સ્થાપિત કરવા પાર્ટીએ પ્રયત્ન કર્યા, પણ તે સફળ થઈ શક્યા નહોતા."
કૌશિક મહેતા બીબીસી સાથે વાત કરતાં જણાવે છે કે, "પરસોત્તમ સોલંકી કોળી વોટબૅન્ક પર મજબૂત પકડ ધરાવે છે. તેમને મંત્રી બનાવવા પડ્યા છે, તે ભાજપની મજબૂરી હતી. ભાજપ હાલ પણ તેમનો વિકલ્પ શોધી રહી છે, પણ તે સ્થાપિત કરવામાં હજુ સફળ થઈ શકી નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












