કાંતિ અમૃતિયા : ત્રણ મહિના પહેલાં રાજીનામું આપવા તૈયાર થયેલા મોરબીના આ ધારાસભ્ય મંત્રી કેવી રીતે બની ગયા?

કાંતિ અમૃતિયા કોણ છે, અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદ, અમૃતિયા રાજ્કયક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કેવી રીતે બની ગયા, મોરબી ઝૂલતો પુલ દરમિયાન કૂદી પડ્યા, પ્રકાશ રવેશિયા મર્ડરકેસનો આરોપ, મોરબીમાંથી છ વખત ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KANTI AMRUTIYA/FB

ઇમેજ કૅપ્શન, મોરબી બ્રિજ દુર્ઘટના વખતે ચમકેલા કાંતિ અમૃતિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.
    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગુજરાત સરકારના લગભગ આખા મંત્રીમંડળને વીખી નાખી તેનું પુનર્ગઠન કર્યું. શુક્રવારે 21 મંત્રીઓએ હોદ્દો અને ગુપ્તતાના સોગંદ લીધા.

તેમાંથી 19 નવા ચહેરા છે. નવા ચહેરામાં કેટલાંક આશ્ચર્યજનક નામો પણ સામેલ હતાં, જેમાંથી એક નામ કાંતિલાલ અમૃતિયાનું હતું.

શુક્રવારે સાંજે મળેલી કૅબિનેટની બેઠકમાં અમૃતિયાને રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારની જસદણ બેઠક પરથી ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા આ મંત્રાલયના કૅબિનેટ મંત્રી છે.

કારણ કે, 16 મંત્રીઓનાં રાજીનામાં બાદ જે નામોની ચર્ચા થતી હતી, તેમાં કાંતિલાલ અમૃતિયાના નામની ચર્ચા ક્યાંય ન હતી.

હજુ ત્રણ જ મહિના પહેલાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સાથે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઉપર શાબ્દિક ટપાટપી થતા કાંતિલાલ અમૃતિયા પોતાના રાજીનામાનો પત્ર લઈને ગાંધીનગર પહોંચી ગયા હતા અને ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો.

હવે તેઓ અચાનક ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રી બની ગયા છે, આવું કેમ બન્યું?

કાંતિ અમૃતિયાએ જ્યારે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો

કાંતિ અમૃતિયા કોણ છે, અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદ, અમૃતિયા રાજ્કયક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કેવી રીતે બની ગયા, મોરબી ઝૂલતો પુલ દરમિયાન કૂદી પડ્યા, પ્રકાશ રવેશિયા મર્ડરકેસનો આરોપ, મોરબીમાંથી છ વખત ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB

ઇમેજ કૅપ્શન, વિવાદ પછી ગુજરાત વિધાનસભામાં ઇટાલિયા-અમૃતિયા મળી ગયા હતા, ત્યારે હળવાશથી ચર્ચા કરી હતી

જૂન 2025માં ગોપાલ ઇટાલિયા વિસાવદર વિધાનસભા સીટની પેટા ચૂંટણી જીતી જતા કાંતિલાલ અમૃતિયા એ ઇટાલિયાને પડકાર ફેંક્યો હતો કે તે મોરબીથી ચૂંટણી જીતી બતાવે.

ઇટાલિયાએ તે પડકાર સ્વીકારીને માંગણી કરી હતી કે અમૃતિયા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે જેથી મોરબી વિધાનસભા સીટ ખાલી પડે અને ત્યારબાદ ત્યાં પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થાય.

અમૃતિયા એ પણ તેમાં હા ભણી અને 14 જુલાઈના રોજ પોતાના સમર્થકો સાથે ગાંધીનગર પહોંચી ગયા અને પત્રકારોને તેમનો રાજીનામાનો પત્ર પણ બતાવ્યો. સાથે જ તેમણે માંગણી કરી કે ઇટાલિયા પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપે.

વિધાનસભાના બારણે બેસીને અમૃતિયા ગોપાલ ઇટાલિયાની રાહ જોવા લાગ્યા. એકાદ કલાક બેઠા બાદ અમૃતિયાએ પત્રકારો સાથે વાત કરતાં દાવો કર્યો કે ગોપાલ ઇટાલિયા રાજીનામું આપવા નથી આવ્યા તેથી તેઓ પણ રાજીનામું નહીં આપે.

કાંતિલાલ અમૃતિયા મંત્રી કઈ રીતે બની ગયા?

કાંતિ અમૃતિયા કોણ છે, અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદ, અમૃતિયા રાજ્કયક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કેવી રીતે બની ગયા, મોરબી ઝૂલતો પુલ દરમિયાન કૂદી પડ્યા, પ્રકાશ રવેશિયા મર્ડરકેસનો આરોપ, મોરબીમાંછી છ વખત ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Gujarat information

ઇમેજ કૅપ્શન, અમૃતિયાએ શુક્રવારે અન્ય મંત્રીઓ સાથે પદ અને ગુપ્તતાના શપથ લીધા
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કાંતિલાલ અમૃતિયાએ 1995માં પ્રથમ વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. ત્યાર પછી 1998, 2002, 2007 અને 2012માં પણ મોરબી સીટ પરથી વિજેતા થઈ સળંગ પાંચ ચૂંટણી જીતી મોરબી વિધાનસભા સીટમાં તેમનો દબદબો સ્થાપ્યો હતો.

તળપદી બોલીમાં અને વિનોદાત્મક શૈલીમાં ભાષણ આપવા માટે જાણીતા કાંતિલાલ અમૃતિયાને તેમના રાજકીય જીવનનો એક માત્ર પરાજય 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ખમવો પડ્યો હતો.

પાટીદાર આંદોલન દરમિયાન અમૃતિયા સહિત ભાજપના નેતાઓને આંદોલનકારીઓના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં અમૃતિયાનો કૉંગ્રેસના બ્રિજેશ મેરજા સામે પરાજય થયો. પરંતુ 2020માં મેરજાએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને ધારાસભ્ય તરીકે પણ રાજીનામું ધરી દીધું.

આથી, યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપે અમૃતિયાને અવગણીને મેરજાને ટિકિટ આપી અને મેરજા જીતી ગયા. સપ્ટેમ્બર-2021માં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું અને ભૂપેન્દ્ર પટેલ નવા મુખ્ય મંત્રી બન્યા.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મેરજા ગ્રામ્ય વિકાસ વિભાગના સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય કક્ષાના મંત્રી બન્યા, પરંતુ 2022ની ચૂંટણીમાં ભાજપે મેરજાને ટિકિટ ન આપી અને અમૃતિયાને ઉમેદવાર બનાવ્યા. તે ચૂંટણીમાં અમૃતિયાએ તેમના જૂના હરીફ જયંતીભાઈ પટેલને 62,079 મતોની રેકૉર્ડબ્રેક લીડથી હરાવી દીધા.

મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના વખતે અમૃતિયાએ શું કર્યું?

કાંતિ અમૃતિયા કોણ છે, અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વિવાદ, અમૃતિયા રાજ્કયક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કેવી રીતે બની ગયા, મોરબી ઝૂલતો પુલ દરમિયાન કૂદી પડ્યા, પ્રકાશ રવેશિયા મર્ડરકેસનો આરોપ, મોરબીમાંછી છ વખત ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, BIPIN TANKARIA

ઇમેજ કૅપ્શન, મોરબીના પુલની દુર્ઘટનાની ફાઇલ તસવીર

2022ની વિધાનસભાની ચૂંટણીના દોઢેક મહિના પહેલાં જ 30 ઑક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાં વહેતી મચ્છુ નદી પરનો ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડતા ત્રણસોથી વધારે લોકો નદીમાં ખાબક્યા હતા.

સંધ્યાટાણે બનેલી આ દુર્ઘટનામાં નદીમાં પટકાયેલા લોકોને બચાવવા અમૃતિયા પોતે નદીમાં કૂદી પડ્યા હતા અને તેમના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. લોકોને બચાવવા માટે સ્થાનિક લોકો અને સરકારી તંત્રે હાથ ધરેલી બચાવકામગીરી છતાં આ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

આ ઘટનાના થોડા દિવસો બાદ જ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી અને ભાજપે અમૃતિયાને ટિકિટ આપી હતી.

આ દુર્ઘટના બાબતે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સત્તાધારી પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન અમૃતિયા ગામડે-ગામડે ફર્યા અને મચ્છુ નદીમાં પટકાયેલ લોકોને બચાવવા તેઓ કેવી રીતે નદીમાં કૂદી પડ્યા હતા તેની વાત મતદારોને કરી.

હત્યા કેસમાં 2004માં સજા છતાં ચૂંટણીમાં જીત

1999માં મોરબી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશ રવેશિયાની હત્યાના કેસમાં અમૃતિયાનું નામ ઉછળ્યું હતું અને તેમની ધરપકડ પણ થઈ હતી. તે સમયે મોરબી રાજકોટ જિલ્લાનો એક તાલુકો હતો અને 2004માં રાજકોટની સેશન્સ કોર્ટે અમૃતિયા અને અન્ય છ આરોપીઓને જમીન વિવાદમાં રવેશિયાની હત્યાના દોષિત ઠેરવી બધાને જનમટીપની સજા કરી.

અમૃતિયાએ તે ચુકાદાને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો. ગુજરાત હાઇકોર્ટે ઑક્ટોબર-2007માં કાંતિલાલને પ્રકાશ રવેશિયા હત્યા કેસમાં નિર્દોષ જાહેર કર્યા. જેલમાંથી બહાર આવ્યાના થોડાક જ સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ભાજપે તેમને ટિકિટ આપતા અમૃતિયા મોરબી સીટ પરથી સતત ચોથી વાર ચૂંટણી જીતી ગયા.

અમૃતિયા તેના લડાયક સ્વભાવ માટે પણ જાણીતા છે.

પૂર્વ મંત્રી અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ જયંતીભાઈ કવાડિયાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "કાંતિભાઈ જમીનના માણસ છે, 100 ટકા જમીનના માણસ છે. લોકોને માળતા રહેવું એ તેમની કામ કરવાની પદ્ધતિ છે અને તેથી તેઓ ખૂબ લોકપ્રિય છે."

"પાટીદાર આંદોલન દરમિયાન મોરબી વિધાનસભા પાટીદાર મતદાતાઓની બહુમતિવાળી હોવા છતાં 2017ની ચૂંટણી તેઓ માત્ર 2000 મતોથી હાર્યા હતા, જયારે અન્ય જગ્યાએ ભાજપના ઉમેદવારો ત્રીસ-ત્રીસ હાજર મતોથી હાર્યા હતા."

કાંતિ અમૃતિયા સાથે ગરબા ક્લાસિસનો વિવાદ

કાંતિ અમૃતિયા કોણ છે, અમૃતિયા રાજ્કયક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી કેવી રીતે બની ગયા, મોરબી ઝૂલતો પુલ દરમિયાન કૂદી પડ્યા, પ્રકાશ રવેશિયા મર્ડરકેસનો આરોપ, મોરબીમાંથી છ વખત ધારાસભ્ય, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kantilal Amrutiya/FB

ઇમેજ કૅપ્શન, કાંતિ અમૃતિયાને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા છે.

કાંતિ અમૃતિયાને ગરબા શીખવવા માટે ચાલી રહેલા ક્લાસિસ સામે વાંધો પડ્યો હતો. મોરબીમાં ગરબા ક્લાસિસમાં અમુક યુવાનો છોકરીઓને ભરમાવતા હોવાના આક્ષેપ સાથે કેટલાક ક્લાસિસ બંધ કરાવાયા. ગરબા ક્લાસિસના સંચાલકોએ તેનો વિરોધ કર્યો ત્યાર પછી મોરબીમાં કાંતિ અમૃતિયાની આગેવાનીમાં એક જાહેર સભા યોજાઈ.

જાહેર સભામાં કાંતિ અમૃતિયાએ મંચ પરથી કહ્યું કે, "નવરાત્રીના ત્રણ મહિના પહેલાં પારંપરિક ગરબાના બદલે ગરબા ક્લાસિસમાં યુવાન છોકરીઓને ખોટી વાતો શીખવા મળે છે. કેટલાક અસામાજિક તત્ત્વો તેમને ભરમાવીને પ્રેમજાળમાં ફસાવીને બ્લૅકમેલ કરે છે. આવા ગરબા ક્લાસિસ બંધ થવા જોઈએ અને માત્ર પટેલની વાડીમાં બહેનોને ગરબા શીખવવામાં આવશે."

પટેલ ક્રાંતિ સેનાના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાના નિવેદન પછી વિવાદ થયો, કેટલાંક ગરબા સેન્ટરોને ધમકી મળી અને ક્યાંક તોડફોડ પણ થઈ.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ બીબીસી સાથેની વાતચીતમાં તે વખતે કહ્યું હતું કે "નવરાત્રીથી ત્રણેક મહિના અગાઉ ગરબા ક્લાસિસમાં ઍડમિશન લઈને કેટલાક તત્ત્વો ભોળી યુવતીઓને ફસાવે છે. તેઓ યુવતીઓને ડરાવે છે અને સમાધાનના નામે રૂપિયા પડાવે છે."

તેમણે કહ્યું કે, "આ બધું બે વર્ષથી શરૂ થયું છે જેની મને ઘણી ફરિયાદો મળી છે. તેના આધારે મેં યુવતીઓને ગરબા ક્લાસિસમાં જવાના બદલે પટેલ સમાજની વાડીમાં ગરબા શીખવા આવવા કહ્યું છે."

યુવાનોને મોબાઇલ નહીં આપવાને લઈને પણ કાંતિ અમૃતિયા વિવાદમાં રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, "યુવાન છોકરા છોકરીઓ રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમમાં ભરાઈને ચૅટિંગ કરતાં હોય તો ખોટા રસ્તે જઈ શકે છે. આ કોઈ વિવાદ ઊભો કરવા કે પબ્લિસિટી માટે નથી કે માત્ર પટેલ સમાજ માટે નથી. આ દરેક સમાજના લોકો માટે છે."

મોરબીમાં ગંદકીને લઈને પણ તેમની સામે વિવાદો થયા છે.

ચોમાસા દરમિયાન મોરબીમાં કેટલી ગંદકી અને અવ્યવસ્થા છે તેના વીડિયો વાઇરલ થયા પછી અમૃતિયાએ છ મહિનાની અંદર મોરબીનો વિકાસ કરવાનાં વચનો આપ્યાં હતાં. આ મામલે તેમની સામે વિરોધપ્રદર્શન પણ થયું હતું. તેમની સામે આરોપ હતા કે તેઓ સતત મોરબીથી ચૂંટાતા આવતા હોવા છતાં પ્રજાનાં કામો થતાં નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન