ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોને કયું ખાતું મળ્યું?

કૅબિનેટ, રાજ્યકક્ષાના અને સ્વતંત્ર પ્રભાર, કયા મંત્રીને કયું ખાતું સોંપાયું, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Gujarat Information

શુક્રવારે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓએ શપથ લીધા હતા. એ પછી સાંજે મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં કૅબિનેટની બેઠક મળી હતી.

આ બેઠકમાં નવા વરાયેલા મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી. જે મુજબ, મુખ્ય મંત્રી પટેલે સામાન્ય વહીવટ, માહિતી અને પ્રસારણ, એનઆરજી, ખાણ અને ખનીજ, મહેસૂલ, માર્ગ અને મકાન, જેવાં મંત્રાલય રાખ્યાં હતાં.

નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સંબંધિત વિભાગ, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ મંત્રાલય, પ્રવસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ જેવાં મંત્રાલયો ફાળવવામાં આવ્યાં છે.

કનુભાઈ દેસાઈને (નાણાં અને શહેરી વિકાસ), જિતુભાઈ વાઘાણી (કૃષિ, સહકાર, પશુપાલન, મત્સ્યોદ્યોગ અને પ્રોટોકોલ), ઋષિકેશ પટેલ (ઊર્જા અને પેટ્રોલિયમ, ગ્રામ નિર્માણ, સંસદીય બાબતો), કુંવરજીભાઈ બાવળિયા (શ્રમ અને રોજગાર તથા ગ્રામવિકાસ), નરેશ પટેલ (આદિજાતિ, ખાદી અને ગ્રામોદ્યોગ), અર્જુનભાઈ મોઢવાડિયા (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન તથા વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી), પ્રદ્યુમન વાજા (સામાજિક અધિકારિતા અને ન્યાય, પ્રાથમિક-ઉચ્ચ-પ્રૌઢ તથા તાંત્રિક શિક્ષણ) તથા રમણભાઈ સોલંકીને (અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો) ફાળવવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ કૅબિનેટકક્ષાના છે.

કૅબિનેટ, રાજ્યકક્ષાના અને સ્વતંત્ર પ્રભાર, કયા મંત્રીને કયું ખાતું સોંપાયું, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Bhupendra Patel/fb

ઇશ્વરસિંહ પટેલ (જળસંપત્તિ અને પાણી પુરવઠા), પ્રફુલ પાનસેરિયા (આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ) તથા મનીષાબહેન વકીલને (મહિલા અને બાળ કલ્યાણ) સ્વતંત્ર પ્રભાર સોંપવામાં આવ્યા છે. પ્રોટોકૉલ માટે પાનેસરિયા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા માટે વકીલ રાજ્યકક્ષાના મંત્રી રહેશે.

પરસોત્તમ સોલંકી પાસે રાજ્યકક્ષાના મત્સ્ય વિભાગનો પ્રભાર રહેશે. આ સિવાય કાંતિભાઈ અમૃતિયા (શ્રમ અને રોજગાર), રમેશભાઈ કટારા (કૃષિ, સહકાર, પશુપાલન), દર્શનાબહેન વાઘેલા (શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ), કૌશિકભાઈ વેકરિયા (કાયદો-ન્યાયતંત્ર,ઊર્જા પેટ્રોકેમિકલ્સ, કાયદાકીય તથા સંસદીય બાબતો), પ્રવીણકુમાર માળીની (વન અને પર્યાવરણ, જળવાયુ પરિવર્તન, વાહનવ્યવહાર) જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય મંત્રીઓની ઉપર નજર કરીએ તો જયરામભાઈ ગામિત (રમતગમત, યુવક અને સાંસ્કૃત્તિક બાબતો, ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પ્રવસન, યાત્રાધામ વિકાસ તથા નાગરિક ઉડ્ડયન), ત્રિકમ છાંગા (ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ), કમલેશ પટેલ (નાણાં, નશાબંધી અને આબકારી), સંજયસિંહ મહિડા (મહેસૂલ, પંચાયત, ગ્રામ વિકાસ), પૂનમભાઈ બરંડા (આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક), સ્વરૂપજી ઠાકોર (ખાદી અને ગ્રામોદ્યોગ) તથા રીવાબા જાડેજા (પ્રાથમિક, માધ્યમિક તથા પ્રૌઢ શિક્ષણ) વિભાગ ફાળવવામાં આવ્યાં છે.

હર્ષ સંઘવી સહિત કોણે કોણે શપથ લીધા?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, cmo gujarat

ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં ઉપરાંત હર્ષ સંઘવી (મજૂરા), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), જિતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), નરેશ પટેલ (ગણદેવી), પ્રફુલ પાનસેરિયા (કામરેજ), દર્શના વાઘેલા (અસારવા), કાંતિલાલ અમૃતિયા (મોરબી), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), રમેશ કટારા (ફતેપુરા), મનીષા વકીલ (વડોદરા શહેર), ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), કૌશિક વેકરિયા (અમરેલી), પ્રવીણ માળી (ડીસા) ડૉ. જયરામ ગામિત (નિઝર)એ શપથ લીધા છે. ત્રિકમ છાંગા (અંજાર), કમલેશ પટેલ (પેટલાદ), સંજયસિંહ મહીડા (મહુધા)એ શપથ લીધા છે. પીસી બરંડા (ભિલોડા), સ્વરૂપજી ઠાકોર (વાવ), રીવાબા જાડેજા (જામનગર ઉત્તર)એ મંત્રી તરીકે શપથ લીધા છે.

મંત્રીમંડળ વિસ્તરણમાં સ્થાન ન મળવા વિશે અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલે શું કહ્યું?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, Hardik Patel/fb

ઇમેજ કૅપ્શન, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરનું નામ મંત્રીમંડળમાં સમાવાશે તેવી ચર્ચા થતી હતી, પરંતુ બંનેને સ્થાન અપાયું નથી

એક સમયે પાટીદાર આંદોલનનો ચહેરો બનેલા હાર્દિક પટેલ અને ઓબીસી આગેવાન અલ્પેશ ઠાકોરનું નામ મંત્રીમંડળમાં સમાવાશે તેવી ચર્ચા થતી હતી, પરંતુ બંનેને સ્થાન અપાયું નથી.

આ વિશે બીબીસી સાથે વાત કરતા ગાંધીનગરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "મંત્રીમંડળ વિસ્તરણમાં શુભકામના આપવાની હોય. જેટલા પણ મંત્રી બન્યા છે તે બધા યુવાન છે. મહિલાઓ છે. ડાયનેમિક છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયા છે. જેમની પસંદગી થઈ છે તેઓ ગુજરાત માટે સારું કામ કરશે. બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીની પસંદગી થઈ છે તેનો આનંદ છે."

તેમની પસંદગી કેમ નથી થઈ તે વિશે પૂછવામાં આવતા અલ્પેશ ઠાકોરે કહ્યું કે "પાર્ટીએ જે પસંદગી કરી છે તેમને શુભકામના આપવાનો પ્રસંગ છે. રાજકારણમાં પાર્ટી જે નિર્ણય લે તેને સ્વીકારવો જોઈએ. જવાબદારીને નિભાવવા પ્રયાસ કરવો જોઈએ."

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ

બીજી તરફ વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ વિસ્તરણ અંગે કહ્યું કે "આ વિસ્તરણ આવનારા દિવસો માટે મહત્ત્વનું સાબિત થશે. તમામ વિસ્તારોના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવા પ્રયાસ કરાયો છે."

હાર્દિક પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ ન થયો તેના વિશે તેમણે કહ્યું કે "મુખ્ય મંત્રી અને દેશના ગૃહમંત્રી અમદાવાદ જિલ્લામાંથી આવે છે."

પોતાની આશાઓ અને અપેક્ષાઓ અંગે તેમણે કહ્યું કે, "હજુ બે વર્ષથી હું ધારાસભ્ય બન્યો છું. મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તે સારું થયું, કારણ કે તેનાથી હું બે અઢી વર્ષ મારા મતક્ષેત્રમાં કામ કરી શકીશ."

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, cmo gujarat

નવા મંત્રી બનેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ મીડિયાને જણાવ્યું કે, પાર્ટીએ મને મંત્રી તરીકે જે જવાબદારી સોંપી છે તેના માટે સમગ્ર ગુજરાતમાં નિષ્ઠાથી કામ કરીશું અને અમારી જવાબદારી નિભાવીશું.

જામનગરનાં સાંસદ પુનમબહેન માડમે બીબીસીને મંત્રીમંડળના વિસ્તરણ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે "અનુભવી, યુવાનો અને મહિલા એમ દરેક વર્ગને સમાવીને સંતુલિત મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે."

તેમણે કહ્યું કે "ત્રણ મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. અમે માત્ર વાતો નથી કરતા, પરંતુ જે વાત કરીએ તેને અનુસરીએ છીએ."

જયેશ રાદડિયાનું નામ ન આવતા શું કહ્યું?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ

જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "તમામ જ્ઞાતિઓ અને ઝોનને સંતુલિત કરીને આ નવું મંત્રીમંડળ બન્યું છે. પાટીદાર સમાજના ચાર મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે."

પોતાના નામનો સમાવેશ ન થવા વિશે રાદડિયાએ કહ્યું કે, "ઘણાં નામોની ચર્ચા થતી હોય છે. પરંતુ પક્ષનો નિર્ણય શિરોમાન્ય રહે છે. હું માત્ર 30 વર્ષનો હતો ત્યારથી સરકારમાં જવાબદારી સંભાળું છું અને છેલ્લાં 10 વર્ષમાં મેં સરકારમાં અલગ-અલગ વિભાગો સંભાળ્યા છે."

અગાઉના મંત્રીમંડળમાં કોની પાસે કયાં ખાતાં હતાં?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/fb

ઇમેજ કૅપ્શન, રાઘવજી પટેલ અને હર્ષ સંઘવી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉના મંત્રીમંડળમાં કૅબિનેટ મંત્રીઓની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ પાસે નાણા અને ઊર્જા મંત્રાલય હતું, જ્યારે ઋષિકેશ પટેલ પાસે આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તકનીકી શિક્ષણ, કાયદો, ન્યાય ખાતું હતાં.

રાઘવજી પટેલ પાસે અગાઉના મંત્રીમંડળમાં કૃષિ, પશુ સંવર્ધન, માછીમારી, ગ્રામીણ વિકાસ ખાતાં હતાં. બળવંતસિંહ રાજપૂત પાસે ઉદ્યોગ, કુટીર, ખાદી ગ્રામોદ્યોગ, શ્રમ ખાતાં હતાં જ્યારે કુંવરજી બાવળિયાને જળ સંસાધન, પાણી પુરવઠો અને ખાદ્યાન્ન ખાતાં હતાં.

મુળુભાઈ બેરા પાસે પર્યટન મંત્રાલય, કુબેર ડિંડોરને આદિવાસી વિકાસ મંત્રાલય અને ભાનુબેન બાબરિયા પાસે સામાજિક ન્યાય અને મહિલા સશક્તીકરણ તથા બાળ કલ્યાણ ખાતાં હતાં.

રાજ્યકક્ષાના મંત્રીઓમાં હર્ષ સંઘવી પાસે ગૃહ, રમતગમત ખાતું હતું, જ્યારે તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બનેલા જગદીશ વિશ્વકર્મા (પંચાલ) પાસે સહકાર, નમક ઉદ્યોગનાં ખાતાં હતાં. પરસોત્તમ સોલંકીને મત્સ્ય, બચુભાઈ ખાવડને પંચાયત અને કૃષિ મંત્રાલય તથા મુકેશ પટેલને વન અને પર્યાવરણ મંત્રાલયનો રાજયકક્ષાનો હવાલો અપાયો હતો.

પ્રફુલ પાનસેરિયા સંસદીય બાબતો અને પ્રાથમિક શિક્ષણમંત્રી હતા, જ્યારે ભીખુસિંહ પરમાર પાસે ખાદ્યાન્ન અને સામાજિક ન્યાય ખાતાં હતાં. કુંવરજી હળપતિને અગાઉના મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા અને તેમને આદિવાસી વિકાસ, શ્રમ અને રોજગારની જવાબદારી અપાઈ હતી.

મંત્રીમંડળના ફેરફારો અંગે અમિત શાહે શું કહ્યું?

બીબીસી ગુજરાતી મંત્રીમંડળ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ અમિત શાહ

ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યો છે ત્યારે ગૃહમંત્રી અમિત શાહે એક ટીવી ચૅનલને કહ્યું કે "ગુજરાતમાં 10 મંત્રીઓ ઉમેરવાનો અવકાશ છે. મુખ્ય મંત્રીની અનુકૂળતા માટે બધાએ રાજીનામાં આપ્યાં છે જેથી તેઓ પોતાની ટીમ પસંદ કરી શકે."

તેમણે દાવો કર્યો કે આને ચૂંટણી સાથે કોઈ લેવા દેવા નથી."

ગુજરાતમાં 1995માં કેશુભાઈ પટેલની આગેવાનીમાં ભાજપ સત્તા પર આવ્યા પછી શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે થોડો સમય વિક્ષેપ પડ્યો. આ દરમિયાન રાષ્ટ્રપતિ શાસનનો દોર પણ આવી ગયો.

પરંતુ માર્ચ 1998માં કેશુભાઈ પટેલ ફરીથી મુખ્ય મંત્રી ત્યારથી ભાજપે નિરંતર સત્તા જાળવી રાખી છે. 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યાર બાદ આનંદીબહેન અને વિજય રૂપાણી મુખ્ય મંત્રી બન્યાં, પરંતુ બંનેનો કાર્યકાળ પૂરો થાય તે અગાઉ અધવચ્ચેથી રાજીનામાં આપી દીધાં હતાં.

સપ્ટેમ્બર 2021થી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે, જેમની આગેવાનીમાં ભાજપ 2022ની વિધાનસભા ચૂંટણી પણ જીત્યો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન