ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કયા નવા ચહેરાનો સમાવેશ થયો?

ઇમેજ સ્રોત, cmo gujarat
ગુજરાતમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક ધારાસભ્યોને પહેલી વખત મંત્રીપદ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલાકને પડતા મૂકવામાં આવ્યા છે.
આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રીઓને નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા.
શપથવિધિ સમારોહમાં સૌથી પહેલાં હર્ષ સંઘવી (મજુરા વિધાનસભા બેઠક)એ નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યાર પછી જિતુ વાઘાણી (ભાવનગર પશ્ચિમ), નરેશ પટેલ (ગણદેવી), અર્જુન મોઢવાડિયા (પોરબંદર), ડૉ. પ્રદ્યુમન વાજા (કોડીનાર), રમણ સોલંકી (બોરસદ)એ શપથ લીધા હતા.
ત્યાર બાદ ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર), પ્રફુલ પાનસેરિયા (કામરેજ) અને મનીષા વકીલ (વડોદરા શહેર)એ સ્વતંત્ર હવાલા સાથે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
કાંતિલાલ અમૃતિયા (મોરબી), રમેશ કટારા (ફતેપુરા), દર્શના વાઘેલા (અસારવા), કૌશિક વેકરિયા (અમરેલી), પ્રવીણ માળી (ડીસા), ડૉ. જયરામ ગામિત (નિઝર)એ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
તેમના પછી ત્રિકમ છાંગા (અંજાર), કમલેશ પટેલ (પેટલાદ), સંજયસિંહ મહીડા (મહુધા), રીવાબા જાડેજા (જામનગર ઉત્તર), પીસી બરંડા (ભિલોડા), સ્વરૂપજી ઠાકોર (વાવ)એ શપથ લીધા હતા. તેઓ પણ રાજ્યકક્ષાના મંત્રી બનશે.
ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળનાં નવાં ચહેરા

ઇમેજ સ્રોત, Gujarat Information
આ વખતે મંત્રીમંડળમાં નવા ચહેરા પર નજર નાખવામાં આવે તો તેમાં અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જિતુ વાઘાણી, નરેશ પટેલ, પીસી બરંડા, કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, રમેશ કટારા, જયરામ ગામિત, દર્શનાબહેન વાઘેલા, પ્રદ્યુમન વાઝા, મનીષા વકીલ, પ્રવીણ માળી, સંજયસિંહ મહીડા, કમલેશ પટેલ, ત્રિકમ છાંગા, સ્વરૂપજી ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અગાઉના મંત્રી ઋષિકેશ પટેલ (વીસનગર), કુંવરજી બાવળિયા (જસદણ), પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), કનુભાઈ દેસાઈ (પારડી) અગાઉની કૅબિનેટ સાથે સળંગ હોવાથી તેમણે રાજીનામાં આપ્યાં નથી તેવું જાણવા મળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અર્જુન મોઢવાડિયા એક સમયે કૉંગ્રેસના સૌથી પીઢ નેતાઓ પૈકી એક હતા, પરંતુ 2024માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા હતા. 2002માં તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. ભાજપમાં આવ્યા પછી તેઓ પહેલી વખત મંત્રી બન્યા છે.
આ વખતના મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ કોઈને કૅબિનેટ પદ આપવામાં આવ્યું નથી.
કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા હોય તેવા કેટલાક ધારાસભ્યોએ મંત્રીપદ ગુમાવવું પડ્યું છે. આવા નેતાઓમાં બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિ અને રાઘવજી પટેલ સામેલ છે.
અગાઉની કૅબિનેટમાંથી કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, હર્ષ સંઘવી, પ્રફુલ પાનસેરિયા, પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે.
અમરેલીમાં પાયલ ગોટી પ્રકરણથી વિવાદમાં આવેલા કૌશિક વેકરિયાને મંત્રીપદ મળ્યું છે. તેવી જ રીતે મોરબી બ્રિજ દુર્ઘટના વખતે ચમકેલા કાંતિ અમૃતિયાનો પણ મંત્રીમંડળમાં સમાવેશ થયો છે. તાજેતરમાં આપના ગોપાલ ઇટાલિયાને રાજીનામું આપવાનો પડકાર ફેંકીને કાંતિ અમૃતિયાએ ચર્ચા જગાવી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












