હર્ષ સંઘવી યુવા વયે ગુજરાતમાં નાયબ મુખ્ય મંત્રી કેવી રીતે બની ગયા? તેમનું કદ વધવા પાછળનાં પાંચ કારણો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, Harsha Sanghvi/FB

ઇમેજ કૅપ્શન, હર્ષ સંઘવીએ શુક્રવારના શપથવિધિ સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા

શુક્રવારે ગુજરાતના મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહમાં જૂના મંત્રીમંડળના કુલ દસ મંત્રીઓની 'બાદબાકી' કરતાં વધુ ચર્ચા અગાઉના મંત્રીમંડળમાં ગૃહરાજ્ય મંત્રી રહી ચૂકેલા હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્ય મંત્રીનું પદ મળવાની વાતની રહી.

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શપથગ્રહણ સમારોહ શરૂ થતાં પહેલા ક્રમે હર્ષ સંઘવીએ જ શપથ લીધા.

હર્ષ સંઘવી બાદ પાંચ કૅબિનેટ મંત્રીઓ, ત્રણ રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 12 રાજ્ય કક્ષાનાં મંત્રીઓએ શપથ લીધા હતા.

આમ, મુખ્ય મંત્રી સહિત ગુજરાતના મંત્રીમંડળનું કદ વધીને હવે 26 થઈ ચૂક્યું છે.

ગુરુવારે સાંજે રાજ્ય સરકારના મંત્રીઓનાં રાજીનામાંના સમાચાર આવતાં જ હર્ષ સંઘવી સહિત ઘણા રાજનેતાઓના રાજકીય ભવિષ્ય અંગે જાતભાતની આશંકાઓ વ્યક્ત કરાઈ રહી હતી.

જોકે, એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્ય મંત્રી બનાવાશે એવી નિશ્ચિત આગાહી અમુક જ લોકો કરી શક્યા હશે.

હવે નાયબ મુખ્ય મંત્રી તરીકેના શપથ લીધા બાદ હર્ષ સંઘવી રાજ્યના છઠ્ઠા નાયબ મુખ્ય મંત્રી બની ચૂક્યા છે.

હર્ષ સંઘવીને ગૃહ મંત્રાલય સંબંધિત વિભાગ, નશાબંધી અને આબકારી, વાહનવ્યવહાર, કાયદો અને ન્યાયતંત્ર, રમતગમત અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ, ઉદ્યોગ મંત્રાલય, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન અને યાત્રાધામ વિકાસ જેવાં મંત્રાલય ફાળવવામાં આવ્યાં છે.

ઘણા રાજકીય વિશ્લેષકો આને હર્ષ સંઘવીનું 'રાજકીય પ્રમોશન' ગણાવી રહ્યા છે.

બીબીસી ગુજરાતીએ મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીનું રાજકીય કદ વધવા પાછળનાં સંભવિત કારણો અંગે જાણવા માટે કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.

'ભાજપનો કટ્ટર હિંદુવાદનો એજન્ડા બરોબર અમલમાં મૂક્યો'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, Jagdish Achrya/FB/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીના વધેલા કદ પાછળનાં સંભવિત કારણો અંગે કહ્યું, "જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનું નવું મંત્રીમંડળ બન્યું ત્યારે જ હર્ષ સંઘવીને ગૃહરાજ્ય મંત્રી તરીકે બીજા ક્રમનું પદ મળી ગયું હતું. આમ, હર્ષ સંઘવીને એ સમયે જ ખૂબ મહત્ત્વની જવાબદારી સોંપી દેવામાં આવી હતી."

તેઓ કહે છે કે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હોવાને કારણે ચોક્કસ લોકોને પસંદ પડે એવાં પગલાં લેવાની તેમની પાસે તક હોય.

"જેમ કે, કોઈ જગ્યાએ તોફાન થાય તો તેવી સ્થિતિમાં કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમુદાય સામે પગલાં લેવાં, તેનાં ઘરો તોડી પાડવાં, તેનાં સરઘસ કાઢવાં વગેરે બાબતો આમાં સામેલ છે. આ બધી કામગીરી તેઓ ગૃહરાજ્ય મંત્રી હોવાને કારણે કરી શક્યા. આવી રીતે તેમણે 'ભાજપના કટ્ટર હિંદુવાદના એજન્ડા'ને બરોબર અમલમાં મૂક્યો. એટલે હર્ષ સંઘવી પહેલેથી બીજા નંબરે તો હતા જ, અને હવે તેમને આ વધારાની જવાબદારી સોંપવામાં આવી છે."

વરિષ્ઠ પત્રકાર અને સુરતના રાજકારણના જાણકાર નરેશ વરિયા કહે છે કે, "પહેલી વખત ધારાસભ્ય બન્યા બાદ એણે પોતાના હોદ્દાનો ઉપયોગ કર્યો હતો. મંત્રીપદ મળ્યા બાદ તેમણે અહીં યુપીમાં જેમ 'યોગી દબંગ નિવેદનો' આપે છે, એવાં નિવેદનો આપ્યાં. મંત્રી બન્યા બાદ હાર્ડકોર હિંદુત્વના એજન્ડાને આગળ ધપાવવાનાં કામ કર્યાં."

હર્ષ સંઘવીનો 'લોકપ્રિયતા માટે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, Naresh Variya/FB/BBC

જગદીશ આચાર્ય આગળ કહે છે કે આ સિવાયનાં કારણોની વાત કરીએ તો હર્ષ સંઘવી તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ સક્રિય હતા, તેમજ સોશિયલ મીડિયા પર પણ તેમની સારી સક્રિયતા હતી.

"અખબારોમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના સમાચારો કરતાં હર્ષ સંઘવીના સમાચારો વધુ આવતા. આમ, હર્ષ સંઘવી ક્રમશ: ભાજપનો એક મજબૂત ચહેરો બનતા ગયા."

નરેશ વરિયા કહે છે કે, "હર્ષ સંઘવી યુવાન છે, અને હાલ યુવાનોને આક્રમક નિવેદનો આપતા રાજનેતાઓ ગમે છે. આખી દુનિયામાં આ જ ટ્રેન્ડ છે. આ બાબત પણ હર્ષ સંઘવીના પક્ષમાં કામ કરી ગઈ."

સુરતના વધુ એક વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલ જણાવે છે કે, તેમના જેટલો સોશિયલ મીડિયાનો ઉપયોગ કદાચ ગુજરાતમાં અન્ય કોઈ રાજનેતા નથી કરતા. આવી રીતે તેઓ પાછલા ઘણા સમયથી લોકોની નજરમાં સતત રહી રહ્યા છે. ભલે ઓછું ભણ્યા હોય, પરંતુ તેમનામાં કોઠાસૂઝનો અભાવ નથી. તેમને કેવી રીતે પોતાની લોકપ્રિયતા વધારવી એનો બરાબર ખ્યાલ છે."

તેઓ કહે છે કે, "ગુજરાતમાં જ્યારે પણ કોઈ મોટી ઘટનાના સમાચાર આવે ત્યારે હર્ષ સંઘવી હંમેશાં આવી ઘટનાસ્થળ પર પહોંચી જતા હતા. અને ત્યાં પહોંચીને લોકપ્રિય લાગણી પ્રમાણેનાં પગલાં લેતાં હતા. આવી ઘટનાઓને કારણે તેમની લોકપ્રિયતા વધી."

સંઘવીનો રાજનેતાઓ અને હસ્તીઓ સાથે ઘરોબો

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, Harsh Sanghvi/FB

ઇમેજ કૅપ્શન, આઠમા ધોરણમાંથી ઊઠી ગયા પછી કારખાનું સંભાળવા સાથે જાહેરજીવનમાં તેમને રસ પડવા લાગ્યો હતો.

જગદીશ આચાર્ય કહે છે કે, "શરૂઆતથી જ સ્પષ્ટ હતું કે ભાજપના મોવડી મંડળ અને સીઆર પાટીલ સહિતની સુરતની લૉબીના હર્ષ સંઘવી પર પહેલાંથી આશીર્વાદ હતા."

વિક્રમ વકીલ જણાવે છે કે, "તેઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુડ બુક્સમાં હોવાની સાથોસાથ તેમની નૅગેટિવ બુકમાં બિલકુલ નથી, આ વાત તેમના પક્ષમાં છે."

"આ સિવાય ભાજપ કે આરએસએસના કોઈ પણ મોટા નેતા કે હસ્તીઓનો સુરત ખાતેના કાર્યક્રમની જવાબદારી તેઓ હાથોહાથ ઉપાડી લેતા. જેના કારણે તેમના ઘણા સંપર્કો બનતા ગયા."

સામાજિક ફૅક્ટર

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, Harsh Sanghvi/FB

ઇમેજ કૅપ્શન, ભાજપમાંથી સૌથી નાની વયે - 37 વર્ષની ઉંમરે અમિત શાહને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી બનાવાયા હતા. હર્ષ સંઘવી તેનાથી એક વર્ષ નાની ઉંમરે - 36 વર્ષે જ આ પદે પહોંચ્યા હતા.

વરિષ્ઠ પત્રકાર વિક્રમ વકીલ જણાવે છે કે, "આજે પણ તેઓ અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત જૈન મહારાજસાહેબોના કાર્યક્રમોમાં જાય છે અને જૈન સમાજના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપે છે."

"આ ઉપરાંત સુરત અને ગુજરાતમાં જૈન અને રાજસ્થાની જૈન સમાજ ખૂબ અસરકારક છે, તેમાં પણ તેમની પકડ છે. એક રીતે હાલના સમયમાં તેઓ જૈન સમાજના એકમાત્ર નેતા છે."

નરેશ વરિયા કહે છે કે, "એ જૈન સમાજમાંથી આવે છે, અને જૈન સમાજનું ગુજરાતના રાજકારણમાં સંખ્યાબળ ભલે ન હોય, પરંતુ રાજ્યના રાજકારણ અને સમાજકારણમાં એ સૌથી અસરકારક સમાજ છે. આ પાસાએ પણ ગુજરાતના રાજકારણમાં તેનું કદ વધાર્યું છે."

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સત્તા પર કાપ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, હર્ષ સંઘવી, ગુજરાતનું નવું મંત્રીમંડળ, અમદાવાદ, સુરત

ઇમેજ સ્રોત, rivabajadeja_official/Social media

ઇમેજ કૅપ્શન, સુરતના જ હોવાથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની નિકટ મનાય છે.

આ સિવાયના કારણ અંગે વાત કરતાં આચાર્ય કહે છે કે, "હર્ષ સંઘવીને નાયબ મુખ્ય મંત્રીપદ આપીને મુખ્ય મંત્રીનું ભારણ ઓછું કરવાનો પ્રયાસ પણ કરાયો છે, તેમજ મુખ્ય મંત્રીની સત્તા પર કાપ મૂકવાનું કામ પણ થઈ ગયું છે."

જગદીશ આચાર્યના મતે આ મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતને 'વધુ મહત્ત્વ' મળ્યું છે. તેમજ સુરતમાં રહીરહીને 'પટેલવાદ અને સૌરાષ્ટ્રવાદ' જાગૃત થતો હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જો સુરતને પક્ષ માટે વધુ મજબૂત બનાવવું હોય તો ત્યાં આવા મજબૂત નેતાઓને પ્રોજેક્ટ કરવા પડે. આ બધાં કારણોને લીધે પણ પાર્ટીએ હર્ષ સંઘવીને નાયબ મુખ્ય મંત્રીપદ આપ્યું છે.

નરેશ વરિયા હર્ષ સંઘવીનું રાજકીય કદ વધવા પાછળનાં કારણો અંગે અંતે કહે છે કે, "એ વાત તો માનવી પડે કે હર્ષ સંઘવીએ કાર્યકર્તાકાળથી માંડીને પોતાના મંત્રીકાળ દરમિયાન સક્રિયતા બતાવી છે. જે તેને અંતે ફળી છે."

વિક્રમ વકીલ જણાવે છે કે, "હર્ષ સંઘવીની નાયબ મુખ્ય મંત્રી તરીકેની પસંદગી જોઈને લાગે છે કે ભાજપને હવે આગામી મુખ્ય મંત્રી યુવા વર્ગમાંથી જોઈએ છે, કારણ કે પાર્ટી યુવાનો અને પ્રથમ વખતના મતદારોને આકર્ષવા માગે છે."

હર્ષ સંઘવીના વિવાદો

2021માં રૂપાણી પ્રધાનમંડળને રવાના કરવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળી ગયું

ઇમેજ સ્રોત, Harsh Sanghavi/FB

ઇમેજ કૅપ્શન, 2021માં રૂપાણી પ્રધાનમંડળને રવાના કરવામાં આવ્યું ત્યારે યુવા પણ આશાસ્પદ નેતા તરીકે સંઘવીને સ્થાન મળી ગયું

તેમની સાથે કેટલાક વિવાદો પણ જોડાયેલા છે.

તારીખ 18 મે, 2023ના રોજ ગુજરાતના મોરબીમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક નિવેદનમાં કહ્યું હતું, "જો કોઈ સલીમ, સુરેશ બનીને આપણી ભોળી દીકરીઓને ફસાવશે તો તેમનો ભાઈ બનીને અહીં આવ્યો છું. અને જો કોઈ સુરેશ, સલીમ બનીને પ્રેમ કરે તો તે પણ ખોટું છે."

તેમણે કહ્યું હતું કે આવી કોઈ ફરિયાદ આવશે તો તેને ગંભીરતાથી લેવામાં આવશે.

આ નિવેદન બાદ પણ રાજ્યમાં વિવાદ થયો હતો. જોકે કેટલાક લોકોએ હર્ષ સંઘવીના નિવેદનને વધાવ્યું પણ હતું.

તેમનાં કેટલાંક નિવેદનોએ પણ વિવાદ સર્જ્યો હતો.

તાજેતરમાં નવરાત્રિ દરમિયાન ગાંધીનગર નજીક બહિયલ ગામે હિંદુ-મુસ્લિમો વચ્ચે ડખો થયો હતો. ત્યાર પછી બહિયલમાં ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કથિત ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી હતી.

આ કાર્યવાહીની હિમાયત કરતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, "નવરાત્રિ દરમિયાન પથ્થરો મારીને આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. સૂરજના પહેલા કિરણની સાથે જ ઘરના દરવાજા તોડીને તમામ તોફાનીઓને પકડવામાં આવ્યા છે, ત્યાર પછી તેમની આવક શું છે, ક્યાંથી આવક થાય છે તે જાણીને બધા લોકોને થયેલા નુકસાનની ભરપાઈ કરીને પછી જ શાંતિ લઈશું."

આ નિવેદનને કારણે પણ વિવાદ થયો હતો.

ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વારંવાર ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે અને ગુનાઈત કેસમાં સંડોવાયેલા આરોપીઓનાં ઘર તોડી પાડવામાં આવે છે. હર્ષ સંઘવીએ બુલડોઝરથી ઘર તોડી પાડવાની ઘણી વખત હિમાયત કરી છે. તેમણે આરોપીઓનો 'વરઘોડો' કાઢવામાં આવે તેની પણ તરફેણ કરી છે. તેમનું માનવું છે કે રાજ્યની સુરક્ષા માટે આ જરૂરી છે.

પહલગામમાં પ્રવાસીઓ પર હુમલાની ઘટના પછી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં કથિત બાંગ્લાદેશીઓને પકડવામાં આવ્યા હતા અને તેમનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. તે વખતે સંઘવીએ ચેતવણી આપી હતી કે "તમામ ગેરકાયદે બાંગ્લાદેશીઓ અને પાકિસ્તાનીઓ સામે ચાલીને પોલીસ સ્ટેશને જઈને સરેન્ડર કરી દે, નહીંતર ગુજરાત પોલીસ ભૂતકાળમાં ક્યારેય નહીં થઈ હોય તેવી કાર્યવાહી કરશે."

ગુજરાત વર્ષોથી ડ્રગ્ઝની હેરફેરનો રૂટ રહ્યો છે, પણ મોટાં શહેરોમાં ડ્રગ્ઝનું દૂષણ પણ થોડું વધી રહ્યું છે ત્યારે સતત દરોડા દ્વારા કામગીરી બતાવવાનો સંઘવીએ પ્રયત્ન કર્યો છે.

તેની સામે બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડને કારણે છાપ ખરડાઈ પણ હતી. પોલીસની ભાગીદારીથી દેશી દારૂના અડ્ડા ધમધમે છે તેવી ફરિયાદો સરપંચ સહિતના લોકોએ વારંવાર કરી છતાં કામગીરી ના થઈ. દારૂમાં કેમિકલ ભેળવાયું અને 70થી વધુ લોકોનાં મોત થઈ ગયાં.

પોલીસને ગ્રેડ પેના મામલે અસંતોષ જાગ્યો તે ઠારવામાં પણ ધારી સફળતા ના મળી અને આપની જાહેરાત પછી સરકારે પોલીસ કર્મચારીઓને મનાવવા જાહેરાત કરવી પડી તેવી ટીકાનો પણ સામનો કરવો પડ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન