એ કારણો જેને લીધે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીપદ ન મળ્યું

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Alpesh Thakor/Trikam Chhanga/FB/ANI

ઇમેજ કૅપ્શન, ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વીરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનાં નામ નવા મંત્રીમંડળમાં સમાવાશે તેવી ચર્ચા હતી.

શુક્રવારે રાજ્યના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં 21 મંત્રીઓએ શપથ લીધા હતા.

આ સાથે જ રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને તેના માટે ચર્ચાઈ રહેલાં નામો અંગેની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

21 મંત્રીઓ પૈકી અગાઉના મંત્રીમંડળમાં ગૃહરાજ્ય મંત્રી રહેલા સુરતની મજૂરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય હર્ષ સંઘવીએ રાજ્યના છઠ્ઠા નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.

એ સિવાય કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અર્જુન મોઢવાડિયાનો મંત્રીપદ હાંસલ કરવાનો ઇંતેજાર પણ આ સમારોહમાં સમાપ્ત થયો હતો. તેમના સહિત પાંચ ધારાસભ્યોએ કૅબિનેટ મંત્રી તરીકેના શપથગ્રહણ કર્યા હતા.

આ ઉપરાંત ત્રણ ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને રીવાબા જાડેજા સહિત 12 ધારાસભ્યોએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના શપથ લીધા હતા.

જોકે, ગુરુવારે ગુજરાતના કેટલાક મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદથી નવા મંત્રીમંડળ માટે ઘણા ધારાસભ્યોનાં નામ ચર્ચાઈ રહ્યાં હતાં.

જેમાં ગાંધીનગર દક્ષિણના ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને વીરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલનાં નામ પણ ચર્ચામાં હતાં. પરંતુ ઘણાં અન્ય મોટાં નામો સહિત આ બંને નેતાઓને ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવાયા નહોતા.

આ સાથે જ આ બંને નેતાઓને કેમ નવા મંત્રીમંડળમાં તક ન મળી એ પાછળનાં કારણો અંગે ચર્ચા શરૂ થઈ હતી.

બીબીસી ગુજરાતીએ આ બંને નેતાઓને મંત્રીમંડળમાં ન સમાવવા પાછળનાં સંભવિત કારણો અંગે રાજકીય નિષ્ણાતોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો.

અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને કેમ મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને જાણીતા રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને નવા મંત્રીમંડળમાં સ્થાન કેમ ન મળ્યું એનાં સંભવિત કારણો વિશે જણાવ્યું :

"ભાજપે આ વખત કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયેલા નેતા અર્જુન મોઢવાડિયાને પણ આ વખત મંત્રીમંડળમાં સ્થાન આપ્યું છે. પણ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ એ ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી સામે થયેલાં આંદોલનોના મુખ્ય ચહેરા હતા."

"જે તે સમયે ચૂંટણીલક્ષી વ્યૂહરચનાના ભાગરૂપે આ બંને નેતાઓને કૉંગ્રેસમાંથી ભાજપમાં લવાયા. ભાજપમાં સ્થાન આપ્યા પછી પણ આ મંત્રીમંડળમાં બંનેને સામેલ ન કરીને પક્ષે એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે - તમે માત્ર ધારાસભ્યો જ છો."

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય આગળ જણાવે છે કે, "અહીં આ બંને નેતાઓને એવો સ્પષ્ટ સંદેશો અપાયો છે કે - તમારું મહત્ત્વ માત્ર ધારાસભ્ય જેટલું જ છે, હજુ સુધી મંત્રીપદ સુધીની લાયકાત તમે મેળવી શક્યા નથી."

તેઓ આગળ જણાવે છે કે, "ભૂતકાળમાં ભાજપ સામે આટલાં બધાં આંદોલનો કરનાર, ભાજપના નેતાઓ સામે આટલા બધા આક્ષેપો કરનાર નેતાને જ જો ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળમાં સ્થાન આપે તો એનાથી પક્ષની પ્રતિષ્ઠાને પણ નુકસાન થાય."

"અહીં ત્રીજો મુદ્દો એ છે કે ભાજપનું મોવડી મંડળ સ્પષ્ટપણે માને છે કે આ બંનેને મંત્રીમંડળમાં સ્થાન ન આપવાથી ભાજપને ભવિષ્યમાં કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી. જેવી જેની લાયકાત, જેવી જેની શક્તિ અને જેવી જેની ઉપયોગિતા એ મુજબ ભાજપે આ નિર્ણયો લીધા હોય એવું લાગે છે."

તેમણે મંત્રીમંડળમાં નામ પસંદગી પાછળ રહેલા સંભવિત તર્ક અંગે વાત કરતાં કહ્યું, "ભાજપે આ વખત પક્ષની લાઇનમાં ચાલી શકે, પક્ષની શિસ્તને જાળવી શકે, પક્ષની સામે ભવિષ્યમાં ક્યારેય માથું ન ઊંચકે એવા લોકોની પસંદગી કરી છે. અને જ્યાં જ્યાં આવી શંકાઓ હતી, તેમને સ્થાન નથી અપાયું."

'હાર્દિક અને અલ્પેશનું રાજકારણ હવે ધીરે ધીરે પૂરું થશે'

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Kaushik Mehta/FB/BBC

ફૂલછાબ અખબારના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા આ બંને નેતાઓને મંત્રીમંડળમાં ન સમાવવાના ભાજપના નિર્ણયનાં સંભવિત કારણો અંગે કહે છે કે, "હું સ્પષ્ટપણે એવું માનું છું કે ભાજપે ક્યારેય આ બંને નેતાઓને મંત્રીમંડળમાં લેવાનું વિચાર્યું નહીં હોય. હું એવું માનું છું કે જે રીતે આ યુવા નેતાગીરી ઊભરી અને ભાજપ સામે ઊભરી, ભાજપ સામે જે રીતે તેમણે આક્રોશ ઠાલવ્યો, એ બધું જોઈને મને લાગે છે કે હવે જ્યારે આ બંને નેતાઓ ભાજપમાં છે અને ભાજપના ધારાસભ્ય બની ચૂક્યા છે, તો ભૂતકાળની આ બધી વાતોને જોતાં ભાજપમાં હવે તેમને કોઈ મોટું પદ સોંપવાનું નહીં વિચારાતું હોય."

"મને એવું લાગે છે કે આ બંને નેતાઓનાં નામ મંત્રીમંડળના શપથગ્રહણ પહેલાં ભલે ચર્ચામાં હતાં, પરંતુ આ બંને નેતાઓ સમીકરણની બહાર હતા."

તેઓ કહે છે કે, "મને લાગે છે કે ભાજપે એવું નક્કી કર્યું છે કે આ બંને નેતાઓ જે રીતે આગળ વધ્યા તે મુજબ તેમને હાલ ઘણું મળી ચૂક્યું છે."

કૌશિક મહેતા હાર્દિક અને અલ્પેશને જો મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોત તો પક્ષના નિષ્ઠાવાન કાર્યકરો હતાશ થયા હોત એ વાત સાથે પણ સંમતિ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "હું એવું માનું છું કે આ બંને નેતાઓનું રાજકારણ હવે ધીરે ધીરે પૂરું થઈ જશે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, Harsh Sanghvi/FB/BBC

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક હરેશ ઝાલાએ જણાવે છે કે, "આ બંને નેતાઓનાં નામ ભાજપે કે ગુજરાત સરકારે નહીં, પરંતુ માધ્યમોએ શપથવિધિ પહેલાં ચલાવવાની શરૂઆત કરી હતી. અને આવું માધ્યમોએ પોતાની માન્યતાઓને આધારે કર્યું હતું."

તેઓ કહે છે કે, "અહીં સવાલ એ થાય છે કે જે પક્ષ પાછલાં 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે, જેની પાસે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવાં મોટાં માથાં છે, જેની પાસે સંઘ જેવું સંગઠન ઊભું કરનારું પીઠબળ છે, શું એમના માટે આ બંને નેતા એટલા જરૂરી છે ખરા? મારી દૃષ્ટિએ આનો જવાબ ના છે."

"બીજી સૌથી મોટી વાત એ છે કે જો ભાજપે આ બંનેને મંત્રીમંડળમાં લીધા હોત તો તેણે પોતાની કેડરને એક સ્પષ્ટ સંદેશો આપ્યો હોત કે તમે ભલે ભાજપ માટે જિંદગી ખર્ચી નાખો, પણ જો બહારથી આવેલો ચહેરો સારો હશે, તો અમે તેને પહેલાં પ્રમોટ કરીશું. આવું થાય તો ભાજપમાં છેલ્લાં 10-15 વર્ષથી કાર્યકરોમાં જે નારાજગી પ્રસરી રહી છે એમાં વધારો થાય એવું હતું. ભારતીય જનતા પાર્ટી ક્યારેય આવું તો કરે જ નહીં."

હરેશ ઝાલા કહે છે કે, "આ સિવાય ભાજપનું મોવડી મંડળ એ વાત પણ જાણે છે કે આ બંને નેતાઓ પોતપોતાના બળે ચૂંટણી જીતીને વિધાનસભામાં નથી પહોંચ્યા. બંને નેતાઓને જિતાડવા માટે ભાજપે અને તેના નેતાઓએ પૂરો જોર લગાડી દીધો હતો. તો આવા નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવાનું કોઈ કારણ નહોતું ઊભું થતું."

મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર

ઇમેજ સ્રોત, @AlpeshThakor_/BBC

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ગાંધીનગર દક્ષિણ બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું કે, "મંત્રીમંડળ વિસ્તરણમાં શુભકામના આપવાની હોય. જેટલા પણ મંત્રી બન્યા છે તે બધા યુવાન છે. મહિલાઓ છે. ડાયનેમિક છે. દરેક વર્ગને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ છે. જેમની પસંદગી થઈ છે તેઓ ગુજરાત માટે સારું કામ કરશે. બનાસકાંઠામાંથી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માળીની પસંદગી થઈ છે તેનો આનંદ છે."

તેમની પસંદગી કેમ નથી થઈ તે વિશે પૂછવામાં આવતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે "પાર્ટીએ જે પસંદગી કરી છે તેમને શુભકામના આપવાનો પ્રસંગ છે. રાજકારણમાં પાર્ટી જે નિર્ણય લે તેને સ્વીકારવું જોઈએ. જવાબદારીને નિભાવવા પ્રયાસ કરવો જોઈએ."

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, હાર્દિક પટેલ, ગુજરાત સરકાર, ગુજરાતના નવા મંત્રીમંડળનું શપથગ્રહણ, અલ્પેશ ઠાકોર

બીજી તરફ વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે આ વિસ્તરણ અંગે કહ્યું કે "આ વિસ્તરણ આવનારા દિવસો માટે મહત્ત્વનું સાબિત થશે. તમામ વિસ્તારોના ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવા પ્રયાસ કરાયો છે."

હાર્દિક પટેલનો મંત્રીમંડળમાં સમાવેશ ન થયો તેના વિશે તેમણે કહ્યું કે "મુખ્ય મંત્રી અને દેશના ગૃહમંત્રી અમદાવાદ જિલ્લામાંથી આવે છે."

પોતાની આશાઓ અને અપેક્ષાઓ અંગે તેમણે કહ્યું કે, "હજુ બે વર્ષથી હું ધારાસભ્ય બન્યો છું. મંત્રીમંડળમાં સ્થાન ન મળ્યું તે સારું થયું, કારણ કે તેનાથી હું બે અઢી વર્ષ મારા મતક્ષેત્રમાં કામ કરી શકીશ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન