હેલ્મેટ પહેરવાથી વાળ ખરી જાય? વાળની સંભાળ રાખવાની આ ટિપ્સ જાણવી જરૂરી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરંબેલકર
- પદ, બીબીસી ગુજરાતી
બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કાયદેસર રીતે ફરજિયાત છે, તેમજ તે માર્ગ અકસ્માતમાં તમારો જીવ બચાવી શકે છે. જોકે, ઘણા લોકો માને છે કે, હેલ્મેટ પહેરવાથી વાળ ખરવાની પ્રક્રિયામાં વધારો થતો હોય છે.
કેટલાક લોકો કહે છે કે, ટાઇટ હેલ્મેટ માથાની ત્વચા પર દબાણ ઉત્પન્ન કરે છે, જેના કારણે પરસેવો થાય છે અને વાળ નબળા પડે છે. તે ઉપરાંત લોકો માને છે કે, હેલ્મેટમાં જમા થયેલી ધૂળ, ગંદકી અથવા ફંગલ ઇન્ફેકશન વાળના મૂળ પર ખરાબ અસર કરે છે.
હવે પ્રશ્ન એ છે કે, આ દાવાઓમાં કેટલી સત્યતા છે? શું હેલ્મેટ પહેરવાથી ખરેખરમાં વાળ ખરે છે કે નહીં, તેમજ મેડિકલ નિષ્ણાતો આવા દાવાઓ વિશે શું કહે છે?
આ પ્રશ્નોના જવાબો આપણે આગળ જાણીશું.

શું હેલ્મેટ પહેરવાથી વાળ ખરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
હવે, હેલ્મેટને લગતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, શું તેનાથી વાળ ખરે છે કે નહીં? તે દાવાઓ પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જોકે, હેલ્મેટ ક્યારેક માથા પર ઘર્ષણ પેદા કરે છે, જેના કારણે પરસેવો થતો હોય છે. અને તેની અસર માથાની ચામડી પર અસર થતી હોય છે.
જો હેલ્મેટનો અંદરનો ભાગ ગંદો અને અતિશય ટાઇટ હોય તો તેની અસર વાળ પર થતી હોય છે. જોકે, વાળ ખરવાનું એકમાત્ર કારણ હેલ્મેટ નથી. નિયમિતપણે તમારા વાળ અને હેલ્મેટની અંદરના ભાગને સાફ રાખવું તે વાળને થતા નુકસાનથી બચાવી શકાય છે.
વાળ ખરવાનાં મુખ્ય કારણો પાછળ હોર્મોનલ ફેરફાર, આનુવંશિકતા સાથે ખરાબ જીવનશૈલી જેવાં પરિબળો પણ અસર કરતા હોય છે. તે સાથે જ હજુ સુધી એવા કોઈ ઠોસ પુરાવા નથી મળ્યા કે, જે સાબિત કરે કે, હેલ્મેટ એકમાત્ર વાળ ખરવાનું કારણ છે.

યુવાનીમાં વાળ ખરવાનાં મુખ્ય કારણો શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
નાની ઉંમરે વાળ ખરવા તે કોઈ દુર્લભ ઘટના નથી. તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે, પણ તે કારણોને ઓળખવા આવશ્યક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મુંબઈના જસલોક હૉસ્પિટલ્સ ઍન્ડ રિસર્ચ સેન્ટરના ત્વચા વિજ્ઞાન અને ટ્રાઇકોલૉજી વિભાગના સલાહકાર ડૉ. મૈથિલી કામતે આ વિશે જાણકારી આપતા કહ્યું કે, "વાળ ખરવાનું મુખ્ય કારણ હોર્મોનલ પરિબળો છે, એટલે કે હોર્મોન્સમાં ફેરફાર. સ્ત્રીઓમાં થાઇરૉઇડ અને પીસીઓડી જેવાં પરિબળો વાળ ખરવાનું કારણ હોઈ શકે છે."
"જોકે, પુરુષોમાં જેનેટિક પરિબળો વધુ જવાબદાર હોય છે. ઉપરાંત, બીમારી, વિટામિનની ઊણપ, આયર્નની ઊણપ કે ધૂમ્રપાનની આદત પણ વાળ ખરવાની પ્રક્રિયાને વેગ આપતી હોય છે."

શું હેલ્મેટ પહેરવાથી માથાની ચામડીમાં બળતરા થાય છે?

મુંબઈસ્થિત ત્વચારોગ નિષ્ણાત ડૉ. શરીફા ચૌસે કહે છે, "ખૂબ જ ટાઇટ હેલ્મેટ પહેરવાથી વાળના મૂળ નબળા પડી શકે છે. યોગ્ય રીતે ફિટ ન થતું હેલ્મેટ પહેરવાથી માથા પરની ત્વચામાં ખંજવાળ, પરસેવો અને ફંગલ ઇન્ફેકશન થઈ શકે છે. જો હેલ્મેટ યોગ્ય કદનું ન હોય અને અંદરથી સાફ ન રાખવામાં આવે તો આ સમસ્યામાં વધારો થઈ શકે છે."
ડૉ. મૈથિલી કામત કહે છે કે, "જો તમે પોનિટેલ જેવી હેરસ્ટાઇલ અથવા વાળ મૂળથી ટાઇટ ખેંચાઇ રહે તેવી હેરસ્ટાઇલ કરીને તેના પર હેલ્મેટ પહેરો છો, તો તેનાથી વાળ પર ઘર્ષણ વધી શકે છે. અને તે વાળ ખરવાનું કારણ બનતું હોય છે. તેનું કારણ એ છે કે, હેલ્મેટ પહેરતી વખતે વાળ સતત ખેંચાતા રહે છે. વધુમાં, હેલ્મેટની કિનારીઓને કારણે થતા ઘર્ષણને લીધે વાળ તૂટી પણ શકે છે."

શું હેલ્મેટ નીચે જમા થયેલો પરસેવો ખોડોનું કારણ બને છે?
ઘણા લોકો હેલ્મેટ ટાળવાનું કારણ ઘણી વાર ખોડો બતાવતા હોય છે. ડૉ. શરીફા ચૌસે કહે છે, "હેલ્મેટ માથા ઉપરની ત્વચા પર થોડું ગરમ અને ભેજવાળું વાતાવરણ બનાવે છે. ત્યાં પરસેવો ભેગો થાય છે, જેનાથી ત્યાં ફૂગ અથવા બેક્ટેરિયા વધે છે. આ ફૂગ માથા ઉપરની ત્વચાને ઇન્ફેક્ટ કરતા હોય છે, જેનાથી ખંજવાળ આવે અને ખોડો થાય છે. તેથી, હંમેશાં તમારા વાળને સ્વચ્છ રાખવા અને હવાની અવરજવર રહે તેવું હેલ્મેટ પહેરવું જરૂરી છે."
"તમારા હેલ્મેટને સાફ કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આમ કરવાથી તમે ઘણી સમસ્યાઓથી બચી શકો છો."

જે લોકો હેલ્મેટ પહેરે છે, તેઓએ પોતાના વાળની સંભાળ રાખવા શું કરવું જોઈએ?

ડૉ. શરીફા ચૌસે કહે છે, "હેલ્મેટ વાળ ખરવાનું એકમાત્ર કારણ નથી. ખોટા હેલ્મેટનો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવા લાગે છે. વાળ પર ઘર્ષણ, દબાણ અને પરસેવાથી વાળ ખરતા હોય છે. જો ત્વચાની યોગ્ય રીતે કાળજી લેવામાં આવે અને વાળ પરની ગ્રંથીઓને નુકસાન ન કરવામાં આવે, તો વાળ ફરીથી ઊગી શકે છે. જો લાંબા સમયથી વાળ ખરતા હોય, તો તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ."
હેલ્મેટ ન પહેરવું એ સમસ્યાનો ઉકેલ નથી, પરંતુ વાળ ખરતા અટકાવવા ચોક્કસ શક્ય છે.
હેલ્મેટ પહેરવાથી વાળ ખરે છે કે કેમ? તે પ્રશ્ન ઘણી ગેરમાન્યતાથી ભરેલો છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી, હેલ્મેટ વાળ ખરવા પાછળનું સીધું કારણ નથી.

ગંદકી, પરસેવો, ફુગ અને વાળ પર ઘર્ષણ તમારા વાળના સ્વાસ્થ્ય પર ચોક્કસ નુકસાન કરી શકે છે, તેથી હેલ્મેટને યોગ્ય રીતે પહેરવું પણ મહત્ત્વપૂર્ણ છે. તમારા હેલ્મેટને સ્વચ્છ રાખવું, વધારે ટાઇટ નહીં પણ યોગ્ય રીતે ફિટ થાય તેવું હેલ્મેટ પહેરવું અને તમારા વાળની સંભાળ રાખવી તે વાળ ખરતા અટકાવવામાં મદદ કરી શકે છે.
વાળ ખરવા પાછળ હોર્મોન્સ, જિનેટિક્સ, યોગ્ય પોષણનો અભાવ અને તણાવ જેવાં ઘણાં પરિબળો જવાબદાર છે. જોકે, વાળ ખરવા પાછળ હેલ્મેટ એકમાત્ર જવાબદાર નથી. તેથી, સલામત મુસાફરી માટે હેલ્મેટ પહેરવું જરૂરી છે, તે સાથે તમારા વાળના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ આવશ્યક છે.
જો તમે જીવનશૈલીમાં મોટા ફેરફારો કરવાનું વિચારી રહ્યા હો, જેમ કે ખોરાકમાં ફેરફાર, તબીબી સારવાર, દવા અથવા શારીરિક કસરત વિશે વિચારી રહ્યા હો, તો ડૉક્ટર અને યોગ્ય ટ્રેનરની સલાહ લેવી મહત્ત્વપૂર્ણ છે. ડૉક્ટર જોડે તમારા શરીર અને લક્ષણોનું સંપૂર્ણ મૂલ્યાંકન કરવું જરૂરી છે અને તેમની સલાહના આધારે જ જીવનશૈલીમાં ફેરફાર કરવો યોગ્ય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












