'તેમણે અમારી સાથે પશુઓ જેવો વ્યવહાર કર્યો', યુએસની આ કોર્ટમાં ઇમિગ્રેશન કેસના પીડિતો સાથે કેવો વ્યવહાર થાય છે?

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એજન્ટે અદાલત પરિસરમાં મૉનિકાને જમીન ઉપર પટકી દીધાં હતાં
    • લેેખક, કાયલા ઍપિસ્ટેનિન
    • પદ, ન્યૂ યૉર્ક શહેર
    • લેેખક, લેરી વૅન્ટાસ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો

ન્યૂ યૉર્ક શહેરની 26 ફેડરલ પ્લાઝા ખાતે મૉનિકા મૉરેટા ગાલારઝાના પતિની ઇમિગ્રેશન સંબંધિત રૂટિન સુનાવણી પૂર્ણ થઈ, એ પછી મૉનિકા હળવાશ અનુભવતાં હતાં.

જજે રૂબિન અબેલાર્ડો ઑર્ટિઝ લોપેઝને મે મહિનામાં અદાલતમાં ફરીથી આવવા માટે કહ્યું હતું. મૉનિકાને રાહત હતી કે તેમના પતિને ઍક્વાડોર ડિપૉર્ટ કરી દેવાનું જોખમ તત્કાળ ટળી ગયું છે.

મૉનિકા તેમનાં બાળકો સાથે કૉર્ટરૂમની બહાર આવ્યાં કે સમગ્ર દૃશ્ય પલટાઈ ગયું. ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓએ મૉનિકાને તેમના પતિથી અલગ કરી દીધાં અને મોનિકાને જમીન ઉપર પટકી દીધાં.

બીબીસી ન્યૂઝ મુંડો સાથે સમગ્ર ઘટનાક્રમને યાદ કરતાં મૉનિકાએ કહ્યું, "એમાંથી એક એટલી આક્રમકતા સાથે મારી તરફ ધસી આવ્યા કે હું ગભરાઈ ગઈ અને તેણે મને જમીન ઉપર પટકી દીધી."

મૉનિકા ઉમેરે છે, "તેમણે અમારી સાથે પશુઓ જેવો વ્યવહાર કર્યો."

સમગ્ર ઘટનાક્રમ ખૂબ જ વાઇરલ થયો હતો અને એક ઇમિગ્રેશન એજન્ટને હંગામી ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ આ કોઈ છૂટોછવાયો કિસ્સો નથી.

અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓના વલણ સામે સવાલ

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના કોર્ટ પરિસરમાં ઇમિગ્રેશન અધિકારીઓએ મારિયાને જમીન ઉપર પટકી દીધાં હતાં.

ન્યૂ યૉર્કની આ અદાલતમાં અન્યો સાથે આવા અનેક કિસ્સા બન્યા છે અને બીબીસી તેનું સાક્ષી છે. ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટના (આઈસીઈ) અધિકારીઓ તથા મીડિયા વચ્ચે પણ ઉગ્ર ચડભડ થઈ છે – તથા આ મુદ્દે લોકાક્રોશ પણ જોવા મળ્યો છે.

વકીલો કહે છે કે કોર્ટ પરિસરમાં આઈસીઈને કારણે અનેક વખત ઉગ્ર અને તણાવપૂર્ણ માહોલ ઊભો થયો છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

26 ફેડરલ પ્લાઝામાં કામ કરતા ન્યૂ યૉર્ક લિગલ આસિસ્ટન્ટસ (એનવાયલેગ) ગ્રૂપનાં વકીલ ઍલિસન કલટર કહે છે, "જો હું પ્રમાણિકપણે કહું તો તેને પીડાદાયક જ કહી શકાય."

"અમારા અસીલો તથા જે પરિવાર વિખૂટાં પડી જાય છે, તેમના માટે પણ તે માનસિક રીતે ખૂબ જ પીડાજનક હોય છે."

ન્યૂ યૉર્કની આ અદાલત ખાતે કેટલાક લોકોને ડિટેઇન કરવાની પ્રક્રિયા તત્કાળ અને અહિંસક હોય છે, પરંતુ વકીલો અને પત્રકારોએ તાજેતરનાં અઠવાડિયામાં અનેક ઉગ્ર પ્રકરણ જોયાં છે.

ઑગસ્ટ મહિનાના અંતભાગમાં એક દિવસ બીબીસીએ જોયું કે ડઝનબંધ ઑફિસરો અદાલતની બહાર રાહ જોઈને ઊભા હતા અને એક પુરુષ, બે મહિલા અને નાનકડા બાળક ઉપર ધસી ગયા હતા.

તેમણે તત્કાળ પુરુષને અટકાયતમાં લીધો. જોકે, આ ગ્રૂપ સાથે રહેવા માંગતું હતું એટલે ધક્કામૂક્કીના અને ઉગ્ર દૃશ્યો સર્જાયાં હતાં.

જ્યારે અધિકારીઓ પુરુષને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે મહિલાએ રડતાં-રડતાં ડિટેઇન કરાયેલા પુરુષને વળગી રહેવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે એક અધિકારીએ મહિલાને બળજબરીપૂર્વક ખેંચી લીધાં હતાં – જેણે મૉનિકાને તેમના પતિથી અલગ કર્યા હતા, તે આજ અધિકારી હોય તેમ લાગતું હતું.

એ પછી જજે અદાલતનું બારણું બંધ કરી દીધું, જેના કારણે બીબીસીને એ કેસ વિશેની વિગતો જાળવા ન મળી.

અમેરિકાનું ડીએસએચ શું કહે છે ?

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટીએ (ડીએચએસ) તે પુરુષની હાલની સ્થિતિ અંગે કોઈ માહિતી ન આપી, છતાં કહ્યું કે એજન્સી "બાળકોનું રક્ષણ કરવાની તેની જવાબદારીને ગંભીરતાથી લે છે."

ડીએચએસે ઉમેર્યું આઈસીઈ દ્વારા વાલીઓને વિકલ્પ આપવામાં આવે છે કે બાળકોને પણ તેમની સાથે જ હઠાવી દેવામાં આવે કે તેઓ કોઈ ચોક્કસ વ્યક્તિની દેખરેખ હેઠળ મૂકવા માંગે છે.

મૉનિકાની તસવીરો અને સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર વાઇરલ થઈ, એ પછી ડીએચએસે ઉમેર્યું કે એ ઘટનામાં સંડોવાયેલા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.

તાજેતરમાં બે પત્રકારો સંભવિત ડિટેન્શનનો વીડિયો ઉતારી રહ્યા હતા, ત્યારે ઇમિગ્રેશનના અધિકારીઓએ તેમને જમીન ઉપર પટકી દીધા હતા. એક પત્રકાર બેઠો થઈ શક્યો ન હતો અને તેને હૉસ્પિટલે લઈ જવો પડ્યો હતો.

જે ફોટો જર્નાનિસ્ટને જમીન ઉપર પટકી દેવામાં આવ્યાં હતાં, તેમનું નામ ઑલ્ગા ફેડોરોવા હતું. તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "પત્રકારો સાથે આવું અગાઉ ક્યારેય નથી થયું."

ઑલ્ગા અવારનવાર 26 ફેડરલ પ્લાઝામાંથી રિપોર્ટ કરે છે. તેઓ કહે છે કે આ ઘટના પહેલાં "અમે ફેડરલ એજન્ટ્સની સાથે અને આસપાસ 99 ટકા સમયે કોઈપણ જાતના ઘર્ષણ વગર કામ કરી શકતા હતા."

ડીએસએસનાં પ્રવક્તા ટ્રિસિયા મૅકલાફલિને બીબીસીને નિવેદનમાં જણાવ્યું કે અધિકારીઓ ધરપકડ કરી રહ્યા હતા, ત્યારે "દેખાવકારો અને મીડિયાકર્મીઓ તેમને ઘેરી વળ્યા, જેના કારણે કામ કરવામાં મુશ્કેલી ઊભી થઈ હતી."

ટ્રિસિયાનાં કહેવા પ્રમાણે, "અધિકારીઓએ વારંવાર દેખાવકારોનાં ટોળાને અને પત્રકારોને ત્યાંથી હઠી જવા, પાછળ ખસવા તથા લિફ્ટમાંથી બહાર નીકળી જવા કહ્યું હતું."

ઇમિગ્રન્ટ્સને અદાલતમાંથી ઊઠાવી લેવાનું 'ચલણ'

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇમિગ્રેશન કોર્ટની લૉબીમાં આંટા મારી રહેલા ફેડરલ એજન્ટ્સની ફાઇલ તસવીર.

ટ્રમ્પ સરકારના કાર્યકાળ દરમિયાન એકસાથે લોકોને ડિપૉર્ટ કરવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે લોઅર મૅનહટ્ટનમાં આવેલી ઇમિગ્રેશન અદાલતોમાં આ વર્ષે અનેક વખત સરકારી અધિકારીઓ સાથે ઉગ્ર બોલાચાલી કે ઘર્ષણનાં દૃશ્યો સર્જાયાં છે.

ડિપૉર્ટેશન ડેટા પ્રોજેક્ટ દ્વારા કેટલા લોકોને દેશનિકાલ આપવામાં આવ્યો, તેના વિશે ડેટા સંપાદનનું કામ કરે છે.

સંસ્થાના સંશોધન મુજબ, ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા, ત્યારથી લઈને જુલાઈ મહિના દરમિયાન આઈસીઈ દ્વારા ત્રણ હજાર 320 ઇમિગ્રન્ટ્સને ન્યૂ યૉર્ક વિસ્તારમાંથી ડિટેઇન કરવામાં આવ્યા હતા, જેમાંથી લગભગ અડધોઅડધની ધરપકડ 26 ફેડરલ પ્લાઝા ખાતેથી કરવામાં આવી હતી.

એવું જણાય આવે છે કે અમેરિકાના સૌથી મોટા શહેરમાં ટ્રમ્પ સરકારના ડિપૉર્ટેશનના કાર્યક્રમમાં ઇમિગ્રેશન કોર્ટ તથા ઑફિસો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.

ડિપૉર્ટેશન ડેટા પ્રોજેક્ટના આંકડા ઉપર નજર કરીએ તો, છેલ્લા નવ મહિનામાં 26 ફેડરલ પ્લાઝા ખાતેથી જે લોકોની ધરપકડ કરવામાં આવી, તેમની સામે કોઈ ગુનાહિત કેસ પડતર ન હતા, તથા તેમને કોઈ કેસમાં સજા પણ કરવામાં આવી ન હતી.

ઇમિગ્રન્ટ્સ માટે કોર્ટમાં હાજર રહે તો મુશ્કેલી, ન રહે તો પણ સમસ્યા

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાલત પરિસરમાં આઈસીઈ અધિકારીઓના ઉગ્ર વલણને કારણે ઘાયલ થયેલા પત્રકારની ફાઇલ તસવીર.

અધિકારીઓ અવારનવાર ઇમિગ્રન્ટ્સને સુનાવણીમાંથી ઊઠાવી લે છે તથા તેમને વકીલ સાથે વાત કરવાની તક પણ આપવામાં નથી આવતી.

બેન્જામિન રેમી એનવયાલેગ સાથે જોડાયેલા વકીલ છે. તેઓ ફેડરલ પ્લાઝામાં ઇમિગ્રન્ટ્સની સાથે કામ કરે છે. તેમનું કહેવું છે, "અમે અગાઉ ક્યારેય આવું નથી જોયું."

બેન્જામિનના કહેવા પ્રમાણે, ઘણાં ઇમિગ્રન્ટ્સ અદાલતે આવતા જ નથી. ઑગસ્ટ મહિનામાં એક સુનાવણી દરમિયાન, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતી એક વ્યક્તિ અદાલતમાં હાજર ન રહી. જજે તેનો રાજ્યાશ્રય માટેનો કેસ ફગાવી દીધો અને તેને દેશમાંથી હાંકી કાઢવાના આદેશ આપ્યા.

જો એ વ્યક્તિ અદાલતમાં હાજર રહી હોત, તો પણ ચુકાદો એ જ રહ્યો હોત; જોકે, એ અદાલતની બહાર પણ આઈસીઈના અધિકારીઓ ઊભા હતા.

સગીરો તથા બાળકોના ઇમિગ્રેશન અધિકારો માટે કામ કરતી સંસ્થા સૅફ પૅસેજનાં સુપરવાઇઝિંગ ઍટર્ની ટ્રિકિયા ક્લૅક્સ્ટનનું કહેવું છે કે જેમની પાસે અમેરિકામાં પ્રવેશવાના વિઝા કે અન્ય દસ્તાવેજો ન હોય, તેવા બિન-નાગરિકોને હંમેશ માટે જ દેશમાંથી હાંકી કાઢવામાં આવે છે.

ક્લૅક્સ્ટનના મોટાભાગના અસીલ ધરપકડને ટાળવા માટે વર્ચ્યુઅલી જ હાજર થાય છે. તેઓ કહે છે, "પહેલાં ગુનાહિત ઇતિહાસ કે અગાઉ ધરપકડ થયેલી હોય તેવા લોકોને પકડવા માટે પ્રયાસ થતાં."

તેમનું કહેવું છે કે હવે તેનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો હોય, તેમ જણાય છે.

ક્લૅક્સ્ટન કહે છે, "હવે, એવું જોવા મળી રહ્યું છે કે અનેક લોકોના રાજ્યાશ્રયની અરજી પડતર હોય કે અન્ય કોઈપણ પ્રકારે અદાલત પાસેથી રાહત મેળવવા માટે દાદ માંગી હોય, તેવા લોકોને પણ ઉઠાવી લેવામાં આવે છે."

કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ છે, જે ઇમિગ્રન્ટ્સને અસંભવિત સ્થિતિમાં મૂકી દે છે.

જો, ઇમિગ્રન્ટ્સ સૂચના મુજબ, અદાલતની સુનાવણી દરમિયાન હાજર રહે, તો તેમની ધરપકડ થવાની શક્યતા રહે છે. જો તેઓ હાજર ન રહે, તો અદાલત આપોઆપ તેમના ડિપૉર્ટેશનનો આદેશ કાઢે છે.

યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા લોકો વિશે શું કહે છે સરકારીતંત્ર?

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 26 ફેડરલ પ્લાઝામાં આરોપીઓને ઊઠાવતી વખતે મોટાભાગના આઈસીઈ અધિકારીઓ પોતાની ઓળખ ગુપ્ત રાખતા હોય છે.

સરકારનું કહેવું છે કે જે લોકો યુએસમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે, તેમને અટકાવવાની તેની પાસે 'વ્યાપક સત્તા છે.'

યુએસના સરકારી તંત્રના કહેવા પ્રમાણે, ખતરનાક ગુનેગારોને દેશમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. વ્હાઇટ હાઉસ તથા ડીએચએસ દ્વારા અવારનવાર ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની ધરપકડ તથા અટકાયતનો ઢંઢેરો પીટવામાં આવે છે.

તંત્રનું કહેવું છે કે સલામતીનાં કારણોસર ઇમિગ્રેશન કોર્ટમાં ધરપકડો કરવામાં આવે છે.

બીબીસીને આપેલાં નિવેદનમાં ડીએચએસે કહ્યું, "ડીએચએસના ઑપરેશન એકદમ ટાર્ગેટેડ હોય છે અને અધિકારીઓએ અગાઉથી જ પૂરેપૂરો અભ્યાસ કરી લીધો હોય છે. અમે કોને ટાર્ગેટ કરી રહ્યા છીએ, તેમના વિશે અમને પહેલાંથી જ ખબર હોય છે."

આ અંગે ન્યૂ યૉર્ક ટાઇમ્સ/સિયેના પોલ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં 54 ટકા લોકોનું કહેવું હતું કે જે લોકો દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા હોય, તેમને દેશમાંથી કાઢી મૂકવા જોઈએ. જ્યારે 51 ટકા લોકોનું કહેવું હતું કે સરકાર જે કંઈ કરી રહી છે, તે બરાબર છે.

ટ્ર્મ્પ સરકાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કાર્યવાહી, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યૉરિટી, આઈસીઈ, ડીએચએસ, ઇમિગ્રેશન્સ કસ્ટમ એન્ફોર્સમેન્ટ, બળજબરીપૂર્વક દેશનિકાલ, અદાલતમાંથી ધરપકડ, બીબીસી ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અદાલત પરિસરમાં રૂદન કરી રહેલાં મૉનિકા અને તેમનાં સંતાનો.

સરકારનું કહેવું છે કે મૉનિકાના પતિ રૂબિન હિંસક ગુનેગાર હતા એટલે અદાલતમાં તેની ધરપકડ કરવી યોગ્ય હતી.

રૂબિન 20મી માર્ચ 2024ના રોજ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા. તા. 18 જૂનના "હુમલો તથા શ્વાસનળી કે લોહીનો પ્રવાહ રૂંધવા"ના આરોપ સબબ તેની ધરપકડ કરવામાં આવી હતી.

ડીએચએસે તેનાં નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ડીએસએસ મંત્રી ક્રિસ્ટી નોએમ ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા ગુનેગારો અમેરિકનોને ડરાવે, તે બિલકુલ સાંખી નહીં લે.

"જો તમે અમારા દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશો અને કાયદા તોડશો, તો અમે તમારી ધરપકડ કરીશું અને તમે ક્યારેય પરત નહીં ફરી શકો."

જોકે, મૉનિકાને અદાલત પરિસરમાં ઘટેલી એ ઘટના તેમની સાથે થયેલા અન્યાયની યાદ અપાવે છે. મૉનિકા તેમનાં વતન ઍક્વોડોર પરત ફર્યાં છે.

મૉનિકાએ બીબીસી ન્યૂઝ મુંડો સાથે વાત કરતાં કહ્યું, "મેં મારા દેશમાં ઘણુંબધું વેઠ્યું છે. મને કોઈ રક્ષણ ન મળ્યું અને સત્તાધીશોએ પરવાહ ન કરી."

મૉનિકા કહે છે કે યુએસમાં મારી સાથે આવું થશે એવું મને ક્યારેય લાગ્યું ન હતું. તેઓ કહે છે, "તે ખૂબ જ બિભત્સ હતું. મને લાગે છે કે હવે હું નકામી થઈ ગઈ છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન