તેલંગણાનાં ગામોમાં ભલે ને આજે પણ રસ્તાની બાજુમાં હથોડા-દાતરડાવાળાં જૂનાં સ્મારક જોવા મળે છે, પરંતુ હવે દલિત વસાહતોમાં, ચોકમાં કે ચાર રસ્તે આંબેડકરની પ્રતિમા વધુ દેખાય છે. આ ઉપરાંત, ક્યાંક-ક્યાંક શિવાજી અને વિવેકાનંદની નવી-નવી મૂર્તિઓ પણ જોવા મળે છે. આ દર્શાવે છે કે અહીં અલગ અલગ વિચારધારા પોતાનાં પ્રતીકચિહ્નો અને સંકેતો સાથે પોતાનો પગદંડો જમાવવા સંઘર્ષરત્ છે.

આંબેડકરવાદી વિચારધારાનું પ્રતીક, વાદળી રંગ, 1990ના દાયકાથી જ ડાબેરી પ્રતીક લાલ રંગથી આગળ નીકળી રહ્યું છે. શિવાજી અને વિવેકાનંદની મૂર્તિઓ આખા તેલંગણામાં જોવા મળવી એ પ્રમાણમાં નવું પરિદૃશ્ય છે. તેમાંની મોટા ભાગની મૂર્તિઓ ઊભરતી હિંદુત્વવાદી શક્તિઓ દ્વારા સ્થાપવામાં આવી છે.

1990નો દાયકો પૂરો થતાં પહેલાં તેલંગણામાં સશસ્ત્ર સંઘર્ષ લગભગ સમાપ્ત થઈ ગયો હતો. જોકે, બસ્તરમાં તેનું ટોચનું માઓવાદી નેતૃત્વ તેલુગુ બોલનારાઓના નિયંત્રણમાં જ રહ્યું.

કેન્દ્રીય અર્ધલશ્કરી દળોએ હવે નક્સલવાદને 31 માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણ ખતમ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ સમયમર્યાદા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નક્કી કરી છે.

છત્તીસગઢનાં જંગલોમાં નક્સલીઓ સાથેની અથડામણોના જે પ્રકારના અહેવાલો આવી રહ્યા છે, તેનાથી એવા સંકેત મળે છે કે માઓવાદી આંદોલન પોતાના અંતિમ તબક્કામાં છે.

એવું લાગે છે કે, હવે માઓવાદીઓ પણ આ વાત સમજી ગયા છે. પ્રવક્તા અભયનો ‘હથિયાર હેઠાં મૂકવાં’વાળો પત્ર અને નેતા રૂપેશ દ્વારા ભવિષ્ય માટેની અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો આ જ દર્શાવે છે. શું સશસ્ત્ર આંદોલનના દિવસો સમાપ્ત થઈ ગયા છે?

નક્સલબાડીથી શ્રીકાકુલમ સુધી

1967માં પશ્ચિમ બંગાળના નક્સલબાડીથી નક્સલવાદનો તણખો ઊડ્યો હતો. સિલીગુડી સીપીઆઈ(એમ)ના ઉદ્દામવાદી ફાંટાએ દેવામાં ડૂબેલા આદિવાસીઓ અને ભૂમિહીન ખેડૂતોને ટેકો આપીને જમીનદારો વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું. એ વર્ષની 25 મેએ પોલીસના એક સબ-ઇન્સ્પેક્ટરની તીર વડે હત્યા કરી દેવાઈ. પોલીસના ગોળીબારમાં આઠ મહિલાઓ, બે બાળકો અને એક વ્યક્તિનાં મૃત્યુ થયાં. આની સાથે જ સશસ્ત્ર સંઘર્ષ ફેલાવાનું શરૂ થયું અને ચીનના મીડિયાએ આને ‘સ્પ્રિંગ થંડર ઓવર ઇન્ડિયા’ ઠરાવી દીધું.

આ ઘટનાનાં બે વર્ષ પહેલાં એક સ્થાનિક સીપીઆઈ(એમ) નેતા ચારૂ મજુમદારે ગેરીલા યુદ્ધ દ્વારા ઇન્ડિયન સ્ટેટને ઉખાડી ફેંકવાના ઉદ્દેશ સાથે ‘આઠ દસ્તાવેજ’ તૈયાર કર્યા. કાનુ સાન્યાલ અને જંગલ સંથાલની સાથે મળીને તેમણે નક્સલબાડીના આરંભિક આંદોલનનું નેતૃત્વ કર્યું. આ આંદોલન પછી તો શ્રીકાકુલમ, તેલંગણા, બિહાર સહિત દંડકારણ્યનાં જંગલો સુધી વિસ્તર્યું.

ભૂખ અને સંઘર્ષમય 60નો દાયકો (હંગ્રી સિક્સ્ટીઝ)

આ આંદોલન ભલે સ્થાનિક મુદ્દા સાથે સંકળાયેલું હતું, પરંતુ તેનું રાજકીય લક્ષ્ય ઘણું મોટું હતું: ચીનના ઉદાહરણને ધ્યાનમાં રાખીને સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સત્તા પર કબજો કરવો. ચરમપંથી સીપીઆઈ(એમ)એ પોતાનું સમર્થન વધારવા માટે આદિવાસીઓની ફરિયાદો પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

1969ના કેન્દ્ર સરકારના એક અહેવાલમાં કહેવાયું: “આ અશાંતિનું મૂળ કારણ આદિવાસીઓનાં હિતોના રક્ષણ માટે બનાવાયેલા કાયદા યોગ્ય રીતે લાગુ ન થયા તે છે, અને જ્યાં સુધી તેના પર ધ્યાન નહીં અપાય, ત્યાં સુધી એવા આદિવાસીઓનો ભરોસો જીતવો શક્ય નથી, જેમનું નેતૃત્વ ચરમપંથીઓએ પોતાના હાથમાં લઈ લીધું છે.”

ઇતિહાસકાર સુમંત બેનર્જી એ ‘હંગ્રી સિક્સટીઝ’ની વ્યાખ્યા કરી છે. તેમનું કહેવું છે કે દુકાળ, કુદરતી આફતો, ચલણનું અવમૂલ્યન, મંદીએ ઉગ્રવાદ માટે ફળદ્રૂપ જમીન તૈયાર કરી અને વૈશ્વિક રીતે પણ જોઈએ તો 1960નો દાયકો આંદોલનોનો દાયકો હતો.

સશસ્ત્ર વિરુદ્ધ સંસદીય માર્ગ

સશસ્ત્ર સંઘર્ષ અંગેની ચર્ચા નક્સલબાડી પહેલાંની છે. ‘તેલંગણા કિસાન સશસ્ત્ર સંઘર્ષ’ના કાળનો ‘આંધ્ર થીસિસ’ 1960ના દાયકા સુધી જળવાઈ રહ્યો. સીપીઆઈની 1951ની ટેક્ટિકલ લાઇને (વ્યૂહાત્મક યોજનામાં) ગ્રામીણ ‘પાર્ટિસન વૉર’ને શહેરી હડતાલો સાથે જોડવાનું આહ્વાન કર્યું હતું.

સીપીઆઈ(એમ)ના સહ-સંસ્થાપક પુચાલાપલ્લી સુંદરૈયાએ કટોકટીકાળ દરમિયાન આરએસએસની સાથે સહયોગ, 1951ની વ્યૂહાત્મક યોજનામાં નક્કી કરાયેલા ‘પાર્ટિસન વૉર’માં આગળ ન વધી શકવા અને પાર્ટીની ગુપ્ત વિંગ બનાવવામાં નિષ્ફળ રહેવા’ના કારણે પક્ષનાં પદો પરથી રાજીનામું આપી દીધું હતું. સુંદરૈયા, મકનેની બસવપુન્નૈયા અને બીટી રણદીવે વચ્ચે ભૂગર્ભ પ્રવૃત્તિ અને હિંસક માર્ગો બાબતે મતભેદ હતા. પછીથી સીપીઆઈ(એમ)એ મકનેની બસવપુન્નૈયાના નેતૃત્વમાં પોતાની નીતિમાં સુધારો કરીને શાંતિનો માર્ગ અપનાવ્યો.

1964માં સીપીઆઈ તૂટીને સીપીઆઈ અને સીપીઆઈ(એમ)માં ફેરવાઈ ગઈ. આ ભાગલા મુખ્યત્વે એ બાબતે થયા હતા કે સોવિયત યુનિયનનું અનુકરણ કરવામાં આવે કે પછી ચીનનું. એટલે, સશસ્ત્ર સંઘર્ષના વિકલ્પમાં માનનારા અસંતુષ્ટ નેતાઓએ ઑલ ઇન્ડિયા કોઑર્ડિનેશન કમિટી ઑફ કમ્યુનિસ્ટ રિવૉલ્યૂશનરીઝ (એઆઈસીસીસીઆર) બનાવી, જે 1969માં સીપીઆઈ(એમએલ) બની ગઈ.

સોવિયત યુનિયનથી ચીન સુધી

1960ના દાયકાના અંતમાં સોવિયત યુનિયનનો પ્રભાવ ઘટતો ગયો. 1951માં સ્ટાલિનને મળ્યા પછી તેલંગણાનો સશસ્ત્ર સંઘર્ષ સમાપ્ત કરવાનો નિર્ણય કરાયો હતો. આ દરમિયાનમાં ચીનમાં 1949માં થયેલી ક્રાંતિએ ઉદ્દામવાદીઓને પ્રેરણા આપી. માઓ ભારતીય ઉદ્દામવાદીઓ માટે એકજૂથ થવા માટેની શક્તિ બની ગયા અને તેમનો પ્રભાવ એટલો વધી ગયો કે ચારૂ મજુમદારે એટલે સુધી કહી દીધું કે, “ચીનનો ચૅરમૅન અમારો ચૅરમૅન છે.”

કોલકાતાની પ્રેસિડેન્સી કૉલેજ નક્સલ કેન્દ્ર હતી, જે મધ્યમવર્ગના યુવાઓને પોતાની તરફ આકર્ષિત કરતી હતી. એટલે સુધી કે દિલ્હીની સેંટ સ્ટીફન્સ જેવી ભદ્રવર્ગની કૉલેજના વિદ્યાર્થીઓ પણ ખેડૂતોની એકતા માટે ગામો સુધી પહોંચી ગયા. પશ્ચિમ બંગાળમાં સીપીઆઈ અને સીપીઆઈ(એમ)ની ભાગીદારીવાળી સંયુક્ત મોરચા સરકાર, અને પછી કૉંગ્રેસે જમીન સુધારણા તથા કડક પોલીસ ઍક્શન, બંને દ્વારા વળતો જવાબ આપ્યો.

1972 સુધી માઓવાદી આંદોલન નબળું પડી ગયું, પરંતુ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમમાં શિક્ષિત યુવાઓને આ આંદોલન 1975ની કટોકટી સુધી પોતાની તરફ આકર્ષતું રહ્યું. પછીથી કાનૂ સાન્યાલે સ્વીકાર્યું કે ‘આ વિદ્રોહમાં સંગઠનાત્મક, જન સમર્થન અને લશ્કરી જ્ઞાનનો અભાવ હતો.’

પિપલ્સ વૉર અને એમસીસીનો જન્મ

ઑક્ટોબર 1977માં કોંડાપલ્લી સીતારમૈયાના નેતૃત્વમાં રેડિકલ સ્ટુડન્ટ્સ યુનિયન અને રેડિકલ યૂથ લીગની સ્થાપના થઈ. 22 એપ્રિલ 1980એ લેનિનના જન્મદિવસે તેમણે અને તેમના સાથીઓએ આંધ્રપ્રદેશમાં સીપીઆઈ(એમએલ) પિપલ્સ વૉરની રચના કરી. જ્યારે કનાઈ ચેટર્જીનું બિહાર ગ્રૂપ પછીથી માઓવાદી કમ્યુનિસ્ટ સેન્ટર (એમસીસી) બન્યું.

બંનેએ સંસદીય રાજકારણને નકારી કાઢ્યું અને તત્કાલ સશસ્ત્ર અભિયાનનું આહ્વાન કર્યું અને ભૂમિગત સંગઠન બનાવવા પર ભાર આપ્યો.

તેમણે દલિત અને આદિવાસીનું મજબૂત પીઠબળ ઊભું કર્યું અને કોબાડ ગાંધી જેવા શિક્ષિત મધ્યમવર્ગીય લોકોને પણ આકર્ષ્યા.

તેઓ જમીનના પુનર્વિતરણ, વેઠિયા મજૂરીની પ્રથાને સમાપ્ત કરવા, વન ઉત્પાદનોના યોગ્ય ભાવ, અને ‘શોષણકર્તા કરો’ના અંત માટે લડ્યા.

તેલંગણાથી દંડકારણ્ય

CG Khabar

CG Khabar

સીતારમૈયાએ પીઠબળ ઊભું કરવા માટે દંડકારણ્યમાં પણ કૅડર મોકલ્યા. માઓવાદીઓએ આધુનિક ખેતી શિખવાડી, શોષણનો વિરોધ કર્યો અને આદિવાસીઓનો વિશ્વાસ જીત્યો. પિનાક પાણિની ‘જનતાનારાજ્યમ’ નોંધોમાં લખ્યું છે કે, 1980ના દાયકામાં બસ્તરમાં મજૂરીની ચુકવણી અને આધુનિક પદ્ધતિથી ચોખાની ખેતીની જાણકારી નહોતી. ભોજનમાં શાકભાજી માત્ર ભાજી સુધી સીમિત હતી અને બીજા પાકો ઉગાડવાનું કશું ચલણ નહોતું. માઓવાદીઓ નવી તકનીકો લાવ્યા, સહકારી સમિતિઓ બનાવી, સ્કૂલ, તળાવ અને કૂવા બનાવડાવ્યાં.

તેલંગણાની વારંગલ રિજનલ એન્જિનિયરિંગ કૉલેજ (હવે એનઆઈટી) એક પ્રકારે ભરતીનું કેન્દ્ર બની ગઈ હતી અને આ કારણે જ આ કૉલેજ ‘રેડિકલ એન્જિનિયરિંગ કૉલેજ’ તરીકે ઓળખાવા લાગી. સીપીઆઈ(માઓવાદી) મહાસચિવ નંબાલા કેશવ રાવ સહિત ઘણા લોકો અહીં માઓવાદી આંદોલન સાથે જોડાયા.

1980ના દાયકામાં નક્સલીઓના નેતૃત્વમાં જમીનવિહોણા ખેડૂતોએ જમીનદારોની જમીનો જપ્ત કરી, તે કારણે સરકારે ઘણાં ક્ષેત્રોને ‘અશાંત’ જાહેર કરી દીધાં.

નિઝામના શાસન પછી પણ તેલંગણામાં સામંતવાદી પ્રભુત્વ ચાલુ રહ્યું. વેઠિયાપ્રથા, હિંસક જમીનદાર, પેત્તમદારી અને અન્ય શોષણકારી વ્યવસ્થાઓ ચાલુ રહી. રોજગારની તકો ઓછી હતી અને લોકોમાં વ્યાપક રૂપે નિરાશા ફેલાયેલી હતી. આ એ જ સમય હતો જ્યારે ‘એંગ્રી યંગ મૅન’નો પરદા અને વાસ્તવિક જીવનમાં ઉદય થઈ રહ્યો હતો. ગામોમાં એક નિર્દય જમીનદાર વિરુદ્ધ શોષિત જનતા એકજૂથ થઈ રહી હતી અને આ બધી બાબતોએ સાથે મળીને સશસ્ત્ર ઉગ્રવાદ માટે ફળદ્રૂપ જમીન તૈયાર કરી.

નક્સલીઓનો પ્રભાવ ભૂમિ સંઘર્ષોના માધ્યમથી વધતો ગયો. તેઓ જમીનદારોની સંપત્તિઓ પર કબજો કરતા અને ભૂમિહીનોમાં વહેંચી દેતા. જોકે, ઘણી વાર કબજે કરાયેલી આ જમીનો નકામી પડી રહેતી, કેમ કે, સરકાર તેને ગેરકાયદે ગણીને ભૂમિહીનોને ખેતી કરવાની મંજૂરી નહોતી આપતી.

સમાજવિજ્ઞાનીઓએ નોંધ્યું કે નક્સલી, એક દબાણકર્તા જૂથ તરીકે પણ કામ કરતાં હતા અને આ કારણે આદિવાસીઓ અને દલિતોનાં હિતમાં તેમણે ઘણા પ્રગતિશીલ કાયદા લાગુ કરાવવાના માર્ગો તૈયાર કર્યા. જાણીતા માનવ અધિકાર કાર્યકર, વકીલ અને પૂર્વ નક્સલ સમર્થક કે. બાલગોપાલ અનુસાર, “બેરોજગારીની સમાપ્તિ અને લઘુતમ વેતન નજીકની ચુકવણી – આ બે એવાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો છે, જે માઓવાદી આંદોલનના દબાણના કારણે થઈ શક્યાં.”

ધીમે ધીમે પરિવર્તન

સોવિયત સંઘના વિઘટન અને પૂર્વ યુરોપમાં થયેલા અન્ય ઘણા ઘટનાક્રમો પછી માર્ક્સવાદ લોકોને પોતાની તરફ આકર્ષિત કરવાની શક્તિ ગુમાવતો ગયો અને એક વિચારધારા તરીકે ઘણા સવાલોનો સામનો કરવા લાગ્યો. 1990ના દાયકામાં વૈશ્વિકીકરણે સામાજિક–આર્થિક માળખાંને બદલી નાખ્યાં. આંધ્રપ્રદેશમાં આઈટી સેક્ટરમાં તેજી, વાયએસ રાજશેખર રેડ્ડીની ફી રિટર્ન યોજના અને કલ્યાણકારી યોજનાઓએ ગ્રામીણ યુવાઓમાં નવી આશાઓ જન્માવી. સામાજિક કલ્યાણ હૉસ્ટેલ, જે ક્યારેક ભરતીનું કેન્દ્ર ગણાતી હતી, હવે તેનું મહત્ત્વ ઘટી ગયું; કેમ કે, શિક્ષણ હવે ખાનગી હાથમાં જતું રહ્યું. વિશ્વ બૅન્ક અનુસાર, રાષ્ટ્રીય સ્તરે ગરીબીનો દર 1977ના 59.07 ટકાથી ઘટીને 2022 સુધીમાં 5.25 ટકા થઈ ગયો.

ભારતમાં 1960ના દાયકાના અંતમાં હરિત ક્રાંતિ શરૂ થઈ હતી, તેણે 1980ના દાયકાના અંત સુધીમાં દેશને ખાદ્ય સંકટમાંથી બહાર નીકળવામાં મદદ કરી.

સમયની સાથે બૌદ્ધિક સમર્થન ઘટતું ગયું. 2009માં કે. બાલગોપાલે લખ્યું: “નક્સલી આંદોલનનાં લગભગ 40 વર્ષ પછી પાછળ ફરીને જોતાં આશ્ચર્ય થાય છે કે એવા મહત્ત્વપૂર્ણ નીતિનિર્ણયો કેટલા ઓછા છે, જેને અટકાવવામાં નક્સલી સક્ષમ રહ્યા.” મધ્યમવર્ગ પણ દૂર થતો ગયો અને લોકશાહીમાં સશસ્ત્ર સંઘર્ષ પર ઘણા સવાલ ઊભા થવા લાગ્યા.

અથડામણો પર થતી ચર્ચાઓ પણ ઓછી થતી ગઈ. હવે એ વાતથી પણ ધીમે ધીમે ફરક પડવાનું ઓછું થતું ગયું કે અથડામણ નકલી હતી કે અસલી. માઓવાદીઓનાં મૃત્યુ હવે સમાજ માટે કોઈ મુદ્દો જ નથી રહ્યાં.

ઓળખનું રાજકારણ અને આંબેડકર

1990ના દાયકામાં દલિત, નારીવાદી અને સાહિત્યિક આંદોલનોનો ઉદય થયો, જે માઓવાદીઓથી અલગ માર્ગે ચાલ્યાં. બીઆર આંબેડકરને 1990માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી દલિત સમુદાય બહુલ વિસ્તારો, જ્યાં ક્યારેક માઓવાદીઓ માટે સંવેદના હતી, તે દૂર થતા ગયા. મંડલ આયોગના રિપોર્ટ અને તેની સાથે સંકળાયેલા ઘટનાક્રમો પછી તે ઝડપથી થતું ગયું અને શહેરી મધ્યમવર્ગમાં પણ તેનું સમર્થન ઘટવા લાગ્યું.

હાલમાં બીબીસી સાથેની વાતચીતમાં, કોબાડ ગાંધીએ નક્સલવાદી આંદોલનના ઉદ્ભવ અને તેમની નિષ્ફળતાને લઈને ચર્ચા કરી હતી. ગાંધીએ સ્વીકાર્યું કે આંદોલન પોતાનાં લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું, માત્ર આંતરિક ખામીઓને કારણે જ નહીં, પણ રાજ્યના દબદબા અને શક્તિશાળી શાસનવ્યવસ્થાને કારણે પણ. તેમણે માન્યું કે ભારતીય રાજ્યની શક્તિ, જાતિવ્યવસ્થાની જટિલતાઓ, સમુદાય વચ્ચેના વિભાજન અને આદિવાસીઓના સંઘર્ષો, આ બધું આંદોલન માટે અવરોધક સાબિત થયું.
તેમના દૃષ્ટિકોણ મુજબ, આંદોલન આ સ્તરિય વાસ્તવિકતાઓને સંપૂર્ણપણે સમજવામાં અને યોગ્ય રીતે અમલીકરણમાં નિષ્ફળ રહ્યું. જોકે, તેઓ માને છે કે આંદોલન અન્ય રાજકીય શક્તિઓની તુલનાએ વધુ સંલગ્ન રહ્યું. તેમના માટે, જાતિના મુદ્દાની અવગણના આંદોલનની દૃષ્ટિએ એક મૂળભૂત ખામી હતી, જે હાંસલ કરવા માટેના સંઘર્ષમાં વંચિત સમુદાયોને એક કરવાની ક્ષમતાને નબળી પાડતી હતી.

2004ની શાંતિ-મંત્રણા અને સીપીઆઈ (માઓવાદી)

2004માં પિપલ્સ વૉર અને એમસીસીનો વિલય થઈને સીપીઆઈ (માઓવાદી)નું ગઠન થયું. તે જ વર્ષે ઑક્ટોબરમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ રાજશેખર રેડ્ડી શાંતિ-મંત્રણાના યજમાન બન્યા અને માઓવાદી નેતાઓને રાજ્ય અતિથિરૂપે રાખ્યા. જોકે, આ મંત્રણા નિષ્ફળ રહી અને બંને પક્ષોએ સામસામે પોતાના ફાયદા માટે મંત્રણાનો લાભ ઉઠાવવાના આરોપ કર્યા.

માઓવાદીઓ જેમ જેમ જનતાનું સમર્થન ગુમાવતા ગયા, તેમ તેમ તેમના સામાજિક–આર્થિક એજન્ડા પણ જાહેર ચર્ચાઓમાં અર્થહીન થતા ગયા.

સરકારે હવે તેને કાયદા-વ્યવસ્થાની સમસ્યા માનવાનું શરૂ કર્યું અને ‘અર્બન નક્સલ’ જેવા શબ્દ લોકપ્રિય થયા તથા શહેરી નેટવર્કને તોડવામાં આવ્યું. તેની સાથે સહાનુભૂતિ રાખનાર ઘણા બુદ્ધિજીવીઓ હવે જેલોમાં છે અને કેટલાક ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.


લશ્કરીકરણ અને પતન

2000 પછી, સરકાર પાસે ડ્રોન, આધુનિક હથિયાર અને આંધ્રપ્રદેશના ગ્રેહાઉંડ્સ જેવા વિશેષ દળોની સાથે ટેક્‌નિકલ ક્ષમતામાં વધારો થયો હતો. છત્તીસગઢમાં આદિવાસી નેતૃત્વવાળા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા લાગ્યા.

સલવા જુડૂમ (2005-2011)નો ઉદ્દેશ માઓવાદીઓને હાંકી કાઢવાનો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે તેને ગેર-બંધારણીય જાહેર કરી દીધું. પરંતુ, પછીથી ઘણા સભ્યો ડીઆરજીમાં જોડાઈ ગયા. કલ્યાણકારી યોજનાઓ, રસ્તા અને આદિવાસી સમાજમાં રાજકીય વિભાજને માઓવાદી ગઢોને નબળા કરી દીધા.

2000થી 2025ની વચ્ચે માઓવાદી સાથે સંકળાયેલી હિંસામાં 4,944 માઓવાદીઓ, 2,717 સુરક્ષાકર્મીઓ, 4,128 નાગરિકો, 252 એવા લોકોનાં મોત થયાં છે જેમની ઓળખ થઈ શકી નથી કુલ મળીને કુલ 12,041 લોકોનાં મૃત્યુ થયાં છે.

‘રોટી, કપડાં ઔર મકાન’થી લઈને ‘જિંદગી ન મિલેગી દોબારા’

આ આંદોલનની શરૂઆત ‘બંદિની’ (1963)ના યુગમાં શરૂ થઈ હતી, જ્યારે ગરીબી સિનેમાનો મુખ્ય વિષય હતો. ‘જિંદગી ના મિલેગી દોબારા’ (2011) સુધી આવતાં આવતાં સિનેમાનો મુખ્ય વિષય મધ્યમવર્ગ પર કેન્દ્રિત થઈ ગયો અને તેની સાથે જ માઓવાદ પણ લોકોની કલ્પના સાથે જોડાવામાં અસમર્થ થતો ગયો.

સૌથી પછાત ક્ષેત્રો સુધી પોતાને સીમિત રાખવાના લીધે નક્સલી સ્વયંને હાંસિયા પર લાવતા ગયા. બહારની દુનિયાની સાથે તેમનો સંબંધ હવે લગભગ સમાપ્ત જ થઈ ગયો છે. જેમ જેમ ભારત શહેરીકરણ તરફ આગળ વધી રહ્યો છે, નક્સલી સુદૂર જંગલો સુધી સીમિત રહી ગયા.

કોબાડ ગાંધીએ ઘણા સમય પહેલાં સ્વીકાર્યું હતું, “આજે… તે મોટા ભાગે સૌથી પછાત જંગલો સુધી જ સીમિત છે. ગ્રામીણ મેદાનોમાં તેની હાજરી ખૂબ ઓછી છે, શહેરોની તો વાત જ જવા દો.”

લેનિન, માઓ કે નેપાળના પ્રચંડની ક્રાંતિઓમાં રાષ્ટ્રવાદી રંગ હતો, પરંતુ, ભારતમાં માઓવાદીઓમાં દેશમાં એકતા લાવનારી છબીનો અભાવ હતો. કાયદાકીય માર્ગો ધરાવતી લોકશાહીમાં, ઘણા લોકોએ સશસ્ત્ર ક્રાંતિને એક જૂની વિચારધારા તરીકે જોઈ.કે જોઈ.

તારણ

માઓના છેલ્લા સૈનિકો હવે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. એ જોવાનું બાકી છે કે રાજ્ય બચેલી તાકાતોને ફરીથી એકજૂથ થવા દેશે કે સંપૂર્ણપણે ખાતમા પર જ ભાર મૂકશે. ‘સ્પ્રિંગ થંડર’થી લઈને આછા પડતા જતા પડઘા સુધીની નક્સલવાદની કહાણી, જેટલી ભારતની બદલાતી રાજકીય–આર્થિક સ્થિતિની કહાણી છે, એટલી જ એવા લોકોની પણ છે, જેમણે તેને બદલવા માટે હથિયાર ઉઠાવ્યાં.

ક્રૅડિટ્સ

સ્ટોરી: જીએસ રામમોહન
ઇલસ્ટ્રેશન અને ડિઝાઇન: પુનીત બરનાલા, ચેતન સિંહ અને વાસિફ ખાન
નિર્માણ: વાસિફ ખાન
તસવીર ક્રૅડિટ: ગેટી, સીજી ખબર


`