અબ્દુલ કરીમ જમાલ : એ ગુજરાતી જેમણે ભારતની કંપનીને બચાવવા અંગ્રેજો સામે બાથ ભીડી અને પોતાનું સર્વસ્વ દાવ પર લગાવ્યું

અબ્દુલ કરીમ જમાલ, Abdul Karim Jamal , રાઇસ કિંગ , બર્મા , મ્યાનમાર , બ્રહ્મદેશ , ચોખા , શેરડી , પેટ્રોલિયમ , વેપાર , ઉદ્યોગ સાહસિકતા , જામનગર , ગુજરાત , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Puneet Kumar/BBC

ઇમેજ કૅપ્શન, સર અબ્દુલ કરીમ જમાલ
    • લેેખક, આર્જવ પારેખ
    • પદ, બીબીસી સંવાદદાતા
રેડ લાઇન, બીબીસી ગુજરાતી

ગુજરાત અને વેપાર કાયમથી એકબીજાનાં પૂરક રહ્યાં છે. 18મીથી 19મી સદીના અંત ભાગ સુધી ગુજરાતીઓએ કંઈક એવું કર્યું જે સામાન્ય ન હતું, પણ વિશિષ્ટ હતું.

ગુજરાતી વેપારીઓએ અનેક દાયકા સુધી દરિયો ખેડીને આરબ દેશોથી લઈને પૂર્વ આફ્રિકાના દેશો સુધી વેપાર કર્યો, ત્યાં ઠરીઠામ થયા, મોટાં સામ્રાજ્ય ઊભાં કર્યાં. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત દર અઠવાડિયે એક લેખ પ્રગટ થશે.

રેડ લાઇન, બીબીસી ગુજરાતી

"ભારતભૂમિની શોભાસમી મુંબાપુરી(મુંબઈ)નો એક લત્તો માનવમહેરામણથી ઊભરાઈ રહ્યો છે. એક આલિશાન ઇમારતની પાસે ગાડીઓ, મોટરસાઇકલોની હારમાળા છે. ત્યાં આજે એક મોટા મહોત્સવની ઉજવણી છે. અનેક વિરોધીઓની અને શત્રુઓની કારમી હરીફાઈમાં અખંડ ટકી રહેલી એક વેપારી પેઢીએ પોતાની માલિકીની બંધાવેલી બાદશાહી ઇમારતનું આજે ઉદ્ધાટન થવાનું છે. ગરવી ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ તેનું ઉદ્ધાટન કરવાના છે. સોનાની ચાવીથી તેમણે સોનાનું તાળું ખોલ્યું અને ઇમારતને ખુલ્લી મૂકી. ચારેકોર સિંધિયા વહાણવટી કંપનીની અમર કીર્તિનો વિજયડંકો વાગી ગયો. પરંતુ આ બધાની પાછળ એ કીર્તિના પાયામાં એક વેપારી વીરની બહાદુરી છુપાયેલી હતી. એ વેપારીએ ભારતની આ પેઢીને જબરી ખોટ ખાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી હતી."

આ વેપારવીર એટલે બીજું કોઈ નહીં પરંતુ ગુજરાતી વેપારી અબ્દુલ કરીમ જમાલ કે જેમણે બ્રહ્મદેશ (હાલનું મ્યાનમાર)માં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું હતું.

'શાહ સોદાગર જમાલ' શીર્ષકથી માધવરાવ ભા. કર્ણિકે અબ્દુલ કરીમ જમાલના જીવન પર લખેલી એક પુસ્તિકામાં આ કિસ્સો ટાંકવામાં આવ્યો છે.

તો વાત એમ હતી કે 20મી સદીની શરૂઆતમાં વહાણવટાનો વેપાર ખૂબ ફૂલ્યોફાલ્યો હતો. અમુક ભારતીયોએ મળીને 'સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની'ની સ્થાપના કરી હતી. પરંતુ આ પેઢીની પ્રગતિ બીજા હરીફોને ગમી નહીં. હિન્દુસ્તાની હરીફ ઊભો થાય અને તે કમાણીમાં ભાગ પડાવે એ તેમને ન ગમ્યું અને અનેક પેંતરા થયા. કલકત્તા, મુંબઈ અને રંગૂન વચ્ચે આ કંપનીનાં વહાણો દોડવા લાગ્યાં. આ પ્રગતિ તોડી પાડવા પરદેશી કંપનીઓએ સાથે મળીને તેમની સ્ટીમરોમાં માલ મોકલનારને મોટું ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું. તેના કારણે અનેક હિન્દુસ્તાની વેપારીઓ પણ તેમાં માલ મોકલવા લાગ્યા અને સિંધિયા પેઢીને બંધ કરવાનો સમય આવી ગયો.

માધવરાવ કર્ણિક લખે છે, "અબ્દુલ કરીમ જમાલ જેવા દેશભક્ત, હિંદને વેપાર-ઉદ્યોગોથી ધમધમતું રાખવાની આશા રાખતી વ્યક્તિ આ જોઈ ન શકી. 1921માં વહાણવટી પેઢીઓની હરીફાઈ તીવ્ર બની ત્યારે એ વર્ષમાં એક પણ વેપારીએ સિંધિયાની એક પણ સ્ટીમરને એક પૈસાનું પણ કામ ન આપ્યું. ત્યારે જમાલ શેઠે એકલાએ જ વળતરની પરવા કર્યા વિના સેંકડોની ખોટ ખાઈને સિંધિયા પેઢીની એકેએક સ્ટીમર પોતાના માલથી ભરચક ભરી દેવાનું નક્કી કર્યું. આખું વર્ષ તેને કામ આપ્યું અને બ્રહ્મદેશનો સિંધિયા પેઢીનો વેપાર ટકાવી રાખ્યો."

પરિણામ એવું આવ્યું કે તેના કારણે જમાલ શેઠનો ચોખાનો વેપાર લગભગ પડી ભાંગ્યો. પરંતુ તેનાથી સિંધિયાના કાર્યવાહકોમાં હિંમત આવી અને મોટી સફરો માટે તેઓ તૈયાર થયા અને કંપનીની પ્રગતિ શરૂ થઈ.

એક ભારતીય કંપનીને બચાવવા પોતાનું સર્વસ્વ હોમી દેવાની તૈયારી રાખનાર ગુજરાતી વેપારી અબ્દુલ કરીમ જમાલની કહાણી આ અહેવાલમાં...

છ વર્ષની ઉંમરે જ પિતા સાથે બર્મા ગયા

Map
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વર્લ્ડ મેમણ ઑર્ગેનાઇઝેશન, કરાચી દ્વારા પ્રકાશિત 'મેમણ આલમ' મૅગેઝિનના ઑગસ્ટ, 2013ના અંકમાં સર અબ્દુલ કરીમ જમાલના જીવન વિશે લખાયું છે.

અબ્દુલ કરીમ જમાલનો જન્મ જામનગરમાં 1862માં થયો હતો.

'મેમણ આલમ' પ્રમાણે, "જ્યારે તેઓ છ વર્ષના હતા ત્યારે જ તેમના પિતા તેમને રંગૂન લઈ ગયા હતા અને ત્યાં જ તેઓ સ્થાયી થયા હતા. પરંપરાગત ઇસ્લામી શિક્ષણ લીધા પછી તેમણે રંગૂન કૉલેજમાં એડમિશન લીધું અને બીજી તરફ પિતાના ધંધામાં રસ લેવા માંડ્યા."

"તેઓ જ્યારે ભણતા હતા એ સમયે તેમના પિતા જમાલ બ્રધર્સ ઍન્ડ કાં. નામે પેઢી ચલાવતા હતા અને મોટેભાગે સિલ્ક અને અન્ય નાના-મોટા સામાનની લે-વેચનો ધંધો કરતા હતા."

1884માં તેમના પિતાએ ધંધામાંથી નિવૃત્તિ લીધી અને 1886 સુધીમાં તેમણે સંપૂર્ણપણે આ ધંધો સંભાળી લીધો.

માધવરાવ કર્ણિક લખે છે, "અબ્દુલ જમાલે કાપડના વેપારી તરીકે ધંધો શરૂ કર્યો હતો અને થોડા જ સમયમાં તેમની દુકાન રંગૂનની એક નાનકડી કાપડબજાર બની ગઈ હતી અને તેમને ખૂબ નફો થયો."

પ્રખ્યાત મૅગેઝિન ઇકોનૉમિસ્ટના ગુજરાતીઓ વિશેના એક વિશેષ અહેવાલ 'ગોઇંગ ગ્લોબલ'માં લખવામાં આવ્યું છે કે, "ગુજરાતીઓએ 19મી સદીના વેપારમાં બ્રિટિશ ઍમ્પાયરનો ભાગ ગણાતા કૅન્યા અને દક્ષિણ આફ્રિકાની કૉલોનીમાં અભૂતપૂર્વ દબદબો સ્થાપ્યો હતો. કચ્છી મેમણ સમુદાયના ઘણા લોકો બર્મા ગયા અને ત્યાં સમૃદ્ધ થયા. તેમાંના મોટા ભાગના લોક ત્યાં ટીક, ચોખા અને ચાનો વેપાર કરતા હતા."

"આ બર્મા ગયેલા મેમણોમાં સૌથી સફળ અને ખૂબ ધનવાન એવા સર અબ્દુલ કરીમ જમાલ હતા."

માધવરાવ નોંધે છે તેમ, "એ સમયગાળામાં ભારતીય વેપારીઓ જગતભરમાં ધંધાદારી અપ્રમાણિકતા માટે કલંકિત હતા. પરંતુ જમાલ શેઠે આ કલંક ટાળવા ભારે પ્રયત્ન કર્યો. તેમની વેપારી રીતભાત એટલી ચોખ્ખી અને પ્રમાણિક હતી કે તેમને થોડા જ સમયમાં રંગૂનના વેપારીઓ 'શાહ સોદાગર જમાલ' નામથી ઓળખવા લાગ્યા. તેમની દુકાનેથી માલ લેનાર વેપારીઓને છેતરાવાનો ભય ન રહેતા નાનામાં નાના વેપારીઓ તેમની સાથે વેપાર કરતા થયા."

"એ સમયે બ્રહ્મદેશ (મ્યાનમાર)ના લોકોની હાલત સારી નહોતી અને પરદેશી લોકોએ પોતાના પગ આ દેશમાં પસાર્યા હતા. એમાંથી મોટાભાગના લોકો મબલખ નફો કરીને પૈસા સ્વદેશ લઈ જતા. પરંતુ જમાલ શેઠે આ પ્રણાલિકા બદલી અને સ્વાર્થ અને પરમાર્થ બંનેને સાધવાની નેમ લીધી."

બર્માના 'રાઇસ કિંગ' તરીકેની ઓળખ

અબ્દુલ કરીમ જમાલ, Abdul Karim Jamal , રાઇસ કિંગ , બર્મા , મ્યાનમાર , બ્રહ્મદેશ , ચોખા , શેરડી , પેટ્રોલિયમ , વેપાર , ઉદ્યોગ સાહસિકતા , જામનગર , ગુજરાત , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, GURJAR PUBLICATION

ઇમેજ કૅપ્શન, અબ્દુલ કરીમ જમાલના જીવન વિશે લખાયેલી પુસ્તિકા

માધવરાવ કર્ણિક લખે છે કે, "જમાલ શેઠને લાગ્યું કે વિદેશીઓની હરીફાઈમાં બ્રહ્મદેશના ખેડૂતોને તેમની મહેનતનો પૂરો બદલો મળતો નથી. આથી ચોખાના વેપારની એવી રીતે ખીલવણી કરવાની જરૂર છે કે જેથી કરીને અહીંના ખેડૂતોને તેમની મહેનતનો પૂરો બદલો મળી રહે. આથી, તેમણે ચોખાનો વેપાર હાથમાં લીધો."

19મી અને 20મી સદીમાં રંગૂન ચોખાનું સૌથી મોટું કેન્દ્ર ગણાતું હતું.

માધવરાવ લખે છે, "શરૂઆતમાં જમાલ શેઠને આ ધંધામાં ધારી આવક ન થઈ પરંતુ તેમણે છોડ્યું નહીં. ધીમેધીમે તેમણે આખા દેશનો ચોખાનો વેપાર એકહથ્થુ કરી લીધો અને એ સસ્તો બને એ માટે તેમણે મોટાપાયે ચોખાની મિલો શરૂ કરી. પરદેશી વેપારીઓ પણ તેમનો સાથ શોધવા લાગ્યા. એવી પરિસ્થિતિ પેદા થઈ કે કોઈ પણ વેપારી સ્વતંત્ર રીતે ચોખાનો ભાવ પાડી શકે, તેમ રહ્યું નહીં. જમાલ શેઠના પોતાના ખેડૂતો, પોતાની મિલો અને પોતાની અતિકુશાગ્ર વેપારી બુદ્ધિના પરિણામે કોઈ પણ ચોખાના વેપારીને ધંધો કરતો અટકાવી દેવો એ તેમનો ડાબા હાથનો ખેલ થઈ ગયો."

"ચોખાના બજાર પર તેમનો એટલો કાબૂ આવી ગયો કે એમની પેઢીમાં ચોખાનો જે ભાવ નક્કી થતો, એ જ બીજે દિવસે બજારમાં ચાલતો. વેપાર પર આવી અજોડ સત્તાને કારણે તેઓ 'કિંગ ઑફ રાઇસ' તરીકે આખા બ્રહ્મદેશમાં ઓળખાવા લાગ્યા."

માધવરાવે લખેલી પુસ્તિકા પ્રમાણે, "પછી તેમની નજર તેલના વેપાર પર ગઈ. એક દિવસ તેમની પેઢીમાં બેઠા બેઠા શેઠને વિચાર આવ્યો કે ઘાસતેલ (કેરોસીન)ના વેપારમાં ઝંપલાવવું જોઈએ. પરંતુ એ કામ અતિશય અઘરું હતું. પરદેશી કંપનીઓ પાસે લાખોની મૂડી, રાજસત્તાનું બળ અને તીવ્ર વેપારી બુદ્ધિ હતી, તેમ છતાં આ વેપાર માટે તેઓ તલસી રહ્યા હતા. એમાં એક ભારતનો વેપારી તેમાં ઝુકાવે અને સફળતા મેળવે એ તદ્દન અશક્ય લાગતું હતું."

પરંતુ આખા બ્રહ્મદેશમાં પ્રવાસ કર્યા બાદ તેમણે 'ધી ઇન્ડો બર્મા પેટ્રોલિયમ કંપની' નામે વેપારી પેઢી સ્થાપી. ઘાસતેલના સેંકડો કૂવા પોતાની માલિકીના બનાવ્યા અને આ પેઢીનું ધમધોકાર કામ ચાલુ થઈ ગયું.

આ કંપની તેમણે સ્થાપી ત્યારે તેમાં તેમની પાસે કેટલી મૂડી હતી તેના પરથી એ અંદાજ આવે છે કે તેમને ચોખાના વેપારમાંથી કેટલી કમાણી થઈ હશે અને તેઓ કેટલા સમૃદ્ધ હતા.

'મેમણ આલમ' માં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "જમાલ બ્રધર્સ કંપની લિમિટેડની સ્થાપના તેમણે એક કરોડની મૂડી સાથે કરી હતી. એવી જ રીતે ઇન્ડો-બર્મા પેટ્રોલિયમ કંપની લિમિટેડની સ્થાપના પણ એક કરોડની મૂડી સાથે તથા જમાલ કોટન પ્રૉડ્યુસ કંપનીની સ્થાપના તેમણે 30 લાખની મૂડી સાથે કરી હતી."

તેમણે કપાસ, પેટ્રોલિયમ ડ્રિલિંગ, તેલના કૂવાઓ, રબર પ્લાન્ટેશન, રિફાઇનરીઓ, ચાનું ઉત્પાદન, ટિમ્બર, ખાંડ, લોખંડની ફૅક્ટરીઓ, જિનિંગ, માઇનિંગ, ચોખાની મિલો સહિત અનેક ક્ષેત્રોમાં ધંધો કર્યો હતો અને સફળતા મેળવી હતી.

બ્રિટિશરોએ ખિતાબ આપ્યો તેમ છતાં ભારતીય કંપનીની તરફેણ કરી

અબ્દુલ કરીમ જમાલ, Abdul Karim Jamal , રાઇસ કિંગ , બર્મા , મ્યાનમાર , બ્રહ્મદેશ , ચોખા , શેરડી , પેટ્રોલિયમ , વેપાર , ઉદ્યોગ સાહસિકતા , જામનગર , ગુજરાત , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, MEMON WORLD

ઇમેજ કૅપ્શન, અબ્દુલ કરીમ જમાલ

1920માં બ્રિટિશ સરકારે તેમને 'નાઇટહૂડ'ના ખિતાબથી સન્માનિત કર્યા હતા અને એ પહેલાં 1915માં તેમને સી.આઈ.ઈ (કમ્પેનિયન ઑફ ઇન્ડિયન ગવર્મેન્ટ)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને યુદ્ધમાં ફંડ આપવા અને અન્ય માનવતાવાદી સેવાઓ માટે આપવામાં આવ્યાં હતાં.

તેમને આ નાઇટહૂડનું સન્માન મળ્યું તેના પછીના વર્ષે જ 1921માં આગળ જેનો ઉલ્લેખ કર્યો એ 'સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની' ની ઘટના બની હતી.

મેમણ આલમ પ્રમાણે, "બ્રિટિશ સરકારે 1920માં તેમને નાઇટહૂડનો ખિતાબ આપ્યો હોવાથી તેમને ચેતવણી પણ આપી હતી. પરંતુ બ્રિટિશ સરકારની ચેતવણી છતાં તેમણે ભારતીય કંપની સિંધિયા સ્ટીમને ટેકો અને મદદ આપવાનું ચાલુ રાખ્યું હતું."

"અંતે બ્રિટિશ સંસદમાં થયેલી ઐતિહાસિક બેઠકમાં સર જમાલના વેપાર પર ગાળિયો કસવાનું નક્કી થયું અને બ્રિટિશ સરકારે જ્યારે પાકની લણણી થતી હોય એ સમયે બર્માથી થતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેના કારણે અબ્દુલ જમાલને ભારે નુકસાન થયું હતું."

છેલ્લે આ ઘટનાને કારણે તેમને આઠ કરોડ જેટલું દેવું થઈ ગયું હોવાનો અને તેમણે તેની ચૂકવણી કરી હોવાનો પણ ઉલ્લેખ મળે છે.

ધી ઇકોનૉમિસ્ટ પ્રમાણે, તેમના નામ પાછળ રંગૂનમાં (હવે યાંગોન) એક શેરીનું નામ પણ રાખવામાં આવ્યું હતું.

એટલા રૂપિયા દાન કર્યા જેનો 'કોઈ હિસાબ નથી'

અબ્દુલ કરીમ જમાલ, Abdul Karim Jamal , રાઇસ કિંગ , બર્મા , મ્યાનમાર , બ્રહ્મદેશ , ચોખા , શેરડી , પેટ્રોલિયમ , વેપાર , ઉદ્યોગ સાહસિકતા , જામનગર , ગુજરાત , બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 20મી સદીની શરૂઆતની રંગૂનની એક તસવીર

અમુક ધંધામાં ખોટ જવા છતાં તેમણે બાકીના વેપારથી સ્વબળે લાખો રૂપિયાની કમાણી કરી હતી.

માધવરાવ કર્ણિક લખે છે, "તેમનામાં સચ્ચાઈ, પ્રમાણિકતા અને નીતિમત્તા ખૂબ હતાં. તેમણે બીજા શ્રીમંતોની માફક તેમનું જીવન માત્ર મોજશોખમાં ન પૂરું કરી નાખ્યું અને ધનનો મોટો ઉપયોગ દેશસેવામાં વેપારવૃદ્ધિમાં અને વિદ્યાપ્રચારમાં કર્યો."

"રંગૂનમાં તેઓ પોતાને ખર્ચે એક મોટી કન્યાશાળા ચલાવતા હતા. રંગૂનમાં ફારસી ભાષાના વિદ્યાર્થીઓ ન મળતા હોવાનું બહાનું ધરી સરકાર તેની પાછળ ખર્ચ કરતી ન હતી. તો તેમણે દરમહિને 400 રૂપિયા આપીને રંગૂનમાં ફારસી ભાષાનું શિક્ષણ આપવાની વ્યવસ્થા કરાવી હતી."

"એવું કહેવાય છે કે તેમણે કેળવણી પાછળ લાખો રૂપિયા ખર્ચ્યા છે. હિન્દુસ્તાન અને બ્રહ્મદેશનો કોઈપણ કેળવણીકાર તેમને બારણે ગયા પછી દાન લીધા વગર પાછો ફર્યો નથી એવું કહેવાતું હતું અને આપેલા દાનનો હિસાબ તો ગણવો જ મુશ્કેલ છે. તેમના સાથીઓ તેમને દાન કરવામાં 'ધૂની' ગણાવતા હતા."

મેમણ આલમ પ્રમાણે, "તેમના પ્રખ્યાત બંગલો 'જમાલ વિલા'માં મહાત્મા ગાંધી, સર આગાખાન, મોટા અંગ્રેજ અધિકારીઓ ઘણીવાર જતા. મોટાભાગનાં દેશી રાજ્યોના રાજાઓ તેમને પોતાના મિત્ર ગણાવતા હતા. જ્યારે તેમણે જન્મસ્થળ જામનગરની મુલાકાત લીધી ત્યારે મહારાજા રણજિતસિંહે તેમનું રેલવેસ્ટેશન પર આવીને સ્વાગત કર્યું હતું."

"પરંતુ ધનાઢ્ય વેપારી હોવા છતાં તેમનું અંગત જીવન ખૂબ સાદું અને સરળ હતું. પરંતુ એવો પણ ઉલ્લેખ જોવા મળે છે કે તેમણે મુસ્લિમ સમુદાયમાં વ્યાપ્ત મહિલાઓ માટે પરદાપ્રથાનું સમર્થન કર્યું હતું."

મેમણ આલમમાં લખાયું છે કે, "1911માં રાજા જ્યૉર્જ પાંચમા જ્યારે ભારત આવ્યા ત્યારે તેમની સેરેમનીમાં દિલ્હીમાં તેઓ સામેલ થયા હતા. રાજાએ વિદાય લીધી એ પછી તેમની સ્પેશિયલ કાર સર જમાલે ખરીદી લીધી હતી."

વેપાર ધંધાને કારણે તેમને વારંવાર મુંબઈ આવવું પડતું અને તેઓ મુંબઈના વેપારી વર્ગમાં પણ જાણીતા હતા.

તેમણે લગભગ સિત્તેરેક વર્ષની લાંબી જિંદગી ભોગવીને દાનવીર અને વેપારવીરની છબી સાથે 1924માં દુનિયામાંથી વિદાય લીધી હતી.

તેમણે પોતાના વતન જામનગરથી દૂર પોતાનું વેપાર સામ્રાજ્ય જમાવ્યું છતાં પોતાની પરંપરાગત ઓળખથી દૂર નહોતા થયા.

માધવરાવ કર્ણિક લખે છે, "દરેક સારે પ્રસંગે તેઓ કચ્છી મેમણ મુસ્લિમોનો જ પોશાક પહેરતા અને ગુજરાતીપણું જાળવી રાખતા હતા. માથે કચ્છી મેમણનો ફેંટો અથવા પાઘડી શોભતી અને કોટ પહેરતા."

તેઓ લખે છે, "તેમના રક્તરક્તમાં ગુજરાતીપણું છલકાતું હતું અને એક દેશભક્ત વેપારી તરીકે જીવ્યા હતા અને સફળ રીતે જીવનવ્યાપાર ચલાવી શાહસોદાગરની અમરકીર્તિ મેળવી હતી. આજે તેઓ આ જગતમાં નથી પરંતુ તેમની કીર્તિ ગુજરાતની વેપારી અસ્મિતાને પુકારતી હજુ હિંદભરમાં ઊભી છે."

આ શ્રેણીના અન્ય લેખ અહીં વાંચો:

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન