ભાજપ, કૉંગ્રેસ અને આપ- ત્રણેયના પ્રમુખ હવે ઓબીસી, ગુજરાતના રાજકારણમાં ઓબીસીનું મહત્ત્વ કેમ વધી રહ્યું છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, ગુજરાતના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો કૉંગ્રેસ, ભાજપ, અને આપના પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના છે
    • લેેખક, અપૂર્વ અમીન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) સમાજમાંથી આવતા જગદીશ પંચાલ (વિશ્વકર્મા)ની વરણી કરી છે.

જગદીશ વિશ્વકર્માએ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળી લેવાની સાથે જ હાલમાં ગુજરાતના ત્રણ મુખ્ય રાજકીય પક્ષો કૉંગ્રેસ, ભાજપ, અને આપના પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજના છે, એ પણ ચર્ચાનો વિષય બન્યો છે.

આ નિમણૂકો માત્ર રાજકીય ગણિતનો ભાગ જ નહીં, પરંતુ બદલાઈ રહેલા સામાજિક માળખાનું પ્રતિબિંબ બની રહી હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દાયકામાં સામાજિક પરિવર્તન અને જાતિ આધારિત રાજકીય સત્તાની ભાગીદારીમાં સપાટી પર દેખાવા લાગેલા અસંતુલન સામે ઊભી થતી નવી જાતિ આધારિત ઓળખની રાજનીતિએ પાર્ટીઓને પોતાનો અભિગમ બદલવા મજબૂર કર્યા હોવાનું રાજકીય નિરીક્ષકો માને છે.

રાજકીય અવલોકનકારોને મતે આ ત્રિપક્ષીય સમીકરણ એ સ્પષ્ટ સંકેત આપે છે કે, ગુજરાતની રાજનીતિમાં હવે "પોસ્ટ-પાટીદાર ફેઝ" (અનુ-પાટીદાર તબક્કો) શરૂ થઈ રહ્યો છે. જેમાં રાજકારણ જાતિ કરતાં પણ પ્રતિનિધિત્વ અને સમાજના નવા અવાજ આધારિત બનતું જઈ રહ્યું છે.

ગુજરાતમાં પક્ષોના ઓબીસી પ્રદેશ પ્રમુખો પર શું કહે છે નિષ્ણાતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઇમેજ સ્રોત, Jagdish Panchal/FB

ઇમેજ કૅપ્શન, જગદીશ વિશ્વકર્માને ભાજપે તાજેતરમાં પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે

ચૂંટણી સમયે ઓબીસી વોટબૅન્કના મહત્ત્વ વિશે વાત કરતાં વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે, "ઓબીસી ગુજરાતની સૌથી મોટી વોટબૅન્ક છે, જે આશરે 54% વસ્તી ધરાવે છે. જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં ઓબીસી સમાજ એક મજબૂત 'બ્લૉક' તરીકે મતદાન કરે છે. પક્ષો દ્વારા ઓબીસી ચહેરાને જાહેર કરવાનું એકમાત્ર કારણ તેમની મોટી વોટબૅન્ક છે."

તેઓ ઉમેરે છે કે ગુજરાત સિવાયનાં હિન્દી ભાષી રાજ્યોમાં પણ રાહુલ ગાંધી ઓબીસી અનામતને એક 'શસ્ત્ર' તરીકે ઉપયોગ કરી રહ્યા છે, જ્યાં આ સમુદાય 70% જેટલી નિર્ણાયક ભૂમિકામાં જોવા મળે છે.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક પ્રો. બળદેવ આગજાએ બીબીસી સાથે વાત કરતાં જણાવે છે, "ભાજપ હોય કે કૉંગ્રેસ, બધાની અપેક્ષા જ્ઞાતિગત સમીકરણો બદલવાની હોય છે. 54% હિસ્સો ઓબીસીનો હોવાથી આ નિર્ણય લેવાયો છે. આમાં સામાજિક ન્યાયને કોઈ સ્થાન નથી, માત્ર રાજકીય લાભ ઉઠાવવાની વાત છે. જો ખરેખર ન્યાય આપવાની નીતિ હોત તો મુખ્ય મંત્રી ઓબીસી જાહેર કરવા જોઈતા હતા, કારણ કે સૌથી વધુ મત ઓબીસીના છે."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેઓ ભારપૂર્વક જણાવે છે કે, ગુજરાતમાં 1960થી અત્યાર સુધીમાં ઓબીસી સમાજમાંથી કોઈ નેતાને નાણા, ઉદ્યોગ કે ગૃહ જેવાં મહત્ત્વનાં પદ મળ્યાં નથી. તેમને માત્ર મત્સ્યવિકાસમંત્રી જેવાં પદો આપવામાં આવે છે.

ઓબીસી ચહેરાઓની પસંદગી અંગે વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા કહે છે, "ભાજપ આ મામલે જુદા પ્રકારનો પક્ષ છે. તેમના માટે દલિત કે આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યાની જેમ જ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસીનો ચહેરો જાહેર કરવો માત્ર માર્કેટિંગ પૉલિસી હોઈ શકે છે. ભાજપ એક કૅડર બેઝ પાર્ટી છે."

હરેશ ઝાલાના મતે, "હકીકતમાં, ભાજપને એવા પ્રદેશ પ્રમુખની જરૂર હતી જે વધારે મહત્ત્વાકાંક્ષી ન હોય અને પાર્ટીના સંપૂર્ણ નિયંત્રણમાં રહે. તેથી જગદીશ વિશ્વકર્માની પસંદગી થઈ છે."

તેમણે ઉમેર્યું, "ઓબીસી સમુદાયમાં ઠાકોર, ચૌધરી અને કોળી જેવી મોટી જ્ઞાતિઓ છે. વિશ્વકર્મા સમાજમાંથી આવતા જગદીશ વિશ્વકર્માનો સમાજ વસ્તીના ધોરણે અન્ય ઓબીસી જાતિઓ કરતાં ઓછો છે, તેથી તે સંપૂર્ણપણે નિર્ણાયક ભૂમિકામાં નથી."

ઝાલાએ કહ્યું, "જગદીશ વિશ્વકર્મા શંકરસિંહ વાઘેલા કે નરેન્દ્ર મોદી જેવું કદાવર નેતૃત્વ નથી, જેમની અસર સમગ્ર ગુજરાતના ઓબીસી પર થાય. તેમજ સંગઠનમાં પણ તેમનું નેટવર્ક બહોળા પ્રમાણમાં નથી."

પાટીદાર અને ઓબીસી વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઇમેજ સ્રોત, Amit Chavda/FB

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

ઓબીસી નેતાને પ્રમુખ બનાવવાના પગલાને પાટીદાર આંદોલન પછીના રાજકીય સંતુલનની કવાયત માનવા અંગે જગદીશ આચાર્ય સ્પષ્ટતા કરતા કહે છે કે, "આ પગલું પાટીદાર આંદોલન પછીના રાજકીય સંતુલનની કવાયત નથી, કેમ કે પટેલ આંદોલન પછી પણ ગુજરાતમાં ભાજપ સત્તામાં આવ્યો છે."

"ઓબીસી સમાજની સૌથી મોટી જ્ઞાતિ કોળી સમાજ છે, જે ગત ચૂંટણીમાં ભાજપ સાથે રહી હતી. આ પગલું પટેલ અને ઓબીસી સમાજ વચ્ચે સંતુલન સાધવા માટેનું નથી, પણ માત્ર રાજકીય લાભ મેળવવા અને ઓબીસી સમાજ સાથે છીએ તે દર્શાવવા માટેનું માત્ર એક પ્રતીકાત્મક પગલું છે."

જગદીશ આચાર્ય ઉમેરે છે કે "માત્ર કોઈને હોદ્દા આપી દેવાય એને તે સમગ્ર સમાજની પ્રગતિ ગણી શકાય નહીં. પણ સામાજિક માળખું, આર્થિક ધોરણો, શિક્ષણ, રોજગાર અને કલ્યાણકારી યોજનાઓ થકી થયેલી પ્રગતિ સાચું સામાજિક ઉત્થાન છે. આ અધ્યક્ષ થકી સરકારની નીતિઓ અંદર પરિવર્તન લાવી શકે નહીં, એકાદ ઓબીસી સમાજના નેતા બની જવાથી સમગ્ર ઓબીસી સમાજનું ભલું થાય તે જરૂરી નથી."

જોકે, બળદેવ આગજા માને છે કે "પાટીદાર આંદોલન પછી પાટીદારોની વોટબૅન્ક ભાજપમાં વધી છે અને પાટીદારો ભાજપના જ મતદારો છે. આ ઓબીસી ચહેરો પાટીદાર આંદોલન પછીની રાજકીય સંતુલનની કવાયત નથી, પરંતુ જ્ઞાતિ ગણિત હેઠળ ભરવામાં આવેલું પગલું છે. ઓબીસી મતદારોને આકર્ષવા આ પગલું લેવાયું છે."

હરેશ ઝાલા પાટીદાર આંદોલનની અસર અંગે જણાવે છે કે, "પાટીદારોની વગ વધી છે. ટિકિટ વહેંચણીમાં પણ તેમનો પ્રભાવ જોવા મળે છે. પાટીદારોની એકતા ભાજપ માટે પડકાર રહી છે, પણ ભાજપ હવે હરીફ પક્ષોનાં હથિયાર પણ વાપરી રહ્યું છે. ઓબીસી કૉંગ્રેસની વોટબૅન્ક છે, તેને છીનવવા માટેનો ભાજપનો આ પ્રયત્ન હોઈ શકે છે."

ઝાલા જણાવે છે કે જો ભાજપે ખરેખરમાં ઓબીસી વોટનો લાભ લેવો જ હોય તો તેમણે સ્થાનિક ઓબીસી નેતાને પ્રાધાન્ય આપવું જોઈતું હતું.

ગુજરાતમાં ઓબીસી રણનીતિ

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઇમેજ સ્રોત, Isudan Gadhvi/FB

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી

રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યના મતે, "કૉંગ્રેસની નેતાગીરી મર્યાદિત થઈ છે. ભૂતકાળમાં અમિત ચાવડા એક વખત પક્ષ પ્રમુખ તરીકે રહીને 'નિષ્ફળ' ગયા હોવા છતાં, તેમની પાસે અન્ય કોઈ મજબૂત ઓબીસી નેતાનો વિકલ્પ ન હોવાથી તેમને ફરીથી તક મળી છે.

આચાર્ય જણાવે છે કે, "અમિત ચાવડા ઓબીસી ઉપરાંત એક અનુભવી નેતા તરીકે જાણીતો ચહેરો છે. કૉંગ્રેસના મર્યાદિત નેતૃત્વમાં તેઓ ઓબીસી તરીકે સૌથી ફિટ નેતા છે."

તેમ છતાં, આચાર્ય માને છે કે આ પગલાનો કૉંગ્રેસને વિશેષ લાભ મળી શકે નહીં, કારણ કે સામે પક્ષે ભાજપે પણ ઓબીસી નેતાને પ્રમુખ બનાવ્યા છે. તેમનો હેતુ માત્ર પાર્ટીની પ્રતિબદ્ધ ઓબીસી વોટબૅન્ક જાળવી રાખવાનો છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

અધ્યાપક બળદેવ આગજા પણ અમિત ચાવડાને સક્ષમ નેતા અને કૉંગ્રેસનો મજબૂત ઓબીસી ચહેરો માને છે, "મધ્ય ગુજરાતમાં તેઓ 4 વખત જીત્યા છે. પાર્ટીએ ચોક્કસ તેમની પસંદગી નક્કી કરવામાં આ માપદંડ નક્કી કર્યો હશે," તેમ તેઓ જણાવે છે.

આમ આદમી પાર્ટીના ઓબીસી ચહેરા અંગે જગદીશ આચાર્યનું વિશ્લેષણ અલગ છે. આચાર્યે ઉમેર્યું હતું કે, "ઇસુદાન ગઢવીની પસંદગી પાછળ જ્ઞાતિ ફેક્ટર ન હતું. તેમની પત્રકાર તરીકેની છાપ અને ખેડૂતોમાં લોકપ્રિયતાને કારણે તેમને નેતા જાહેર કર્યા હતા."

જોકે, તેઓ માને છે કે ગઢવીને ઓબીસી તરીકેનો લાભ નહીં મળે, કારણ કે તેઓ ગઢવી છે અને ગઢવીઓની વધુ વસ્તી ધરાવતા જામ ખંભાળિયામાંથી પણ ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી.

બળદેવ આગજા પણ આ વાત સાથે સહમત છે. તેઓ માને છે કે, "આમ આદમી પાર્ટીમાં શરૂઆતના તબક્કાઓમાં પાટીદાર આંદોલનમાંથી આવતા નેતાઓ હતા, પણ તાજેતરમાં ઓબીસી ચહેરા તરીકે ઇસુદાન ગઢવી છે, પરંતુ જામ ખંભાળિયામાંથી ચૂંટણી હાર્યા તે મુખ્ય કારણ છે કે, તેમની લોકપ્રિયતા ઓબીસીમાં નથી."

ત્રણેય પક્ષોએ ઓબીસી ચહેરાને કેમ પસંદ કર્યા?

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે, "ઓબીસી સમાજની હિસ્સેદારી અને ભાગીદારી અંગે રાહુલ ગાંધી પ્રતિબદ્ધ છે, તેથી કૉંગ્રેસ પક્ષે પૂર્વ સ્વાતંત્ર્યસેનાની પરિવારમાંથી આવતા અમિત ચાવડાને પ્રમુખ બનાવ્યા છે. કૉંગ્રેસની સામાજિક ન્યાયની લડતને પગલે જ ભાજપને ઓબીસી અધ્યક્ષ નીમવાની ફરજ પડી છે."

ગુજરાત આપના પ્રવક્તા કરણ બારોટે કહ્યું હતું કે, "ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી કરવા મજબૂર બની છે, કેમ કે ગુજરાતની વસ્તી હાલ આંદોલનના માર્ગે છે અને ભાજપના નેતાઓમાં નારાજગી છે. આપના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી (જે પોતે ઓબીસી છે) 2022થી કાર્યરત્ છે. ભાજપને એવો ભય છે કે વીસાવદરની પેટાચૂંટણી પછી પાટીદાર સમાજ આપ તરફ આકર્ષાઈ રહ્યો છે, તેથી પાટીદારોના મત કપાય તે ભરપાઈ કરવા ભાજપે ઓબીસી પ્રમુખ બનાવ્યા છે."

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અમિત ચાવડાની પસંદગીને લઈને કહ્યું કે, "અમિત ચાવડા યુવાન નેતા છે અને તેમના દાદા ઈશ્વરભાઈ પણ છેવાડાના માનવી માટે લડતા આપતા હતા. ચરોતરની ભૂમિ પટેલની સાથે સાથે ઓબીસીની પણ છે."

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

જોકે, ભાજપ જ્ઞાતિવાદના આ આરોપને ફગાવે છે. ગુજરાત ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ આ મુદ્દે કહ્યું કે, "ભૂતકાળમાં સીઆર પાટીલ પ્રમુખ હતા અને તે પહેલાં જૈન સમાજમાંથી આવતા વિજય રૂપાણી પ્રદેશ પ્રમુખ હતા, ત્યારે જૈનોની વસ્તી માત્ર 0.2% છે. પક્ષ સૌનો સાથ, સૌનો વિકાસના સિદ્ધાંત પર ચાલે છે અને વ્યક્તિની કાર્યક્ષમતા પર આધાર રાખે છે. તે પ્રમાણે તેમણે હોદ્દાઓ આપે છે. તેમા કોઈ જ્ઞાતિને સ્થાન ન હોઈ શકે. તે સૌ માટે કામ કરે છે."

તેમણે ઉમેર્યું કે પાટીદાર આંદોલનને 7 વર્ષ વીતી ગયાં છે અને ત્રણ પ્રદેશ પ્રમુખ બદલાયા છે, જે ત્રણેય અલગ-અલગ જ્ઞાતિના હતા.

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઓબીસી સમાજની જ્ઞાતિગત વિવિધતા

બીબીસી ગુજરાતી, ગુજરાત, આમ આદમી પાર્ટી, ભાજપ, કૉંગ્રેસ, અમિત ચાવડા, ઇસુદાન ગઢવી, જગદીશ વિશ્વકર્મા, જગદીશ પંચાલ, ભૂપેન્દ્ર પટેલ, રાજકારણ, પાટીદાર, ઓબીસી સમાજ

ઇમેજ સ્રોત, Getty Images

જગદીશ આચાર્યે અંતમાં કહ્યું કે, "ગુજરાતમાં શહેરી વસ્તીને બાદ કરતાં મોટા ભાગની સીટો પર ઓબીસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે. તેમના મતદાનની ટકાવારી પણ 50 ટકાથી પણ વધારે હોય છે."

"તે માન્યતા પણ ખોટી છે કે પક્ષના પ્રમુખો માત્ર ઓબીસી સમાજના ચહેરા છે, કેમ કે ઓબીસી વિશાળ વસ્તી ધરાવે છે, તેમાં કોળી, આહીર, ઠાકોર જેવી વધુ વસ્તી ધરાવતી જાતિઓ પણ સમાવિષ્ટ છે અને તેમનું નેતૃત્વ જો પાર્ટીમાં ન હોય તો તેઓ પણ નારાજ થવાની શક્યતાઓ રહેલી છે."

2000ના દાયકાથી ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનો પ્રભાવ પણ વધારે રહ્યો છે. ભાજપના નેતૃત્વથી લઈને કૉંગ્રેસના પ્રદેશ સ્તરના સંગઠનમાં પણ પાટીદાર સમુદાયનું પ્રાધાન્ય વધારે હતું, પરંતુ 2015ના પાટીદાર આંદોલન બાદ આ સમીકરણ તૂટવા લાગ્યું.

પ્રશ્ન એ છે કે શું આ માત્ર ચહેરો બદલવાનો પ્રયાસ છે કે રાજકીય નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઓબીસી નેતાઓને વાસ્તવિક સત્તા મળી રહી છે?

રાજકારણના નિરીક્ષકો કહે છે કે "પ્રતિનિધિત્વ" અને "પાવર" વચ્ચેનો તફાવત ગુજરાતની આગામી ચૂંટણીમાં સ્પષ્ટ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન