અમિત ચાવડાને પ્રમુખ બનાવીને શું કૉંગ્રેસ 2027માં ભાજપ અને 'આપ'ને ટક્કર આપી શકશે?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટી
ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના (જીપીસીસી) નવા અધ્યક્ષ જાહેર કર્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images/Amit Chavda FB

ઇમેજ કૅપ્શન, ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસે કૉંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના (જીપીસીસી) નવા અધ્યક્ષ જાહેર કર્યા છે.
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાતમાં ગત જૂન માસમાં યોજાયેલી કડી અને વીસાવદર વિધાનસભા બેઠક પરની પેટાચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારોના કારમા પરાજય બાદ 23 જૂને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ (જીપીસીસી)ના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે 'હારની નૈતિક જવાબદારી' સ્વીકારીને રાજીનામું આપ્યું હતું.

આ ઘટનાક્રમ બાદથી શરૂ થયેલી નવા પ્રદેશાધ્યક્ષની કૉંગ્રેસની શોધ આખરે ગુરુવારે અમિત ચાવડાના સ્વરૂપમાં પૂરી થઈ હતી.

ગુરુવારે સાંજે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી (એઆઇસીસી) સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર ટ્વીટ કરીને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની જીપીસીસીના અધ્યક્ષની જવાબદારી આપવા માટે પસંદ કર્યા હોવાની જાહેરાત કરી હતી.

સાથે જ ખેડબ્રહ્માના કૉંગ્રેસી ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતાની જવાબદારી સોંપી હતી.

શક્તિસિંહ ગોહિલને જૂન 2023માં ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવાયા બાદ ફરી એક વાર ગુજરાતમાં કૉંગ્રેસના સુકાનીનું નામ બદલાયું છે, પરંતુ આ બે વર્ષમાં નથી બદલાયો તો એ છે એક સવાલ. આ સવાલ એટલે શું નવા પ્રમુખ (અમિત ચાવડા) રાજ્યની આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-આપને ટક્કર આપી કૉંગ્રેસને સત્તા શિખર સુધી પહોંચાડી શકશે?

શું કહે છે રાજકીય વિશ્લેષકો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટી

ઇમેજ સ્રોત, Amit Chavada/ FB

અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનું સુકાન સોંપીને શું પક્ષ રાજ્યમાં આગામી ચૂંટણીમાં ભાજપ-આપના પરિબળને ટક્કર આપી શકશે?

રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાના મતે આ ખૂબ 'મુશ્કેલ સવાલ' છે.

તેઓ આટલું કહીને કૉંગ્રેસ અને અમિત ચાવડા સામે રાજ્યમાં આગામી દિવસોમાં રહેલા પડકારો અંગે વાત કરે છે. તેઓ કહે છે કે, "અમિતભાઈ અગાઉ પણ ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે, પરંતુ એ સમયે તેઓ પાર્ટીને સત્તાસ્થાને પહોંચાડવામાં સફળ નહોતા રહ્યા."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૌશિક મહેતા કૉંગ્રેસ સામે રહેલા અવરોધો અંગે વાત કરતાં કહે છે, "કૉંગ્રેસની તકલીફ એ છે કે પાછલાં 30 વર્ષથી તે રાજ્યમાં સત્તાથી દૂર છે, જેના કારણે કાર્યકરો હતાશ-નિરાશ છે. આગામી દિવસોમાં કૉંગ્રેસ અને અમિત ચાવડા સામે ભાજપની સમકક્ષ બૂથ લેવલ સુધી કાર્યકરોનું નેટવર્ક ઊભું કરવાના અને તેને જાળવી રાખવાના પ્રશ્નો હશે."

બીજી તરફ ગુજરાતનાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી જીપીસીસીના અધ્યક્ષ તરીકે અમિત ચાવડા અને વિધાનસભામાં કૉંગ્રેસના નેતા તરીકે તુષાર ચૌધરીના નામની જાહેરાતને 'કૉંગ્રસ માટે એક ખૂબ જ હકારાત્મક સમાચાર' ગણાવે છે.

શું આગામી ચૂંટણીમાં કૉંગ્રેસ અને અમિત ચાવડા ભાજપ-આપને ટક્કર આપી શકશે કે કેમ? આ સવાલના જવાબમાં દીપલ ત્રિવેદી કહે છે કે, "અમિત ચાવડા એ જૂથબંધીમાં માનનારા માણસ નથી. તેઓ સમાવેશક વલણવાળી વ્યક્તિ છે."

"હું માનું છું કે અમિત ચાવડા ગુજરાતમાં આગામી સમયમાં ભાજપ-આપને ટક્કર આપવાના પૂરા પ્રયાસ કરશે. તેમની પાસેથી આ જ અપેક્ષા છે. આ સિવાય તમામ ચૂંટણીની માફક 2027ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ઘણાં ફૅક્ટર મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. અમિત ચાવડા નિ:શંકપણે પાર્ટીને રાજ્યમાં સફળતા અપાવવાના પૂરા પ્રયાસ કરશે, પરંતુ તેમાં તેઓ સફળ થઈ શકશે કે કેમ એ હાલ કહેવું થોડું ઉતાવળભર્યું હશે."

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા આગળ કહે છે કે, "ભાજપનાં 30 વર્ષનાં શાસન બાદ રાજ્યમાં ઘણા પ્રશ્નો છે, લોકોમાં રોષ પણ છે. પરંતુ લોકોના આ પ્રશ્નોને જે રીતે કૉંગ્રેસે ઉઠાવવા જોઈએ અને લોકસંપર્ક કરવો જોઈએ તેમાં હજુ કૉંગ્રેસ સફળ નથી. તેથી માત્ર પ્રમુખ બનાવવાથી વાત નહીં પતે. રાજ્યમાં પાયાના સ્તરે કામ કરવાની કૉંગ્રેસ પાર્ટીને તાતી જરૂર છે."

કૌશિક મહેતા અમિત ચાવડા અને તુષાર ચૌધરીની નિયુક્તિ પર ટિપ્પણી કરતાં કહે છે કે, "કદાચ કૉંગ્રેસ ઓબીસી અને જ્ઞાતિ આધારિત સમીકરણને ધ્યાને રાખીને બંનેની નિયુક્તિ કરી છે, પરંતુ અહીં ધ્યાન આપવા લાયક બાબત એ છે કે ઓબીસી સહિત એસસી-એસટી અને પટેલ સમાજની પાર્ટીની વોટ બૅન્કમાં ભારે ગાબડાં પડ્યાં છે. સૌથી મોટી વાત તો એ છે કે આટલાં વર્ષ જૂનો પક્ષ હોવા છતાં રાજ્યમાં પાર્ટીના રાજકારણમાં કોઈ રાજકીય કરન્ટ દેખાતો નથી. જે એક સમસ્યા છે."

શું કહે છે ભાજપ-કૉંગ્રેસ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટી

ઇમેજ સ્રોત, Siddharaj Solanki/Hindustan Times via Getty Images

ગુજરાત કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ અમિત ચાવડા અને તુષાર ચૌધરીની નિયુક્તિ કૉંગ્રેસ પક્ષ માટે હકારાત્મક પરિણામ લાવનારી સાબિત થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે, "કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતૃત્વે પરામર્શ અને તમામ પાસાં જોઈને અમિત ચાવડાની નિયુક્તિ કરી છે. તેઓ ખૂબ નીવડેલા આગેવાન અને લોકપ્રિય જનપ્રતિનિધિ છે. તેમની પાસે પક્ષનો કૅડરનો તેમજ પ્રદેશપ્રમુખ તરીકેનો અનુભવ છે."

"તેઓ જેટલા સમય સુધી વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા રહ્યા ત્યાં સુધી તેમણે બુલંદપણે પોતાનો અવાજ ભાજપ સરકાર સામે ઉઠાવ્યો. તેથી હું સ્પષ્ટપણે માનું છું કે આગામી દિવસોમાં કૉંગ્રેસનું સંગઠન પણ મજબૂત બનશે."

મનીષ દોશીએ આગળ વાત કરતાં કહ્યું કે, "તુષાર ચૌધરી અને અમિત ચાવડા બંને નીવડેલા આગેવાનો છે. એવું લાગે છે કે આ સમગ્ર બાબત કૉંગ્રેસ માટે આગામી દિવસોમાં એક સારી શરૂઆતની નિશાની છે. 2027માં અમે ગુજરાતમાં લોકોનો અવાજ સાંભળે એવી સરકાર બનાવવા માગીએ છીએ, આ હેતુ માટે આ બંને નિયુક્તિથી બળ મળશે અને એ દિશામાં અમારી કામગીરી અમે આગળ વધારીશું."

ગુજરાત ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કહે છે કે, "અમિત ચાવડા અગાઉ પણ કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે. તે વખતે પણ કૉંગ્રેસની હાર થતી જ હતી. કૉંગ્રેસ હાલ મૃતપ્રાય છે. તેમાં નવા પ્રાણ ફૂંકાવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આમ જોવા જઈએ તો કૉંગ્રેસના મત આમ આદમી પાર્ટી તોડી રહી છે. કૉંગ્રેસ હાલ તો સબળ વિરોધ પક્ષ પણ પૂરો પાડી શકતી નથી."

ગત લોકસભા, વિધાનસભા અને પેટાચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમિત ચાવડા, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટી

ઇમેજ સ્રોત, @BJP4Gujarat

ઇમેજ કૅપ્શન, 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો

ડિસેમ્બર 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠકો મેળવીને 'અભૂતપૂર્વ જીત' હાંસલ કરી હતી. જોકે, સામે પક્ષે કૉંગ્રેસનો રથ માત્ર 17 બેઠકો પર આવીને અટકી ગયો હતો. આજે તેનું સંખ્યાબળ તેનાથી પણ ઓછું થઈ ગયું છે.

જ્યારે આમ આદમી પાર્ટીએ પાંચ બેઠકો પર જીત મેળવીને રાજ્યની વિધાનસભામાં પહેલી વાર પોતાનું ખાતું ખોલ્યું હતું.

જોકે, ચૂંટણીપરિણામો બાદ ગુજરાત કૉંગ્રેસના કેટલાક 'અસંતુષ્ટ' ધારાસભ્યોના પક્ષાંતર અને પેટાચૂંટણીમાં હાર બાદ હાલની સ્થિતિમાં રાજ્યમાં કૉંગ્રેસ પાસે માત્ર 12 જ ધારાસભ્ય બચ્યા છે.

વર્ષ 2024ની લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યારે ભાજપને ફરી એક વાર વર્ષ 2014 અને 2019માં રાજ્યમાં પોતે મેળવેલી તમામ 26 બેઠકો પર જીતનું પુનરાવર્તન કરવાના ઓરતા હતા. જોકે, કૉંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પર ભાજપનો વિજયરથ રોકી દીધો હતો.

જૂન 2025માં યોજાયેલી કડી અને વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ રસપ્રદ રાજકીય જંગ જોવા મળ્યો હતો. જોકે, આ જંગને રસપ્રદ બનાવવામાં કૉંગ્રેસની ભૂમિકા સીમિત જોવા મળી હતી.

કડી અન વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને આપ બંને એકેક બેઠક મેળવી શક્યાં, પરંતુ કૉંગ્રેસે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

આ બંને ચૂંટણીનાં પરિણામ જાહેર થયાં હતાં જેમાં કૉંગ્રેસનો કરુણ રકાસ થયો હતો.

કૉંગ્રેસ તરફથી વીસાવદરમાં ઊભા રહેલા ઉમેદવાર નીતિન રાણપરિયા અને કડીના રમેશ ચાવડાનો પરાજય થયો હતો.

વીસાવદરની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારને માત્ર 5501 મત મળ્યા હતા, જ્યારે કડીની બેઠક પર કૉંગ્રેસની 39,452 મતે હાર થઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન