ગુજરાત કૉંગ્રેસને નવો ચહેરો કેમ મળતો નથી, કેમ 'જૂના ચહેરા'ને જ પ્રમુખપદે બેસાડાય છે?

ઇમેજ સ્રોત, Getty Images/Amit Chavda FB
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ કમિટી (GPCC)ના પ્રમુખ તરીકે ફરી એક વખત અમિત ચાવડાની વરણી થઈ છે. તેઓ આંકલાવના ધારાસભ્ય છે અને અગાઉ પણ વર્ષ 2018માં ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષપદે રહી ચૂક્યા છે.
એક તરફ ચર્ચા હતી કે, શક્તિસિંહ ગોહિલએ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ કમિટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યા બાદ પક્ષ કોઈ નવા ચહેરાને તક આપી શકે છે. પરંતુ કૉગ્રેસે આ જવાબદારી ફરીથી અમિત ચાવડાને આપી છે. તેઓ પ્રમુખ બનવા પહેલાં ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસ પક્ષના નેતા હતા. હવે ગુજરાત વિધાનસભામાં તેમની જવાબદારી ડૉ. તુષાર ચૌધરીને સોંપવામાં આવી છે. તેઓ આદિવાસી સમાજમાંથી આવે છે અને પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના તેઓ દીકરા છે.
હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, ગુજરાત કૉંગ્રેસના પ્રમુખપદે પક્ષને નવો ચહેરો કેમ મળતો નથી?
શક્તિસિંહ ગોહિલ પહેલાં ઉત્તર ગુજરાતના જગદીશ ઠાકોરને વર્ષ 2021થી 2023 સુધી પ્રમુખ બનાવાયા હતા. તેમની પહેલાં વર્ષ 2018થી 2021 સુધી અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા હતા. અમિત ચાવડા પહેલાં વર્ષ2015થી 2018 સુધી ભરતસિંહ સોલંકી ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. ભરતસિંહ સોલંકીના પ્રમુખપદે ગુજરાત કૉંગ્રેસે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાલનાં વર્ષોમાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
આ બધા નેતાઓમાં અમિત ચાવડા સૌથી યુવા ચહેરો છે. પરંતુ સવાલ ત્યાંનો ત્યાં જ છે કે કેમ ગુજરાત કૉંગ્રેસને પ્રમુખપદ માટે નવો ચહેરો મળતો નથી? કેમ પક્ષ હંમેશાં 'જૂના જોગી'ઓને જ પ્રમુખ બનાવી દે છે?
ગુજરાત કૉંગ્રેસે યુવા ચહેરાને લાવવાની તક ગુમાવી?

ઇમેજ સ્રોત, Getty Images
વિવિધ રાજકીય વિશ્લેષકો માને છે કે કૉંગ્રેસ પક્ષે પ્રમુખપદ માટે નવો ચહેરો લાવવાની તક ગુમાવી દીધી છે અને ફરીથી જૂના નેતાઓમાંથી જ પ્રમુખપદ માટે પસંદગી કરવામાં આવી છે.
જાણકારોનું એમ પણ કહેવું છે કે કૉંગ્રેસના જૂની પેઢીના નેતાઓ કરતાં યુવાનોમાં કામ કરવાની વધારે ધગશ હોય છે પરંતુ છતાં કૉંગ્રેસ હાઇકમાને પક્ષની બાગડોર જૂના ચહેરામાંથી જ એક એવા અમિત ચાવડાને સોંપી છે.
અમે આ વિશે કેટલાક રાજકીય વિશ્લેષકો અને કૉંગ્રેસના નેતાઓ સાથે વાતચીત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રાજકીય વિશ્લેષક અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રોફેસર ઘનશ્યામ શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે સામાન્ય રીતે પરંપરા રહી છે કે ગુજરાત કૉંગ્રેસના નેતાઓ ગુજરાતની જનતા કરતાં તેના હાઇકમાનને વધુ પ્રસન્ન રાખામાં માને છે.
ઘનશ્યામ શાહે આ વિશે વાત કરતાં જણાવ્યું, "સામાન્ય રીતે ગુજરાત કૉંગ્રેસમાં એ પરંપરા જોવા મળી છે કે તે દિલ્હીમાં બેઠેલા પક્ષના મોવડીઓને પ્રસન્ન રાખવા માગે છે, નહીં કે તેમના કાર્યકર્તાઓ કે જનતાને. જે નેતા હાઇકમાનની લાઇન પકડીને ચાલે તે જ પ્રમુખ બની શકે છે અને જે નેતા આમ નથી કરી શકતા તેઓ ક્યારેય કૉંગ્રેસમાં સારી જગ્યાએ પહોંચી શકતા નથી."
ઘનશ્યામ શાહ વધુમાં જણાવે છે, "આ પ્રથા નવી નથી, ઇંદિરાના સમયથી ચાલતી આવી છે. ઇંદિરા ગાંધી દ્વારા કૉંગ્રેસ(આઈ)નું ગઠન થયું તે પહેલાં ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ કૉંગ્રેસ પક્ષના સૌથી મોટા નેતા હતા. કૉંગ્રેસ(આઈ) બન્યા બાદ ક્યારેય ગુજરાત કૉંગ્રેસના કોઈ નેતા પાસે તેટલી સત્તા રહી નથી."
ઘનશ્યામ શાહ આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. તેમના કહેવા પ્રમાણે, "વર્ષ 1972થી 1974 દરમિયાન ગુજરાતમાં ઝીણાભાઈ દરજી પક્ષના પ્રમુખ હતા. તેઓ સ્વતંત્ર પ્રકારે કામ કરવામાં માનતા હતા. પરંતુ તે સમયના કૉંગ્રેસી નેતાઓને તેમની કામગીરીથી વાંધો હતો. અમુક નેતાઓએ જ્યારે ઝીણાભાઈ દરજી સામે દિલ્હીમાં ફરિયાદ કરી. ઇંદિરા ગાંધીએ તેમને રાજીનામું આપવા કહ્યું અને તેમણે આપી દીધું."
તેઓ ઉમેરે છે, "તે સમયથી ગુજરાત કૉંગ્રેસના પ્રમુખનો અને હાઇકમાનનો આ જ પ્રકારનો સંબંધ રહ્યો છે. ગુજરાત કૉંગ્રેસના તમામ નેતાઓ દિલ્હીના ઇશારે જ કામ કરે છે. તેમને ધ્યાનમાં રાખીને જ ચાલે છે. મનાય છે કે હાઇકમાનને ન ગમે તો કોઈ પણ કામ નકામું છે."
ઘનશ્યામ શાહના મત પ્રમાણે આ જ નીતિને કારણે ગુજરાત કૉંગ્રેસના ઘણા નેતાઓનો પ્રજા સાથે સંપર્ક તૂટી ગયો છે અને તેની સીધી અસર પાર્ટી પર પડી.
આ વિશે જણાવતા તેઓ કહે છે, "ધીરે-ધીરે પાર્ટી ગુજરાતમાંથી ખતમ થઈ ગઈ. કૉંગ્રેસ પ્રમુખપદની કામગીરી દિલ્હીના નેતાઓને ખુશ રાખવા પૂરતી જ સીમિત રહી ગઈ.
કૉંગ્રેસ કહે છે, 'નવા ચહેરાની જરૂર નથી'

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
જોકે, પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે હાલ પક્ષમાં કોઈ નવા નેતાની જરૂર નથી અને અમિત ચાવડા લોકો વચ્ચે કામ કરી રહ્યા છે.
કૉંગ્રેસને કેમ માત્ર જૂના નેતાઓ પર જ વિશ્વાસ છે? આ સવાલ જ્યારે અમે કૉંગ્રેસના બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેન ઠાકેરને પૂછ્યો તો તેમણે કહ્યું કે અમિત ચાવડા યુવા નેતા છે, તેથી હાલ પક્ષને પ્રમુખપદે યુવા નેતાની જરૂર નથી.
તેમણે જણાવ્યું, "એવું નથી કે કૉંગ્રેસમાં યુવા ચહેરાને તક નથી મળતી. અમિતભાઈ ચાવડા ખુદ યુવા છે. અનુભવી પણ છે. તેથી તેમના પ્રમુખપદે પક્ષમાં જરૂરથી પરિવર્તન આવશે. તેમની વરણી ઘણી ચર્ચાઓ બાદ થઈ છે. તમામ નેતાઓ, યુવા કાર્યકર્તાઓ તેમની સાથે છે. તેઓ એક નવી ઊર્જા સાથે કામ કરશે."
તેમણે એમ પણ કહ્યું કે "બીજા યુવા નેતાઓ જેવા કે જિજ્ઞેશ મેવાણી, અનંત પટેલ વગેરેને પણ પાર્ટીએ મોટી જવાબદારી આપી જ છે. પાર્ટીને યુવા ચહેરો મળતો નથી એવી વાત તદ્દન ખોટી છે. પરંતુ પ્રમુખપદ માટે અનુભવ પણ જોઈએ અને તેથી અમિતભાઈની વરણી તેને ધ્યાનમા રાખીને કરવામાં આવી છે."
ગુજરાત કૉંગ્રેસ પાસે જવાબદારી નિભાવે તેવા નેતા નથી?

ઇમેજ સ્રોત, Pavan Jaishwal
ઘણા નિષ્ણાત એવું પણ માને છે કે હાલમાં ગુજરાત કૉંગ્રેસમાં એવો ચહેરો જ નથી જ પક્ષના પ્રમુખપદની જવાબદારી સંભાળી શકે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા હતી કે કોઈ પાટીદાર નેતા અથવા તો દલિત નેતાને પ્રમુખ બનાવવામાં આવશે. અગાઉ પાટીદાર વર્ગમાંથી આવતા પરેશ ધાનાણીએ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ સંભાળ્યું હતું. દલિત નેતા તરીકે જિજ્ઞેશ મેવાણીના નામની પણ ચર્ચા હતી.
આ વિશે દિલ્હીમાં રહેતા વરિષ્ઠ પત્રકાર અને લેખક રશીદ કિડવાઈએ બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરી. તેમણે કૉંગ્રેસનો નજીકથી અભ્યાસ કર્યો છે.
રશીદ કિડવાઈનું કહેવું છે કે "કૉંગ્રેસ માટે ગુજરાતમાં ઘણા સમયથી કપરાં ચઢાણ છે. તેમના નેતાઓ જે પ્રકારે પક્ષ છોડીને ભાજપમાં ગયા છે તેને કારણે તેમનો પક્ષ નબળો પડી જાય એ સ્વાભાવિક છે. આ સંજોગોમાં પક્ષ અમિત ચાવડાની જગ્યાએ અન્ય કોઈ ચહેરાને જવાબદારી આપી શકે તેવી સ્થિતમાં નથી."
તેઓ વધુમાં કહે છે, "હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ હવે કૉંગ્રેસમાં નથી. જેમની એક અપીલ 2017માં જોવા મળી હતી અને વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને ફાયદો થયો હતો. પરંતુ હવે તેઓ પક્ષમાં નથી."
"જિજ્ઞેશ મેવાણી દલિત નેતા છે, પરંતુ તેમની અપીલ અન્ય વર્ગ સુધી ન પહોંચી શકે તેવું પક્ષને લાગ્યું હશે તેથી તેમને પ્રમુખપદે નહીં બેસાડ્યા હોય એવું બની શકે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












