ગોપાલ ઇટાલિયા : ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી લઈને ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બનવા સુધીની સફર

ઇમેજ સ્રોત, Gopal Italia/fb
- લેેખક, આર્જવ પારેખ
- પદ, બીબીસી સંવાદદાતા
વીસાવદર વિધાનસભા બેઠકથી ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને હરાવીને ગુજરાતમાં જાણે કે 'રાજકીય ભૂકંપ' લાવી દીધો છે.
ગોપાલ ઇટાલિયાએ વીસાવદરના ધારાસભ્ય તરીકે શપથ લીધા બાદ કહ્યું કે "આજે માત્ર ધારાસભ્ય તરીકે શપથ નથી લીધા, આ શપથ લીધા છે ગુજરાતને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરાવવાના, ગુજરાતમાંથી તાનાશાહી હટાવવાના. ગુજરાતની આમ જનતાનું શોષણ થઈ રહ્યું છે, ક્યારેક પુલ તૂટે, ક્યારેક પેપર પૂટે, વ્યાજમાફિયા અને ગુંડાઓના કારણે લોકોને પોતાનું જીવન ટૂંકાવવું પડે છે. આ તમામ પરિસ્થિતિમાંથી ગુજરાતની જનતાને મુક્ત કરાવી સ્વરાજ આવે તેના માટે શપથ લીધા છે."
ગુજરાત વિધાનસભામાં162 બેઠકનું સંખ્યાબળ ધરાવતી ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વની વિરુદ્ધમાં સામે પ્રવાહે તરીને તેમણે જીત મેળવી છે.
માત્ર પાંચ વર્ષ પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ઍન્ટ્રી કરનાર ગોપાલ ઇટાલિયા છેક ગુજરાત વિધાનસભા સુધી પહોંચી ગયા છે, તેમણે મેળવેલી જીતની ચર્ચા સમગ્ર ગુજરાતમાં છે.
પરંતુ ગોપાલ ઇટાલિયા કોણ છે? રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ શું કરતા હતા અને કેવી રીતે તેઓ ગુજરાતના રાજકારણમાં ચર્ચાતું નામ બની ગયા?
બે-બે સરકારી નોકરી છોડી
21 જુલાઈ, 1989ના રોજ જન્મેલા ગોપાલ ઇટાલિયાનું બાળપણ ભાવનગરના ઉમરાળાના ટીંબી ગામમાં વીત્યું છે. ગોપાલ ઇટાલિયા ટીંબીને જ પોતાનું ગામ ગણાવે છે.
ચૂંટણીપંચ સમક્ષ ગોપાલ ઇટાલિયાએ કરેલી ઍફિડેવિટ પ્રમાણે તેમણે રાજનીતિવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. એ સિવાય તેમની પાસે એલ.એલ.બી. ની ડિગ્રી પણ છે અને તેઓ એલ.એલ.એમ. નું શિક્ષણ લઈ રહ્યા છે.
અગાઉ બીબીસી સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું તે પ્રમાણે પરિવારની જવાબદારીઓને કારણે તેઓ ધો.12 પછી વધુ ભણી શક્યા નહોતા. આથી તેમણે વિવિધ ક્ષેત્રોમાં નોકરીઓ કરી હતી, જેમાં હીરા ઘસવાનું કામ પણ સામેલ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગોપાલ ઇટાલિયાએ બીબીસીને જણાવ્યું હતું કે, "પછી હું લોકરક્ષક દળમાં જોડાયો અને ત્યાં મને મહત્ત્વાકાંક્ષા જાગી કે હું હજી સારા પદ પર કામ કરું. પણ એના માટે શિક્ષણ ઓછું પડ્યું. એટલે નોકરીની સાથે સાથે મેં ડિગ્રી મેળવી. આ દરમિયાન હું શાસનવ્યવસ્થા સંબંધિત વિષયોથી પરિચિત થતો ગયો હતો એટલે જ મેં ડિગ્રી પણ પૉલિટિકલ સાયન્સની લીધી."
ગોપાલ ઇટાલિયાએ ગુજરાત પોલીસમાં કૉન્સ્ટેબલ તરીકે નોકરી કરી હતી અને અમદાવાદના માધુપુરા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવી હતી. ત્યારબાદ તેમણે રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં પણ ક્લાર્ક તરીકે નોકરી કરી હતી.
જોકે, આ નોકરી દરમિયાન જ તેઓ 'પાટીદાર અનામત આંદોલન'માં સક્રિય થઈ ગયા હતા અને પછી તેમણે આ નોકરી પણ છોડી દીધી હતી. તેમણે પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સાથે 'સક્રિય' ભૂમિકા ભજવી હતી.
ત્યારબાદ તેમણે ગુજરાતમાં ઠેરઠેર 'કાયદા કથા'નું આયોજન કરીને લોકોને તેમના હક્ક અને અધિકારો અંગે જાગૃત કરવાનું કામ કર્યું હતું.
આ કાર્યક્રમોથી તેમને ઘણી લોકપ્રિયતા હાંસલ થઈ હતી. આ કાર્યક્રમોને કારણે તેમની ગામડાંઓ અને નાનાં શહેરોના યુવાનોમાં એક અલગ ઓળખ ઊભી થઈ હતી.
રાજકારણમાં પ્રવેશ અને 'ગુજરાતમાં આપની ઍન્ટ્રી'

ઇમેજ સ્રોત, GopalItalia/FB
ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2017ની ચૂંટણીમાં પણ 29 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને કોઈ સફળતા મળી ન હતી. પાર્ટી પાસે કોઈ મજબૂત નેતૃત્ત્વ ન હતું.
જુલાઈ, 2020માં કોરોનાકાળ દરમિયાન એક ઑનલાઇન મિટિંગમાં ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને પાર્ટીએ તેમને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવ્યા હતા.
ત્યારબાદ તેમણે 'યુવા જોડો અભિયાન' હેઠળ ગુજરાતના અનેક ગામડાંઓમાં ફરીને આમ આદમી પાર્ટીના સંગઠનનો પાયો નાખ્યો હતો.
ડિસેમ્બર, 2020માં જ ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.
તેમના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પ્રથમવાર વ્યાપકસ્તરે ગુજરાતમાં 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી હતી.
સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીએ 120માંથી 27 બેઠકો પર જીત મેળવી હતી અને કૉંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ છીનવી લીધું હતું. સુરતમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી એ ગુજરાતમાં પાર્ટીને મળેલી પહેલી મોટી સફળતા હતી. આમ આદમી પાર્ટી મહાનગરપાલિકાની ઘણી બેઠકો પર બીજા સ્થાને પણ રહી હતી.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદર્શન

ઇમેજ સ્રોત, GopalItalia/FB
2021માં સુરતમાં મળેલી મોટી સફળતા બાદ ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં પાર્ટીના સંગઠન નિર્માણનું કામ શરૂ રાખ્યું હતું. બીજી તરફ ગોપાલ ઇટાલિયા સતત ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસનો અનેક મુદ્દાઓ પર વિરોધ કરી રહ્યા હતા. ભાજપ સરકારની અનેક નીતિઓ સામે વિરોધપ્રદર્શનો તેમણે ચાલુ રાખ્યાં હતાં.
2022ની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીમાં 'લોકપ્રિય' પત્રકાર અને ટીવી ઍન્કર ઇસુદાન ગઢવી પણ જોડાયા જેમને પાર્ટીએ મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા હતા.
આગળ જતાં આમ આદમી પાર્ટીમાં ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના નેતૃત્વ હેઠળ આંદોલનકારી પ્રવીણ રામ, ખેડૂત નેતાઓ સાગર રબારી અને રાજુ કરપડા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ વગેરે જોડાયા અને પાર્ટીને મજબૂતાઈ મળી.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટી સફળતા તો ન મળી, પરંતુ તેમને પાંચ બેઠકો પર જીત મળી તથા પક્ષને 13 ટકા જેટલો વોટશૅર મળ્યો. તેના કારણે આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પક્ષનું સ્ટેટસ મળ્યું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 35 બેઠકો પર બીજા સ્થાને રહી હતી.
ખુદ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડ્યા હતા જ્યાં તેમની ભાજપના ઉમેદવાર સામે 64627 મતોથી હાર થઈ હતી. જોકે, તેઓ બીજા સ્થાને રહ્યા હતા અને તેમને 55 હજારથી વધુ મત મળ્યા હતા.
2022ની હાર પછી પણ ગોપાલ ઇટાલિયા સક્રિય રહ્યા

ઇમેજ સ્રોત, GopalItalia/FB
2022ની વિધાનસભાની ચૂંટણી પછી ઇસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાને નૅશનલ જોઇન્ટ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. ત્યારથી ગોપાલ ઇટાલિયાને કથિતપણે પાર્ટીમાં સાઇડલાઇન કરી દેવાયા હોવાની અટકળો પણ વ્યાપક બની હતી. જોકે, ગોપાલ ઇટાલિયાએ તેમની સક્રિયતા યથાવત્ રાખી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં સક્રિયતા અંગે પણ સવાલો ઊઠતા રહ્યા છે. જાણકારોના મતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં એટલી સક્રિય દેખાતી નહોતી.
જોકે, ગીરના પ્રસ્તાવિત ઇકો-સેન્સિટિવ ઝોનના વિરોધમાં પ્રદર્શન કરતી વખતે આમ આદમી પાર્ટીના નેતાઓ ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ, રાજુ કરપડાએ મોરચો સંભાળ્યો હતો.
એક તબક્કે તો ગોપાલ ઇટાલિયાએ ઇકો-સેન્સિટિવ ઝોનનો પ્રસ્તાવ પાછો ન ખેંચાય તો ગીરના તાલાળાથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ ઇકો-સેન્સિટિવ ઝોનના મુદ્દે તેમણે લડત યથાવત રાખી હતી અને અંતે વીસાવદર બેઠકની પેટાચૂંટણી જાહેર થતા પક્ષે તેમને જ ઉમેદવાર બનાવ્યા હતા.
વીસાવદરમાં જીત સુધીની સફર

ઇમેજ સ્રોત, GopalItalia/FB
અંતે ગોપાલ ઇટાલિયા વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં જીત મેળવીને વિધાનસભા સુધી પહોંચ્યા છે.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતા બીબીસી સાથે વાત કરતાં કહે છે, "ગોપાલ ઇટાલિયા લડાયક તો છે જ, પરંતુ તેઓ જે કામ હાથમાં લે તેને પાર પાડવાની કોશિશ કરે છે."
તેઓ કહે છે, "કતારગામમાં તેઓ ભલે હારી ગયા પરંતુ કતારગામ હોય કે વીસાવદર બંને વખતે તેમણે પુષ્કળ મહેનત કરી છે. વીસાવદરમાં તો ભાજપ અને કૉંગ્રેસે ઉમેદવારો જાહેર કર્યા તે પહેલાં તેઓ વીસાવદરનાં તમામ ગામડાં ખૂંદી વળ્યા હતા."
કૌશિક મહેતા કહે છે, "આમ આદમી પાર્ટીમાં ઇસુદાન ગઢવી પ્રદેશ પ્રમુખ બન્યા પછી આંતરિક માથાકૂટોના સમાચારો આવ્યા હતા. પરંતુ ગોપાલ ઇટાલિયાએ તમામ પરિસ્થિતિની વચ્ચે આમ આદમી પાર્ટી માટે જેટલું શક્ય બને તેટલું ઇમાનદારીથી કરવાની કોશિશ કરી છે. તેમણે જે રીતે ફાઇટ આપી છે એ નાની વાત નથી, અને ખાસ કરીને ભાજપ જેવા પક્ષ સામે તો આ બહુ મોટો સંઘર્ષ કર્યા બરાબર છે."
ગોપાલ ઇટાલિયાએ હાર થાય કે જીત એ પછી વીસાવદરમાં જ રહેવાની જાહેરાત કરી હતી.
આ અંગે કૌશિક મહેતા કહે છે, "ગોપાલ ઇટાલિયાએ મતદાન પૂર્ણ થયા પછી ગામડે ગામડે જઈને લોકોનો આભાર માનવાની શરૂઆત કરી છે. તેમણે મતદાન પછી પણ ગરબડ, પુન:મતદાનની માંગણી વગેરે જેવા મુદ્દાઓને આક્રમકતાથી રજૂ કર્યા છે. તેમણે વીસાવદરમાં જ રહેવાની જાહેરાત કરી છે. તેમનો આ ઍટિટ્યૂડ મજાનો છે, જે તેમને અન્યોથી અલગ પાડે છે."
ગૃહમંત્રી પર જૂતું ફેંકવાથી લઈને અનેક વિવાદો

ઇમેજ સ્રોત, GopalItalia/FB
ધારદાર ભાષણો કરવા માટે જાણીતા ગોપાલ ઇટાલિયા ભૂતકાળમાં અનેક વિવાદોમાં સપડાયેલા રહ્યા છે.
તેઓ જ્યારે રાજકારણમાં નહોતા ત્યારે તેમણે તત્કાલીન ડેપ્યુટી સીએમ નીતિન પટેલને કરેલા ફોનનું રેકૉર્ડિંગ સોશિયલ મીડિયા પર વાઇરલ થયું હતું. વર્ષ 2017માં ગુજરાતના તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર કથિત ભ્રષ્ટાચારના આરોપો માટે તેમણે જૂતું ફેંક્યું હતું જેનાથી મોટો વિવાદ થયો હતો.
ગોપાલ ઇટાલિયાએ ચૂંટણીપંચ સમક્ષ કરેલી ઍફિડેવિટ અનુસાર તેમના પર હાલમાં 21 મામલાઓમાં એફઆઈઆર દાખલ થયેલી છે. આ ફરિયાદોમાં તેમના પર બદનક્ષી, ધાર્મિક લાગણી દુભાવવા, જાહેરનામાનો ભંગ, ફરજ રૂકાવટ, પોલીસ બંદોબસ્ત માટે ઉશ્કેરણી જેવા અનેક આરોપો છે.
ઘણા લોકો ગોપાલ ઇટાલિયાની ધારદાર બોલી માટે ટીકા પણ કરે છે. તેઓ જાહેરમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને 'ડ્રગ્સ સંઘવી' તથા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને 'માજી બુટલેગર' તરીકે સંબોધતા રહ્યા છે.
તાજેતરમાં વીસાવદરમાં ચૂંટણીપ્રચાર કરતી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પણ ગોપાલ ઇટાલિયા વિશે કહ્યું હતું કે, "સામેની પાર્ટીનો ઉમેદવાર ભાજપ અને ભાજપના કાર્યકર્તાઓ વિશે ઘસાતું બોલવામાં કંઈ બાકી રાખતો નથી."
ગુજરાત ચૂંટણી વખતે ભાજપના નેતાઓએ ગોપાલ ઇટાલિયાનો એક જૂનો વીડિયો પોસ્ટ કરીને તેમના પર સવાલ ઉઠાવ્યા હતા જેમાં તેઓ વડા પ્રધાન મોદી વિશે અપશબ્દો બોલતા સંભળાઈ રહ્યા હતા. એ સમયે ખૂબ વિવાદ થયો હતો. ભાજપના કેન્દ્રીય મંત્રીઓએ પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહારો કર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન












