પ્રૉવિડન્ટ ફંડમાંથી ખરેખર 100 ટકા રકમ ઉપાડી શકાશે? EPFOના 8 મોટા ફેરફાર વિશે જાણો

બીબીસી ગુજરાતી પ્રૉવિડન્ટ ફંડ ઈપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઍમ્પ્લૉઇઝ પ્રૉવિડન્ટ ફંડના ખાતેદારો માટે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. હવેથી યોગ્યતા ધરાવતા પ્રૉવિડન્ટ ફંડ ખાતેદારો 'ચોક્કસ પ્રૉવિડન્ટ ફંડ'ની 100 ટકા સુધી રકમ ઉપાડી શકશે જેમાં કર્મચારી અને ઍમ્પ્લૉયર બંનેનો હિસ્સો સામેલ છે.

13મી ઑક્ટોબરે સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટી (સીબીટી)ની બેઠક મળી હતી જેમાં પ્રૉવિડન્ટ ફંડમાંથી ઉપાડના નિયમોને હળવા કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત બીજી કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે.

1. સીબીટીએ કેવી જાહેરાતો કરી?

બીબીસી ગુજરાતી પ્રૉવિડન્ટ ફંડ ઈપીએફઓ

ઇમેજ સ્રોત, @ShobhaBJP

ઇમેજ કૅપ્શન, શ્રમમંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષપદ હેઠળ ઈપીએફઓને લગતા નિયમોમાં ફેરફાર થયા

સીબીટી દ્વારા નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. અહીં તેની યાદી આપી છે.

1. અત્યાર સુધી આખે આખું પ્રૉવિડન્ટ ફંડ માત્ર ત્યારે જ ઉપાડવા મળતું હતું જ્યારે વ્યક્તિ પાસે રોજગાર ન હોય અથવા તે નિવૃત્ત થઈ ગઈ હોય. નોકરી ગુમાવ્યાના એક મહિના પછી વધુમાં વધુ 75 ટકા પ્રૉવિડન્ટ ફંડ ઉપાડી શકાતું હતું અને બે મહિના પછી બાકીનો 25 ટકા હિસ્સો ઉપાડી શકાતો હતો. નિવૃત્તિ પછી ઉપાડ માટે કોઈ નિયંત્રણ ન હતું.

2. આંશિક ઉપાડમાં સરળતાઃ આંશિક ઉપાડ કરવો હોય તો ઘર ખરીદવા અથવા હાઉસિંગ લોન ચૂકવવા માટે ઍકાઉન્ટના બૅલેન્સમાંથી 90 ટકા રકમ ઉપાડી શકાતી હતી. હવે ચોક્કસ શરતોનું પાલન કરીને આખેઆખું બૅલેન્સ ઉપાડી શકાશે.

3. તમામ શરતો મર્જ કરાઈઃ અત્યાર સુધી પીએફનો ઉપાડ કરવાની 13 જટિલ શરતો હતી જેને મર્જ કરીને એક સિંગલ ફ્રેમવર્ક બનાવવામાં આવ્યું છે. તેમાં ત્રણ કૅટેગરી છેઃ આવશ્યક જરૂરિયાતો, હાઉસિંગની જરૂરિયાત અને વિશેષ સંજોગો. બીમારી, શિક્ષણ અને લગ્નને આવશ્યક જરૂરિયાતોમાં ગણવામાં આવે છે.

4. વધારે વખત ઉપાડની સગવડઃ નવા સુધારામાં ઉપાડની મર્યાદા પણ હળવી કરવામાં આવી છે. અગાઉ શિક્ષણ અને લગ્ન - બંને કામ માટે કુલ ત્રણ વખત ઉપાડ કરી શકાતો હતો. હવે શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે પાંચ વખત ઉપાડ કરી શકાશે. તમામ પ્રકારના આંશિક ઉપાડ માટે લઘુતમ સર્વિસની જરૂરિયાત ઘટાડીને 12 મહિના કરવામાં આવી છે.

2. પેપર વર્ક ઘટશે, પ્રોસેસ ઝડપી બનશે

બીબીસી ગુજરાતી પ્રૉવિડન્ટ ફંડ ઈપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈપીએફઓની મોટા ભાગની કામગીરી પેપરલેસ બની જશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

5. સ્પેશિયલ કેસ માટે ખુલાસો નહીં આપવો પડે: ઈપીએફઓમાંથી ઉપાડ કરવા માટે અત્યાર સુધી વિશેષ સંજોગોમાં ચોક્કસ કારણો આપવા પડતાં હતાં. જેમ કે કુદરતી આફત, બેરોજગારી, ફૅક્ટરી બંધ થવી અથવા રોગચાળાના કારણેને જ સ્પેશિયલ કેસ ગણવામાં આવતા હતા. તેમાં જરૂરી ડૉક્યુમેન્ટ્સ ન હોવાથી ઘણા ક્લેમ રિજેક્ટ થતા હતા. હવે કોઈ પણ કારણ આપ્યા વગર આ કૅટેગરીમાં ઉપાડ કરી શકાશે.

6. લઘુતમ બૅલેન્સ જાળવવાનો નિયમ: નિવૃત્તિ સમયે ખાતેદાર પાસે બચત રહે તે માટે ઈપીએફઓએ જણાવ્યું છે કે સભ્યના યોગદાનનો 25 ટકા હિસ્સો હંમેશાં બૅલેન્સમાં રહેશે. આ રકમ પર વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ ઉમેરાશે. તેનો અર્થ એવો થયો કે આ રકમ સિવાયની બૅલેન્સમાંથી 100 ટકા ઉપાડી શકાશે.

7. પેપરવર્કની જરૂર નહીં પડે: સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ જાહેરાત કરી છે કે પ્રૉવિડન્ટ ફંડમાંથી આંશિક ઉપાડ માટે કોઈ પેપરવર્કની જરૂર નહીં પડે. આ કામ ઑટોમેટિક થશે. આખી પ્રોસેસ ડિજિટલ હશે જેથી ઉપાડ માટે ઓછી રાહ જોવી પડશે અને મેમ્બરને સગવડ રહેશે.

8. પેન્શનના ઉપાડ માટે હળવા નિયમો: સીબીટીએ પેન્શન ઉપાડ માટેનો સમયગાળો લંબાવ્યો છે. પેન્શનમાં અધૂરી મુદ્દતે ફાઇનલ સેટલમેન્ટ કરવા માટે વેઇટિંગ પિરિયડ બે મહિનાથી વધારીને 12 મહિના કરવામાં આવ્યો છે. જ્યારે ફાઇનલ પેન્શન ઉપાડ માટેનો સમયગાળો બે મહિનાથી વધારીને 36 મહિના કરવામાં આવ્યો છે.

3. પ્રૉવિડન્ટ ફંડ શું હોય છે?

બીબીસી ગુજરાતી પ્રૉવિડન્ટ ફંડ ઈપીએફઓ

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી કર્મચારીઓ તથા 20થી વધુ કર્મચારી ધરાવતી પ્રાઇવેટ કંપનીઓ પ્રૉવિડન્ટ ફંડના ઍકાઉન્ટ હેઠળ આવે છે. તેમાં કર્મચારીના બેઝિક પગારનો 12 ટકા હિસ્સો જમા થાય છે. આ ઉપરાંત કંપની પણ એટલો જ હિસ્સો, એટલે કે 12 ટકા યોગદાન આપે છે. ઈપીએફઓ કેન્દ્ર સરકાર હેઠળ આવે છે.

કંપની અથવા ઍમ્પ્લૉયરના ઍકાઉન્ટમાં જે 12 ટકા રકમ જમા થાય, તેમાંથી 8.33 ટકા પેન્શન ફંડમાં અને બાકીની 3.67 ટકા રકમ પીએફમાં જમા થાય છે.

સરકારે પેન્શનને પાત્ર પગારની મહત્તમ મર્યાદા 15 હજાર રૂપિયા નક્કી કરી છે. એટલે કે તમારો બેઝિક પગાર 15 હજાર રૂપિયા અથવા તેના કરતા ઓછો હોય ત્યારે જ તમે કર્મચારી પેન્શન સ્કીમ એટલે કે ઈપીએસના હકદાર બનો છો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન