હાર્ટ ઍટેકનાં લક્ષણો મહિલાઓમાં પુરુષો કરતાં અલગ હોય છે? પાંચ બાબતો જે મહિલાએ જાણવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓમકાર કરંબેલકર
- પદ, બીબીસી સંવાદદાતા
'સ્ત્રી જેવું હૃદય હોવું પુરુષ માટે કેટલું મુશ્કેલ હોય છે...' પુરુષોની પ્રકૃતિ વિશે સ્ત્રીઓ ભલે આવું કહે, પરંતુ સ્ત્રીઓમાં હૃદયરોગનાં લક્ષણોને ઓળખવાં, તેનું સચોટ નિદાન કરવું અને તે મુજબ સારવાર સૂચવવી એ પુરુષ દર્દી કરતાં એકદમ અલગ અને એટલું જ કૌશલ્ય માગતું કામ છે.
હાર્ટ ઍટેક આવે ત્યારે છાતીમાં પારાવાર પીડા, પરસેવો વળવો અને દૃષ્ટિ ધૂંધળી થવી જેવાં લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણો પુરુષોમાં સામાન્ય હોય છે.
જોકે, સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકનાં લક્ષણો અલગ હોઈ શકે છે. સ્ત્રીઓમાં થાકથી માંડીને ઊબકાં અને અપચા સુધીનાં અનેક લક્ષણો હૃદયરોગ સાથે સંકળાયેલાં હોઈ શકે છે.
આ લક્ષણો સામાન્ય છે અને મોટા ભાગે તેની અવગણના કરવામાં આવતી હોય છે. પરિણામે સ્ત્રીને સમયસર સારવાર ન મળે તો તેના મૃત્યુનું જોખમ વધી જાય છે.
સવાલ એ છે કે પુરુષો અને મહિલાઓમાં હૃદયરોગનાં અલગ-અલગ લક્ષણો કેમ જોવા મળે છે?

પુરુષો અને મહિલાઓમાં હૃદયરોગનાં લક્ષણ
બીબીસીએ મુંબઈની જસલોક હૉસ્પિટલ ઍન્ડ રિસર્ચ સેન્ટરના કન્સલ્ટન્ટ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉ. વૈભવ ઘેડિયાને આ સવાલ પૂછ્યો હતો.
ડૉ. વૈભવે કહ્યું હતું, "પુરુષોને હાર્ટ ઍટેક આવે છે ત્યારે તેમને છાતીમાં ડાબા હાથ સુધી તીવ્ર દુખાવો થાય છે. હાથમાં પણ દુખાવો થઈ શકે છે. પુરુષોમાં આ એક સામાન્ય લક્ષણ છે. સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકનાં લક્ષણો અલગ-અલગ હોય છે. સ્ત્રીઓને હાર્ટ ઍટેક આવે છે ત્યારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. અપચો થાય છે, ચક્કર, ઊબકાં આવે છે અને જડબાં, ગરદન તથા પીઠમાં દુખાવો અનુભવે છે. તેથી સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકનું નિદાન કરવું મુશ્કેલ બને છે."
ડૉ. વૈભવના કહેવા મુજબ, "સ્ત્રીને હાર્ટ ઍટેક આવવાના દિવસો કે અઠવાડિયાં પહેલાં બહુ થાક અથવા ફ્લૂ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે. તેઓ તેની અવગણના કરે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"એ મેનોપોઝ કે ચિંતા કે પેટમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાઓને કારણે હશે, એવું સ્ત્રીઓ માની લે છે, પરંતુ આવી સ્થિતિમાં નિદાન જેટલું મોડું થાય તેટલું વધારે ખતરનાક સાબિત થઈ શકે છે."
બીબીસીએ નવી મુંબઈસ્થિત અપોલો હૉસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ઇન્ટરવેન્શનલ કાર્ડિયૉલૉજિસ્ટ ડૉ. બ્રજેશ કુંવરને પણ સવાલ કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "પુરુષને હૃદયરોગનો હુમલો આવે ત્યારે છાતીથી ડાબા હાથ સુધીમાં પીડા થવી સામાન્ય છે, પરંતુ મહિલાઓમાં હંમેશાં એવું થતું નથી. મહિલા એમ કહે કે તેને છાતીમાં દુખાવો થતો નથી તો એ જાણવું જોઈએ કે તેને ઊબકાં આવે છે? પેટમાં દુખાવો થાય છે? જડબાં, ગરદન કે પીઠમાં દુખાવો થાય છે?"

અમેરિકન હાર્ટ ઍસોસિયેશનના એક અભ્યાસ અનુસાર, લગભગ 43 ટકા સ્ત્રીઓને હૃદયરોગના હુમલા વખતે છાતીમાં દુખાવાનો અનુભવ થતો નથી, એવું ડૉ. બ્રજેશ કુંવરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું, "શારીરિક દૃષ્ટિકોણથી પણ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સ્પષ્ટ તફાવત છે. પુરુષોની કોરોનરી ધમનીઓમાં ચરબી જમા થઈ શકે છે. સ્ત્રીઓમાં રક્તવાહિનીઓમાં નબળા રક્ત પરિભ્રમણને કારણે રક્તવાહિનીઓમાં અવરોધ સર્જાઈ શકે છે. યુવતીઓમાં અચાનક કોરોનરી રક્તવાહિની ફાટવા (spontaneous coronary artery dissection) અથવા MINOCA એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફાકર્શન) જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે, જે હૃદયરોગના હુમલા તરફ દોરી શકે છે."
આ કારણે મહિલાઓમાં લક્ષણ વધારે ખરાબ થઈ શકે છે અથવા તો લગભગ સંપૂર્ણપણે અદૃશ્ય પણ થઈ શકે છે.
"તેથી જ આ તફાવતને ઓળખવો જરૂરી છે, કારણ કે સ્ત્રીઓમાં હાર્ટ ઍટેકનાં લક્ષણો અલગ હોય છે. તેનાથી નિદાનમાં વિલંબ થઈ શકે છે," એમ ડૉ. બ્રજેશ કુંવરે કહ્યું હતું.

મહિલાઓમાં હૃદયરોગનું નિદાન ઓછું થાય છે?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્ત્રીઓમાં હૃદયરોગનું નિદાન સામાન્ય રીતે મોડું થતું હોય છે, કારણ કે પુરુષો અને સ્ત્રીઓમાં હૃદયરોગના હુમલાનાં લક્ષણો અલગ-અલગ હોય છે.
બીબીસીએ આ સમસ્યાની ગંભીરતા વિશે ડૉક્ટરોને સવાલ કર્યો હતો. ડૉ. બ્રજેશ કુંવરે તેની પાછળનાં કારણો સમજાવ્યાં હતાં.
સ્ત્રીઓમાં હૃદયરોગનાં લક્ષણો અલગ-અલગ હોઈ શકે છે. તેમાં માઇક્રોવેસ્ક્યુલર રોગ, ધમનીની દીવાલોનો ક્ષય અને નૉન-ઓક્લુડ કોરોનરી ધમનીઓ (MINOCA)ને કારણે માયોકાર્ડિયલ ઇન્ફાકર્શનનો સમાવેશ થાય છે. ઈસઇજી અથવા બ્લડ બાયોમાર્કર્સામાં સૂક્ષ્મ ફેરફારો સાથે તે અલગ રીતે પ્રગટ થઈ શકે છે. તેને સરળતાથી શોધવા મુશ્કેલ હોઈ શકે છે.
હાર્ટ ઍટેકનાં લક્ષણો પુરુષોના આધારે નોંધાતા હોવાથી ડૉક્ટરો પણ મહિલાઓએ જણાવેલી સ્વાસ્થ્ય સમસ્યાઓને હૃદયરોગના દૃષ્ટિકોણથી મૂલવતા નથી.
સામાન્ય રીતે ઇસીજી પરિણામ અસ્પષ્ટ હોય છે. ટ્રોપોનિન નામના રક્ત પરીક્ષણમાં ઉપયોગમાં લેવાતા માપદંડ પુરુષો પર આધારિત હોય છે. તેનો અર્થ એ થાય કે સ્ત્રીઓમાં જોવા મળતા સૂક્ષ્મ ફેરફારોની જાણ તેમાં ન થવાનું જોખમ રહે છે.
સ્ત્રીઓને એન્જિયોગ્રાફી કરાવવાની સલાહ સામાન્ય રીતે ઓછી આપવામાં આવે છે અને સર્જિકલ પ્રક્રિયાનું પણ એવું જ છે.
મહિલાઓ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોવાથી સારવારમાં વિલંબ કરે છે. ક્યારેક આર્થિક સમસ્યાઓ પણ સારવારમાં અવરોધ બનતી હોય છે.

હોર્મોનલ ફેરફારની હૃદય પર શું અસર થાય છે?
હોર્મોન આપણા શરીરમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં વધારા કે ઘટાડાની અસર શરીરની કાર્યપ્રણાલી પર થાય છે.
બીબીસીએ ડૉ. વૈભવ ઘેડિયાને પૂછ્યું હતું કે હોર્મોનલ ફેરફારોને હૃદયરોગ સાથે સંબંધ છે?
તેમણે કહ્યું હતું, "સ્ત્રીઓમાં એસ્ટ્રોજન હોર્મોન એક સુરક્ષા કવચની માફક કામ કરે છે. તે હૃદયરોગનું જોખમ ઘટાડે છે. મેનોપોઝ પહેલાં સ્ત્રીઓમાં હૃદયરોગનું જોખમ ઓછું હોવાનું કારણ એ જ છે."
"જોકે, મેનોપોઝ પછી તે કવચ ખતમ થઈ જાય છે. ગર્ભાવસ્થા દરમિયાનની કેટલીક પરિસ્થિતિ, જેમ કે પ્રી-એક્લેમ્પસિયા, સગર્ભાવસ્થામાં ડાયાબિટીસ અને હાઈ બ્લડપ્રેશર હૃદયરોગનું જોખમ વધારે છે. તેનો અર્થ એવો થાય કે આ લક્ષણો હૃદયરોગની પ્રારંભિક ચેતવણીનાં ચિહ્નો પૈકીના એક હોઈ શકે છે."
ડૉ. બ્રજેશ કુંવરે કહ્યું હતું, "પ્રી-એક્લેમ્પસિયા ધરાવતી સ્ત્રીઓમાં આગળ જતાં ઇસ્કેમિક હૃદયરોગ અને હૃદયરોગના હુમલાનું જોખમ બમણું કે તેનાથી પણ વધુ થઈ જતું હોવાનું સંશોધન દર્શાવે છે. તેથી ગર્ભાવસ્થા એક કુદરતી તણાવ પરીક્ષણ છે, જે રક્તવાહિનીઓની સંવેદનશીલતાનો તાગ મેળવે છે."
તેમણે કહ્યું હતું, "મેનોપોઝમાં શરીરમાંનું કુદરતી એસ્ટ્રોજન ઘટી જાય છે. તેની અસર કોલેસ્ટ્રૉલ, રક્તવાહિનીઓના કાર્ય અને રક્ત પરિભ્રમણ પર થાય છે. અકાળે મેનોપોઝ આવે તો હૃદયરોગનું જોખમ વધી જાય છે."
"PCOS, ગર્ભપાત અને હોર્મોનલ ઉપચાર જેવી સ્થિતિની શરીરના અવયવો પર અસર થઈ શકે છે. તેથી સ્ત્રીઓ માટે ગર્ભાવસ્થા અને હોર્મોનલ કાર્યપ્રણાલી બાબતે વ્યાપક માહિતી મેળવવી મહત્ત્વપૂર્ણ છે. એ હૃદયરોગના જોખમનું મૂલ્યાંકન કરવામાં ઉપયોગી સાબિત થઈ શકે છે."

આ પરીક્ષણ પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન હોય છે?
ડૉ. વૈભવ ઘેડિયાએ કહ્યું હતું, "આ પરીક્ષણો હંમેશાં સચોટ હોતાં નથી. દાખલા તરીકે, સ્ત્રીઓમાં એન્જિયોગ્રાફી જેવા તણાવ પરીક્ષણમાં માઇક્રોવાસ્ક્યુલર રોગ અથવા ધમનીની દીવાલોનું નુકસાન દેખાતું નથી. ઇસીજી વડે મહિલાઓમાં નબળા રક્તપ્રવાહની ભાળ મેળવવાની શક્યતા પણ ઓછી હોય છે."
ડૉ. બ્રજેશે પણ આવો જ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું હતું, "હૃદયરોગના નિદાન માટે ઉપયોગમાં લેવાતાં પરીક્ષણો અને ઉપકરણો સ્ત્રીઓ તથા પુરુષો માટે સમાન રીતે અસરકારક નથી."
ઇસીજી, સ્ટેસ ટેસ્ટ્સ, ઇમેજિંગ અને બાયોમાર્કર જેવાં પરીક્ષણો ઉપયોગી છે, પરંતુ ડૉક્ટરોએ સ્ત્રી તથા પુરુષો માટે ચોક્કસ માપદંડોનો ઉપયોગ કરીને તેનાં પરિણામોનું વિશ્લેષણ કરવું જોઈએ.
ડૉ. બ્રજેશે કહ્યું હતું, "આ પરીક્ષણો ભલે સામાન્ય હોય, પરંતુ કોઈ શંકા હોય તો વધુ સઘન ઇમેજિંગ (જેમ કે કોરોનરી CT એન્જીયોગ્રાફી, સ્ટ્રેસ CMR) અથવા માઇક્રૉવાસ્ક્યુલર પરીક્ષણ કરાવવું જોઈએ."

મહિલાઓને યોગ્ય સારવાર મળી રહે છે?

હૃદયરોગ સંબંધી લક્ષણો હોય તો પણ સ્ત્રીઓ તેના પર બહુ ધ્યાન આપતી નથી. તેનું કારણ એ છે કે એવાં લક્ષણો રોજિંદા જીવનમાં ક્યારેક-ક્યારેક જ જોવા મળે છે. છાતીમાં દુખાવો થાય તો સ્ત્રી તેને અપચાને લીધે થતી પીડા માની લે છે. ડૉક્ટરની સલાહ લેવામાં વિલંબ કરે છે.
ડૉ. બ્રજેશ કુંવરે કહ્યું હતું, "આ બધું રોગની તીવ્રતા વધારી શકે છે."
તેમણે ઉમેર્યું હતું, "સ્ત્રીઓમાં હૃદયરોગનાં લક્ષણોને ડૉક્ટરોએ ગંભીર ગણ્યાં ન હોય એવા ઘણા કિસ્સા છે. તત્કાળ તપાસ ન કરાવવી, એન્જિયોગ્રાફી માટે ઓછા રિફર કરવા અને સારવારની બાબતોમાં પણ આવું જ છે."
તેમના કહેવા મુજબ, "હૃદયરોગ સંબંધી સામાજિક પૂર્વગ્રહોની અસર સંશોધન અને જાગૃતિ અભિયાનો પર થઈ રહી છે. એ અભિયાનો મહદઅંશે પુરુષકેન્દ્રી હોય છે. એ કારણે નિદાન અને સારવારમાં વિલંબ થાય છે. તેની સ્ત્રીઓ પર ગંભીર અસર થાય છે."
ડૉક્ટરો માને છે કે નીચે મુજબનાં પગલાં લેવાથી સમસ્યાના નિરાકરણમાં મદદ મળશે.
લોકશિક્ષણઃ હૃદયરોગ સ્ત્રીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ છે તે સ્પષ્ટપણે સમજાવવું.
ડૉક્ટર્સ માટે પ્રશિક્ષણઃ સ્ત્રીઓમાં હૃદયરોગનાં ચોક્કસ લક્ષણો અને માપદંડોને સમજવા.
મહિલા-કેન્દ્રી જાગૃતિ અભિયાનઃ મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાગૃતિ અભિયાનની રચના કરવી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












