અમદાવાદ : 2030ની કૉમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હજુ શું-શું કરવાનું બાકી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
બુધવારે કૉમનવેલ્થ ગેમ્સ ખેલ મહાસભાની બેઠક મળી હતી, જેમાં ગુજરાતના અમદાવાદ શહેરને વર્ષ 2030નું યજમાનપદ સોંપવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.
વર્ષ 2030 કૉમનવેલ્થ રમતોત્સવને 100 વર્ષ પૂર્ણ થશે, ત્યારે તેનું યજમાનપદ અમદાવાદ પાસે હશે.
ઉલ્લેખનીય છે કે, પાછલાં અમુક વર્ષોથી અમદાવાદ શહેરમાં રમતગમતનાં મેદાનો તેમજ સ્પૉર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પુરજોશમાં ચાલી રહ્યું છે. એ પછી સરદાર પટેલ સ્પૉર્ટસ સંકુલ હોય, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હોય, વીર સાવરકર સ્ટેડિયમ હોય કે પછી શહેરનાં જૂનાં સ્ટેડિયમ હોય. પાછલાં અમુક વર્ષોથી આ તમામ જગ્યાઓ પર અને તેની આજુબાજુ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ વિકસાવાઈ રહ્યા છે.
જોકે, આ તમામ તૈયારીઓ પ્રથમ તો 2036ના ઑલિમ્પિક્સની રમતો માટે છે, પરંતુ એ પહેલાં વર્ષ 2030માં કૉમનવેલ્થની રમતો થકી અમદાવાદ શહેરનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ચર્ચામાં આવી શકે છે.
આ સંદર્ભે સ્પૉર્ટ્સ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા, રાજ્ય સરકારનું રમતગમત ખાતું, વિવિધ રમતોનાં ઍસોસિયેશન તેમજ સરકારના અધિકારીઓ બધા હવે આ સ્પૉર્ટસ ઇવેન્ટની તૈયારીમાં લાગી ગયાં છે.

ઇમેજ સ્રોત, Indranil Aditya/NurPhoto via Getty Images/BBC
જોકે, બીજી બાજુ ઘણા લોકોનું એવું પણ માનવું છે કે હજી ઘણું કામ કરવાનું બાકી છે, મુખ્યત્વે પબ્લિક ટ્રાન્સપૉર્ટ, સ્પૉર્ટ્સ કૉમ્પલેક્સ, કૉમ્યુનિટી હાઉસિંગ વગેરેનાં ક્ષેત્રોમાં.
ઘણા જાણકારોનું માનવું છે કે આ પ્રકારનાં કામો માટે પાંચ વર્ષનો સમય ઓછો પડી શકે, તેમજ ઘણાનું માનવું છે કે જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની ઇચ્છાશક્તિને જોતાં દરેક કામ જલદી થઈ શકે છે.
કૉમનવેલ્થ ગેમ્સ ઍસોસિયેશન ઇન્ડિયાનાં અધ્યક્ષ ડૉ. પીટી ઉષાએ જાહેરાત બાદ કહ્યું હતું કે, "ભારત માટે અમદાવાદમાં સેન્ટેનેરી કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ એક અદ્ભુત સન્માન હશે. આ રમતો ભારતની વિશ્વસ્તરીય રમતગમત અને ઇવેન્ટ ક્ષમતાઓને તો દર્શાવશે જ, પણ સાથે સાથે 'વિકસિત ભારત 2047' તરફની અમારી રાષ્ટ્રીય યાત્રામાં પણ એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. અમે 2030ની આ રમતોને અમારી યુવા પેઢીને પ્રેરણા આપવાની, આંતરરાષ્ટ્રીય ભાગીદારી મજબૂત કરવાની અને કૉમનવેલ્થ દેશો વચ્ચેના સંયુક્ત ભવિષ્યમાં યોગદાન આપવાની એક શક્તિશાળી તક તરીકે જોઈએ છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "આ એક ઐતિહાસિક પળ છે, જે અમદાવાદને ભારતની સ્પૉર્ટિંગ કૅપિટલ બનાવવા માટે એક સીમાચિહ્નરૂપ છે."
જ્યારે દિલ્હીમાં કૉમનવેલ્થ ગેમ્સનું આયોજન થયું

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ભારતમાં આ પ્રથમ વખત કૉમનવેલ્થ રમતો નથી યોજાઈ રહી.
આ અગાઉ વર્ષ 2010માં દિલ્હીમાં આ રમતો યોજાઈ ચૂકી છે. એક તરફ તે એક ઐતિહાસિક ઘટના હતી, જ્યારે બીજી બાજુ તે સમયની સરકાર પરના ભ્રષ્ટાચારના આરોપો માટે તેની ટીકા પણ થઈ હતી.
આ વિશે રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું કે, "યુપીએની સરકાર સમયે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો હતો, અને તે મીડિયાની મદદથી બહાર આવ્યો હતો. આ ઇવેન્ટમાં પણ આવી જ મોટા પાયે કૉન્ટ્રેન્ક્ટ આપવાના રહેશે, નવું બાંધકામ કરવાનું રહેશે, નવા રોડ બનાવવાના રહેશે, ખેલાડીઓ માટે નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું રહેશે, આ તમામ કૉન્ટ્રેક્ટમાં ભ્રષ્ટાચાર નહીં થાય તેવું માનવાનું કોઈ કારણ નથી, પરંતુ તે બહાર આવે છે કે નહીં, તે જોવાનું રહેશે."
જોકે, બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં મેયર પ્રતિભાબહેન જૈને જણાવ્યું કે, "હજી સુધી ઘણું બધું બાંધકામ, ખૂબ જ પારદર્શક રીતે થઈ ચૂક્યું છે, અને આવનારા સમયમાં જે કામ બાકી છે, તેને પણ અમે વહેલી તકે પૂર્ણ કરીશું."
અમદાવાદે શું શું બનાવવું પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમદાવાદમાં એક તરફ નવાં સ્ટેડિયમો બની ચૂક્યાં છે, જૂનાં સ્ટેડિયમોને નવું રૂપ આપવામાં આવ્યું છે, હજી નવાં બાંધકામોની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નિષ્ણાતો માને છે કે હજી પણ એવું ઘણું છે જેની પર અમદાવાદે ધ્યાન આપવું પડે તેમ છે.
ગુજરાત સ્ટેટ ઑલિમ્પિક ઍસોસિયેશનના સેક્રેટરી આઇડી નાણાવટી સાથે બીબીસી ગુજરાતીએ આ વિશે ચર્ચા કરી તો તેમનું કહેવું હતું કે, "પાછલાં અમુક વર્ષોથી સરકારે વર્લ્ડ ક્લાસ સ્પૉર્ટસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વિકસાવવા પર ખૂબ ધ્યાન આપ્યું છે, અને તેથી જ આજે અમદાવાદમાં ઘણાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ જોવા મળે છે."
તેમના પ્રમાણે હાલમાં અમદાવાદમાં એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધા યોજાઈ શકે તે પ્રકારનાં સ્ટેડિયમો તૈયાર છે. જેમાં જુડો, કરાટે, સ્વિમિંગ, વેઇટ લિફ્ટિંગ વગેરે જેવી રમતો માટેનું માળખું તૈયાર થઈ ચૂક્યું છે.
તેઓ વધુમાં કહે છે કે, "આવનારા દિવસોમાં સરકારનું ધ્યાન એક હૉકી સ્ટેડિયમ અને સાયકલિંગ ઍરોડ્રમ બનાવવા પર રહેવાનું છે, કારણ કે તે દિશામાં કામ કરવાનું હજી બાકી છે."
"હાલમાં મોટેરાને કૉમનવેલ્થ ગેમ્સ વિલેજ બનાવવાનું આયોજન છે, પરંતુ આ પ્રાથમિક તબક્કા પર છે, અને આવનારા દિવસોમાં હજી તેના પર વધુ વિચારણા કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું કે સરકાર આ વિસ્તારના રોડ મોટા કરવા, દબાણ ખસેડવા વગેરે જેવી કામગીરી ઘણા સમયથી કરી રહી છે, જે સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જરૂરી છે."

ઇમેજ સ્રોત, Julian Finney/Getty Images/BBC
જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે માત્ર સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર જ નહીં, પરંતુ તે સિવાય પણ આખી જાહેર પ્રણાલીને, ખાસ તો પબ્લિક ટ્રાન્સપૉર્ટને મજબૂત બનાવવા માટે જેવાં કાર્યો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
આ વિશે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટીના ઍસોસિયેટ પ્રોફેસર, અને અર્બન પ્લાનર ડૉ. ઋતુલ જોષી સાથે વાત કરી તો તેમણે કહ્યું હતું કે, "સૌથી પહેલા તો શહેરે વૉકિંગ, બસ અને મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વધુ કામ કરવું પડશે, એટલે કે સારા અને સુરક્ષિત ફુટપાથ બનાવવા પડશે, સારા રસ્તા ડિઝાઇન કરવા પડશે, બસોની સંખ્યા વધારવી પડશે, મોબિલિટી કાર્ટ જેવી યોજનાઓ પર કામ કરવું પડશે. જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઇ શકે. અમદાવાદ શહેર ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યાથી પરેશાન છે, તેનો યોગ્ય ઉપાય શોધવો પડશે."

ઇમેજ સ્રોત, Christian Petersen/Getty Images/BBC
2012ના લંડન ઑલિમ્પિકનું ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું હતું કે, "એ સમયે લંડને દુનિયાની સૌપ્રથમ કાર-ફ્રી ઇવેન્ટ યોજી હતી, તેમણે પોતાનું પબ્લિક ટ્રાન્સપૉર્ટ વધુ મજબૂત કર્યું હતું, યુનિવર્સિટી અને લોકો માટે સ્પૉર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરેલું. એટલે અમદાવાદ શહેરને પણ હાઇ-ક્વૉલિટી પબ્લિક ટ્રાન્સપૉર્ટમાં રોકાણ કરીને લોકો સહેલાઈથી પૂર્વથી પશ્ચિમ પહોંચી શકે તેવી સગવડો ઊભી કરવાની ખૂબ જરૂર છે."
જોકે, રમતગમતની ઇવેન્ટ શરૂ થાય તેના એક વર્ષ અગાઉથી લંડનમાં લોકોને માનસિક રીતે કાર વગર મુસાફરી કરવા માટે અને ઑલિમ્પિક દરમ્યાન પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા માટે પ્રેરવામાં આવ્યા હતા.
કૉમનવેલ્થ રમતોની આ ઇવેન્ટને જોષી શહેરને અપડેટ અને વધુ સારું બનાવવા માટેની એક તક તરીકે જોઈ રહ્યા છે.
તેઓ એવું પણ માને છે કે આ આખી વિકાસની પ્રક્રિયા સર્વસમાવેશી હોવી જોઈએ, સરકારે કૉમ્યુનિટી હાઉસિંગ, સોશિયલ હાઉસિંગ પર ખર્ચ કરીને ઝૂંપડાંને ઢાંકવાની જગ્યાએ લોકોને તે જ વિસ્તારમાં સારાં મકાનો બનાવી આપવાં જોઇએ.
કેવી હતી ભારતની 2010ની કૉમનવેલ્થ ગેમ્સ?

ઇમેજ સ્રોત, Feng Li/Getty Images
વર્ષ 2010માં કૅનેડાના હેમિલ્ટન શહેરને પાછળ છોડીને દિલ્હીમાં ભારતની પ્રથમ વખત કૉમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી. કૉમનવેલ્થ ગેમ્સની વેબસાઇટ પ્રમાણે આ રમતગમતની ઇવેન્ટ 3જી ઑક્ટોબરથી 14મી ઑક્ટોબર સુધી એમ કુલ 12 દિવસ સુધી ચાલી હતી.
તેમાં કુલ 272 સ્પૉર્ટ્સ ઇવેન્ટ યોજાઈ હતી. દિલ્હીની 40 એકર જમીનમાં એક કૉમનવેલ્થ દિલ્હી ગેમ્સ વિલેજ બનાવવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટમાં 17 અલગ અલગ રમતો તેમજ 4 પેરા સ્પૉર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 4,352 રમતવીરો, સહિત તેમના સ્ટાફ વગેરે સાથે 6,572 લોકોએ ભાગ લીધો હતો.
આ રમત યોજાઈ તેના એક મહિના પહેલાંના બીબીસીના એક અહેવાલ પ્રમાણે ઇવેન્ટના એક મહિના પહેલાં સુધી સંકુલો તૈયાર ન હતાં, અને ડેડલાઇન ચૂકી જવાઈ હતી.
જોકે, આ ઇવેન્ટની તૈયારીઓ વર્ષ 2003થી થઈ રહી હતી. બીબીસીના વર્ષ 2012ના એક અહેવાલ પ્રમાણે સીબીઆઇએ કૉમનવેલ્થ ગેમ્સના તત્કાલીન પ્રમુખની એપ્રિલ 2011માં ધરપકડ કરી હતી. ત્યાર બાદ વિવિધ સ્થળો પર રેડ પાડીને અલગ અલગ લોકોની ધરપકડ કરાઈ હતી.
સપ્ટેમ્બર 2010 માં આ ગેમ્સના મુખ્ય ઇવેન્ટના સ્થળ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમની બહાર એક ફૂટ બ્રિજ તુટી પડતાં 27 લોકોને ઈજા થઈ હતી. ત્યાર બાદ સરકારની ટીકા થઈ હતી, અને ભ્રષ્ટાચારોના આરોપો લાગ્યા હતા.
શું કહેવું છે વિવિધ ભૂતપૂર્વ રમતવીરોનું?

ઇમેજ સ્રોત, Julian Finney/Getty Images
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બૅડમિન્ટનના ભુતપૂર્વ આંતરાષ્ટ્રીય ખેલાડી અને ઇન્ડિયન બૅડમિન્ટન ઍસોસિયેશનના ભૂતપૂર્વ સેક્રેટરી અનુપ નારંગે કહ્યું હતું કે, "આ અગાઉ ભારતમાં 1982 અને 2010માં રમતગમત ઇવેન્ટ યોજાઈ હતી, ત્યાર બાદ ભારતનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયું હતું, હવે આ પ્રકારની તક દેશને ફરીથી મળી છે."
તેઓ માને છે કે આ પ્રકારની ઇવેન્ટથી દેશના અર્થતંત્રમાં નવા પ્રાણ ફૂંકાય છે, દેશવિદેશના લોકો યજમાન દેશમાં આવે છે, આ વાત ભવિષ્યમા સારાં પરિણામો આપી શકે છે.
આવી જ રીતે નેટબૉલ રમત સાથે જોડાયેલા, અને નૅશનલ નેટબૉલ ડેવલપમેન્ટ કમિટીના પ્રમુખ હરીઓમ કૌશિક કહે છે કે, "હજી સુધી નેટબૉલ જેવી રમતો પર સરકારનું ધ્યાન ગયું નથી. આ રમત કૉમનવેલ્થ ગેમ્સમાં રમાય છે. ભારતની ટીમ પણ છે, પરંતુ હજી સુધી તે કોઈ આંતરાષ્ટ્રીય સ્પર્ધા રમી નથી, હવે જ્યારે આ પ્રકારની ઇવેન્ટ ઘરઆંગણે યોજાશે, ત્યારે દેશમાં આવી ઓછી જાણીતી રમતો તરફ પણ લોકોનું ધ્યાન જશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












